Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે મોડિફાઇડ સ્પેશિયલ ઈન્સેન્ટિવ પેકેજ સ્કીમમાં સુધારાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય કેબિનેટે ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં પ્રોત્સાહક રોકાણો વધારવા માટે મોડિફાઇડ સ્પેશિયલ ઈન્સેન્ટિવ પેકેજ સ્કીમ (એમ-સિપ્સ)માં સુધારાને મંજૂરી આપીને વર્ષ 2020 સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ‘નેટ ઝીરો ઈમ્પોર્ટસ’ના ધ્યેય તરફ દેશને અગ્રેસર બનાવ્યો છે.

એમ-સિપ્સમાં સુધારાને પગલે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ઈએસડીએમ) ક્ષેત્રે રોકાણો વધારવા ઉપરાંત રોજગારની તકોનું સર્જન તેમજ આયાતો પરની નિર્ભરતા ઘટવાનું અનુમાન છે. સ્કીમ હેઠળ મળેલા પ્રોજેક્ટો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 લાખ લોકો માટે રોજગાર સર્જવાની સંભાવના ધરાવે છે.

યોજના હેઠળ તમામ રાજ્યો અને જિલ્લાઓને આવરી લેવાયા છે, જેના પગલે તેમને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણો આકર્ષવાની તક સાંપડી છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 243 અરજીઓ મળી છે, જેમાંથી રૂ. 17,997 કરોડની રોકાણ દરખાસ્તો ધરાવતી 75 અરજીઓને મંજૂરી અપાઈ છે.

યોજનામાં કરાયેલા મુખ્ય સુધારા આ મુજબ છે :

(ક) યોજના હેઠળ 31મી ડિસેમ્બર, 2018 સુધી અથવા તો રૂ. 10,000 કરોડ સુધીનાં ઈન્સેન્ટિવ કમિટમેન્ટ (પ્રોત્સાહન માટે સ્વીકારેલી જવાબદારીઓ) મળે, બેમાંથી જે વહેલું હોય, ત્યાં સુધી અરજીઓ મેળવી શકાશે. જો ઈન્સેન્ટિવ કમિટમેન્ટ રૂ. 10,000 કરોડ સુધી પહોંચી જાય, તો વધુ નાણાંકીય કમિટમેન્ટ્સ લેવાં કે નહીં તેનો નિર્ણય કરવા માટે સમીક્ષા કરવામાં આવશે.

(ખ) નવી મંજૂરીઓ માટે યોજના હેઠળ પ્રોત્સાહન પ્રોજેક્ટ મંજૂર થયા તારીખથી ઉપલબ્ધ બનશે, અરજી મળ્યા તારીખથી નહીં.

(ગ) પ્રોજેક્ટ મંજૂર થયા તારીખથી પાંચ વર્ષના ગાળામાં કરવામાં આવેલાં રોકાણો પર જ પ્રોત્સાહનો મળશે.
(ઘ) સામાન્ય રીતે, પાત્રતા ધરાવતી અરજીઓને સંપૂર્ણ અરજી સુપરત કર્યાના 120 દિવસમાં મંજૂરી આપવામાં આવશે.

(ચ) યોજના હેઠળ પ્રોત્સાહનો મેળવનારા એકમે ઓછામાં ઓછાં ત્રણ વર્ષના ગાળા માટે વ્યાપારના હેતુ માટેના ઉત્પાદન (કોમર્શિયલ પ્રોડક્શન)માં રહેવું પડશે.

(છ) પ્રોજેક્ટની મંજૂરીની ભલામણ કરનારી મૂલ્યાંક સમિતિના અધ્યક્ષસ્થાને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સચિવ રહેશે.

(જ) રૂ. 6850 કરોડ (આશરે એક અબજ અમેરિકન ડોલર) કરતાં વધુ રકમનાં રોકાણો ધરાવતાં મેગા પ્રોજેક્ટો માટે કેબિનેટ સચિવના અધ્યક્ષસ્થાને નીતિ આયોગના સીઈઓ અને મેઇટી (એમઈઆઈટીવાય)ના સચિવ તેમજ ખર્ચ વિભાગના સચિવનો સમાવેશ કરતી એક સ્વતંત્ર સમિતિની રચના કરાશે.

પશ્ચાદ્ભૂમિકાઃ

જુલાઈ, 2012માં કેબિનેટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ઈએસડીએમ) ક્ષેત્રમાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટેનું વિશિષ્ટ પ્રોત્સાહન પેકેજ ઉપલબ્ધ બનાવવા એમ-સિપ્સને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ વિશિષ્ટ આર્થિક ઝોન (એસઈઝેડ)માં રોકાણો માટે 20 ટકા મૂડી ખર્ચની તેમજ નોન-એસઈઝેડમાં 25 ટકા મૂડી ખર્ચ જેટલી સબસીડી આપવામાં આવે છે. યોજનામાં ઓગસ્ટ, 2015માં સંભાવનાઓ વધારવા તેમજ પ્રક્રિયાને સરળ બનાવવા અંગે ફેરફારો કરવામાં આવ્યા હતા. યોજના હેઠળ ઈએસડીએમ ક્ષેત્રમાં રૂ. 1,26,838 કરોડનાં રોકાણો આકર્ષવામાં આવ્યાં છે, જેમાંથી મેઈટી (એમઈઆઈટીવાય) દ્વારા રૂ. 17,997 કરોડનાં રોકાણોને મંજૂરી અપાઈ છે. એમ-સિપ્સને પગલે ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં રોકાણો પર હકારાત્મક અસર સર્જી શકાઈ છે.