Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતનાં ઘોઘામાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા તેમજ પશુઆહાર પ્લાન્ટનાં ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનાં પ્રવચનનો મૂળપાઠ

ગુજરાતનાં ઘોઘામાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા તેમજ પશુઆહાર પ્લાન્ટનાં ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનાં પ્રવચનનો મૂળપાઠ

ગુજરાતનાં ઘોઘામાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા તેમજ પશુઆહાર પ્લાન્ટનાં ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનાં પ્રવચનનો મૂળપાઠ

ગુજરાતનાં ઘોઘામાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા તેમજ પશુઆહાર પ્લાન્ટનાં ઉદ્ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનાં પ્રવચનનો મૂળપાઠ


આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળી પછી ગુજરાતમાં નવો સંકલ્પ કરવાની પ્રણાલી છે, નવા આત્મવિશ્વાસ સાથે આગળ ધપવાનો ચીલો છે અને દિવાળી પછી તરત જ ભાવનગર ઘોઘાની ભૂમિ પર આવીને સમગ્ર ગુજરાતને નવા વર્ષની શુભેચ્છા પાઠવવાની તક મળી. આ માટે હું ગુજરાત સરકારનો આભારી છું અને હું જીવનમાં ભાગ્યશાળી હોઉં એમ મને લાગે છે. ઘોઘાના ભાઈઓ અને ભાવનગરથી આવેલા ભાઈઓ, આજનો આ કાર્યક્રમ ભલે ઘોઘા-દહેજ વચ્ચેનો હોય, પરંતુ આ સમગ્ર હિન્દુસ્તાનને અસર કરતો કાર્યક્રમ છે. એક રીતે, સાઉથ-ઈસ્ટ એશિયામાં એક નવો જ સીમાચિહ્નરૂપ કાર્યક્રમ છે અને એટલે જ સ્વાભાવિક રીતે દેશનાં લોકોની પણ ઈચ્છા આજના આ કાર્યક્રમ અંગે જાણવાની હોય તે સ્વાભાવિક છે. અને એટલે જ આપ સહુની ક્ષમા સાથે આજે હું થોડી વાતો હિન્દી ભાષામાં કરીશ અને થોડી આપણી ગુજરાતીમાં.

અહીં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

આપ સહુને દિપાવલી અને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે, હમણાં જ આપણે લોકોએ ભાઈ બીજનો તહેવાર ઉજવ્યો. લાભપાંચમના તહેવારની રાહ જોઈ રહ્યા છીએ અને નવા સંકલ્પ સાથે, નવા ભારત, નવા ગુજરાતના નિર્માણની દિશામાં આજે એક અમૂલ્ય ભેટ ઘોઘાની ભૂમિ પરથી સમગ્ર હિન્દુસ્તાનને મળી રહી છે. આજે ઘોઘા દહેજ વચ્ચે રો-રો ફેરી સેવાનાં પ્રથમ તબક્કાનો શુભારંભ થઈ રહ્યો છે. ભારતમાં આ પ્રકારનો આ સર્વપ્રથમ પ્રોજેક્ટ છે. વળી દક્ષિણ પૂર્વ એશિયામાં પણ આટલો મોટો સૌપ્રથમ પ્રોજેક્ટ છે. હું ગુજરાતના લોકોને, અહીંની સરકારને, 650 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ અનેક આધુનિક ટેકનોલોજી સાથે પરિપૂર્ણ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પ્રોજેક્ટના આરંભ સાથે જ સાડા છ કરોડ ગુજરાતીઓનું એક ઘણું મોટું સ્વપ્ન સાકાર થયું છે.

ભાઈઓ બહેનો, હું જ્યારે શાળામાં અભ્યાસ કરતો હતો, ત્યારે અમારે ત્યાં શાળામાં એક નિયમ હતો કે રોજ જે સમાચાર હોય, તે બાળકો બ્લેકબોર્ડ પર લખતા. અને જ્યારે સભા હોય, ત્યારે એક વિદ્યાર્થી, જેનો વારો હોય, તેણે સમાચાર વાંચવાનાં, બાળપણમાં શાળામાં આ સાંભળ્યું હતું, અને એ સમયે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હશે, સાંભળ્યું હતું કે ગુજરાતમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી શરૂ થવાની છે. હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે સાંભળ્યું હતું કે ગુજરાતમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ થવાની છે. આટલી બધી સરકારો આવીને ગઈ, ભાવનગરમાં પણ કદાવર નેતાઓ આવીને ચાલ્યા ગયા, પરંતુ સારાં કામો બધાં મારા જ નસીબમાં લખાયેલા છે.

