પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર ખાતે નવી ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ્સ ઑફ મેડિકલ સાયન્સીઝ (એઈમ્સ) સ્થાપવાની મંજૂરી આપી દીધી છે.
ગોરખપુરમાં નવી એઈમ્સ સ્થાપવાના પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 1011 કરોડ થશે. ખર્ચના આ અંદાજમાં આવર્તક (રીકરીંગ) ખર્ચ (ભથ્થા અને વેતનો તેમજ કાર્યકારી અને સંભાળ રાખવાનો ખર્ચ) સામેલ નથી. સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલયની પીએમએસએસવાયના પ્લાન બજેટ હેડમાંથી મળતી ગ્રાન્ટ દ્વારા વાર્ષિક બજેટમાંથી નવી એઈમ્સ પોતાના આવર્તક ખર્ચાને પહોંચી વળશે.
ઈન્સ્ટીટ્યુટની હોસ્પિટલની ક્ષમતા 750 પથારીઓની રહેશે તેમજ તેમાં ઈમર્જન્સી ટ્રોમાની પથારીઓ, આયુષની પથારીઓ, ખાનગી ઉપરાંત આઈસીયુ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી પથારીઓ સામેલ કરાશે. ઉપરાંત, એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, આયુષ બ્લોક, ઓડિટોરિયમ, રાતવાસા માટેની વ્વસ્થા, હોસ્ટેલ્સ અને નિવાસની સવલતો પણ હશે.
નવી એઈમ્સની સ્થાપનાને પગલે બે ફાયદા થશે, એક, લોકોને સ્વાસ્થ્ય સંભાળ માટે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ઉપલબ્ધ બનશે, તો સાથે સાથે, આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન (એનએચએમ) હેઠળ સ્થાપેલી પ્રાથમિક અને ગૌણ સંસ્થાઓ – સવલતો માટે મોટી સંખ્યામાં ડોક્ટરો અને સ્વાસ્થ્ય ક્ષેત્રના અન્ય કર્મચારીઓ ઉપલબ્ધ બનશે. આ સંસ્થા પ્રવર્તમાન પ્રાંતિય બિમારીઓ અને સ્વાસ્થ્ય અંગેના અન્ય પ્રશ્નો અંગે સંશોધન પણ હાથ ધરશે અને આવી બિમારીઓ પર વધુ સારા નિયંત્રણ અને તેના ઈલાજ માટે પણ કામ કરશે.
પૂર્વીય ઉત્તર પ્રદેશની સમગ્ર વસતી, જેમાં ઉત્તર પ્રદેશની ચાર કમિશ્નર કચેરીઓ (ગોરખપુર, આઝમગઢ, બસ્તી અને દેવી પાટણ), રાજ્યના 14 જિલ્લાઓ અને પશ્ચિમ બિહારના પાંચ જિલ્લા (પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સરન, સિવાન અને ગોપાલગંજ)ને નવી એઈમ્સની સ્થાપનાને પગલે ફાયદો થશે.
પશ્ચાદ્ભૂમિકાઃ
પીએમએસએસવાય હેઠળ એઈમ્સની સ્થાપનાનો ઉદ્દેશ દેશમાં એકંદરે પ્રાદેશિક સ્તરે પરવડે તેવી અને વિશ્વસનીય સ્વાસ્થ્યસંભાળ અંગેની અસમતુલાને દૂર કરવાનો તેમજ ઓછી સવલતો ધરાવતા અથવા તો ખાસ કરીને, પછાત રાજ્યોમાં ગુણવત્તાસભર તબીબી શિક્ષણ માટે સવલત પૂરી પાડવાનો છે.
આ યોજના હેઠળ, એઈમ્સ ભુવનેશ્વર, ભોપાલ,રાયપુર, જોધપુર, ઋષિકેશ અને પટનામાં એઈમ્સ સ્થાપવામાં આવી છે. રાયબરેલીમાં એઈમ્સની સ્થાપનાનાં કામકાજ ચાલુ છે. અન્ય ત્રણ – નાગપુર (મહારાષ્ટ્ર), કલ્યાણી (પશ્ચમ) અને આંધ્રપ્રદેશમાં ગુન્ટુર ખાતે મંગલગિરીમાં એઈમ્સની સ્થાપના માટે વર્ષ 2015માં મંજૂરી આપવામાં આવી હતી.
AP/JKHUNT/TR/GP