પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ઔષધિની પરંપરાગત પદ્ધતિઓ અને હોમિયોપેથીના ક્ષેત્રે ભારત અને તાન્ઝાનિયા વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
આ સમજૂતી કરારને પગલે તાન્ઝાનિયામાં ઔષધિની ભારતીય પરંપરાગત પદ્ધતિઓ અને હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર માટે બંને દેશો વચ્ચે સહયોગ માટેનું સુવ્યવસ્થિત માળખું મળશે.
તેમાં કોઈ વધારાના નાણાંકીય સૂચિતાર્થો સામેલ નથી. સંશોધન, તાલીમ અભ્યાસક્રમો, પરિસંવાદો / બેઠકો, યોજના માટે જરૂરી નાણાંકીય સાધનો હાલમાં ફાળવવામાં આવેલા બજેટ તેમજ આયુષ મંત્રાલયની હાલની યોજનાઓ દ્વારા મેળવવામાં આવશે.
પશ્ચાદ્ ભૂમિકાઃ
ભારત ઔષધિય વનસ્પતિઓ સહિત પરંપરાગત ઔષધિઓની સુવિકસિત પદ્ધતિઓથી સંપન્ન છે, જેના પગલે તે વૈશ્વિક સ્વાસ્થ્ય ક્ષેત્રે અસાધારણ સંભાવનાઓ ધરાવે છે. તાન્ઝાનિયાના લોકો માટે પરંપરાગત ઔષધિ, જીવનનું મહત્ત્વનું પરિબળ છે અને પરંપરાગત ઔષધિઓ પ્રાથમિક સારવાર અથવા તો દર્દીને સ્વાસ્થ્યની આધુનિક સવલતોની ભલામણ કરતા પહેલા બીમારીને અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
તાન્ઝાનિયા, ભારત સાથે ઐતિહાસિક જોડાણો અને ત્યાં વસેલા આશરે 70 હજા ભારતીયોને કારણે પૂર્વ આફ્રિકાનો મહત્ત્વનો દેશ છે. તાન્ઝાનિયા અને ભારત વચ્ચેના સંબંધો પરંપરાગત રીતે ઘનિષ્ઠ, મૈત્રીપૂર્ણ અને સહકારભર્યા રહ્યા છે. તાજેતરના વર્ષોમાં સ્વાસ્થ્ય અને ઔષધિ ક્ષેત્રે સહકાર સહિત બંને દેશો વચ્ચે ઉચ્ચ રાજકીય સ્તરના સંપર્કો વધુ ઘનિષ્ઠ બન્યા છે.
આયુષ મંત્રાલયે તેના આદેશના ભાગરૂપે ઔષધિઓની ભારતીય પદ્ધતિઓના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે અગાઉ ચીન, મલેશિયા, હંગેરી, બાંગ્લાદેશ, નેપાળ વગેરે સહિત કેટલાક અન્ય દેશો સાથે પણ સમજૂતી કરાર કર્યા હતા.
TR