હમણાં આ મંચ પર મને સર્વોત્તમ ડેરી કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટનનો અવસર પણ મળ્યો છે. આ ડેરી ઉદ્યોગ, તમને જાણીને આઘાત લાગશે, ગુજરાતમાં ભૂતકાળમાં એવી સરકાર હતી કે જેમણે કચ્છ-કાઠિયાવાડમાં ડેરી ન બને એવા ઊંધા નિયમો બનાવ્યા હતા. અમે આવીને આ નિયમો બદલ્યા અને તેના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં ડેરીઓ બની. ક્યાંક ત્રણ લાખ લીટર દૂધ, ક્યાંક ચાર લાખ લીટર દૂધ, ક્યાંક અગિયાર લાખ લીટર દૂધ, અહીંનાં પશુપાલકોને, અહીંનાં ખેડૂતોને દૂધનાં પૂરા પૈસા મળવા લાગ્યા અને ખેતીમાં જો કોઈ દિવસ મુશ્કેલી આવી તો દૂધના ભરોસે બાર મહિના નિકળી જાય એવું કામ આ ડેરીના વિકાસથી થયું છે. આજે આશરે 65 કરોડ રૂપિયાના ખર્ચથી ભાવનગરમાં સર્વોત્તમ ડેરી દ્વારા પશુ આહાર માટે વૈજ્ઞાનિક અભિયાન હવે શરૂ થઈ રહ્યું છે. પશુપાલનમાં પશુ આહારનું ખૂબ મહત્ત્વ છે. શ્રેષ્ઠત્તમ રીતે પશુઓની દેખભાળ થાય, શ્રેષ્ઠ પશુ આહાર મળે, તો આપણા દેશમાં જે મુસીબત છે, તે મુસીબતમાંથી દેશને આપણે બહાર કાઢી શકીએ. મુસીબત શું છે? દુનિયામાં સૌથી વધુ પશુઓ આપણી પાસે છે, પરંતુ પશુ દીઠ દૂધનું ઉત્પાદન થાય, તે ઘણું ઓછું હોય, તેવા દેશોની યાદીમાં આપણે સામેલ છીએ. પશુઓની સંખ્યા ઓછી હોય, તો પણ દૂધનું ઉત્પાદન વધુ હોય તો પશુપાલકને પરવડે અને તો જ ખેડૂતને પરવડે. અને એટલા માટે જ પશુની દેખભાળ, પશુ માટે આહાર અત્યંત મહત્ત્વપૂર્ણ બને છે. થોડા સમય પહેલા હું ભરૂચ આવ્યો હતો. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનમાં એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં જે ચીજોનું ઉત્પાદન થાય છે, તે પશુઆહાર બનાવવા ઉપયોગમાં લેવાય છે. અને આજે ભાવનગરની ભૂમિ પર આવીને સર્વોત્તમ ડેરી દ્વારા 65 કરોડના ખર્ચે પશુ આહાર માટે જે પ્લાન્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે, હું ભાવનગર જિલ્લાના પશુઓને શુભેચ્છાઓ પાઠવું છું, જેમને આ ઉત્તમ આહાર મળશે. એના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ વધશે, દૂધનું ઉત્પાદન વધશે અને ખેડૂતોનું જીવનધોરણ સુધરશે. ભાઈ મહેન્દ્ર અને તેમના બધા મિત્રોને, ડેરીના તમામ ડાયરેક્ટરોને ડેરીની ઉત્તરોત્તર પ્રગતિ માટે ખૂબ અભિનંદન આપું છું, અનેક શુભેચ્છાઓ પાઠવું છું.

મારા વ્હાલા ભાઈઓ બહેનો, એક વિવાદનો વિષય છે. કયો ? માનવી સૌથી પહેલા તરતાં શીખ્યો હતો કે પૈડું બનાવતા શીખ્યો હતો ? કોઈ નક્કી કરી શકતું ન હતું કે પહેલાં પૈડું બન્યું કે પહેલા માણસ તરતા શીખ્યો. પરંતુ એ સાચી વાત છે કે માનવજાતે સદીઓથી નૌકા તરાવીને નદી પાર કરવી હંમેશા સહેલી સમજી. ગુજરાતનો સામુદ્રિક યાત્રાનો ઈતિહાસ હજારો વર્ષોનો છે. નૌકા અહીં જ બનતી હતી. નૌકા લઈને દુનિયામાં જવાની લોકોની પરંપરા હતી. લોથલમાં 84 દેશોના ઝંડા ફરકતા હતા. ફલફી યુનિવર્સિટી, 1700 વર્ષો પહેલાં અનેક દેશોનાં બાળકો આપણે ત્યાં ફલફી યુનિવર્સિટીમાં ભણતા હતા. પરંતુ ખબર નહીં શું થયું, બધું ઈતિહાસની ધરતીમાં ધરબાઈ ગયું. એ પણ તો એક જમાનો હતો. લંકાની લાડીને ઘોઘાનો વર. શું સમૃદ્ધિ હશે ઘોઘાની… કે લંકાની લાડી અને ઘોઘાનો વર એમ કહેવાતું હતું.

ભાઈઓ બહેનો, આજનો આ કાર્યક્રમ, આજનો આ આરંભ, ઘોઘા, ભાવનગર, ગુજરાતના સમુદ્ર તટના એ પ્રાચીન ભવ્ય દિવસોને પાછા લાવવાનો અવસર છે. ઘોઘા-દહેર વચ્ચે ફેરી સર્વિસને કારણે દક્ષિણ ગુજરાતના કરોડો લોકોની જિંદગી માત્ર આસાન બનાવશે, એટલું જ નહીં, પરંતુ તેમને વધુ નજીક લાવશે. જે સફરમાં 7-8 કલાક લાગતા હતા, એ સફર માત્ર સવા કલાકમાં પૂરી થઈ શકશે. આપણે ત્યાં કહેવાય છે કે સૌથી મૂલ્યવાન વસ્તું સમય હોય છે. ટાઈમ ઈઝ મની એમ કહેવાય છે. આજે વિશ્વમાં કોઈ 24 કલાકના 25 કલાક નથી કરી શકતું. પરંતુ આ ભારત સરકાર અને ગુજરાત સરકાર છે, જે તમારા 24 કલાકમાંથી એક કલાકની સફર કરીને સાત કલાકની ભેટ આપી શકે છે. એક સ્ટડી કહે છે કે સામાન લઈ જવામાં જો સડકના રસ્તે દોઢ રૂપિયાનો ખર્ચ થતો હોય, તો એટલો જ સામાન લઈ જવા માટે રેલવે દ્વારા એક રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ એ જ સામાન જો આપણે જળમાર્ગે લઈ જઈએ તો માત્ર 20-25 પૈસામાં લઈ જઈ શકીએ છીએ. તમે વિચારી શકો છો કે તમારો કેટલો બધો સમય બચશે. દેશનું કેટલું બધું પેટ્રોલ ડિઝલ બચશે. નહીં તો લાખો લીટર ઈંધણ તો જ્યારે ટ્રાફિક જામ થાય છે, ત્યારે જ બરબાદ થઈ જતું હોય છે.

