Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે એચઆઇવી અને એઇડ્સ (નિવારણ અને નિયંત્રણ) બિલ, 2014માં સુધારાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે એચઆઇવી અને એઇડ્સ (નિવારણ અને નિયંત્રણ) બિલ, 2014માં સત્તાવાર સુધારાઓ કરવાની મંજૂરી આપી છે.

એચઆઇવી અને એઇડ્સ બિલ, 2014 એચઆઇવી ધરાવતા અને એચઆઇવી દ્વારા અસરગ્રસ્ત લોકોના અધિકારોનું સંરક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. બિલની જોગવાઈઓનો ઉદ્દેશ એચઆઇવી-સંબંધિત ભેદભાવ દૂર કરવાનો, કાયદેસર જવાબદારી લાવી વર્તમાન કાર્યક્રમને મજબૂત બનાવવાનો તથા ફરિયાદોની પૂછપરછ માટે અને સમસ્યાઓના સમાધાન માટે ઔપચારિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે. બિલનો આશય એચઆઇવી અને એઇડ્સના પ્રસારના નિવારણ અને નિયંત્રણ કરવાનો, એચઆઇવી અને એઇડ્સ ધરાવતા લોકો સાથે ભેદભાવ અટકાવવાનો, સુમાહિતીપ્રદ સંમતિઓ પ્રદાન કરવાનો અને તેમની સારવાર સાથે સંબંધિત ગોપનીયતા જાળવવાનો, એચઆઇવી ધરાવતી વ્યક્તિઓના અધિકારોનું સંરક્ષણ કરવા સંસ્થાઓ પર જવાબદારીઓ લાદવાનો અને ફરિયાદોના નિવારણ માટે વ્યવસ્થા ઊભી કરવાનો છે. બિલ સુમાહિતગાર સંમતિ સુનિશ્ચિત કરીને અને એચઆઇવી સંબંધિત પરિક્ષણ, સારવાર અને નૈદાનિક સંશોધન માટે ગોપનીયતા જાળવી હેલ્થકેર સેવાઓની ઉપલબ્ધતા વધારવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.

બિલમાં એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓ અને તેમની સાથે રહેતા લોકો સામે કઈ કઈ જગ્યાએ અને કઈ સ્થિતિઓમાં ભેદભાવ ન રાખવો એ અંગેની સ્પષ્ટ યાદી રજૂ કરવામાં આવી છે. તેમાં નીચેની બાબતો સાથે સંબંધિત અસ્વીકાર્યતા, સમાપ્તિ, ચાલુ સેવા બંધ કરવી અને અન્યાય થાય તેવો વ્યવહાર સામેલ છેઃ

(i) રોજગારી,

(ii) શૈક્ષણિક સંસ્થાઓ,

(iii) હેલ્થકેર સેવાઓ,

(iv) રહેવા માટે કે ભાડાપટ્ટાની મિલકત,

(v) સરકારી કે ખાનગી ઓફિસમાં સ્થાયી કામગીરી, અને

(vi) વીમાની જોગવાઈ (વીમાતજજ્ઞના અભ્યાસ સુધી આધારિત છે). રોજગારી મેળવવા કે હેલ્થકેરની સુવિધા મેળવવા કે શિક્ષણ માટે પ્રવેશ મેળવવા એચઆઇવી પરીક્ષણની પૂર્વજરૂરિયાત પ્રતિબંધિત છે.

18 વર્ષથી ઓછી વય ધરાવતી એચઆઇવી ધરાવતી કે તેની અસર ધરાવતી દરેક વ્યક્તિને સંયુક્તપણે ઘરમાં રહેવાનો અને ઘરની સુવિધાઓનો લાભ મેળવવાનો અધિકાર છે. બિલ એચઆઇવી પોઝિટિવ ધરાવતી વ્યક્તિઓ અને તેમની સાથે રહેતા લોકો સામે ધૃણા ફેલાવી તેવી માહિતી પ્રકાશિત કરવાનો કે તેમનાથી દૂર રહેવા જેવી લાગણીઓની તરફેણ કરવાની મનાઈ ફરમાવે છે. બિલ એચઆઇવી ધરાવતી કે તેની અસર ધરાવતી સગીર વયની વ્યક્તિઓ માટે વાલીપણું પણ પ્રદાન કરે છે. 12થી 18 વર્ષ વચ્ચેની વય ધરાવતી વ્યક્તિ, જે તેની પોતાની એચઆઇવી સંબંધિત કે એઇડ્સના દર્દી ધરાવતા કુટુંબની સમસ્યાને સમજવાની અને તેનું વ્યવસ્થાપન કરવાની પર્યાપ્ત સમજણ ધરાવે છે, તે 18 વર્ષથી ઓછી વય ધરાવતા અન્ય નાના ભાઈબહેનોના વાલી તરીકેની જવાબદારી નિભાવવા સક્ષમ ગણાશે તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, બેંક ખાતાના સંચાલન, મિલકતના વહીવટ, સારવાર અને સારસંભાળ વગેરે સાથે સંબંધિત બાબતોમાં નિર્ણયો લઈ શકશે.

