Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ક્રેડાઈ યૂથકોન-2019માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ક્રેડાઈ સાથે સંકળાયેલા તમામ નવયુવાન મિત્રો અને વરિષ્ઠ મહાનુભાવોને ખૂબ-ખૂબ અભિનંદન. આ યૂથકોન એવા અવસરે યોજાઈ રહ્યું છે કે જ્યારે નવા ભારત તરફ આગળ વધતા આપણા પગલાં નવા મુકામની તરફ નિકળી ચૂક્યાં છે. હમણાં હમણાં જ સંસદનું સત્ર સમાપ્ત થયું છે. હું આપની વચ્ચે આવ્યો છું, તમે બધા મિત્રો નવા ભારત માટે અને બુલંદ સપનાંઓની એક મહત્વપૂર્ણ કડી છો. તમે સામાન્ય માનવીના પોતાનાં ઘરનાં સપનાંને પૂર્ણ કરવામાં લાગેલા છો.

સાથીઓ, ક્રેડાઈ વિતેલા બે દશકામાં દરેક દેશવાસી પોતાનું ઘરનું ઘર હોય એ સપનાંને પૂરું કરવામાં લાગેલી છે. મને જણાવવામાં આવ્યું છે કે 23 રાજ્યના 205 શહેરમાં તમારું સંગઠન વિસ્તરેલું છે. સમગ્ર દેશમાં તમારા 12 હજારથી વધુ સભ્ય છે. જે ગતિથી દેશમાં સ્થાવર મિલકત ક્ષેત્ર વિસ્તર્યું છે. એ અનુસાર તમારું સંગઠન પણ વિસ્તરણ પામ્યું છે. મને ખુશી છે કે આપ સૌએ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના આશીર્વાદથી પોતાની યાત્રા શરૂ કરી હતી. અને તેમના શુભઆશિષથી આજે તમે આ સ્તરે પહોંચ્યા છો.

સાથીઓ, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ સૌપ્રથમ શહેરોમાં ગરીબો અને મધ્યમ વર્ગોના પરિવારોને ઘરનું સપનું પૂરું કરવા માટે અભિયાન શરૂ કર્યું હતું. અટલજીએ આ શહેરોમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેવાવાળાઓને આવાસ આપવા માટે 2001માં લખનઉમાં વાલ્મિકી આંબેડકર આવાસ યોજના શરૂ કરી હતી. આટલું જ નહીં તે અટલજીની જ સરકાર હતી, જેણે દેશમાં આવાસોની આવશ્યકતાને જોતાં આવાસ અને શહેરી વિકાસ ક્ષેત્ર માટે ખાનગી ક્ષેત્રના દ્વાર ખોલી આપ્યા હતા તમને લોકોને યાદ છે કે નહીં તે મને ખબર નથી.

સાથીઓ, કેન્દ્રની વર્તમાન એનડીએ સરકાર અટલજીના પ્રયાસોને વિસ્તારવામાં લાગેલી છે. દેશનો ગરીબ હોય, દેશનો મધ્યમ વર્ગ હોય, તેમના ઘરનું સપનું પૂરું થાય, 2022 સુધી જ્યારે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થશે, 2022 સુધી દરેક બેઘરને પોતાનું પાકુ ઘર મળે એ દિશામાં ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે દેશનાં ગામડાંઓ અને શહેરોમાં લગભગ દોઢ કરોડ ગરીબોને આવાસ મળી ચૂક્યા છે. જેમાંથી લગભગ 15 લાખ ઘર શહેરી ગરીબો માટે બનાવામાં આવ્યા છે.

સાથીઓ, જ્યારે પણ હું ઘર બનાવવા માટેના આંકડા આપું છું ત્યારે અમારા રાજકીય પ્રતિદ્વંદી અને મીડિયામાં મારા કેટલાક વધારે ચાહવાવાળા લોકો પણ છે. તેમના પ્રેમનો વરસાદ ખૂબ થતો રહે છે મારા પર, તેઓ પૂછે છે કે આમાં નવું શું કર્યું આ પ્રકારની યોજના તો અગાઉ પણ ચાલતી જ હતી. એ વાત સાચી છે કે આ યોજનાઓ અગાઉ પણ હતી, જરૂર અમલમાં હતી. પરંતુ સાચુ એ છે.. આ પણ સૌની સામેની સાચી વાત છે કે,

પ્રધાનમંત્રી આવાસ યોજના અને અગાઉની આવાસ યોજનાઓમાં સૌથી પહેલો તફાવત નિયતનો છે.

સાથીઓ, આ યોજના એવી છે કે જેમાં કોઈના નામને અમર બનાવવાનો પ્રયાસ નથી. સિક્કો મારવાનો પ્રયાસ નથી. જે પણ પ્રધાનમંત્રી બનશે ચાલતી રહેશે. હવે તેમાં નિયતની… મારે કહેવું પડશે કંઇક કે… કોઈ નામદારની… કોઇ પ્રસિદ્ધિ માટેની આ યોજના નથી. જ્યારે તમે કોઇ યોજના સાથે નામ કે સ્વાર્થનો ભાવ કાઢી નાખો છો ત્યારે તમારી નીતિ સ્પષ્ટ થઈ જાય છે અને એટલા માટે તેમાં ભ્રષ્ટ્રાચારનો, પોતાના-પારકા, મારું-તારું, એ બધા ભાવ પૂરા થઈ ગયા છે.

હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી ટેકનિકનો ઉપયોગ કરીને લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. કોઈના કહેવાથી યાદીમાં નામ કમી કરવું કે જોડવાનું જે કામ થતું હતું એની મોટી દુકાન ચાલતી હતી. વાસ્તવમાં મકાન બનાવવાવાળાથી પણ ખૂબ મોટા મશહૂર ખેલાડીઓ હતા, આવા મકાન અપાવનારા વધારે કમાતા હતા. હવે આ દુકાનો બંધ થઈ ગઇ છે, થઈ શકે છે કે તેમાંથી તમારામાંથી પણ કોઈ તકલીફવાળા હોઇ શકે તેમ છે. પણ હવે તમે પ્રધાનમંત્રી એવો બનાવ્યો છે તો શું કરીએ.

સાથીઓ, ત્રીજું કામ ગુણવત્તાનું છે, અગાઉ જે ઘર બનતા હતા તેમનો લક્ષ્ય તેમાં રહેવાવાળાઓની સુવિધાઓને બદલે….હું ખૂબ જવાબદારીપૂર્વક સાથે કહું છું કે, નામદારોનો જ પ્રચાર-પ્રસાર રહેતો હતો. એટલા માટે ફક્ત ચાર દિવાલો જ ઉભી કરી દેવામાં આવતી હતી. તાજેતરમાં જ હું એક ટીવી અહેવાલને જોઇ રહ્યો હતો, મને ખબર નહીં તમે જોયું હશે કે નહીં તે મને ખબર નથી, યુપીમાં અમેઠી કરીને એક સ્થળ છે કેમ તમને કોઇ વાંધો છે. મને લાગે છે કે તમે લોકો મારાથી વધારે જાણો છો.