ભાઈઓ અને બહેનો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે દરરોજ લગભગ 12 હજાર લોકો મુસાફરી કરે છે. પાંચ હજારથી વધુ ગાડીઓ દરરોજ આ બંને ક્ષેત્રોને કનેક્ટર કરવા માટે માર્ગો પર દોડે છે. જ્યારે આ કનેક્ટિવિટી માર્ગને બદલે સમુદ્રથી થશે, તો 307 કિલોમીટરનું અંતર 31 કિલોમીટરમાં ફેરવાઈ જશે. એક ફેરીમાં 500થી વધુ લોકો, આશરે 100 ગાડીઓ, લગભગ 100 ટ્રક લઈ જઈ શકાશે. સાથીઓ, જ્યારે ટ્રાફિકનો નોંધપાત્ર હિસ્સો આ ફેરી સર્વિસ પર નિર્ભર થઈ જશે. અથવા તો જ્યારે પોત-પોતાની ગાડીઓ અહીંથી ત્યાં લઈ જશે, ત્યારે તેની અસર દિલ્હી અને મુંબઈને કનેક્ટ કરતા રસ્તાઓ પર પણ પડશે. ગુજરાતના સૌથી વધુ ઔદ્યોગિકરણ ધરાવતાં વિસ્તારો જેવાં કે દહેજ, વડોદરા અને તેની આસપાસના રસ્તાઓ પર ગાડીઓની સંખ્યા ઘટશે, ગાડીઓની ગતિ વધશે અને આ ઝડપ સમગ્ર અર્થવ્યવસ્થાને ટોપ-ગિયરમાં લઈ જશે.

સાથીઓ, આપણે જૂના અભિગમ સાથે નવાં પરિણામો ન મેળવી શકીએ. ન તો જૂના વિચારો સાથે નવા પ્રયોગો કરી શકાય છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આનું પણ ઘણું મોટું ઉદાહરણ છે.

હું જ્યારે મુખ્યમંત્રી બન્યો અને માહિતી મેળવી, આ અંગે ચર્ચા કરી, તો ખબર પડી કે કેટલાયે દસકાઓ વીતી ગયા હતા, પરંતુ આ યોજના ખબર નહીં કયે ખૂણે જઈને પડી હતી. હવે જ્યારે મેં એને હાથમાં લીધી, આગળ વધવા લાગ્યો, મારા આવ્યા પછી હું ઈચ્છતો હતો કે એ તરત જ શરૂ થાય, પરંતુ તમે હેરાન થઈ જશો કે સરકારે એવી સ્ટ્રક્ચરલ ભૂલો કરી હતી કે રો-રો ફેરી સર્વિસ ક્યારેય પૂરી થઈ જ ન શકે. વીતેલા જમાનામાં તેમણે શું કામ કર્યું હતું ? મુશ્કેલી એ હતી કે જેણે ફેરી ચલાવવાની હતી, એને જ આગ્રહ કરવામાં આવતો હતો કે તું પણ ટર્મિનલ બનાવ. મને કહો, રસ્તા પર કોઈ બસ ચલાવે તો આપણે એને કહીએ છીએ કે તું રસ્તો બનાવ, બસવાળાને કહીએ છીએ કે તું બસસ્ટેશન બનાવ…! એરપોર્ટ પર વિમાન આવે છે, શું હું વિમાનવાળાને કહું છું કે એરપોર્ટ બનાવ ? એરપોર્ટ સરકાર બનાવે છે, બસસ્ટેશન સરાકર બનાવે છે, રસ્તો સરકાર બનાવે છે. તેના પર દોડવા માટે પ્રાયવેટ લોકો વ્યાપાર માટે આવે છે. રો-રો ફેરી સર્વિસમાં તેમણે કહી દીધું કે એક જેટ્ટી બનાવવાની છે, તેનું પોર્ટ બનાવવાનું છે, તમારે કરવું હોય તો કરો. આ સમુદ્રનો કિનારો છે, આ પાણી છે, આગળ વધો. કોણ આગળ વધશે, ભાઈ ? છેવટે અમે નીતિઓ બદલી, જૂની સરકારોના આ અભિગમને અમે બદલ્યો. અમે નક્કી કર્યું કે ફેરી સર્વિસ માટે ટર્મિનલ બનાવવાનું કામ સરકાર કરશે. ટર્મિનલ બની ગયા પછી તેનું સંચાલન અને ફેરી ચલાવવાનું કામ પ્રાયવેટ એજન્સીને અપાશે. અહીંના ‘રબ’ સમુદ્ર વિસ્તારમાં તલહાટીમાં જમીન માટી પણ મોટી સમસ્યા હોય છે. આને કારણે ફેરીને કિનારા સુધી આવવામાં મુશ્કેલી પડે છે. બદલાયેલી વ્યૂહરચના હેઠળ સરકારે પણ નક્કી કર્યું કે માટી કાઢવા માટે પથ્થર હટાવવા માટે દરિયાનો કાંપ કાઢવા માટે પણ સરકાર ખર્ચ ઉઠાવશે. અમે એવી વ્યવસ્થા પણ ગોઠવી કે, આ સેવા પછી ખાનગી એજન્સીને જે લાભ થશે, તેમાં સરકારની પણ ભાગીદારી હશે. આ નવી વ્યૂહરચના સફળ થઈ. અને એનું જ પરિણામ છે કે ઘોઘા- દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ થઈ રહ્યો છે.

