પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે “આતંકવાદ / કોમી / ડાબેરી કટ્ટરવાદીઓની હિંસાનો ભોગ બનેલા નાગરિકોની સહાય અને સરહદ પારના ગોળીબાર તેમજ ભારતીય સરહદ પર સુરંગ / આઈઈડી બોમ્બ ધડાકાઓનો ભોગ બનેલા નાગરિકોની સહાય માટે કેન્દ્રીય યોજના” શીર્ષકની યોજના હેઠળ ભોગ બનેલા નાગરિકોને વળતર ગ્રાન્ટ રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાની મંજૂરી આપી છે. યોજનાના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે :-
1. પહેલી જ વાર ભારત-પાક સરહદે સરહદ પારના ગોળીબારનો ભોગ બનેલા નાગરિકોને આતંકવાદ કે ડાબેરી કટ્ટરવાદની હિંસાનો ભોગ બનેલા નાગરિકો જેટલું જ વળતર અપાશે.
2. સરકારે સરહદ પારના ગોળીબારનો ભોગ બનેલાઓને વળતરનો નિર્ણય અને આતંકવાદ કે ડાબેરી ઉગ્રવાદની હિંસાનો ભોગ બનેલાઓને વળતરની રકમ રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાનો નિર્ણય બુધવારે લીધો હતો.
3. હવે પછી, દેશમાં ગમે તે સ્થળે આતંકી હુમલા, ડાબેરી ઉગ્રવાદની હિંસા, સરહદ પારના ગોળીબાર, તોપમારા કે આઈડી વિસ્ફોટને કારણે જીવ ગુમાવનારા કોઈ પણ નાગરિકને વળતર પેટે એકસમાન રૂ. 5 લાખ મળશે. આ રકમ ભોગ બનેલા નાગરિકના પરિવારને અપાશે.
4. આ જ કારણસર 50 ટકા કે તેથી વધુ વિકલાંગતા કે અક્ષમતા પામેલા નાગરિકોને પણ રૂ. 5 લાખ મળશે.
5. ભોગ બનેલા નાગરિકના પરિવારના કોઈ પણ સભ્યને રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી રોજગાર ન મળ્યો હોય તે શરત પર જ વળતરની આ રકમ અપાશે.
6. આવી હિંસાને કારણે મારી ગયેલી વ્યક્તિના નજીકના પરિવારજન કે હંમેશની અક્ષમતાનો ભોગ બનેલા નાગરિકોને વર્ષ 2008થી અત્યાર સુધી આતંકવાદ / કોમી / ડાબેરી કટ્ટરવાદીઓની હિંસાનો ભોગ બનેલા નાગરિકોની સહાય અને સરહદ પારના ગોળીબાર તેમજ ભારતીય સરહદ પર સુરંગ / આઈઈડી બોમ્બ ધડાકાઓનો ભોગ બનેલા નાગરિકોની સહાય માટે કેન્દ્રીય યોજનાની જોગવાઈ મુજબ રૂ. 3 લાખ ચૂકવવામાં આવતા હતા. ભોગ બનેલા નાગરિકોના પરિવારોને અન્ય કોઈ પણ સહાય મળતી હોય તો પણ આ યોજના હેઠળ રહેમરાહે વળતર કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સહાય અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં હોય તેવી સમાન યોજના સિવાય અન્ય કોઈ પણ સ્ત્રોતમાંથી વળતર મળવાપાત્ર હતું. વર્ષ 2008માં આ યોજનાનો આરંભ થયો, ત્યારથી અત્યાર સુધીમાં સરકારે ભોગ બનેલા નાગરિકોને વળતર પેટે રૂ. 35.89 કરોડ વહેંચ્યા છે.
પશ્ચાદ્ભૂમિકાઃ
23.10.2014ના રોજ પ્રધાનમંત્રીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન સરહદ પારના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોને નાણાંકીય સહાયનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્વતંત્રતા મળ્યા પછી અત્યાર સુધીના 70 વર્ષના ગાળામાં પહેલી જ વાર સરહદ વિસ્તારમાં વસતી ભારતીય વસતી, ખાસ કરીને ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન સાથે જોડાયેલી જમ્મુ અને કાશ્મીરની સરહદે યુદ્ધવિરામનો અવારનવાર ભંગ થવાને કારણે ત્યાં વસતા લોકોની સમસ્યાઓ તરફ સરકારે ધ્યાન આપ્યું હતું અને તેમની દુર્દશાનું પૃથક્કરણ કર્યું હતું. આશરે 770 કિલોમીટરની લાઈન ઑફ કન્ટ્રોલ (એલસી) અને આશરે 220 કિલોમીટરની ઈન્ટરનેશનલ બોર્ડર (આઈબી) વિસ્તારો વર્ષ 1990થી અવારનવાર યુદ્ધવિરામના ભંગનો ભોગ બન્યા છે. વર્ષ 2015 સુધીમાં 13,921 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. નાગરિક વસતીને પડતી મુશ્કેલીઓને ધ્યાન પર લઈને સરકારે યોજના હેઠળ સરહદ પારના ગોળીબારનો ભોગ બનેલા નાગરિકોને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
TR