દેશનાં નામદાર પરિવારનાં કોઇકને કોઇક સદસ્યને ત્યાંનાં લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે, આંખો બંધ કરીને પ્રેમ આપ્યો છે. ક્યારેય કોઇ સવાલ કર્યો નથી. અમેઠીના એ અહેવાલમાં એક દલિત વસાહત અંગે જણાવવામાં આવ્યું છે કે ત્યાંના લોકોને દસ વર્ષ અગાઉ સાંસદ આવાસ આપવામાં આવ્યા અને પોતાનું નામ પણ દરેક જગ્યાએ લગાવી દીધુ. જોકે આજે સ્થિતિ એવી છે કે જે દિવાલો ઉપર નામ લટકાવવામાં આવ્યા હતા, દસ વર્ષની અંદર એ દિવાલ પણ બચી નથી.

સાથીઓ, હવે એ જ વસાહતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બની રહ્યાં છે, આ ઘર અગાઉ કરતાં વિશાળ છે, તેમાં શૌચાલય પણ છે, રસોડાંમાં રાંધણ ગેસ જોડાણ પણ છે, વીજળીનું જોડાણ પણ છે. એટલે કે સરકારની અનેક યોજનાઓનો સમાવેશ આ ઘરમાં પોતાની રીતે આમમેળે એક વ્યવસ્થા હેઠળ થઈ રહ્યો છે. ગરીબને અહીં કે ત્યાં ભાગદોડ કરવાની જરૂરત નથી.

સાથીઓ ચોથું પરિવર્તન જે અગાઉની તુલનામાં કરવામાં આવ્યું તે ગતિનું છે, સ્કેલનું છે. અગાઉની સરકારના દસ વર્ષમાં શહેરી ગરીબો માટે 13 લાખ મંજૂર થયા હતા. છેલ્લાં સાડા ચાર વર્ષમાં 73 લાખ એટલે કે લગભગ છ ગણા વધારે, પાછલી સરકારના દસ વર્ષમાં શહેરી ગરીબોના ઘરો માટે લગભગ 38 હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે અને વિતેલા સાડા ચાર વર્ષમાં લગભગ ચાર લાખ કરોડ એટલે કે દસ ગણા વધારે પાછલી સરકારના દસ વર્ષમાં શહેરોમાં ગરીબો માટે 8 લાખ ઘર બનીને તૈયાર થયા અને વિતેલા સાડા ચાર વર્ષમાં લગભગ 15 લાખ ઘર બનીને તૈયાર થઈ ચૂક્યાં છે એટલે લગભગ બે ગણા વધારે. આ જ ઝડપ છે જેના બળ પર અમે 2022 સુધી દરેક બેઘરને છત આપવાની વાત કરી રહ્યાં છીએ. હવા હવાઈના દાવાઓ કરવાનું કામ અમારું નથી.

સાથીઓ, ગરીબોના ઘરનાં સપનાંને સાકાર કરીને જ અમે રાહત લેવાવાળા છીએ. દેશના મધ્યમ વર્ગના ઘર માટે પણ કોઇ સરકારે પહેલી વખત વિચાર્યું છે અમે તેના માટે ક્રેડિટ લિન્ક્સ સ્કિમ એટલે કે સીએલએસએસનું વિસ્તરણ કર્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ વર્ગના પરિવારોને જેમની આવક 18 લાખ સુધી પ્રતિ વર્ષની છે. હોમ લોનનાં વ્યાજમાં છૂટ આપવામાં આવી રહી છે. આ પ્રથમ વખત થયું છે. આ યોજના હેઠળ ઘર ખરીદનારને પાંચ સાડા પાંચ લાખ રૂપિયા અને હમણા જેમ મેં જણાવ્યું હતું તેમ સાડા છ લાખ રૂપિયા સુધીની તેમની બચત થવાની છે. હવે આ એક મધ્યમ વર્ગના પરિવારનું ઘર બને અને તેના બજેટમાં સાડા છ લાખ રૂપિયા બચી જાય મધ્યમ વર્ગની જિંદગીની ખૂબ મોટી તાકત હોય છે. પાછલા વર્ષે જ અમે એલઆઈસી અને એમઆઈજી હેઠળ આવરી લેવામાં આવેલા ઘરોનું કદ પણ વધારી દીધું છે.

સાથીઓ, મધ્યમ વર્ગ માટે બહેન ભાઈ વિશેષ કરીને આપણા યુવા સાથી પોતાનાં ઘરનાં સપનાંને પૂર્ણ કરી શકે તે માટે તાજેતરમાં બજેટમાં કેટલીક મોટી જોગવાઈ કરવામાં આવી છે. સૌથી મોટી વાત તો એ છે કે પાંચ લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર કર શૂન્ય કરી દેવામાં આવ્યું છે. તેનાથી યુવા મિત્રો પોતાની કારકિર્દીનાં પ્રારંભિક કાળમાં પોતાનું ઘર ખરીદવા માટે વધારે પ્રોત્સાહિત થશે. કર માફ થવાનું નુકસાન સરકારને થશે પરંતુ લાભ તમને થયો છે. પરંતુ તાળી તમારા સહુની તાળીમાં દમ લાગતો નથી. આ જોરવાળી કેમ નહોતી, આ તાળીમાં દમ કેમ ન હતો એનું કારણ એ છે કે કેમ કે તમે પાંચ લાખની મર્યાદાની બહાર છો. પરંતુ તમને એ સમજમાં ના આવ્યું કે પાંચ લાખ જવાથી…તેના જે પૈસા બચી ગયા છે તે ઘર ખરીદવા માટે કામ લાગવાના છે, તેનાથી તમારી ઝોળી ભરાવાની છે. બરાબર સમજમાં આવી ગયું હવે પાક્કું. હું તમારા વેપારમાં આવવાનો નથી, હું સ્પર્ધક નથી તમે ચિંતા ન કરો.

અગાઉ એક લાખ 80 હજાર સુધીનાં ભાડાંમાં કર કપાતો ન હતો. પરંતુ હવે તે વધારીને 2 લાખ 40 હજાર કરી નાખવામાં આવ્યું છે. ફરી તાળીમાં જોર નથી. કારણ કે તમને સમજમાં નથી આવ્યું, તમને કોઇએ સમજાવ્યું નથી કે આ બજેટમાં આ આવાસ ઉદ્યોગવાળાઓને કેટલો લાભ આપવામાં આવ્યો છે. તેના માટે ખુદ પ્રધાનમંત્રીએ સમજાવવું પડી રહ્યું છે. સારું હવે સમજમાં આવી ગયું કે નહીં, જો તમારો ભાડું કર મુક્ત ગણવામાં આવે તો તેનાથી નવું મકાન બનાવવું, વધારે મકાન બનાવવા, ભાડેથી આપવા તેના માટે એક વ્યવસાયનો હિસ્સો બની જશે. તો મકાન બનાવશે કોણ અને કોઇ બનાવશે તો એ મકાન ખરીદશે કોણ મોદીથી ખરીદશે કોઇ. સારું થયું કે હું તમને લોકોને મળ્યો…નહીં તો હું તો એવું જ માનતો હતો કે મારું બજેટ બધાને સમજમાં આવી ગયું છે. સંસદમાં અમને સમજાવવામાં તકલીફ થતી હતી. તે ઉપરાંત જે પરિવાર પોતાની જરૂરિયાત અનુસાર બે ઘર ખરીદતા હતા તેમને અનુમાનિત ભાડાં પર અગાઉથી આવકવેરો ભરવો પડતો હતો, હવે એ આવકવેરો ભરવો નહીં પડે. તેનો અર્થ શું થયો, ખબર નથી..? તમને, એટલું જ ખબર છે કે જીએસટીનું શું થયું, તમે જીએસટીમાં જ અટકેલા છો.

