પીએમઇન્ડિયા

તમામ વરિષ્ઠ મહાનુભાવ અને હિંદુસ્તાનનું નામ રોશન કરનાર મારા ખેલાડી મિત્રો,
જે લોકો આ વિસ્તાર સાથે પરિચિત છે, તેઓ જાણતા હશે કે 10 વર્ષ અગાઉ આ કાંકરિયા કેવું હતું. આ ડેરીની તૂટેલી-ફૂટેલી જર્જરિત ઇમારત હતી અને મોટા ભાગે કૂતરા આવીને સૂઈ રહેતા હતા. આ સ્થળ નિર્જન, ઉજ્જડ વેરાન અવસ્થામાં હતું. જો સ્વપ્નો જોવાની તાકાત હોય તો દુનિયા કેવી રીતે બદલી શકાય છે એ તમે અહીં આવીને જોઈ શકો છો. આજે રમતગમતની દુનિયાના જેટલો લોકો અહીં આવ્યા છે, તેમને મારો આગ્રહ છે કે કાર્યક્રમ પૂર્ણ થાય પછી આખું સ્ટેડિયમ ફરીને તમામ સુવિધાઓ જોઈને જજો અને અન્ય લોકોને પણ તમે પ્રેરિત કરો કે હવે હિંદુસ્તાનમાં પણ તમામ વ્યવસ્થાઓ વિકસિત થઈ રહી છે. આ પ્રકારની સુવિધાઓ આપણા ખેલાડીઓ દુનિયાભરમાં જુએ છે.
જ્યારે મને આપણા દેશના ખેલાડીઓને મળવાની તક સાંપડી છે, હું તેમની સાથે જોડાયો છું, ત્યારે તેમની સાથે પ્રેમથી વાતો કરું છું, તેમની વાતો સાંભળું છું. મને ક્યારેય આપણા દેશના ખેલાડીઓનો ઉત્સાહ ઓછો હોય તેવું લાગ્યું નથી. તેઓ મહેનત કરવામાં પાછી પાની કરે એવા નથી. મુશ્કેલીઓ વચ્ચે પણ દુનિયાની સામે ભારતનો તિરંગો લહેરાવવા માટેના તેમના ઇરાદા ક્યારેય ઓછા થયા નથી, હંમેશા બુલંદ રહ્યા છે. પણ મુશ્કેલી એ છે કે આપણી પાસે સમર્થ યુવા પેઢી છે, આપણી સામે આખું New India છે, આખું New India. પરંતુ સમસ્યા આપણી વિચારધારામાં છે. તમને જાણીને દુઃખ થશે, આ વાત મેં ખેલાડીઓને પૂછી નથી, પણ તેમને અનુભવ હશે. જો તેઓ વિમાનમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય, તો લોકો તેમને પૂછતા હશે, તમે શું કરો છો? કોઈ કહેશે કે હું આ કે તે રાષ્ટ્રીય રમત સાથે સંકળાયેલો છું. કોઈ કહેશે કે હું આંતરરાષ્ટ્રીય રમત રમું છું. તો તમને ખબર છે પછીનો સવાલ શું હોય છે? ભાઈ, તમારી વાત સાચી, તમે રાષ્ટ્રીય સ્તરે કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમત રમો છો, પણ કરો છો શું? એટલે આપણે ત્યાં કોઈ પણ રમત પ્રત્યે સમર્પિત થવાને કારકિર્દી ગણવામાં આવી નથી. કોઈ પણ રમત રમવાને દેશની સેવા ગણવામાં આવતી નથી. આપણા દેશના લોકો રમતગમતની દુનિયાને કારકિર્દી તરીકે સ્વીકારતા જ નથી. આ અનુભવ બધાને હશે. અરે, સરહદ પર આપણો ચોકીપહેરો કરતા જવાનને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને પણ પૂછવામાં આવે છે કે તમે શું કરો છો? જવાન કહે કે હું સરહદ પર ફરજ બજાવું છું. તો પણ પૂછશે કે, તમારી વાત સાચી પણ, સરહદ પર તમે કામ શું કરો છો? ખરેખર આ માનસિકતા દુઃખદાયક છે. આપણા ખેલાડીઓ સાથે પણ સમાજમાં આવો જ વ્યવહાર થાય છે. જોકે સમાજ નહીં, કુટુંબમાં પણ આવી જ હાલત હોય છે. કુટુંબના સભ્યો પણ કહેતા હોય છે કે, આમ જ રમતા રહેશો તો અભ્યાસ ક્યારે કરશો? સવાર થાય છે અને નીકળી પડે છે. મને તો એવું લાગે છે કે, કેટલાંક લોકો પુલેલા ગોપીચંદને પણ કહેતા હશે કે, અરે ભાઈ, તું મારા બાળકોનું જીવન ન બગાડ.
