પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાન મંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ પંજાબમાં ભટિન્ડા ખાતે નવી એઈમ્સ સ્થાપવા માટે મંજૂરી આપી છે.
સંસ્થાની હોસ્પિટલ 750 પથારીઓની ક્ષમતા ધરાવતી હશે, જેમાં આકસ્મિક / ટ્રોમા, આયુષ અને ખાનગી પથારીઓ તેમજ આઈસીયુ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી પથારીઓ સામેલ હશે. ઉપરાંત, એડમિનિસ્ટ્રેશન બ્લોક, આયુષ બ્લોક, ઓડિટોરિયમ, રાતવાસો કરવાની વ્યવસ્થા, હોસ્ટેલ્સ અને નિવાસસ્થાનની સવલતો સ્થાપવામાં આવશે.
ભટિન્ડામાં નવી એઈમ્સ સ્થાપવાના પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 925 કરોડ થશે. આ ખર્ચમાં વેતન અને પગારો તેમજ કામગીરી અને જાળવણીના ખર્ચ જેવા રીકરિંગ ખર્ચા અંદાજ સામેલ નથી. રીકરિંગ ખર્ચાને જે તે નવી એઈમ્સે પોતાના વાર્ષિક બજેટમાં તેમને મળતી ગ્રાન્ટની સહાયમાંથી પહોંચી વળવાનું રહેશે. નવી એઈમ્સને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીલયની પીએમએસએસવાય યોજનાના બજેટના મથાળા હેઠળ ગ્રાન્ટની સહાય મળે છે.
ભટિન્ડા ખાતે સ્થપાનારી નવી એઈમ્સ લોકોને સુપર સ્પેશિયાલિટી હેલ્થ કેર ઉપલબ્ધ બનાવશે, સાથે સાથે આ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન (એનએચએમ) હેઠળ પ્રાથમિક અને મધ્યમ સ્તરની સંસ્થાઓ સવલતો માટે મોટી સંખ્યામાં ડોક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ ઉપલબ્ધ બનશે. સંસ્થા પ્રવર્તમાન સ્થાનિક બીમારીઓ અને સ્વાસ્થ્યને લગતી અન્ય તકલીફો અંગે સંશોધન હાથ ધરશે તેમજ આવી બીમારીઓને વધુ સારી રીતે અંકુશમાં લેશે તેમજ તેની વધુ સારી ચિકિત્સા ઉપલબ્ધ કરાવશે.
ભારત સરકારે મંજૂરી આપ્યા તારીખથી 48 મહિનાના સમયગાળામાં આ પ્રોજેક્ટ સંપન્ન થશે. તેમાં 15 મહિનાનો બાંધકામ પૂર્વેનો સમય સામેલ છે, 30 મહિના બાંધકામનો તબક્કો રહેશે અને 3 મહિનાનો ગાળો સ્થિરતા અને કામકાજ શરૂ કરવા માટેનો રહેશે.
આ એઈમ્સનો લાભ પંજાબ તેમજ આસપાસના પ્રદેશોના લોકોને મળશે.
પશ્ચાદ્ભૂમિ:
કેન્દ્રીય ક્ષેત્રની યોજના (સેન્ટ્રલ સેક્ટર સ્કીમ), પ્રધાન મંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) સૌપ્રથમ ઓગસ્ટ 2003માં જાહેર થઈ હતી. તેનો મૂળ હેતુ સમગ્ર દેશમાં પરવડે તેવી અને વિશ્વસનીય ક્ષેત્રિય સ્તરે સ્વાસ્થ્ય સંભાળની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાદેશિક અસંતુલનો દૂર કરવાનો તેમજ ખાસ કરીને ઓછી સવલતો ધરાવતા કે પછાત રાજ્યોમાં ગુણવત્તાભર્યા તબીબી શિક્ષણ માટે સવલતો વધારવાનો હતો.
આ યોજના હેઠળ ભુવનેશ્વર, જોધપુર, રાયપુર, ઋષિકેશ, ભોપાલ અને પટનામાં એઈમ્સ સ્થાપવામાં આવી છે, જ્યારે રાયબરેલીમાં એઈમ્સની સ્થાપનાનું કામ ચાલુ છે. વર્ષ 2015માં અન્ય ત્રણ – નાગપુર (મહારાષ્ટ્ર), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને ગુન્ટુરમાં મંગલાગીરી (આંધ્રપ્રદેશ) ખાતે એઈમ્સની સ્થાપનાને મંજૂરી અપાઈ હતી.
TR