આ રીતે જે લોકો જૂના ઘરનાં બદલામાં નવું મકાન વેચી દેતાં હતાં, પૈસા આવતા હતા તેમને લાગે છે કે હવે એ જગ્યાએ છે કે સારા પૈસા મળી જશે, થોડાક દૂર જતાં રહીશું તો સસ્તાંમાં ઘર મળી જશે. હવે તેઓ વિચારે છે કે બાળકો મોટાં થઈ રહ્યાં છે. એક ઘરથી નહીં ચાલે તો બે જોઇશે તો એક ઘર વધારે કિંમતમાં વેચીને બદલામાં બે નાના નવા ઘર બનાવે છે, ખરીદવા ઇચ્છતા હતા, હવે તેમને પણ ટેક્સમાં ખૂબ મોટી રાહત મળી રહી છે. હવે મૂડી લાભ કર બચાવવા માટે લોકો ઘરનાં વેચાણથી મળેલી રકમને એકની જગ્યાએ બે ઘરોમાં લગાવી શકે છે. અત્યાર સુધી ઘરનાં વેચાણથી મળેલી રકમને વર્ષની અંદર બીજુ મકાન ખરીદવા પર મૂડી લાભ કર છૂટ અગાઉ એક ઘર પર મળતી હતી તે હવે બે ઘર પર મળવાવાળી છે. હવે એ તમારું કામ છે કે જ્યાં જૂનાં બંગલા લઇને ફ્લેટની યોજના મુકવામાં આવે છે તેમને સમજાવો….મને આ સલાહ માટે કોઇ વેરો નહીં લાગે ચિંતા ન કરો.
સાથીઓ, દરેક ભારતીયના પોતાના ઘર પ્રત્યેના અમારા આ જ આગ્રહથી તમારી સાથે સંકળાયેલા ક્ષેત્રનું પણ ઉજ્જવળ ભવિષ્ય છુપાયેલું છે. ભારતમાં ઝડપથી નવા મધ્યમ વર્ગનો ફેલાવો વધી રહ્યો છે. દેશવાસીઓનાં સપનાં અને આકાંક્ષાઓ અભૂતપૂર્વ ઉંચાઈએ છે. આ સપનાંઓની શરૂઆત પોતાના ઘરથી થાય છે, જેની જવાબદારી તમારી સૌની પાસે છે.

સમગ્ર વિશ્વના અહેવાલ તમે વાંચ્યાં હશે કે ભારતમાં ખૂબ ઝડપથી લોકો ગરીબીથી બહાર આવી રહ્યાં છે અને જે નવો મધ્યમ વર્ગ છે તેમની મહત્વાકાંક્ષાઓ ખૂબ હોય છે. તમે એમની મનઃસ્થિતિ અને પરિસ્થિતિને સમજીને પોતાની યોજના લઇને જશો. હું તમને કહું છું, તમને ખબર હશે નિરમાનું ઉદાહરણ… મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ હતી તેમણે સસ્તો અને સાઇકલ પર વેચીને એવો સાબુ, પાઉડર બનાવ્યો કે તેણે આખા મધ્યમ વર્ગ અને લઘુ મધ્યમ વર્ગના બજાર પર કબજો જમાવી દીધો. બહુરાષ્ટ્રીય કંપનીઓને પડકાર ફેંક્યો હતો. આ સમય તમારા માટે છે કે હવે તમારી યોજનાનો લક્ષ્યાંક આ નવો મધ્યમ વર્ગ હોવો જોઇએ. અને મારી વેપારી સલાહ ખોટી નીકળે તો મારા ખાતાંમાં જે કંઇ પણ છે એ તમારું, મને ખબર છે, તે તમને તેમાં કોઇ રસ નથી કારણ કે તેમાં કાંઇ છે જ નહીં.

તમે એ નવા મધ્યમ વર્ગની મહત્વાકાંક્ષાઓને સમજો, પોતાની બજાર વ્યૂહરચનાને, વેપારની વ્યહરચનાને તેની સાથે સાંકળી દો. હું વિશ્વાસ સાથે કહું છું કે તમારી બે વર્ષ, પાંચ વર્ષ જૂની કંપની કેમ ના હોય તમે વીસ વર્ષ પછી તેનાથી આગળ નીકળી જશો. કારણ કે એક ખૂબ મોટું બજાર તમારી રાહ જોઇ રહ્યું છે.
સાથીઓ, તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જેઓ વિકાસકર્તાઓની આવનારી પેઢી છે, માટે તમે આવનારી પેઢીની જરૂરિયાતોને પણ સમજી શકો છો. અને નવા ભારત માટે નવા સંસ્કારોને પણ સમજવા પડે છે. આપ સહુનાં ખભા ઉપર દેશના સ્થાવર મિલ્કત બજારને નવા ભારતની આકાંક્ષાઓ અને સંવેદનાઓના આધારે બદલવાની જવાબદારી છે.

સાથીઓ, કેન્દ્ર સરકાર સ્થાવર મિલ્કતમાં એક સાર્થક ફેરફાર માટે છેલ્લાં સાડાં ચાર વર્ષથી નિરંતર પ્રયાસ કરી રહી છે. ઈઝ ઑફ ડુઈંગ બિજનેસ, ધંધો કરવાની સરળતા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે કેટલીક ખોટી પરંપરાઓને રોકવા માટે પણ અનેક પ્રયાસ કરવામાં આવ્યાં છે. હું સમજું છું કે સ્થાવર મિલ્કતને વિતેલા દશકામાં સૌથી વધારે સમસ્યા જે આવી છે તે વિશ્વાસમાં ઉણપ આવવી તે છે. સાડાં ચાર વર્ષ અગાઉ સુધી સ્થિતિ એ હતી કે મધ્યમ વર્ગનો પરિવાર ઘર માટે પૈસા લગાવતા અગાઉ સૌ વખત વિચારતો હતો, અમે જોયું છે કે કેવી રીતે લાખો- લોકોને પોતાના મકાન માટે કોર્ટ-કચેરીનાં ધક્કા ખાવાં પડતાં હતાં. મહેનતની કમાણી કેટલાક ભ્રષ્ટ લોકોને કારણે અટવાઈ ગઇ હતી.

સાથીઓ, આ જ વિશ્વાસને ફરીથી મેળવવા માટે તબક્કાવાર અનેક પદ્ધતિઓથી અનેક પ્રયાસ કરવામાં આવ્યાં છે. નોટબંધીનો જે નિર્ણય હતો તેનો ખૂબ મોટો લાભ સ્થાવર મિલ્કતને એ થયો કે જેઓ કાળાનાણાંથી, ભ્રષ્ટાચારની કમાણીથી અહીં વિસ્તરણ કરવાનો વિચાર કરી રહ્યા હતા તેમના માટે તમામ રસ્તા બંધ થઈ ગયા. જે લોકો ઇમાનદારીથી નફાને ઉપર રાખે છે હવે એ જ લોકો આ ક્ષેત્રમાં આગળ વધી શકશે.