આપણા દેશમાં આ વાતાવરણ છે, આ વાતાવરણ મારે બદલવું છે. અત્યારે રમતગમતની દુનિયા વ્યક્તિના જીવનમાં ઘણાં શિખરો સર કરવાનું માધ્યમ બની ગઈ છે. એટલું જ નહીં આ ખેલાડીઓના માધ્યમથી 125 કરોડ હિંદુસ્તાની દુનિયા સામે પોતાનું શીશ ગર્વથી ઊંચું કરીને ચાલી શકે છે. હું દુનિયાના બીજા દેશમાં ગયો છું. ત્યાં જઈને તેમના દેશના ખેલાડીનું નામ લઉં છું, ત્યારે 5-5 મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ સંભળાય છે. તેમને પોતાના રમતવીરો પર અપાર માન છે.
હજુ બે દિવસ અગાઉ હું પોર્ટુગલમાં હતો. મારા ભાષણમાં મેં ત્યાંના ફૂટબોલના એક ખેલાડીને યાદ કર્યો. આખું વાતાવરણ બદલાઈ ગયું. તાળીઓનો ગડગડાટ. ખેલાડીઓ પ્રત્યે આ સન્માન, આ આદર – આપણી દેશની પરંપરા બનવી જોઈએ, આપણા દેશના સામાજિક વારસા સ્વરૂપે વિકસવો જોઈએ. આપણે ત્યાં વ્યવસ્થાઓ પણ વિકસિત હોવી જોઈએ. આજે મને ખેલ મહાકુંભ, એ કાર્યક્રમની લોન્ચિંની એપનું લોકાર્પણ કરવાની તક મળી. બધા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી બને એ જરૂરી નથી. પણ કોઈ પણ રમત રમવાથી જીવનની મજા બદલાઈ જાય છે. મિત્રો, રમત તમને જીવવાનું શીખવે છે. ખેલાડીઓના જીવનમાંથી એક વાત આપણે બહુ સરળતાથી શીખી શકીએ છીએ. ક્યારેક-ક્યારેક લોકો કહે છે કે આપણે રાજકારણીઓએ વિજય પચાવવાનું શીખવું જોઈએ. પણ મેં જોયું છે કે પરાજયને પચાવવાની તાકાત ખેલાડીઓમાં હોય છે અને આ તાકાત જ તેના માટે વિજયનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ સામર્થ્ય ખેલ જગતમાંથી મળે છે, રમતના મેદાનમાંથી મળે છે. તેના પર દરેક ક્ષણ વિજય-પરાજયનો ખેલ હોય છે અને જીવનમાં હાર-જીતને જ ખેલ બનાવીને જીવી લેવી – આ તો જીવનનું મોટું સૌભાગ્ય છે. આવું સૌભાગ્ય ખેલાડીઓનું હોય છે. આપણે વ્યવસ્થાઓ પણ વિકસિત કરવી જોઈએ.
અગાઉ આયોજિત ખેલ મહાકુભમાં 30 લાખ લોકો ગુજરાતના રમતના મેદાનમાં ઉતર્યા હતા. બધા ચેમ્પિયન બને એ જરૂરી નથી. જો રમત ચાલતી હોય, તો બાજુમાં જઈને ખેલાડીને પ્રોત્સાહન આપવાથી પણ તેની તાકાત વધે છે. મિત્રો, તેને હિમ્મત મળે છે, તેનો જુસ્સો વધે છે. ખેલ એક સ્વાભાવિક સંસ્કૃતિ બનવો જોઈએ અને એટલે જ્યારે ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો, ત્યારે આટલા ઓછા સમયમાં તેને આટલી મોટી સફળતા મળશે તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. સામાન્ય રીતે ગુજરાત, ગુજરાતના લોકો, ખેલ અને ગુજરાત – એમની વચ્ચે કોઈ સંબંધ ન હોય તેવું લોકો માને છે.