હું 2012માં આવ્યો હતો. આનો શિલાન્યાસ મેં કર્યો હતો. પરંતુ ત્યારે સમુદ્રમાં કંઈક કામ કરવું હોય તો આપણે થોડા ભારત સરકાર પર ડિપેન્ડેન્ટ રહેતા હતા. અને ભારત સરકારમાં એવા લોકો બેઠા હતા એ સમયે, જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો. વાપીથી માંડીને કચ્છના માંડવી સુધી ગુજરાતના સમુદ્ર કિનારે વિકાસ પર તદ્દન પ્રતિબંધ લગાવી દેવાયો. આપણી બધી જ ઈન્ડસ્ટ્રીઝને પર્યાવરણના નામે તાળા મારી દેવાની ધમકીઓ અપાઈ હતી. હું જાણું છું કે કેટલી મુશ્કેલીઓમાં અમે ગુજરાતને આગળ ધપાવવામાં સફળતા મેળવી હતી. પરંતુ જ્યારે દિલ્હીમાં તમે બધાએ મને સેવા કરવાની તક આપી, એક પછી એક મુશ્કેલીઓ ઉકેલાતી ગઈ. અને આજે રો-રો ફેરી સર્વિસના પહેલા તબક્કાનું લોકાર્પણ કરવાનો સમય આવ્યો, અને આ પ્રોજેક્ટ મુશ્કેલ હતો. વરૂણ દેવ અમારી પરીક્ષા લેતા રહ્યા. પરંતુ ઈતિહાસ સાક્ષી છે, જ્યારે સેતુના નિર્માણમાં કોઈ પ્રકારે વિઘ્ન આવ્યું તો સમુદ્ર મંથનમાંથી જ અમૃત પણ નીકળીને આવ્યું.

સાથીઓ આજે આપણને વરૂણ દેવના આશીર્વાદથી આ અમૃત મળ્યું છે. જે જળસેતુ મળ્યો છે. હું શિશ ઝુકાવીને એ જ કામના કરું છું કે વરૂણ દેવના આશીર્વાદ હમેશની માફક ગુજરાતના લોકોને મળતા રહે. અને આજે જ્યારે આપણે આ રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરી રહ્યા છીએ, ત્યારે હું વીર મોખરાજી દાદાને પણ નમન કરું છું. અને જે રીતે મારા માછીમાર ભાઈ બહેન વીર મોખરાજી દાદાને નારિયેળ ચઢાવીને આગળ વધે છે. હું પણ તેમની પરંપરાનું આજે પાલન કરીશ. અને વીર મોખરાજીના આશીર્વાદથી આપણા મુસાફરોની સુરક્ષા સચવાય. ભાવનગર અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો ભાગ બનીને આગળ વધે, એટલી પ્રગતિ થાય અને વીર મોખરાજીના આશીર્વાદ આપણા પર વરસતા રહેશે, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

આ યોજના ઇજનેરો અને ગુજરાત સરકાર બંને માટે એક ઘણો મોટો પડકાર હતો. એટલે જે પણ લોકો આ યોજના સાથે જોડાયેલા છે, તે સૌ અભિનંદનને પાત્ર છે.

ભાઈઓ અને બહેનો, ગુજરાતમાં દેશનો સૌથી મોટો સી ફ્રન્ટ ઉપલબ્ધ છે. 1600 કિલોમીટરથી પણ લાંબો આપણો દરિયાકિનારો છે. સેંકડો વર્ષોથી ગુજરાત પોતાની શક્તિ અને સામર્થ્ય વડે સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચતું આવ્યું છે. લોથલ પોર્ટથી મળેલી જાણકારીઓ આજે પણ મોટા મોટા મરીન એક્સપર્ટસને આશ્ચર્યચકિત કરે છે. જે જગ્યાએ આપણે સહુ ઉપસ્થિત છીએ, ત્યાં સેંકડો વર્ષોથી દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાંથી જહાજ આવતાં રહ્યાં છે. આ સમુદ્રને વારસો સમજીને, જોઈને હું એ સમયથી જ ગુજરાતમાં બંદરો આધારિત વિકાસની વાત કરી રહ્યો છું, જ્યારે તમે મને મુખ્યમંત્રી પદે બેસાડ્યો. એને જ ધ્યાનમાં રાખીને અમે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટની અન્ય યોજનાઓ પર વધુ ધ્યાન આપ્યું. અમે શિપ-બિલ્ડિંગની નવી નીતિ બનાવી, શિપ બિલ્ડિંગ પાર્ક બનાવ્યા. સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સમાં નાનાં બંદરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. શિપ-બ્રેકિંગના નિયમોમાં પણ મોટા ફેરફારો કરાયા. સરકારે સ્પેશિયલાઈઝ્ડ ટર્મિનલ્સના નિર્માણ પર પણ વધુ ભાર મૂક્યો, જેમ કે દહેજમાં સોલિડ કાર્ગો, કેમિકલ અને એલએનજી ટર્મિનલ, મુંદ્રામાં કોલ ટર્મિનલ, એવાં સ્પેશિયલાઈઝ્ડ ટર્મિનલ્સથી ગુજરાતના બંદર ક્ષેત્રને એક નવી દિશા, નવી ઉર્જા અને નવી ચેતના પ્રાપ્ત થઈ છે.