અને હું માનું છું કે જે પાંચ વર્ષનો તમારો અનુભવ છે તે ગુજરાતવાળાઓને 13 વર્ષનો અનુભવ છે..મારો, મારા કામકાજનો, મારા કાર્યકાળમાં વિશેષતા રહેલી છે. મારા દરેક નિર્ણયને પ્રારંભમાં ખૂબ મુસીબતનો સામનો કરવો પડ્યો છે, એવું હંમેશાં થયું છે કારણ કે હું સમયથી થોડોક આગળ ચાલી નિકળ્યો હતો. અને ત્યાં સમજ પહોંચે તે અગાઉ મુસીબતનો સામનો કરતો હતો. ગુજરાતમાં એક વખત ખેડૂતો વીજળીની માંગણી કરી રહ્યા હતા. મેં કહ્યું પહેલા નક્કી કરો કે ખેડૂતોને પાણી જોઇએ કે વીજળી જોઇએ. તેમણે કહ્યું કે પહેલા વીજળી મફત આપો, બધા રાજકીય પક્ષ આપી રહ્યાં છે. મેં કહ્યું જે કરે છે તે કરશે, મને કહો કે વીજળી જોઇએ કે પાણી જોઇએ. એ ખેડૂતોને મેં સમજાવ્યું કે એ રાજકીય નેતાઓએ વીજળીનાં તાર પકડાવીને ખેડૂતોને મારી નાખ્યા છે હું તમને પાણી આપીને જીવતા રાખવા માંગુ છું. તમે હેરાન થશો કે મારા સાથીમિત્રો જ ઉપવાસ આંદોલન પર બેસી ગયા અને ગામે ગામ મારા પૂતળાનું દહન થવા લાગ્યું. ખેડૂતોની નારાજગી મોદીને ક્યાં લઇ જશે એવી ચર્ચા હતી.

ચૂંટણીમાં મારા પર દબાણ હતું કે તમે વીજળી મફત કરી દો, મેં કહ્યું પાણી માટે બધુ કરીશ અને તમને આશ્ચર્ય થશે…શરૂઆતમાં લોકો મારી વાત નહોતા માનતા, જ્યારે અનુભવ કરવા લાગ્યા…આજે તેઓ પણ એ બાબતને સમર્થન આપવા લાગ્યા છે. દરેક ટીપે વધુ પાક, ટપક સિંચાઈ, પાણી બચાવો, પાણી પહોંચાડો તેમાં એવી રીતે લાગેલા છે કે કૃષિ વિકાસ ગુજરાતમાં સતત 10 ટકા રહ્યું જ્યારે ગુજરાત કૃષિની દુનિયાવાળું ગુજરાત નથી તે મરુસ્થળ છે, સમજવામાં વાર લાગે છે…તમને પણ….હમણાં સમજમાં નહીં આવ્યું હશે…હવે પણ તમને લાગતું હશે કે આ મોદી કેટલા દિવસ રહેશે..એકઠું કરી રાખો, કામ આવશે ક્યારેક, કંઇ બચવાવાળું નથી. દોસ્તો, હું બતાવું છું. અને મારામાં હિમ્મત છે ચૂંટણી સામે છે તમારા ઘરની અંદર આવીને તમને સચી વાત બતાવવાની તાકત સાથે કહું છું.

દેશ માટે કહી રહ્યો છું હિન્દુસ્તાનની આવનારી પેઢી માટે કહી રહ્યો છું, ભારતના ભવિષ્ય માટે કહી રહ્યો છું અને એટલા માટે મને વિશ્વાસ છે, હવે તમે જુઓ બેનામી સંપત્તિ, એ કાયદાથી પણ ઇમાનદારીની વ્યવસ્થાને બળ મળ્યું છે.

સાથીઓ સ્થાવર મિલકત નિયમન કાયદો – રેરાના માધ્યમથી ગ્રાહક અને તમારા વચ્ચેનો વિશ્વાસ મજબૂત બનાવવા માટે મારી સરકારે ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. જો તમે ઉંડાણપૂર્વક આ વાતને જોશો તો તમે એને અનુભવી શકશો. અને હું ઇચ્છીશ કે તમારા હાથમાં આ બધી બાબતોની કાર્યશાળા હોય, તમને શિક્ષિત કરવામાં આવે કે આખરે આ નિર્ણય દ્વારા તમારી શક્તિ, તમારી શાખ કેટલી વધારી દીધી છે.

આજે તમે વિશ્વના કોઇપણ દેશમાં જાઓ છો, અગાઉ પણ જતાં હશો, તમે તો રજા બહાર જ ઉજવો છો, તમે થોડા કાંઈ શ્વેત પત્ર છો, જે પ્રવાસન છે તેમાં પણ તમે જતાં હશો, અગાઉ જે મળતું હતું, તમે હાથ મિલાવતા હશો, તમારી વાત હું જાણું છું તમે ચિંતા ના કરો. અગાઉ તમે વિદેશમાં ક્યાંક પણ જતાં હશો કોઈની સાથે હાથ મિલાવતા હશો, જરા સારું વ્યક્તિત્વ, સારાં વસ્ત્રો પહેર્યાં હશે, ટાઈ સારી હશે, એ પણ પહેરી અને જેવું ક્યાંથી આવ્યાં છો તે જાણશે તો ધીમે-ધીમે હાથ ઢીલું પડવા લાગતું હશે અને વર્તમાન સમયે, આજે જેવા તમે કહેશો કે ભારત તો તેઓ તમારો હાથ છોડતાં નથી. આવું થાય છે કે નહીં, દુનિયામાં જ્યાં જાઓ છો તમારું માથું ઊંચુ રાખી શકો છો કે નથી રાખી શકતા. દુનિયા તમારી સાથે આંખથી આંખ મિલાવીને વાત કરવા ઉત્સુક છે કે નહીં. કેવી રીતે થયું, એક નિર્ણય પ્રક્રિયા હોય છે, એક કાર્યશૈલી હોય છે, જેનો સીધો સંબંધ તમારી સાથે નથી હોતો. પરંતુ તેની વળતી અસર એવી હોય છે કે દરેક હિન્દુસ્તાનીની આન-બાન-શાન વધી જાય છે. જે આજે દુનિયામાં જોઇ શકાય છે. અને એક એવી વ્યક્તિ જેને ચૂંટણીથી પહેલા એવા જ સવાલ પૂછવામાં આવતા હતા. યાદશક્તિ સારી હોય તો તમે જ જોઇ લો 2013-14ના છાપાં, ટીવી, ચર્ચાઓ જોઇ લો, એક જ ચર્ચા હતી. આ માણસ શું કરશે. હિન્દુસ્તાનમાં તેને કોણ ઓળખે છે. ગુજરાત બહાર તેની ઓળખ શું છે. તે વિદેશ નીતિમાં તો શૂન્ય છે શૂન્ય. કેટલાક લોકો તો એવું પણ કહેતા હતા કે આને તો પશ્ચિમી પદ્ધતિએ જમવા ચમચી કેવી રીતે પકડવી એ પણ નથી આવડતું… આ શું કરશે. ત્યારે મેં કહ્યું હતું કે સાચી વાત છે કે મારી પાસે કોઇ અનુભવ નથી. પરંતુ મારા જીવનનો એક મંત્ર છે કે જે પણ કરીશ તે દેશ માટે કરીશ, પરિણામ મળ્યું કે નથી મળ્યું, મળ્યું છે કે નથી મળ્યું. આ જ તાકત છે, આ બધા નિર્ણયોથી તમને પણ પરિણામ મળશે અને એટલા માટે કહું છું કે ક્યારેક આ નિર્ણયોને તમે પોતાના વ્યવસાયના પરિપ્રેક્ષ્યમાં તમારી મુખ્ય ટુકડીને શિક્ષિત કરવી જોઇએ. તેનાથી તમને જાણકારી મળશે કે સરકાર આમ જ કોઈ કાયદો બનાવી દેતી નથી, નિયમ બનાવી નથી દેતી અને હું આ બધી પ્રક્રિયાઓથી લોકોથી સવાલ કરું છું, જોડું છું, સમજું છું અને તેનું જ એ પરિણામ છે કે આપણને જે જોઇએ છે તેના જ બીજ વાવીને આપણે તેને ઉગાડીએ છીએ અને રાખીએ છીએ.

