Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના અમરેલીમાં સહકાર સંમેલન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (17 સપ્ટેમ્બર, 2017)


મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ અને બહેનો,

કેમ છો બધા?

મને લાગે છે કે આજે મેદાન નાનું પડી રહ્યું છે. બહાર પણ ક્યાંય જગ્યા નથી. તમને યાદ છે કે અહીંયા છેલ્લે કયા પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી હતી? નહીં? નહીં? કોઈ પ્રધાનમંત્રી તો આવ્યા હશે ને? ચાલો કંઈ વાંધો નહીં. આ બધું મારા નસીબમાં જ લખાયેલું હતું.

સૌથી પહેલા હું અમરેલી જિલ્લાના સહકારી જગતની પ્રશંસા કરું છું અને હવે તેમાં નવી પેઢી મેદાનમાં કૂદી પડી છે. એક જમાનો હતો. સહકારી જગતમાં રતુભાઈ અને બધા મહાનુભવો સક્રિય હતા. સહકારી અને રાજકીય બંને ક્ષેત્ર આ મહાનુભાવોના નિયંત્રણમાં હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવી ટીમ અમરેલી જિલ્લાને વિકાસની નવી ઊંચાઈઓ પર અગ્રેસર કરી રહી છે. મેં અમરેલીના એપીએમસી માર્કેટની મુલાકાત આની પહેલા પણ લીધી હતી. પરંતુ આજે આપણા પીપીએ જે કમાલ કરી છે અને જે મોડેલ ઊભું કર્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. પીપી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

દિલીપભાઈ કર્મશીલ છે. કાર્ય જ તેમનું જીવન છે. તેઓ કામ વિના નથી રહી શકતા. કંઈકને કંઈક નવું કરવું, કેવી રીતે કરવું એ બધું વિચારતા રહે છે. મને યાદ છે કે ગુજરાતમાં આપણી પૂર્વ સરકારોએ એવા નિર્ણયો લીધા હતા કે સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્યોગનો ક્યારેય વિકાસ જ ના થાય. ક્યારેય આગળ આવે જ નહીં. કેવી દુર્દશા! અમે નીતિગત પરિવર્તનો કર્યા. સૌથી પહેલા દિલીપભાઈએ નક્કી કર્યું કે આ સ્થિતિને બદલીશું. અને આજે મને સંતોષ છે કે આજે તેમણે તે કામ કરી દેખાડ્યું છે. આજે સમગ્ર અમરેલી પંથકને લાભ થયો. સમગ્ર અમરેલી પંથકના પશુપાલકો, ખેડૂતો, દૂધ ઉત્પાદનની સાથે સાથે પ્રત્યક્ષ – પરોક્ષ રીતે જોડાયેલા લોકોને દૂધ માટે યોગ્ય બજાર મળ્યું. એટલું જ નહીં, તેમને દૂધના બદલે યોગ્ય અને પુરતી કિંમત પણ પ્રાપ્ત થઇ. આજે મને સંતોષ એ વાતનો છે કે આટલી સફળતા ઉપર કામ અટક્યું નહીં, પરંતુ એપીએમસીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, જમીન ચકાસણી લેબનું નિર્માણ કર્યું, બજારમાં આવેલા માલના ગ્રેડેશન માટે લેબ બનાવી અને ભારત સરકારે જે ઈ-નામ યોજના બનાવી છે, જેમાં ખેડૂત ભારતના કોઈપણ બજારમાં જઈને જ્યાં તેને સૌથી વધારે કિંમત મળે ત્યાં તે પોતાનો માલ વેચી શકે તેના માટે ભારત સરકારે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે, તે ડિજિટલ પ્લેટફોર્મ માટે ગ્રેડેશનની લેબ જરૂરી હોય છે, અને તે કામ ભાઈ પીપીએ કરી બતાવ્યું છે. હું 100 ટકા માનું છું કે ગુજરાતના અન્ય એપીએમસી માટે પણ અમરેલીએ નવી રાહ ચીંધી છે, નવો માર્ગ દેખાડ્યો છે. હું તેને અભિનંદન આપું છું અને ગુજરાતમાં એપીએમસીની દુનિયામાં અમરેલી સૌથી પહેલું હતું. અને આજે છ દાયકાઓ બાદ ફરીથી…અમરેલી આધુનિક ટેકનોલોજીની દુનિયામાં નવી રાહ ચિંધનાર પહેલું બન્યું છે, તેના માટે તે અભિનંદનને પાત્ર છે.

