Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2016-17, 2017-18 અને 2018-19 દરમિયાન કન્ટ્રોલ યુનિટ્સ અને વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ યુનિટ્સની ખરીદીને લીલી ઝંડી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ચૂંટણી પંચની દરખાસ્ત મંજૂર કરી છે. ચૂંટણી પંચે નીચે મુજબ ખરીદી માટે દરખાસ્ત મૂકી હતીઃ

અ) વર્ષ 2016-17 દરમિયાન યુનિટ દીઠ રૂ. 77,007થી રૂ. 93,007ના અંદાજિત ખર્ચે 5,50,000 મતદાન એકમો (બેલોટ યુનિટ્સ – બીયુઝ) અને 5,45,000 કન્ટ્રોલ યુનિટ્સ (સીયુઝ) મેસર્સ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને મેસર્સ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ પાસેથી ખરીદવા અને

બ) ભવિષ્યમાં ખરીદીનો એકંદર ખર્ચ ઘટાડવા માટે વ્યક્તિગત યુનિટની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો લાવવાના ખાસ હેતુ માટે સંશોધન અને વિકાસના પ્રયત્નો માટે રૂ. 25 કરોડની ફાળવણી કરવી. ત્યાર પછી વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 માટે પણ બીયુઝ અને સીયુઝની ખરીદીની યોજના ધ્યાન પર લેવાનો નિર્ણય કરાયો હતો. તે જ રીતે, વર્ષ 2016-17, 2017-18 અને 2018-19 માટે વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ યુનિટ્સ (વીવીપીએટી)ની ખરીદીની યોજના પણ ત્યાર પછી ધ્યાન પર લેવાશે.

વર્ષ 2019માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ તેમજ કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે, તે સમયની જરૂરિયાતોને ધ્યાન પર લઈને મંત્રીમંડળની મંજૂરીને પગલે ચૂંટણી પંચ વર્ષ 2000-2005 દરમિયાન ખરીદેલા જૂના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને સ્થાને નવા મશીનો વસાવી શકશે.

પશ્ચાદ્ભૂમિઃ

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ)ના પ્રારંભિક પ્રાયોગિક વપરાશ પછી વર્ષ 2004ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓથી સમગ્ર દેશમાં તમામ મતદાન મથકોએ ઉપયોગમાં લેવાય છે. ચૂંટણી પંચે જાહેર ક્ષેત્રના બે એકમો – બેંગલુરુના ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ) અને હૈદ્રાબાદના ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (ઈસીઆઈએલ) સાથે મળીને વર્ષ 1989માં ઈવીએમ વિકસાવ્યા હતા. સામાન્ય રીતે ઈવીએમમાં બેલોટ યુનિટ (બીયુ) અને કન્ટ્રોલ યુનિટ (સીયુ) સામેલ હોય છે, પરંતુ જ્યારે ઉમેદવારોની સંખ્યા 16 કરતા વધુ હોય ત્યારે સીયુ સાથે વધુ એક બીયુ જોડવું પડે છે અને એક સીયુ સાથે વધુમાં વધુ 4 બીયુ જોડી શકાય છે.

AP/JKHUNT/GP/TR