આજે સ્થાવર મિલકત નિયમન કાયદો એટલે કે રેરાવાળો કાયદો હમણા જેમ બતાવી રહ્યાં હતાં આ બધુ રેરાના પાલન કરનારા લોકો છે. તમે જક્ષયની વાત પર હસો છો. તમારા હસવામાં પણ મને કંઇક સમજ આવે છે. પરંતુ આટલો વિશ્વાસ કરું છું કે તમારા દિલમાં ઇરાદા છે એ મિશનમાં જવાનો તો એના માટે હું તમને અભિનંદન કરું છું. હું માનું છું કે હજુ પણ તમારામાંથી કેટલાક લોકોના પગ કાચા હશે, હોઇ શકે છે, પરંતુ હવે તમારું મન મક્કમ બન્યું હશે, પાકી જમીન પર પગ મુકવા માટે અને મને તેમાં જ વિશ્વાસ છે. હું વિતેલા ગઇકાલ પર આધાર રાખનાર માણસ નથી. આવનારા કાલમાં વિશ્વાસ રાખી તેની ઉપર નવી ઇમારત ઉભી કરવા પર વિશ્વાસ કરું છું. એટલે કે રેરા 28 રાજ્યોમાં સૂચિત થઈ ચૂક્યું છે.

21 રાજ્યોમાં તો ટ્રિબ્યુનલ પણ કામ કરી રહ્યું છે. આજે દેશભરમાં લગભગ 35 હજાર સ્થાવર મિલકત
રિયલ એસ્ટેટ યોજનાઓ અને 27 હજાર સ્થાવર મિલકત દલાલ તેની સાથે નોંધણી કરાવી ચૂક્યા છે. આ યોજનાઓ હેઠળ લાખો નવા ફ્લેટ નિર્માણ પામી રહ્યાં છે. આ બધી વાતોથી મોટો લાભ શું થશે. હું તમને સલાહ નથી આપતો પરંતુ જો તમે મને તમારો મિત્ર માનતા હો, માનો છો તો હું એક કડવી વાત કહેવા ઇચ્છું છું. કહું… હવે પ્રધાનમંત્રી સામે કોણ મનાઈ કરશે… જુઓ આ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં તમે એવા વ્યક્તિની જીવનની એક મહત્વપૂર્ણ આકાંક્ષા સાથે સંકળાયેલાં છો. એટલે ઘર બનાવવું જીવનના અંત કાળ સુધી તેના મનમાં રહે છે. પહેલા આ ઘર બની જાય, પછી જે ઘર છે તે સારું બને, પછી આ છે તો વધારે વિશાળ ઘર બને. પછી આ છે… તો મોટું બને, તેની સાથે સંકળાયેલી આ એવી વ્યવસ્થા છે જેનો કોઇ અંત જ નથી. અને તેની સાથે તમે જોડાયેલા છો. એ અંદાજ છે તમને… તમે એ લોકો છો. એ ક્ષેત્રમાં છો જે સહુથી વધારે લોકોને રોજગારી આપે છે અને ફક્ત ઇમારત બનાવવામાં મિસ્ત્રી કામ કરે છે તેને હું નથી કહી રહ્યો, જો તમે સિમેન્ટનો ઉપયોગ કરો છો તો ત્યાં પણ રોજગાર મળે છે. તમે સ્ટીલનો ઉપયોગ કરો છો તો ત્યાં પણ રોજગાર મળે છે. એટલે કે ત્યાં જો એક સારી નવી સોસાયટી બની જાય તો ત્યાં કોઇ માળીને કામે લગાવી દે છે તો તેને પણ રોજગાર મળી રહે છે, ત્યાં છાપું નાખવાવાળો પણ આવવાનું શરૂ કરે છે તો તેને પણ રોજગાર મળે છે. દૂધ વેચવાવાળા, એટલે તમે રોજગારની આ એક વળતી વ્યવસ્થામાં ઉત્પ્રેરક તરીકે કામ કરો છો. આટલું બધુ કામ કરનારા લોકો માટે લોકો કેટલી બધી ઈજ્જત હોવી જોઇએ, એટલું છે કે નહીં. કેમ ચૂપ થઇ ગયા ભાઈ, આવું કેમ થયું, કોણ જવાબદાર છે. હું આજે પણ માનું છું કે સાથીઓ તમારી ભાગીદારી એવા એવા લોકો સાથે છે કે કોઇ તમારી ઉપર હાથ નથી નાખતા, તમને સુધરવા માટે કહેતા નથી, અને એ જ લોકોએ તમને બરબાદ કરી નાખ્યાં છે.
હું માનું છું કે તમારો જે પ્રયાસ ચાલી રહ્યો છે હું જક્ષયને બાળપણથી ઓળખુ છું અને મને ભરોસો પણ છે. તમે આ જે પ્રયાસ કરી રહ્યાં છો. મને તમારી પાસેથી સૌથી મોટી અપેક્ષા કઇ છે, અગાઉ ગુજરાતમાં હીરા ઉદ્યોગ છે તેના અંગે ખૂબ વાતો કરતો હતો, ત્યારે હું રાજનીતિમાં ન હતો. પરંતુ હું તેમને કહેતો હતો તમારી નાની ઉંમરમાં તમે હીરા કાપવા, ઘસવા માટે આવ્યાં, હવે નિકાસકાર બની ગયાં, કંપનીનાં માલિક બની ગયાં, પાંચ-પાંચ, દસ-દસ હજાર કરોડની તમારી નિકાસ થાય છે. તમારો વેપાર મોટાપાયે ચાલી રહ્યો છે પરંતુ તમારી છાપ કેમ બદલાતી નથી. હું આ સતત તેમને પૂછતો રહેતો હતો. હું આજથી 20-25 વર્ષ અગાઉની વાત કરી રહ્યો છું. આ વાત સતત સળંગ કહેતા કહેતા અને તમે જુઓ 25 વર્ષ અગાઉ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કોઈ મકાન ભાડે આપતું નહોતું, હું બતાવું, તમે માનશો નહીં આ વાતને 25-30 વર્ષ અગાઉ મકાન ભાડે આપતાં અગાઉ લોકોને લાગતું હતું કે ખબર નહીં એ… આજે કોઇપણ સામારોહ હશે તો મંચ પર જે વિશેષ અતિથિ હશે તેમાં ત્રણ હીરાવાળા હશે. સન્માન કેવી રીતે મળે, તેમણે પ્રયાસ કર્યો, હું પણ તેમની સાથે જોડાયેલો રહ્યો છું. હું માનું છું કે તમારું ક્ષેત્ર એવું છે, તમે ભણેલા-ગણેલા હો તે જરૂરી નથી, તમે ખૂબ શ્રીમંત હો તે પણ જરૂરી નથી. તમે એક એવી યુવા પેઢી છો અને હું એક મિત્રના રૂપમાં વાત કરી રહ્યો છું. હું પ્રધાનમંત્રીના રૂપમાં નથી બોલી રહ્યો. આ ક્ષેત્રની પ્રતિષ્ઠા તમારી પ્રાથમિકતા હોવી જોઇએ, તમારી પ્રતિષ્ઠા એ ખૂબ મહત્વ રાખે છે મિત્રો, તમે જે કોઇ પણ મકાન કેવું બનાવો છો, હોઇ શકે છે કે તમારી ઓળખ થઇ જાય. યાર, ખૂબ સારી યોજના બનાવી છે, નક્શો ખૂબ સારો હતો, માલસામાન ખૂબ સારો દેખાતો હતો, આ બધુ… જો એક વખત તમારી વિશ્વસનિયતા બની જાય, તમે જુઓ આકાશ તમારી સામે ઝૂકવાનું શરૂ દેશે. આટલું મોટું ક્ષેત્ર, આટલું મોટુ મહત્વપૂર્ણ ક્ષેત્ર તેની એક સામાજિક પ્રતિષ્ઠા, સામાજિક સ્વીકૃતિ કોઇ પણ વ્યક્તિ જીવનમાં આટલી મહેનત કરી બચત કરે છે. પહેલા બાળકોના ભણતર અંગે વિચારે છે, પછી વિચારે છે સંતાનોનાં લગ્ન થઈ જાય પરંતુ તેની સાથે સાથે એ પણ વિચારે છે કે પોતાનું એક ઘર પણ હોય એટલે કે પોતાની આખી જીંદગી તમારા ચરણોમાં નાખી દે છે. અને તેમાં જ્યારે તેની સાથે વિશ્વાસઘાત થાય છે, વિશ્વાસઘાત એક કરે છે. મુસીબત અનેકને ભોગવવી પડે છે. જો તમે આ પડકારને સમજીને તેનો માર્ગ કાઢશો… તમે જુઓ ખૂબ મોટો ફેરફાર આવશે.
સાથીઓ, આ પ્રકારે બાંધકામ મંજૂરી સહિત તમામ અન્ય મંજૂરીઓ હવે અગાઉની તુલનામાં ઝડપથી મળી રહી છે. જેનું પરિણામ એ આવ્યું છે. વ્યવસાય કરવાની સરળતાના ક્રમાંકમાં ભારતે 67માં ક્રમની છલાંગ છેલ્લાં સાડા ચાર વર્ષમાં લગાવી છે.