આજે બે બાબતો તરફ મારે તમારું ધ્યાન આકર્ષિત કરવું છે.

એક તો આજે અહીંયા સ્વીટ રિવોલ્યુશન મધ ક્રાંતિ, આ મધ ક્રાંતિનો શુભારંભ થઇ રહ્યો છે અને બીજું ગુજરાતના 1600 કિલોમીટરનો દરિયા કાંઠો કે જે વાદળી ક્રાંતિને નેતૃત્વ પ્રદાન કરી શકે તેમ છે. આપણા માછીમાર ભાઈઓ બહેનો, આપણી દરિયાઈ સંપત્તિ તે એક નવી ક્રાંતિની મિસાલ લઈને આગળ વધી શકે તેમ છે અને આ બંને વસ્તુઓ ગુજરાતના ગ્રામીણ અને સમુદ્રી તટને એક નવી બાજુ આપવાનો આરંભ આ યોજનાઓથી થઇ રહ્યો છે. ભારત સરકારની કલ્પના છે કે જે રીતે શ્વેત ક્રાંતિ થઇ, હરિત ક્રાંતિ થઇ તે જ રીતે મીઠી ક્રાંતિ એટલે કે મધ ક્રાંતિમાં પણ આપણે ઝડપી ગતિએ પ્રગતિ કરવી જોઈએ અને અમરેલી જિલ્લાએ…મેં તમને લગભગ તમારી સાથે એકાદ વર્ષ પહેલા દિલીપભાઈ અને સૌની સાથે વાતચીત કરી હતી જયારે આપણે દૂધ લેવા જઈએ છીએ તો ખેડૂતો પાસેથી દૂધ લાવીએ છીએ તે જ રીતે મધ પણ એકઠું કરી શકીએ છીએ. અને જો કોઈ પોતાને ત્યાં 50 મધપૂડા લગાવી દે તો વર્ષમાં ઓછામાં ઓછું બે લાખ રૂપિયાનું મધ તે વેચી શકે છે, મધ વેચી શકે છે. તે વધારાની આવક છે અને મધમાખીઓ હોવાના કારણે ખેતીના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થાય છે, કારણ કે મધની એક રીતે પુરક વ્યવસ્થા મધમાખી કરે છે.

આજે મને તેનો શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો અને બીજું હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાં જાવ તો શુભ કામ માટે મીઠાઈ ખવડાવવામાં આવે છે, ગુજરાત એકલું છે જે શુભ કામમાં આઈસ્ક્રીમ ખવડાવે છે અને આજે અમરેલી ડેરી આઈસ્ક્રીમનો પણ પ્લાન્ટ લગાવી રહી છે. બંને નવી યોજનાઓ માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશરે ચારસો લાખ રૂપિયા આ બંને યોજનાઓ માટે ભારત સરકાર તરફથી મળશે, જેથી આ કામ આગળ વધે.

હું ખેડૂત ભાઈઓને આગ્રહ કરીશ કે મધ ક્રાંતિ, મધ, મધ માખીનો ઉછેર ખેતરમાં કોઈ વધારાની મહેનત વગર સ્વાભાવિક રૂપે કરી શકાય તેમ છે અને સ્વાભાવિક રીતે જ આપણે જો તેની વ્યવસ્થા કરીએ માર્કેટિંગની તો ઘણી વધારે કમાણી થઇ શકે તેમ છે. અને એટલું જ નહીં માની લો કે માર્કેટિંગ ના પણ થયું, અરે ઘરમાં બાળકો ખાશે તો પણ મધ આરોગ્ય માટે સારું હોય છે. અને એટલા માટે એક મધ  ક્રાતિ માટે સમગ્ર ગુજરાતમાં જ્યાં ડેરીનું નેટવર્ક છે તેની સાથે આ મધ  ક્રાતિ જોડીને નવી  ક્રાતિ તરફ જવાનું છે.