એની સાથે જ સરકારે વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ કનેક્ટિવિટી પ્રોજેક્ટને પણ વિશેષ રીતે પ્રોત્સાહન આપ્યું. સરકાર આવનારા દિવસોમાં મરીન યુનિવર્સિટી સ્થપાય અને લોથલમાં મરીન મ્યુઝિયમ સ્થપાય એ માટે પણ ઘણી વ્યાપક રીતે આ દિવસોમાં કામ કરી રહી છે. આ તમામ કાર્યોની સાથે જ અહીં વસેલા મારા માછીમાર ભાઈઓ અને સ્થાનિક લોકોનો વિકાસ થાય, તેના માટે સાગર-ખેડૂ વિકાસ કાર્યક્રમ જેવી યોજનાઓ પણ અમે સતત ચલાવી રહ્યા છીએ. એ વાત પર પણ અમે ભાર મૂક્યો છે કે શિપિંગ ઈન્ડસ્ટ્રીમાં સ્થાનિક યુવાનોને તાલીમ આપીને તેમને જ રોજગાર આપવામાં આવશે.

આપણા સ્થાનિક યુવાનોને તૈયાર કરીને તેમને એમાં રોજગાર મળે તેના માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી, વીજળીની સાથે જ અમે દરિયાઈ સામાજિક સુરક્ષા (કોસ્ટલ સોશિયલ સિક્યુરિટી)નું પણ સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે.

ભાઈઓ અને બહેનો, હમણાં થોડા સમય પહેલા જ જાપાનના પ્રધાનમંત્રી આવ્યા હતા. એ સમયે અમે જાપાન સાથે શિપિંગ ક્ષેત્ર માટે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી કરી. આ સમજૂતીને પગલે જાપાન સરકાર અને ત્યાંની એક નાણાંકીય સંસ્થા જાઈકો (જેએઆઈસીએ), અલંગ શિપયાર્ડમાં અપગ્રેડેશન માટે તેના આધુનિકીકરણ માટે આપણને નાણાંકીય સહોયગ આપશે, આપણને નાણાં આપશે. આ માટે તેઓ તૈયાર થયા છે. આપણે ત્યાં અલંગની ઘણી ચર્ચા થઈ. પરંતુ તેના વિકાસ માટે, ત્યાંના મજૂરોની સ્થિતિ અને પર્યાવરણના નામે આપણા સમગ્ર ઉદ્યોગ પર અનેક ટીકાઓ થઈ હતી. એ બધામાંથી બહાર નીકળીને તે દુનિયામાં સૌથી આધુનિક બને એ માટે જાપાન સાથે સમજૂતી કરીને, ત્યાંથી જ નાણાં લાવીને સમગ્ર અલંગના શિપ બ્રેકિંગ પ્રોજેક્ટને વધુ આધુનિક બનાવવાની દિશામાં કામ કર્યું.

સાથીઓ, સરકાર ભાવનગરથી અલંગ-સોસિયા શિપ રિસાક્લિંગ યાર્ડ સુધીનો એક વૈકલ્પિક રસ્તો બનાવવા માટે પણ કામ કરી રહી છે. એશિયાના સૌથી મોટા શિપ રિસાક્લિંગ યાર્ડમાં 15થી 25 હજાર કર્મચારીઓ કામ કરે છે. અલંગ-સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ ભાવનગરથી આશરે 50 કિમોમીટર દૂર છે. હાલમાં જે રસ્તો છે, તેના પર ટ્રાફિક ખૂબ જામ રહેતા પારાવાર મુશ્કેલીઓ રહે છે. મને લાગે છે કે આ વાત મારે કહેવાની જરૂર નથી. સરકારે નક્કી કર્યું છે કે અલંગ-સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ અને મહુવા, પિપાવાવ અને જાફરાબાદ, વેરાવળને જોડનારો જો એક વૈકલ્પિક રસ્તો છે, તેને પહોળો કરાશે, અપગ્રેડ કરાશે. ભવિષ્યમાં અલંગ યાર્ડની ક્ષમતા પણ વધવાની છે અને એ જોતાં, વચ્ચેના રસ્તાનું આધુનિકીકરણ આવશ્યક બની ગયું છે. આ રસ્તાને કારણે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ માટે આવી રહેલી ગાડીઓને પણ લાભ થવાનો છે.

સાથીઓ, સરકારના સતત પ્રયાસનું પરિણામ એ છે કે ગુજરાતના દરિયા કિનારાનો આજે આટલી ઝડપે વિકાસ થઈ રહ્યો છે. આજે ગુજરાત સમગ્ર દેશમાં નાનાં બંદરો દ્વારા થતા કુલ કાર્ગોની અવરજવરમાં 32 ટકા માત્ર ગુજરાત જ હેન્ડલ કરી રહ્યું છે. એટલે કે સમગ્ર દેશના એક તૃતિયાંશ કાર્ગોની અવરજવર ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં, આ કામમાં છેલ્લાં 15 વર્ષોમાં અનેકગણો વધારો થયો છે. મને આશા છે કે જે રીતે છેલ્લાં 15 વર્ષોમાં ગુજરાતે પોતાનાં બંદરોની ક્ષમતાને પણ ચાર ગણી વધારી છે, કાર્ગો હેન્ડલિંગની ઝડપ પણ હજુ વધશે.