ગુજરાતી એટલે સવારે ખિસ્સામાં 2 પેન લઈને શાળા કે કોલેજ જવા નીકળે અને સાંજે ઘરે આવે ત્યારે 1 પેન વેચીને આવે. તેના લોહીમાં વેપાર છે. તે કોઈ પણ નવી વસ્તુ લઈને જશે, પોતાના મિત્રોને દેખાડશે અને વેચીને પાછો આવશે. આ ગુજરાતની અંદર આટલી મોટી સંખ્યામાં ખેલ પ્રતિભાઓ છુપાયેલી છે એ જોઈને બધા ચકિત થઈ ગયા છે. આ પ્રતિભાઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના કરતબ દેખાડી રહી છે, તેનાથી વિશેષ આનંદ બીજો કયો હોઈ શકે? 25 વર્ષમાં ગુજરાતને 10 ગોલ્ડ મેડલ મળ્યા, 25 વર્ષમાં 10 અને આ ખેલ મહાકુંભનું પરિણામ છે કે 1 વર્ષમાં ગુજરાત 10 ગોલ્ડ મેડલ લઈને આવ્યું.
હવે દરેક શહેરને, દરેક જિલ્લાને રમતગમત માટે જરૂરી મેદાન તૈયાર કરવું, કોચિંગ આપવું, પોતાના વિદ્યાર્થીઓ તૈયાર કરવા, શાળામાં કલ્ચર વિકસાવવું – આ ધીમે ધીમે ગુજરાતીઓની આદત બનશે. જેમ ગુજરાતમાં અમે ખેલ મહાકુંભનું આયોજન કર્યું, તેમ આખા દેશમાં ‘ખેલે ઇન્ડિયા’ નામનું અભિયાન શરૂ કરવાના છીએ. કરોડો લોકો અલગ-અલગ રમત રમશે. રમત જ જીવનને ખીલવાની તક આપે છે. આજે મેં આ સ્ટેડિયમને જોયું, કારણ કે હું તેની સાથે શરૂઆતથી જોડાયેલો રહ્યો છું અને તેની ઝીણામાં ઝીણી બાબતોથી વાકેફ છું. પણ જોયા પછી મને લાગ્યું અને મેં ઉદિતને કહ્યું કે આખા દિવસમાં અડધો કલાક – એક કલાક શાળા કોલેજના યુવાનોને સ્ટેડિયમ દેખાડવાનો કાર્યક્રમ બનાવવો જોઈએ. ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓને આ સ્ટેડિયમ જોવા માટે લાવવા જોઈએ. જ્યારે તેઓ જોશે તો તેમને ખબર પડશે કે આ કેટલું મોટું વિજ્ઞાન છે. ખેલની પાછળ કેટલી મોટી તાકાત લાગે છે. આધુનિક ટેકનોલોજી રમતગમતની દુનિયામાં કેટલી મોટી ભૂમિકા ભજવે છે. ખેલ જગતના લોકો માટે ખાણીપીણી પર કેટલાં પ્રતિબંધ હોય છે. કેટલી મર્યાદાઓ હોય છે. મને યાદ છે, આપણો ક્રિકેટર પાર્થિવ, અમારા મિત્રનો પુત્ર છે. અમે બાળપણથી તેને ઓળખીએ છીએ. તેના કાકા પાર્થિવને સારો ક્રિકેટર બનાવવા સવારે ચાર વાગે સ્કૂટર પર લઇને સ્ટેડિયમ જતા હતા. સતત અને આખી જિંદગી, પોતાના ભાઈના પુત્રને ક્રિકેટર બનાવવા સવારે ચાર વાગે ઊઠીને, ગમે તેવી ઠંડીમાં પણ, સ્કૂટર પર તેને સ્ટેડિયમ સુધી લઈ જવો, તેને ક્રિકેટર બનવા પ્રોત્સાહન આપવું – આટલું સમર્પણ હોય ત્યારે એક પાર્થિવ પટેલ પેદા થાય છે. આખો પરિવાર ભોગ આપે છે, આખો પરિવાર.