ભારતનો દરિયા કાંઠો વિશાળ છે, પરંતુ ગુજરાતનો દરિયા કાંઠો વાદળી  ક્રાતિમાં ઘણું મોટું યોગદાન આપે છે. આપણે જળમાર્ગ તરફ આગળ વધી રહ્યા છીએ. ઘોઘા દહેજ ફેરી સેવા તરફ વધી રહ્યા છીએ. આપણે બંદર વિકાસમાં કામ કરી રહ્યા છીએ, આપણે સમુદ્ર તટના માર્ગમાં જો પેલી બાજુ આંધ્રમાં વિશાખાપટ્ટનમની અંદર સામાન મોકલવો હોય તો આપણા મોરબીના ટાઈલ્સ સમુદ્રી માર્ગેથી આપણે પૂર્વમાં કોલકાતા સુધી ઓછામાં ઓછા ખર્ચે પહોંચાડી શકીએ છીએ. એટલે કે એક રીતે વાદળી ક્રાંતિ સામુદ્રિક શક્તિ તરફ જોર આપવાની દિશામાં સરકાર કામ કરી છે. જેના કારણે ગુજરાતના સમુદ્રી તટ પર રહેનારા લોકોની આજીવિકામાં ઘણું મોટું પરિવર્તન આવશે. ગુજરાતના દરિયા કાંઠાના જે નવયુવાનો છે, તેમને નૌસેનામાં જવા માટે પ્રોત્સાહિત કરવા, તેમને તાલીમબદ્ધ કરવા, તેમને માર્ગદર્શન આપવું અને તેના કારણે આપણા સમુદ્રી તટનો જે નવયુવાન છે તે ભારત માતાની સેવા માટે નૌસેનામાં પણ જાય, તેના પ્રોત્સાહન માટેની યોજનાઓને પણ ભારત સરકાર આજે બળ આપી રહી છે.

અમારા રૂપાલાજી મને કહી રહ્યા હતા કે જીવરાજ મહેતાના ગયા પછી અહીંયા એક પણ કોલેજમાં નવી નહોતી આવી. આ માત્ર અમે લોકો આવ્યા તો આ જીવરાજ ભાઈ મહેતાની પછી અહીંયા શિક્ષણ ક્ષેત્રમાં  ક્રાતિનું કામ થયું છે. બ્રોડ ગેજ રેલવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમરેલીના લોકોએ આશા છોડી દીધી હતી કે ક્યારેક મોકો મળશે કે નહીં મળે. દિલ્હીમાં તમે મને સેવા કરવાનો મોકો આપ્યો. તમારી બંને માગ આજે ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

ભાઈઓ બહેનો, 2022માં આપણી આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. અમરેલી જિલ્લો આઝાદીના આંદોલનમાં આગળ રહેનારા જિલ્લાઓમાંનો, અમરેલી જિલ્લો રહ્યો છે અને 2022, આઝાદીના 75 વર્ષ કેવી રીતે ઉજવીએ, આઝાદી માટે લડાઈ લડનારાઓને કેવું ભારત આપીએ, તેમના સપનાઓનું ભારત કેવી રીતે આપીએ, મને લાગે છે કે આ જે સમય છે, આપણો અમરેલી જિલ્લો, અમરેલીની નગરપાલિકાઓ, અમરેલી જિલ્લાની તાલુકા પંચાયતો, અમરેલીની જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતો, સહકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ સંકલ્પ કરે કે 2022, પાંચ વર્ષની અંદર આપણા દ્વારા આપણે આટલું કરીને દેશને આપણે એટલું આપીને જ રહીશું, એવો સંકલ્પ કરીએ અને પાંચ વર્ષમાં રોજનો કયો કાર્યક્રમ હશે, તે નક્કી કરીને પરિપૂર્ણ કરીએ, સંકલ્પથી સિદ્ધિની યાત્રા આપણે પરિપૂર્ણ કરીએ. આપણું સપનું છે કે 2022માં આપણા દેશના ખેડૂતની આવક બમણી થઇ જાય.