ભાઈઓ અને બહેનો, ગુજરાત રસ્તાઓની દ્રષ્ટિએ ઘણું સ્ટ્રેટેજિક લોકેશન ધરાવે છે. અહીંથી દુનિયાની કોઈ પણ ભૂમિ પર દરિયાઈ માર્ગે પહોંચવું ઘણું જ સુગમ, સસ્તું અને સરળ છે. આપણે ગુજરાતની શક્તિનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ. ગુજરાતનું મેરીટાઈમ ડેવલપમેન્ટ પણ સમગ્ર દેશ માટે એક મોડેલ છે. મને આશા છે કે રો-રો ફેરી સર્વિસનો સમગ્ર પ્રોજેક્ટ પણ બીજાં રાજ્યો માટે પણ એક મોડેલ પ્રોજેક્ટ તરીકે કામ કરશે.

અમે જે રીતે વર્ષોની મહેનત પછી આ પ્રકારના પ્રોજેક્ટમાં આવનારી મુશ્કેલીઓને સમજી છે, તેને દૂર કરી છે. ઓછામાં ઓછુ આવો જ પ્રોજેક્ટ હાથ ધરનારા રાજ્યોએ તો આ મુશ્કેલીઓનો ક્યારેય સામનો નહીં કરવો પડે. આ ફેરી સર્વિસને પગલે વિસ્તારમાં સામાજિક, આર્થિક વિકાસનો એક નવો યુગ શરૂ થશે. રોજગારની હજારો નવી તકો સર્જાશે. કોસ્ટલ શિપિંગ અને કોસ્ટલ ટુરિઝમના પણ નવા અધ્યાયનો પ્રારંભ થશે. આવનારા દિવસોમાં જ્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બની જશે અને સાથે જ દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું કામ પૂરું થઈ જશે એટલે આ સર્વિસ સહિત ગુજરાત સાથે જોડાયેલા દરિયાઈ માર્ગનું મહત્ત્વ પણ અનેક ગણું વધી જશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ભાવનગર વચ્ચેના વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને જોડવા માટે બનાવવામાં આવેલા ધોરેલા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (એસઆઈઆર)ને પણ વધુ મજબૂત બનાવશે. ધોલેરા એસઆઈઆર, માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના નકશા પર વિકાસ પામનારું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર બનવાનું છે. તેમાં લાખો લોકો માટે રોજગારની નવી તકો હશે. ગુજરાત સરકારના પ્રયાસથી ધોલેરામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલાં કાર્યો ઝડપભેર આગળ વધી રહ્યાં છે. થોડાં જ વર્ષોમાં ધોલેરા સમગ્ર દુનિયામાં પોતાની ધાક જમાવશે અને તેમાં એ જ ભૂમિની, ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું પણ યોગદાન હશે.

સાથીઓ, ભવિષ્યમાં આપણે આ ફેરી સર્વિસને માત્ર ઘોઘા-દહેજ સુધી મર્યાદિત નહીં રાખીને. આ ફેરી સર્વિસને અમે હજીરા, પિપાવાવ, જાફરાબાદ, દમણ-દિવ આ તમામ સ્થળો સાથે જોડવાની દિશામાં આગળ વધીશું. મને જણાવાયું છે કે સરકારમાં આવનારાં વર્ષોમાં આ ફેરી સર્વિસને સૂરતથી આગળ હજીરા અને પછી મુંબઈ સુધી લઈ જવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. કચ્છની ખાડીમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવાની ચર્ચા હજુ પ્રાથમિક સ્તરે ચાલી રહી છે. મને જણાવાયું છે કે કચ્છના વાયુ અને જામનગરના રોઝી બંદર વચ્ચે આ પ્રકારની સેવા શરૂ કરવા માટે પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે. એટલું જ નહીં, જ્યારે ફેરી સર્વિસનો ઉપયોગ વધશે તો તમામ ઉદ્યોગોને નર્મદા નદી દ્વારા પણ જોડી શકાશે.

સાથીઓ, ભારતની વિશાળ દરિયાઈ સરહદ 7500 કિલોમીટર લાંબી છે. રોકાણની મોટી શક્યતાઓથી ભરપૂર છે. હું માનતો રહ્યો છું કે આપણા દરિયાઈ કિનારા દેશની પ્રગતિના ગેટવે છે. ભારતની સમૃદ્ધિનાં પ્રવેશ દ્વાર આપણા બંદર છે. પરંતુ પાછલાં દાયકાઓમાં કેન્દ્રિય સ્તરે આ અંગે ભાગ્યે જ ધ્યાન અપાયું. દેશના શિપિંગ અને પોર્ટ સેક્ટર પણ લાંબા સમયથી ઉપેક્ષિત રહ્યાં. આ ક્ષેત્રમાં સુધારા માટે તેને આધુનિક બનાવવા માટે સરકારે સાગરમાલા કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આપણે ત્યાં કચ્છ-સૌરાષ્ટ્ર હંમેશા ખાલી જ થતા રહ્યા છે, લોકો ચાલ્યા જતા હતા. કારણ શું તો કહે, પીવાનું પાણી નથી અને સમુદ્રની ખારાશ ભરેલી હવા, ખેતી નથી કરી શકાતી, રોજી-રોટી નથી મળતી, લોકો છોડીને જતા રહેતા હતા. ભૂતકાળમાં સમુદ્રની તાકાતને સમજ્યા હોત, પાણીના સામર્થ્યને સમજ્યા હોત, તો કચ્છ-સૌરાષ્ટ્રના લોકોને મોટાં-મોટાં શહેરોમાં જઈને ઝૂંપડીઓમાં જીવન વિતાવવા મજબૂર ન થવું પડ્યું હોત. ભાઈઓ-બહેનો, અમે જે પગલાં ભર્યાં છે, સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારાને ફરી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં એવો ધમધમાટ જોવા મળશે, જે સૌથી વધુ આ કચ્છ-સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે જોવા મળશે, એવાં બીજ અમે રોપ્યાં છે.

સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ દેશમાં હાલનાં બંદરોના આધુનિકીકરણ તેમજ નવાં બંદરોના વિકાસ માટે કામ થઈ રહ્યું છે. રસ્તા, રેલવેમાર્ગો, આંતરરાજ્ય જળમાર્ગો અને દરિયાઈ પરિવહનને સાંકળવામાં આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટ દરિયાઈ પરિવહન મારફતે માલની હેરફેરને પ્રોત્સાહન આપવામાં અત્યંત મહત્ત્વપર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

સાથીઓ, સરકારના પ્રયાસોનું પરિણામ છે કે છેલ્લાં ત્રણ વર્ષોમાં બંદર ક્ષેત્રે અનેક મોટાં પરિવર્તનો આવ્યાં. અને અત્યાર સુધીનો સૌથી મોટો ક્ષમતા વધારો છેલ્લાં બે કે ત્રણ વર્ષોમાં થયો છે. જે બંદરો અને સરકારી કંપનીઓ નુકસાન નોંધાવી રહી હતી, તેમાં પણ પરિસ્થિતિ બદલાઈ રહી છે. સરકારનું ધ્યાન કોસ્ટલ સર્વિસ સાથે જોડાયેલા કૌશલ્ય વિકાસ પર પણ છે. એક અનુમાન પ્રમાણે માત્ર સાગરમાલા પ્રોજેક્ટને પગલે આવનારા સમયમાં હિન્દુસ્તાનમાં એક કરોડ જેટલાં નવાં રોજગારનાં અવસરો સર્જાય તેવી શક્યતા છે. અમે એ અભિગમ સાથે કામ કરી રહ્યા છીએ કે પરિવહનનું સંપૂર્ણ માળખું આધુનિક અને સંકલિત હોય.

આપણા દેશમાં પરિવહન અંગેની નીતિઓમાં જે અસંતુલન હતાં, તે પણ દૂર કરવામાં આવી રહ્યાં છે. આ અસંતુલનો એટલાં બધાં હતાં એ તમે એ વાત પરથી જ સમજી શકો છો કે આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ આપણે ત્યાં માત્ર પાંચ રાષ્ટ્રીય જળમાર્ગો હતાં. જળમાર્ગે પરિવહન આટલું સસ્તું હોવા છતાં અને દેશની નદીઓમાં પાણી હોવા છતાં આ વાતને અવગણવામાં આવી હતી. હવે આ સરકારે 106 રાષ્ટ્રીય જળમાર્ગો (નેશનલ વોટરવેઝ)ની રચના કરી છે અને તેના પર ઝડપભેર કામ ચાલી રહ્યું છે. આ રાષ્ટ્રીય જળમાર્ગોની કુલ લંબાઈ 17000 કિલોમીટરથી પણ વધુ છે. આ જળમાર્ગો સ્થાપવામાં થયેલું મોડું દેશના પરિવહન ક્ષેત્રને અસંતુલિત બનાવવામાં કારણભૂત સાબિત થયું છે.

આપણી દરિયાઈ સંપત્તિ આપણાં ગ્રામીણ અને દરિયાઈ કિનારાને એક નવો જ ઓપ આપી શકે છે. માછીમાર ભાઈઓ આ સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે તે માટે સરકારે બ્લુ રિવોલ્યુશન સ્કીમ શરૂ કરી છે. તેમને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને માછલી પકડવા અને મત્સ્ય પાલનમાં મૂલ્ય વૃદ્ધિ અંગે શીખવવામાં આવે છે.

આપણા માછીમાર ભાઈઓ માટે બ્લુ રિવોલ્યુશન સ્કીમ, તેમને લાંબી બોટ મળે, આધુનિક બોલ મળે, દૂર સુધી 12 નોટિકલ માઈલથી પણ અંદર જાય, તેમને વધુને વધુ માછલીઓ મળે અને સમગ્ર વ્યસ્થા અંદર હોય, આપણા માછીમારો ઓછી મહેનતે વધુ કમાણી કરી શકે તે માટે સરકારે બ્યુ રિવોલ્યુશન સ્કીમ હેઠળ આજે માછીમારોને લોન્ગલાઇનર ટ્રોલર્સ માટે આર્થિક મદદ આપવાની પણ યોજના બનાવી છે. એક જહાજ પર કેન્દ્ર સરકાર તરફથી ચાળીસ લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવશે. લોન્ગલાઇનર ટ્રોલર્સ માત્ર માછીમારોનું જીવન સુગમ બનાવશે એટલું જ નહીં, પરંતુ તેમના વ્યવસાયને પણ નવી આર્થિક મજબૂતી આપશે. અત્યારે જે રીતે આ ટ્રોલર્સનો ઉપયોગ થઈ રહ્યો છે, તે છીછરા પાણીમાં માછલી પકડવા માટે કામ આવે છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ હાલનાં ટ્રોલર્સ ઘણાં જૂનાં છે, જોખમી છે. એટલે જ્યારે આ જૂનાં ટ્રોલર્સ લઈને તેઓ દરિયામાં જાય છે, ત્યારે ઘણીવાર રસ્તો ભૂલી જાય છે. તેમને ખબર પણ નથી પડતી કે ભારતની દરિયાઈ સીમા છોડીને તેઓ બીજા દેશની દરિયાઈ સરહદમાં પહોંચી ગયા છે. એ પછી માછીમારોએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે આ મુશ્કેલીઓ ઓછી કરી શકીએ છીએ અને એટલા માટે જ અમે આ લોન્ગલાઇનર ટ્રોલર્સની મદદથી માછીમાર ભાઈઓ દરિયામાં સાચી દિશામાં દૂર સુધી ઊંડાં પાણીમાં માછલી પકડવા માટે જઈ શકે તે માટે સરકારે મદદ કરવાની યોજના ઘડી છે. આધુનિક લોન્ગલાઇનર ટ્રોલર્સ ઈંધણની દ્રષ્ટિએ પણ ઘણાં પરવડે તેવા હોય છે. એટલે તે માછીમારોની સુરક્ષા વધારવાની સાથે સાથે તેમનો વેપાર અને નફો બંને વધારશે.