દુનિયા માટે આશ્ચર્ય છે આટલો મોટો દેશ, વિકસિત દેશ આટલી મોટી છલાંગ લગાવી શકે છે, મને એક દિવસે વિશ્વ બેન્કના પ્રમુખનો ફોન આવ્યો. વિશ્વ બેન્કના પ્રમુખ ફોન કરે તો હોઇ શકે છે કે સરકારી કામ હશે, તેમણે ફોન એ બાબતે કર્યો હતો કે હું કલ્પના પણ કરી શકતો નથી. વિકસિત દેશ જે આટલો વિશાળ દેશ છે, નિર્ધારિત લક્ષ્યમાં આટલી ઝડપથી આગળ વધી શકે છે. એ બાબત તેમના માટે નવાઈ પમાડે તેવી હતી. તેમણે એક પ્રતિનિધિમંડળને અહીં મારું અભિનંદન કરવા માટે મોકલ્યું હતી. વિશ્વ બેન્કની આખી ટીમ આવી હતી. આ બાબતોનો લાભ જો તમે નહીં લો તો દેશને ખૂબ નુકશાન થશે. અને એટલા માટે હું ઇચ્છું છું કે અવસર છોડતા નહીં.

જીએસટીમાં પણ રિયલ એસ્ટેટના કારોબારને ડેવલપર્સ અને ગ્રાહક, બન્ને માટે ખૂબ સરળ બનાવી દીધું છે. તમે જાણતા હતો કે અગાઉ બાંધકામ ક્ષેત્ર પર 15 થી 18 ટકાનો ટેક્સ લાગતો હતો, ઉપરથી જે સામાન છે જેમ કે, કલર, ટાઇલ્સ છે. શૌચાલય, શાવર હોય છે, કેબલ હોય વગેરે છે આવી તમામ ચીજો પર 30 ટકાથી વધારે ટેક્સ લાગતો હતો.

સાથીઓ, જીએસટીના લાગુ થયા પછી મધ્યમ વર્ગના ઘરો માટે તો વેરો 8 ટકા અને બીજા ઘરો માટે 12 ટકા, વ્યવસાયિક મિલકત પર પણ વેરો ઓછો થયો છે. એ જ પ્રમાણે બાંધકામના સામાન પર જીએસટી પણ ઘટાડી દેવામાં આવ્યું છે. કલર, વાયર, લાઇટ ફિટિંગ સાથે સંકળાયેલ સામાન, સેનેટરી, પ્લાયવુડ, ટાઇલ્સ જેવા અનેક સામાન પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા સુધી કરી દેવામાં આવ્યો છે. એ પ્રમાણે ઈંટો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. નહીં વાગે તાળી, મને ખબર છે. હું સંભળાવવા માટે નથી આવ્યો, હું સમજવા માટે આવ્યો છું. મારા માટે એટલું ઘણું છે કે શું થઈ રહ્યું છે.

સાથીઓ આજે સમગ્ર મધ્યમ વર્ગ માટે યોગ્ય કિંમતે સારું ઘર બની શકે તેના માટે આવકવેરામાં પણ છૂટ આપવામાં આવી છે. વર્ષ 2016માં સેક્શન 80 આઈબીએ જોડવામાં આવ્યું છે. જેની હેઠળ સસ્તાં આવાસ પ્રોજેક્ટના નફામાં સો ટકા કપાતની જોગવાઈ કરવામાં આવી છે. હવે આવા પ્રોજેક્ટને પણ પૂર્ણ કરવા માટેની સમય અવધિને પણ ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે. આ જ વર્ષે સસ્તાં આવાસ પ્રોજેક્ટની મંજૂરી માટેની સમય અવધિ વધારીને 31 માર્ચ 2019ને બદલે એક વર્ષ એટલે કે 31 માર્ચ 2020 સુધી કરી દેવામાં આવી છે. ન વેચાયેલી મિલકતો (Unsold inventory)ની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ભાડાની આવક પર પણ હવે બે વર્ષ સુધી વેરો લેવામાં નહીં આવે. આવી અનેક જોગવાઈ મધ્યમ વર્ગના પરિવારોને બળ આપવા માટે છેલ્લાં સાડાં ચાર વર્ષથી કરવામાં આવી રહી છે.

સાથીઓ, સ્થાવર મિલકત અને આવાસ ક્ષેત્ર માટે નાણાં ભંડોળ ઓછું ન થાય તેના માટે નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બે વર્ષ અગાઉ જ સ્થાવર મિલકત એટલે કે ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને દેવાં બજારથી ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આવા ટ્રસ્ટોને 2017થી જ ડિવિડન્ટ વિતરણ કરમાં છૂટ આપવામાં આવી છે. આવાસ ધિરાણ કંપનીઓને વિદેશથી ભંડોળ મેળવવામાં સરળતા રહે તે માટે ક્ષેત્રીય ભરણાને પણ ગયા વર્ષે દૂર કરી દેવામાં આવ્યું છે.