હું તમને બધાને આગ્રહ કરું છું કે ક્યારેક દીપાને મળો. તેને એક ખેલાડી સ્વરૂપે આખું હિંદુસ્તાન જાણે છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તેનાથી વધારે સારું મોટિવેટર મને મળ્યું નથી. તેનું અડધું શરીર કામ કરતું નથી, પણ જ્યારે પણ વાત કરે છે, ત્યારે નવું સ્વપ્ન જણાવે છે, નવો ઉમંગ જોવા મળે છે, નવા જુસ્સાને ચરિતાર્થ કરવાની વાત કરે છે. આ લોકો આપણી યુવા પેઢીના નાયકો છે. તેને લઈને દેશમાં ખેલનું વાતાવરણ બનવું જોઈએ, દેશની યુવા પેઢીને પ્રેરિત કરવી જોઈએ. આવશ્યક માળખાગત સુવિધા ઊભી કરવાની છે અને સૌપ્રથમ વખત દેશમાં સરકારી ખાનગી ભાગીદારીના મોડલથી ખેલ જગતને એક નવું મોડલ ગુજરાતે આપ્યું છે. સરકાર અને ઉદ્યોગજગત મળીને વ્યાવસાયિક ધોરણે આપણી નવી પેઢી માટે કેવી વ્યવસ્થા ઊભી કરી શકીએ – તેનો એક નમૂનો છે.
મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ઓલિમ્પિક મેદાનોમાં ભારતના સિતારા ચમકશે અને વધારે ચમક પાથરશે. ભારતનો પડઘો વધારે વ્યાપક રીતે સંભળાશે. દુનિયાના નાના-નાના દેશો પણ ઓલિમ્પિકમાં સફળતાના કારણે આખી દુનિયામાં પોતાનું નામ રોશન કરે છે. સવાસો કરોડ હિંદુસ્તાની પણ આ સ્વપ્નને સાકાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. યુવાનોને તક જોઈએ, વ્યવસ્થા જોઈએ અને પરિવારનું સંપૂર્ણ સમર્થન જોઈએ. આ જ યુવાનો આપણા દેશના ભવિષ્યને બદલવાનું સામર્થ્ય ધરાવે છે અને એટલે એક અસરકારક વ્યવસ્થા ઊભી કરવી પડશે.
હું પણ દેશમાં જ્યાં-જ્યાં ખેલાડીઓને મળીશ, ત્યાં હું તેમને આ વ્યવસ્થા જોવાનો આગ્રહ કરીશ. તેમાં વધારે શું સુધારો થઈ શકે, તેમાં શું જોડી શકાય, ધીમે ધીમે દેશમાં આ પ્રકારની વ્યવસ્થા કેવી રીતે વિકસિત કરી શકાય, રમતના મેદાન તરફ લોકોને કેવી રીતે આકર્ષિક કરી શકાય તેનો વિચાર કરવો પડશે, નહીં તો બાળપણ વીડિયો ગેમ પાછળ બરબાદ થઈ જશે. મારે રમતના મેદાનોમાં બાળકો જોવા છે, રમતના મેદાનોમાં. હું ગુજરાતમાં હતો ત્યારે શાળાઓની મુલાકાત લેતો હતો. બે-બે, ત્રણ-ત્રણ દિવસ સતત મુલાકાત લેતો હતો અને બાળકોને એક સવાલ પૂછતો હતો – દિવસમાં કેટલી વખત તારા શરીરમાંથી પરસેવો નીકળે છે? કેટલું દોડે છે, વૃક્ષ પર ચઢે કે નહીં? સીડી કેટલી ઝડપથી ચઢી શકે છે? મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, ક્યારેક બાળકોને પરસેવાની જ ખબર નહોતી. શાળાએ આવે છે, સીધા ઘરે જાય છે અને પછી ક્યાંય બહાર નીકળતા નથી.
આ પ્રકારનું બાળપણ આપણા ઉજ્જવળ ભવિષ્યની નિશાની નથી. આપણા કુટુંબના બાળકો રમતના મેદાન સાથે જોડાયેલા રહે એ આપણી બધાની જવાબદારી છે. સાધનો વિના પણ રમત રમી શકાય છે. ફૂટબોલ, મને હજુ પણ સમજ પડતી નથી. ક્રિકેટમાં આપણે સારું કાઠું કાઢ્યું છે, ગર્વની વાત છે. પણ ફૂટબોલ અને હોકી – તેની ઉપેક્ષા આપણે ન કરી શકીએ. મારા સાથી ભૂટિયા અહીં ઉપસ્થિત છે. તેમણે દેશનું નામ રેશન કર્યું છે – ફૂટબોલની દુનિયામાં. આ વખતે અંડર 19 ફિફા વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. હું ભારતના યુવાનોને ફૂટબોલ રમવાની ઇચ્છા થાય એટલા માટે દુનિયાભરના ખેલાડીઓને અહીં લાવી રહ્યો છું. આગામી દિવસોમાં આપણે ક્રિકેટ સિવાય અન્ય રમતગમતમાં પણ આગળ વધવું પડશે. શૂટિંગના ક્ષેત્રમાં, તીરંદાજીના ક્ષેત્રમાં – મોટા ભાગે ભારતના જવાનો સારું પ્રદર્શન કરે છે. તમે જોયું હશે કે રમતગમતની દુનિયામાં આપણી પુત્રીઓ પુત્રો કરતા સવાઈ સાબિત થઈ રહી છે. આપણા દેશની દિકરીઓ આપણું નામ રોશન કરી રહી છે. હિંદુસ્તાનને ગૌરવ અપનાવવાનું કામ આપણા દેશની દિકરીઓ કરી રહી છે. જો આપણા દેશની દિકરીઓમાં આવું સામર્થ્ય છે, તો તેનાથી વધારે મોટી પ્રેરણાની આપણે શું જરૂર છે?
