Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ (CIE) મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિસ્તરણ માટે રૂ. 11,000 કરોડની યોજનાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 11,000 કરોડના નાણાકીય ખર્ચ સાથે “કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ (CIE) મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિસ્તરણ માટેની યોજના” ને મંજૂરી આપી છે. ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI) દ્વારા અમલમાં મૂકવામાં આવનારી આ યોજનાનો ઉદ્દેશ્ય CIE અને તેના ઘટકોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનો અને દેશમાં એક સમર્પિત CIE પરીક્ષણ સુવિધા સ્થાપિત કરવાનો છે, જેનાથી આત્મનિર્ભરતા વધશે અને વૈશ્વિક CIE બજારમાં ભારત એક મુખ્ય ખિલાડી તરીકે સ્થાપિત થશે.

ભારતનો CIE ઉદ્યોગ હાલમાં ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉદ્યોગ છે, જેનું બજાર કદ નાણાકીય વર્ષ 2024-25 માં આશરે રૂ. 97,500 કરોડ હતું. માળખાકીય સુવિધાઓ (રસ્તાઓ અને બંદરો) અને આવાસ ક્ષેત્રે ઝડપી વૃદ્ધિને કારણે, આ ઉદ્યોગ બમણા કરતાં પણ વધુ વધીને નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં આશરે રૂ. 2,28,100 કરોડના બજાર કદ સુધી પહોંચવાનો અંદાજ છે.

બાંધકામ અને માળખાકીય ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, આ યોજનાનો ઉદ્દેશ્ય શિપ-ટુ-શોર ક્રેન્સ, ટનલ બોરિંગ મશીન્સ, હાઇડ્રોલિક એક્સેવેટર્સ, ઓફ-હાઇવે ટ્રક્સ વગેરે જેવા ટેકનોલોજીકલ રીતે અદ્યતન ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનામાં દેશમાં અત્યાધુનિક સમર્પિત CIE પરીક્ષણ સુવિધા સ્થાપિત કરવાની જોગવાઈ પણ છે.

નાણાકીય વર્ષ 2026-27 થી આઠ વર્ષના સમયગાળાની આ યોજનામાં, ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા માટે બે વર્ષનો ગેસ્ટેશન સમયગાળો (નાણાકીય વર્ષ 2026-27 થી નાણાકીય વર્ષ 2027-28), ત્યારબાદ પાંચ વર્ષનો પ્રોત્સાહન વિતરણ સમયગાળો (નાણાકીય વર્ષ 2028-29 થી નાણાકીય વર્ષ 2032-33), અને નાણાકીય વર્ષ 2032-33 ના વધારાના વેચાણ પર પ્રોત્સાહનોની પતાવટ માટે અંતિમ વર્ષ (નાણાકીય વર્ષ 2033-34) નો સમાવેશ થાય છે.

આ યોજનાના બે ઘટકો છે:

  1. વેચાણ-આધારિત પ્રોત્સાહન – બે શ્રેણીઓ – પાત્ર OEMs અને ઘટક ઉત્પાદકો – હેઠળ મંજૂર અરજદારોને પાત્ર CIE ઉપકરણો અને ઘટકોના વધારાના વેચાણ મૂલ્ય પર પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવશે. પાંચ વર્ષના સમયગાળામાં વધારાના વેચાણ મૂલ્યના 13% થી 8% સુધીના ગ્રેડેડ પ્રોત્સાહન દરો રહેશે.
  2. CIE પરીક્ષણ સુવિધા માટે અનુદાન – સમર્પિત CIE પરીક્ષણ સુવિધા સ્થાપવા માટે વાયેબિલિટી ગેપ ફંડિંગના સ્વરૂપમાં રૂ. 375 કરોડ સુધીનુ અનુદાન,

ભારત સરકારની આ પહેલ સ્થાનિક કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક બજારોમાં સ્પર્ધાત્મકતા વધારવા તરફ એક સીમાચિહ્નરૂપ પગલું છે. CIE ના ઉત્પાદનમાં સ્વદેશી ક્ષમતાઓને પ્રોત્સાહન આપીને, આ યોજના પુરવઠા શૃંખલાની સુરક્ષા સુનિશ્ચિત કરશે, રોજગારીની તકો વધારશે અને આત્મનિર્ભર ભારતને વેગ આપશે. તે વિકસિત ભારત @2047 ના વિઝનને અનુરૂપ, ટેકનોલોજીકલ રીતે આત્મનિર્ભર, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ ઔદ્યોગિક આધાર બનાવવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરે છે.

SM/DK/JD