ભાઈઓ બહેનો, જો યોજનાબદ્ધ રીતે આપણે આગળ વધીએ, સુનિશ્ચિતતા સાથે આગળ વધીએ તો  ભારતના ખેડૂતમાં તાકાત છે કે સરકાર, સમાજ, ખેડૂત સાથે મળીને આ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ તેના માટે પરંપરાગત જે પદ્ધતિઓ છે તેમનાથી દૂર ખસીને આધુનિકતા તરફ જવું પડશે. નવી વસ્તુઓનો સ્વીકાર કરવો પડશે. આજે નર્મદા યોજના પરિપૂર્ણ થઇ, તે ગૌરવપૂર્ણ દિવસ છે ગુજરાતના જીવનનો. અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે આ, પરંતુ નર્મદાનું પાણી જો ટપક સિંચાઈથી ઉપયોગ કરવાની આદત પાડીએ, આપણી ખેતીનો પ્રકાર ટપક સિંચાઈ સાથે જોડીને કરીએ, તો માત્ર આપણું જ નહીં, આવનારા 100 વર્ષ સુધી આપણી પેઢીઓનું પણ આપણે ભલું કરી શકીશું અને એટલા માટે અમે નર્મદાના પાણીનો તે રીતે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતે મોટું પગલું ભર્યું છે. દેશમાં ટપક સિંચાઈનું જે કામ ચાલી રહ્યું છે, તેમાંથી 25 ટકા માત્ર ગુજરાતે કરીને બતાવ્યું છે તે ગુજરાતના ખેડૂતો અભિનંદનને પાત્ર છે. પરંતુ વાત ત્યાંથી જ નથી અટકી જતી. હજુ પણ ઘણું બધું કરવાનો અવકાશ છે અને તે દિશામાં આપણે પ્રયાસ કરીએ. ખેતીની સાથે બીજી બે વસ્તુઓ. અનેક ખેડૂતો સોલાર પંપની દિશામાં ગયા છે. એક રૂપિયો પણ વીજળીનું બીલ નહીં આવે. પોતાના જ ખેતરમાં સોલર પેનલ લગાવવાની, તેનાથી જ પંપ ચલાવવાનો, તેનાથી જ પાણી કાઢવાનું, ખેડૂતનું વીજળીનું બીલ બચી જાય અને ખેડૂતનો હજારો રૂપિયાનો ખર્ચો બચી જશે. અનેક ખેડૂતો મોટા પાયે હવે સૂર્યશક્તિથી ચાલનારા પંપની તરફ આગળ વધી રહ્યા છે. ટપક સિંચાઈ હોય, સોલર પંપ હોય, સૂર્યશક્તિથી ચાલી શકે એવી વીજળીની વ્યવસ્થા હોય, તમે જ મને જણાવો કે ખર્ચો ઓછો થશે કે નહીં થાય? આવક વધશે કે નહીં વધે? અને આપણી જમીનનો સદુપયોગ થાય અને એટલા માટે મારી ખેડૂતોને વિનંતી છે કે આ દિશામાં પણ તેઓ આગળ આવે. અને સહકારી આંદોલન કરનારા મિત્રો આમાં પણ આગળ વધી શકે. બધા જ ખેડૂતો ભેગા મળીને ખેતરની પાસે સોલાર પેનલ લગાવીને સાથે મળીને વીજળીનું ઉત્પાદન કરે અને તેના કારણે ખેડૂતોનો જે મુખ્ય ખર્ચ છે પાણી અને વીજળીનો, તેમાંથી ખેડૂત બહાર આવી જશે. તમે વિચારો કે ખેડૂતના જીવનમાં કેટલો બદલાવ આવશે અને એક વાત હું આગ્રહપૂર્વક કહીશ કે આપણે બહારની તરફ વધુ તાર લગાવીને આપણી બે ત્રણ મીટર જમીન બરબાદ કરી નાખીએ છીએ. ત્યાં આગળ જો આપણે ટીમ્બરની ખેતી કરીએ, લાકડાની ખેતી કરીએ અને ઈમારતી લાકડાનું ઉત્પાદન કરીએ તો ભારત સરકાર નવો કાયદો લાવવાની દિશામાં વિચાર કરી રહી છે કે જે ખેડૂત પોતાના ખેતરના છેવાડે આ પ્રકારના ઈમારતી લાકડાનું ઉત્પાદન કરશે, તે જ ખેતરમાં તે મોટા થઇ જાય એટલે તેને વેચવાનો હક તેને મળે, સરકારનું જંગલ ખાતું કોઈ પણ રીતે તેને હેરાન ના કરે અને ખેડૂતની તાકાત વધે એવો કાયદો લાવવાની દિશામાં આ સરકાર કામ કરી રહી છે. જમીન જે બરબાદ થઇ રહી છે અને આજે દેશ ઈમારતી લાકડું વિદેશથી આયાત કરે છે. આપણા દેશનો ખેડૂત ઈચ્છે તો ઈમારતી લાકડાની ખેતી કરીને દુનિયામાંથી લાવવા પડતા લાકડા બંધ થઇ જાય તો ખેડૂતની આવક વધશે કે નહીં વધે? તેની સાથે પશુપાલન!