બિલમાં ફરજિયાત કરવામાં આવ્યું છે કે, “કોઈ વ્યક્તિને તેની સુમાહિતગાર સંમતિ વિના અને જો જરૂર જણાય તો કોર્ટના આદેશ સિવાય, તેની એચઆઇવી સાથે સંબંધિત સ્થિતિ જાહેર કરવાની ફરજ પાડવામાં નહીં આવે.” એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓની માહિતીનો રેકોર્ડ જાળવતી સંસ્થાઓ ડેટાની ગોપનીયતા જાળવવા ઉચિત પગલા લેશે. બિલ મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો નીચે મુજબ પગલા લેશેઃ

(i) એચઆઇવી કે એઇડ્સના પ્રસારનું નિવારણ,

(ii) એચઆઇવી કે એઇડ્સ ધરાવતી વ્યક્તિઓ માટે એન્ટિ-રિટ્રોવાઇરલ થેરપી અને ઇન્ફેક્શનનું મેનેજમેન્ટ,

(iii) કલ્યાણ યોજનાઓની સુલભતા સરળ કરવી, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે

(iv) એચઆઇવી કે એઇડ્સ અંગે જાગૃતિ લાવતા સંચાર કાર્યક્રમો બનાવવા, જે ઉંમરને અનુરૂપ, જાતિ પ્રત્યે સંવેદનશીલ અને ભેદભાવ ન રાખવા પ્રોત્સાહન આપતા હોય, અને

(v) એચઆઇવી અને એઇડ્સ ધરાવતા બાળકોની સારસંભાળ અને સારવાર માટે માર્ગદર્શિકા બનાવવી. રાજ્ય સરકારની સારસંભાળ અને દેખરેખ હેઠળની દરેક વ્યક્તિને એચઆઇવી નિવારણ, પરીક્ષણ, સારવાર અને સલાહ સેવાઓ મેળવવાનો અધિકાર રહેશે. બિલ સૂચવે છે કે એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓ સાથે સંબંધિત કેસોનો પ્રાથમિકતાના ધોરણે કોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવશે અને ગોપનીયતા જળવાય તેવી સુનિશ્ચિતતા કરશે

બિલ કોઈ નાણાકીય સૂચિતાર્થ ધરાવતું નથી. મોટા ભાગની પ્રવૃત્તિઓને વિવિધ મંત્રાલયો હેઠળ તાલીમ, સંચાર અને ડેટા મેનેજમેન્ટ માટે વર્તમાન વ્યવસ્થાઓની અંદર હાથ ધરવામાં આવશે કે સંકલિત કરી શકાશે. બિલ રાજ્ય સરકારો દ્વારા લોકપાલની નિમણૂક માટેની જોગવાઈ ધરાવે છે, જે કાયદાના ઉલ્લંઘન સાથે સંબંધિત ફરિયાદોની તપાસ કરશે અને ઉલ્લંઘન થયું હોવાની પુષ્ટિ થતા દંડાત્મક કાર્યવાહી કરશે. લોકપાલ માટે અલગ સંસ્થા બનાવવાની જરૂર નથી, પણ આ પદ પર રાજ્ય સરકારના વર્તમાન અધિકારીની નિમણૂંક કરી શકાશે કે વધારાનો ચાર્જ આપી શકાશે.

ભારતમાં અંદાજે 21 લાખ વ્યક્તિઓ એચઆઇવી ગ્રસ્ત છે. છેલ્લા દાયકામાં એચઆઇવીના પ્રસારમાં કે નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, છતાં બિલ નવા ચેપને અટકાવવા અને સ્થાયી વિકાસના લક્ષ્યાંકો મુજબ, “વર્ષ 2030 સુધીમાં ભારતને એઇડ્સ મુક્ત રાષ્ટ્ર” બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમને આવશ્યક ટેકો પ્રદાન કરશે.

AP/GKhunt/TR/GP