સાથીઓ, આ તમામ પ્રયાસ મધ્યમ વર્ગના ઘરોને, માળખાંને ગતિ આપવા માટે તો કરવામાં આવી જ રહ્યાં છે સાથે રોજગાર નિર્માણને પણ તેનાથી જોર મળ્યું છે. આ ક્ષેત્રમાં કરોડો મિત્રો કામ કરી રહ્યાં છે જેઓ અસંગઠિત ક્ષેત્રનો ભાગ છે. ઘરના નિર્માણ સાથે સંકળાયેલા પરિવારો માટે પણ સરકાર એક ખૂબ મોટી યોજના આ બજેટમાં લાવી છે. હવે મહિને 15 હજાર રૂપિયાથી ઓછું કમાનારા આ સાથીઓને 60 વર્ષ પછી 3000 રૂપિયા સુધીનું પેન્શન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ યોજના સાથે જોડાવા માટે આ શ્રમિક સાથીઓને સરેરાશ એક સો રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે અને તેટલા જ રૂપિયા કેન્દ્ર સરકાર તેમના પેન્શન ખાતામાં જમા કરાવશે.
સાથીઓ, મારો આપ સહુથી આગ્રહ છે કે તમે તમારા વેપારની સાથે દેશના મધ્યમ વર્ગનાં સપનાંઓને પૂરા કરવાવાળા સાથીઓનું પણ અવશ્ય ધ્યાન રાખો. તમે એમને આ પેન્શન યોજના સાથે સાંકળવા માટે તમારી તરફથી પણ યોગદાન આપો. હું સમજું છું કે આ પ્રકારે તમે પણ જોઇ શકશો કે તમારા આ સાથી પ્રધાનમંત્રી જીવન – જ્યોતિ વીમા યોજના અને સુરક્ષા વીમા યોજના સાથે પણ સંકળાયેલા છે. એ જોવું જોઇએ, 90 પૈસા પ્રતિ દિવસનું પ્રીમિયમ છે, ક્યારેક-ક્યારેક એક મિત્ર સાથે વાતો કરતાં-કરતાં ગાડી ચાલુ રાખો છો તો નકામું એટલાનું તો તમે પેટ્રોલ બાળી નાખો છો.

તમે તમારા સાથીમીત્રો માટે આટલુ તો કરી લો, તેમના જીવનમાં કોઇ સંકટ આવશે તો બે-બે લાખ રૂપિયાનો વીમો તેમના પરિવારને કેટલી મોટી તાકત આપશે. હજારો કરોડ રૂપિયા આવા પરિવારો સુધી પહોંચી ચૂક્યા છે, આ યોજના દ્વારા, કરોડો પરિવાર તેની સાથે જોડાયેલા છે. તમે જોજો, તમારે ત્યાં કોઇ ગરીબ પરિવાર, તેમને આની જાણકારી છે કે નહીં. તમે એમને લાભ અપાવો, સરકાર આપવા માટે તૈયાર છે. આ પ્રયાસ સામાજિક દાયિત્વને લઇને તમે જે કામ કરી રહ્યાં છો, તેમને વધારે વિકસાવશે જી. મને જણાવવામાં આવ્યું છે કે તમે ગરીબ બાળકોનાં શિક્ષણ અને અને કૌશલ્ય વિકાસથી લઇને સ્વચ્છ ભારત અભિયાન સુધી પોતાનું યોગદાન આપી રહ્યાં છો, હું તેના માટે આપ સહુને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

સાથીઓ, તમારા જેવા આવનારી પેઢીના નેતૃત્વ લેનારાઓ જ નવા ભારતને સુરક્ષિત કરવાના છો. તમારા નવા વિચારો, તમારા સામર્થ્યના જોર પર જ હું મોટા અને મુશ્કેલ લક્ષ્ય રાખી શક્યો છું. તમારી આ મજબૂતિને કારણે જ હું કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આ મજબૂતી દેશને વધારે મજબૂત બનાવવા માટે આગળ પણ ઉપયોગી સાબિત થશે. આ મારો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે ઘરોને વધારે સસ્તા કેવી રીતે બનાવવામાં આવી શકે તેને લઇને આ કાર્યક્રમમાં ગંભીર મંથન થશે અને નવા વિચાર સામે આવશે. ખાસ કરીને આવાસ ક્ષેત્રમાં ટકાઉ વિકાસ અને નવીન ટેકનોલોજીનો વધુ ઉપયોગ કેવી રીતે થઇ શકે તે અંગે ચર્ચા થવી જરૂરી છે.

હરિત અને સ્વચ્છ ઊર્જા, ઊર્જા કાર્યક્ષમતા, જળ સંરક્ષણ, બાંધકામ સામગ્રીનો ફરીથી ઉપોયોગ કરી શકાય અને અપાર્ટમેન્ટસમાં આધુનિક વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવું એ પણ તમારી પ્રાથમિકતા હોવી જોઇએ. સાથે બાંધકામ માટે નવી ટેકનોલોજીનો પ્રભાવી અને વ્યાપક ઉપયોગ પણ જરૂરી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લગભગ 12 લાખ ઘરોનું નિર્માણ નવી ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. આવાસ ક્ષેત્રમાં આ ટેકનોલોજીને વધારવા માટે બાંધકામ કિંમત તો ઘટશે, ઘરોનું નિર્માણ પણ ઝડપથી થશે. વિશ્વની શ્રેષ્ઠ આવાસ ટેકનોલોજીની ઓળખ કરવા માટે વૈશ્વિક આવાસ ટેકનોલોજી પડકાર સાથે સંકળાયેલ પરિષદ પણ આવતા મહિને અહીં દિલ્હીમાં આયોજીત કરવામાં આવી રહી છે. તમે બધા આ પડકારનો હિસ્સો બની શકો છો.

સાથીઓ, તમારી પાસેથી દેશને પોતાનાં ઘરનું સપનું સજાવનારા દરેક સામાન્ય માનવીને ખૂબ આશાઓ છે. તમે આ આશાઓ પર ખરા ઉતરશો, એ વિશ્વાસ સાથે હું આજે ઘણું બધું બતાવતો રહ્યો હતો, પરંતુ હું હજુ કેટલીક વાતો જોડવા માગતો હતો. હું હમણા જક્ષયને પૂછી રહ્યો હતો કે તમારે ત્યાં આટલા બધા નવયુવાન છે, કોઇ સ્પર્ધા વગેરે થાય છે કે નહીં? તો તેમણે કહ્યું ના હમણાં અમે વિચાર્યું નથી. હું તમને એક વિચાર આપું છું – શું ક્રેડાઈ સંસ્થા બાંધકામની દુનિયામાં જે ટેકનોલોજીમાં નવીનતા કરનારા કેટલાક સ્ટાર્ટ અપ હોય, અહીં તમારી સાથે જે કામ કરનારા લોકો છે, તેમણે પોતાની રીતે કંઇક નવું કર્યું હોય, કોઇ ક્લાયમેન્ટના સંદર્ભમાં પોતાની બાંધકામની દુનિયાને આગળ વધારતો હોય, કેટલાક જે પર્યાવરણપ્રેમી હોય. તમારે ત્યાં એવા લોકો હોય જેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ટેકનિકનો પ્રયોગ કરતાં હોય અને આવા આવા કચરાનો ઉપયોગ કરીને બાંધકામના કામમાં તેનો ઉપયોગ કરતા હોય. કચરામાંથી સંપત્તિ સર્જન કરતાં હોય. એવી પદ્ધતિ કે જે તમારા કામ સાથે સંકળાયેલી હોય તેમને જોડવાની, નવીનતાની, નવી પ્રેક્ટિસની સ્પર્ધા કરીને આવા જ્યારે તમારા કોઇ કાર્યક્રમ હોય તેમાં એક જ્યૂરી બનાવીને આવા લોકોને પુરસ્કાર આપવાની કલ્પના વિચારવી જોઇએ.