આવો મિત્રો, દેશભરની અંદર રમતને જીવનનો હિસ્સો બનાવવા એક અભિયાન ચલાવીએ, વ્યવસ્થા વિકસાવીએ, ઉદ્યોગજગત આગળ આવે, પરિવાર આગળ આવે, સરકાર આગળ આવે, સમાજ આગળ આવે અને ભારત રમતની દુનિયામાં પણ પોતાનું નામ રોશન કરે.
આ જ કામના સાથે મારી તમને બધાને શુભેચ્છા.
આ એવો કાર્યક્રમ છે, ‘નવું હિંદુસ્તાન’ મારી સામે બેઠું છે. અહીં જવાનું મન ન થાય એવું વાતાવરણ છે. પણ આજે મધરાતે 12 વાગે સંસદમાં ભારતના ભાગ્યની નવી દિશાના દ્વાર ખુલવાના છે. મારે અહીંથી સીધા સંસદમાં પહોંચવાનું છે. પણ જેટલો સમય મળ્યો એટલો તમારી વચ્ચે પસાર કરવાની તક મળી. હું આ ખેલાડીઓને હૃદયપૂર્વક આભારી છું કે તમે લોકો આવ્યા. અમારા શબ્દો કરતા તમારા પરસેવામાં વધારે તાકાત છે. તમારી મહેનતની તાકાત બહુ છે. આવો, આગળ આવો મિત્રો, આ લોકોએ દેશનું નામ રોશન કર્યું છે. તેમાં એક નવું નામ તમે સાંભળ્યું હશે – શ્રીકાંતનું. શ્રીકાંત જરા હાથ ઉપર કરો. શ્રીકાંત, તાજેતરમાં દુનિયામાં હિંદુસ્તાનનું નામ રોશન કરીને આવ્યો છે.
ભાઈઓ અને બહેનો! આ આપણા દેશની અમાનત છે. આપણે બધા ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સન્માન કરીએ. ખૂબ-ખૂબ ધન્યવાદ.
A.P./TR/GP
A state of the art stadium, #TheArena by @SETransStadia is being inaugurated by the Prime Minister in Ahmedabad. pic.twitter.com/JVeNF0i7un
— PMO India (@PMOIndia) June 30, 2017
Record enthusiasm as the Prime Minister begins his speech at the inauguration of #TheArena by @SETransStadia. pic.twitter.com/45XKYdtBTC
— PMO India (@PMOIndia) June 30, 2017
Those familiar with the area in which this stadium is will tell you how different it looked a decade ago & how it changed for the better: PM
— PMO India (@PMOIndia) June 30, 2017
The determination of our sportspersons is admirable. They have pursued their passion with great diligence: PM @narendramodi pic.twitter.com/fVyphX7x5f
— PMO India (@PMOIndia) June 30, 2017
We must adopt a culture where sports is appreciated and supported, starting from the family: PM @narendramodi pic.twitter.com/nxBXIqBvXx
— PMO India (@PMOIndia) June 30, 2017
Khel Mahakumbh has brought a strong shift and further encouraged a sporting culture in Gujarat: PM @narendramodi at launch of #TheArena pic.twitter.com/s2YYuEqUzi
— PMO India (@PMOIndia) June 30, 2017
Our youth must meet @DeepaAthlete if they get the opportunity to. She is a good sportsperson and am equally good motivator: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2017
This stadium shows how the government and private sector can work together in creating good sporting infrastructure: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2017