Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે કૃષિ અને ખાદ્ય સંબંધિત ઉદ્યોગના ક્ષેત્રે સહકાર અંગેની સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે કૃષિ અને ખાદ્ય સંબંધિત ઉદ્યોગના ક્ષેત્રે સહકાર અંગે સમજૂતી પર હસ્તાક્ષરની કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની દરખાસ્ત મંજૂર કરી છે.

ભારત અને કિર્ગિસ્તાન વચ્ચેની સૂચિત સમજૂતી હેઠળ સંશોધન, પશુ સંવર્ધન, એવિયન ઈન્ફ્લુએન્ઝા (બર્ડ ફ્લુ) અને ખોરાક અને મોંના રોગો (એફએમડી), પશુચિકિત્સા માટેની દવાઓ, વનસ્પતિ ઉછેર, આધુનિક ટેકનોલોજી પર આધારિત બિયારણનું ઉત્પાદન, બિયારણનું પ્રમાણીકરણ, સિંચાઈની વિવિધ પદ્ધતિઓનું અમલીકરણ અને ભારતીય પ્રાયોગિક પ્રોજેક્ટ સ્થાપવો, ફૂડ પ્રોસેસિંગ અને પેકજિંગ ટેકનોલોજીના વધુ કાર્યક્ષમ ઉપયોગ માટે ઈન્ફર્મેશન ટેકનોલોજી સહિતના કૃષિ અને સંબંધિત ક્ષેત્રોની વિવિધ પ્રવૃત્તિઓ માટે માહિતી અને અનુભવના આદાન પ્રદાન કરવામાં આવશે, પરંતુ આ ક્ષેત્રોનો વિસ્તાર આટલા પૂરતો મર્યાદિત નહીં બને.

માહિતીના આદાન-પ્રદાન ઉપરાંત સમજૂતી કરાર હેઠળ વનસ્પતિની જાતોના અધિકારોના રક્ષણ, કૃષિ, ખાદ્ય વ્યાપાર અને બાગાયત, કૃષિવિષયક સંશોધન અને શિક્ષણ, બાગાયત ક્ષેત્રે સંશોધન અને શિક્ષણ, ખાદ્ય સુરક્ષા અને ધોરણો, જળચર ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ વગેરે ક્ષેત્રમાં પણ સહકાર આવરી લેવાયો છે.

સમજૂતી કરાર મુજબ બંને દેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હોય તેવું સંયુક્ત કાર્યકારી જૂથ રચવામાં આવશે, જે સહયોગ અંગેની યોજનાઓ ઘડશે, સમજૂતીના અમલીકરણ દરમિયાન ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ આપશે અને બંને દેશોને સોંપાયેલા કાર્યોનું અમલીકરણ સુનિશ્ચિત કરશે.

સમજૂતી પર હસ્તાક્ષર થયાની તારીખથી તેનો અમલ શરૂ થશે અને પાંચ વર્ષના ગાળા માટે તે ચાલુ રહેશે તેમજ સમજૂતીની સમયાવધિ પૂર્ણ થવાના ઓછામાં ઓછા છ મહિના અગાઉ બંનેમાંથી એક પણ દેશ આ સમજૂતી રદ કરવા અંગે લેખિતમાં રાજદ્વારી માધ્યમો દ્વારા ઈરાદો વ્યક્ત નહીં કરે ત્યાં સુધી સમજૂતી વધુ પાંચ વર્ષના ગાળા માટે આપોઆપ ચાલુ રહેશે.

AP/TR/GP