સાથીઓ, દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અમારી સૌથી મોટી પ્રાથમિકતાઓમાંની એક છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં ધોરીમાર્ગો, રેલમાર્ગો, જળમાર્ગો અને હવાઇમાર્ગો પર જેટલાં રોકાણ કરવામાં આવ્યાં છે, અગાઉ આટલાં ઓછા સમયમાં આટલુ રોકાણ ક્યારેય કરાયું નથી. એ સિવાય, નવી ઉડ્ડયન નીતિ બનાવીને પ્રાદેશિક એર સર્વિસ સુધારવામાં આવી રહી છે. નાનાં-નાનાં એરપોર્ટનાં આધુનિકીકરણ થઈ રહ્યાં છે. કેટલાક સપ્તાહ અગાઉ જ અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું કામ શરૂ થઈ ગયું છે. આ તમામ પ્રયાસો દેશને એકવીસમી સદીની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપવાનો પાયો નાંખશે. એક એવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, જે ન્યુ ઈન્ડિયાની આવશ્યકતા મુજબની હોય, ન્યુ ઈન્ડિયાની આશાઓ મુજબની હોય. સાથીઓ, આજે અહીં ઘોઘાથી હું ફેરીના દ્વારા જ દહેજ સુધી જઈશે. મારી સાથે મારા કેટલાક નાનાં સાથી, દિવ્યાંગ બાળકો પણ હશે. તેમના ચહેરા પરની ખુશી જ મારૂ વળતર હશે. મને ગુજરાત સરકારે પૂછ્યું કે આ ફેરીમાં કોણ આવશે ? મેં કહ્યું મારાં 100 સ્પેશિયલ મહેમાનો છે અને તમારે એમને લઈ જવા પડશે. તેમને લાગ્યું કે આ મહેમાનોને હું દિલ્હીથી લઈ આવીશ. મેં એમને કહ્યું કે જે મારા દિવ્યાંગ ભાઈ-બહેન છે, પરમાત્માએ આ બાળકોને અનેક મુશ્કેલીઓ આપી છે, તેઓ આજે મારા સ્પેશિયલ ગેસ્ટ છે અને તેમને આજે હું મારી સાથે આ ફેરી સર્વિસના ઉદ્ઘાટનમાં લઈને જઈશ, દહેજ લઈ જઈશ અને આ ફેરી પરત તેમને છોડવા આવશે. ભાવનગરનાં બાળકો, દિવ્યાંગજનોને મારી સાથે લઈ જવા એ મારા માટે ગર્વનો વિષય છે.

ભાઈઓ-બહેનો, મેં બાળપણથી જે કાર્યનું સપનું જોયું હતું, તે સાકાર થયા પછી મેં જે અનુભવ્યું છે તેની કલ્પના કદાચ કોઈ નહીં કરી શકે. બાળપણમાં જે વાત સાંભળી હતી અને થઈ નહોતી રહી, આજે જ્યારે પોતાની આંખોની સામે જોઈ રહ્યો છું અને મને પોતાને એ કામ કરવાની તક મળી, હું સમજું છું કે મારા જીવનની આ ધન્ય પળ છે. હું આને મારું સૌભાગ્ય સમજું છું. હું દહેજ જઈશ, પોતાનો અનુભવ ત્યાં જણાવીશ. પરંતુ હું આજે તમને આગ્રહ કરીશ કે આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં તમે અમારી સાથે જોડાવ અને વિશ્વાસ રાખો કે આ ફેરી સર્વિસ તો શરુઆત છે, આ પહેલો તબક્કો છે. પછી તો પ્રાયવેટ કંપનીઓ આવશે, અનેક ફેરીઓ ચલાવશે. રૂટ ચાલશે, ટુરિઝમ વિકાસ પામશે. અને સૂરતના આપણા શ્રીમંતો, આને ભાડે લઈને જન્મદિવસ મનાવવા પણ સમુદ્રમાં જશે. વિકાસની ઘણી મોટી સંભાવનાઓ છે. અને એટલે જ મેં કહ્યું કે ઘોઘાનું ભાગ્ય ફરી એકવાર બદલાવાનું છે. ઘોઘાનું બાગ્ય ફરી એકવાર બદલાઈ રહ્યું છે. અને ફરી એકવાર તમને સહુને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અને સર્વોત્તમ ડેરીના કેટલ ફીડ પ્લાન્ટ માટે હું ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સહુને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ફરી એકવાર આપ સહુને નૂતન વર્ષાભિનંદન અને ખૂબ પ્રગતિ કરો, વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ. આપ સહુનો આભાર.

ભારત માતાની જય,

ભારત માતાની જય,

જય વીર મોખરાજી દાદા

જય વીર મોખરાજી દાદા

જય વીર મોખરાજી દાદા

 

NP/GP/RP