બીજુ એક કામ- અને હું માનું છું કે કદાચ તમને સારું પણ લાગશે, કારણ કે તમારી પણ જરૂર મહિલા સંસ્થા છે. પણ તે કદાચ વાસ્તવમાં આ ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓ છે, તેમની સંસ્થા છે, પરંતુ મોટાભાગે આવી સંસ્થા હોય તો તેમની પત્નીઓ અથવા પરિવારના લોકો કેટલાક સંગઠનમાં હોય છે. શક્ય હોય તો એક આવું, એક વધારાનું સંગઠન બનાવવું જોઇએ જેમાં તમારા પરિવારની મહિલાઓ સંકળાયેલી હોય, જેઓ વેપારમાં નથી પરંતુ પોતાના ઘરથી કામ કરે છે, ઘર સંભાળે છે. મેં આવો એક પ્રયોગ કર્યો હતો, જ્યારે હું ગુજરાતમાં હતો, મુખ્યમંત્રી હતો. અમે ઝૂંપડપટ્ટીઓના સ્થાને ફ્લેટ બનાવ્યા, ખૂબ મોટા પાયે આ કામ કર્યું હતું. પરંતુ હું અનુભવી રહ્યો હતો કે મનોવૈજ્ઞાનિક રીતે, તમે ઘણા સમય અગાઉ એક મૂવી જોઇ હશે, મેં જોઇ હતી, મને નામ યાદ નથી રહ્યું પરંતુ તમને યાદ આવી જશે. કમલ હસન તેમાં કલાકાર છે અને તે ક્યાંક ઝૂંપડાંમાં રહેતો હતો, બાજુમાંથી રેલવે પસાર થતી હતી તો ગાડીનાં અવાજથી તેને ઊંઘ આવતી હતી. હવે જ્યારે તેનું ઘર બદલાઈ જાય છે ત્યારે ગાડીનો અવાજ આવવાનો બંધ થઇ જાય છે તો તેને ઊંઘ આવતી નથી. તો તેમણે રેકોર્ડ કર્યો ગાડીનો અવાજ અને રાતે ટેપ ચલાવીને ઊંઘતા હતા તો ગાડીનાં અવાજથી તેમને ઊંઘ આવતી હતી.

કહેવાનો મતલબ એ છે કે જે ગરીબીમાં જીવન વિતાવે છે તે જ્યારે નવા મકાનમાં જાય છે તો એ પોતાની જાતને અનુકૂળ કરી શકતો નથી. પરંતુ જો તમને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી જાય અને તેની તાલીમ મળી જાય તો તેનું જીવન બદલાઈ જશે, દિવાલો બદલવાથી જીવન નથી બદલાતું. તેના માટે મેં એક સેવાભાવી સંસ્થા સાથે વાત કરી અને કર્યું શું – આ જે ગરીબ પરિવારના લોકોને જે પાકા મકાન મળ્યા તો મેં એમના પરિવારોની તાલીમ શરૂ કરાવી, શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમને જાણકારી જ નહોતી, તેઓ વિચારતા હતા કે આ છે શું, પહેલા તો ત્યાંથી જ પૂછતા હતા કારણ કે જોયું નહોતું અને હું બતાવું, આપણા દેશમાં ઘણી એવી વાતો છે કે જે સાંભળીને આપણને આશ્ચર્ય થતું હોય છે કારણ કે આપણે એ જીવનને જીવ્યું નથી, આપણને ખબર નથી. તો તેમને શિખવાડવામાં આવ્યું, આ શૌચાલય હોય છે, આ રીતે ઉપયોગ કરી શકાય. નળનો ઉપયોગ આ રીતે કરવાનો હોય છે. આ કરવું, પેલું કરવું વગેરે-વગેરે… એક કાચવાળી બારી છે તો શું કરશો. જૂની સાડી છે ચાલો પડદો બનાવી લઇએ. તમારા ઘરમાં કોઇ આવશે તો પગ લૂંછીને આવવું જોઇએ. સારું ચાલો જૂના ઘરમાં કોઇ થેલી જેવું હોય તો તેમાંથી કંઇક બનાવી લઇએ. આવી વસ્તુઓ માટેની તાલીમ મેં એક એનજીઓના માધ્યમથી શરૂ કરાવી હતી. ત્રણ અઠવાડિયા તેઓ લગાવતા હતા, તેમનો આત્મવિશ્વાસ એટલો બદલાઈ ગયો કે પછી તેઓ પૈસા બચાવવા લાગ્યા, પછી પ્લાસ્ટિકની એકાદ ખુરશી લઇ આવ્યા, પછી ચટાઈ લઇ આવ્યા, પડદા બરાબર કરવા, તેમને જીવન જીવવાનો આનંદ આવવા લાગ્યો. પછી તેમના મનમાં થવા લાગ્યું કે રેડિયો લાવીશું, ટીવી લાવીશું.

જો તમે મકાન બનાવવાની યોજના સાથે સાથે પોતાના પરિવારજનોની કોઇ એનજીઓ બનાવીને, પછીથી કેવી રીતે જીવવું, હવે કેવી રીતે જીવવું જોઇએ, તે જો તમે એક સ્ટેપ આગળ જતાં રહેશો તો એ પરિવારોને તાલીમ આપો, જીવવાનું શીખવો એમને, તમે જોજો તમને આ મકાન બનાવવાથી વધારે એમનું બદલાયેલું જીવન તમારા જીવનમાં સૌથી વધારે સંતોષ આપશે, સહુથી વધારે ખુશી આપશે.

કેટલીક આવી નવીન વસ્તુઓ તમે કરશો અને તમે યુવાજન છો વસ્તુઓને સ્વીકારવા કરવાની તમારી તાકાત વધારે હોય છે અને મારું મગજ વધારે યુવાન છે. હું ખૂબ ઝડપથી દોડનારો છું અને કરનારો વ્યક્તિ છું અને એટલા માટે મારું – તમારું મેચિંગ જલ્દી થઈ જાય છે. મને કોઇ અંતરનો અનુભવ થતો નથી. મને ન તો પદનું અંતર નડે છે કે નહીં વયનું અંતર નડે છે, ન તો મારા બેકગ્રાઉન્ડનું અંતર હોય છે. દિલમાં એક જ આગ હોય છે – તમને મળું, તમારી સાથે વાત કરું, તમારા માટે વિચારું, તમારી સાથે કામ કરું, મળીને દેશ માટે કામ કરીએ.

આ જ લાગણી સાથે હું ફરી એકવાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું અને જે પણ કલાકારે મારાથી પણ મને સુંદર બનાવીને ચિત્ર દોર્યું છે એ કલાકારને પણ ખૂબ-ખૂબ અભિનંદન. મેં જક્ષયને કહ્યું કે, મને એ કલાકારનું સરનામું આપે હું જરૂરથી એ મિત્રને પત્ર લખીશ, જેણે આ પ્રકારથી પોતાનું કામ કર્યું છે.
હું ફરી એકવાર આપ સહુને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું, મેં જે વાતો બતાવી છે, દેશના સંદર્ભમાં બતાવી છે, તમને સારી લાગે તો લઇ જજો, ખરાબ લાગે તો મારા માટે છોડી જજો. હું સારી રીતે તેને યોગ્ય બનાવીશ અને પછી પીરસવા માટે આવીશ.

ખૂબ – ખૂબ ધન્યવાદ

***

RP