આપણે ત્યાં દુનિયામાં પશુ દીઠ જેટલું ઉત્પાદન છે, તે આપણે ત્યાં બહુ ઓછું છે. તેમનો ઉછેર જે રીતે થવો જોઈએ, તેમને બીમારીઓથી બચાવવાની વ્યવસ્થા હોવી જોઈએ. જે રીતનું ઘાસ એને ખવડાવવું જોઈએ, એ આપણી જૂની રીતની માન્યતા મુજબ જે ખાય તે ખાય, તેના કારણે આપણા પશુ તેમની સરખામણીએ ઓછું દૂધ આપી રહ્યા છે. આજે ખેડૂત શું કરે છે, વધારે દૂધ ઉત્પાદન કરતો હોય તો બે ના બદલે ચાર પશુ રાખે છે, ચાર ના બદલે આઠ પશુ પાળે અને તેના કારણે ખર્ચો વધતો જાય છે. તેના બદલે બે પશુ કેવી રીતે વધારે દૂધ આપી શકે તે બાજુ  ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો ખેડૂતની આવક વધી જશે અને ખેડૂતની ઉપરનો બોજ ઓછો થઇ જશે. અને તેના કારણે ખાસ કરીને પશુપાલનનું કામ આપણી બહેનો કરે છે તેમની શ્રેષ્ઠ તાલીમ થાય તે દિશામાં કામ કરવાની દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ.

એક રીતે ખેડૂત સુરક્ષિત બને, પહેલીવાર દેશમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના, કૃષિ વીમા યોજના પહેલીવાર આવી યોજના આવી છે કે કુદરત કોપાયમાન થઈ હોય અને પાક ના મળ્યો હોય તો પણ વીમાના પૈસા મળે. પાક્યા પછી જો ખેતરમાં માલ પડ્યો હોય અને જો પંદર દિવસમાં વરસાદ આવે તો પણ પાકના પૈસા મળે અને આ પ્રકારનો પાક વીમો પહેલીવાર હિન્દુસ્તાનમાં ભારત સરકાર લાવી છે. અને એક રૂપિયાની સામે ખેડૂતે માત્ર બે પૈસા આપવાના છે, 98 પૈસાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકાર ભેગા મળીને ઊઠાવે છે, ખેડૂતે માત્ર બે પૈસાની જવાબદારી  ઉપાડવાની છે. એક રૂપિયાની સામે બે પૈસા, આટલું મોટું કામ આપે ખેડૂતે પ્રેમ કરતી સરકાર બેસાડી છે, તેને લીધે શક્ય બન્યું છે. અને આજે ખેડૂતો તેનો લાભ પણ લઇ રહ્યા છે.

ખેડૂતો પાક વીમા યોજના તરફ આગળ વધી રહ્યા છે. જેને ખોટું કરવાની આદત હોય છે તેને સમય લાગે છે પણ મને ખબર છે કે તેમને લાગશે કે ખોટું કર્યા છતાં પણ આપણને ફાયદો મળી રહ્યો છે, સારી રીતે જીવી શકીએ તેમ છીએ તો ખોટું કરનારા લોકો બીજી બાજુ થઇ જશે અને સાચું કરનારા લોકોને ભરપુર લાભ મળશે એવી આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે.

આપણા દેશમાં ખેતી તો થાય છે પરંતુ તેમ છતાં લાખો કરોડો ફળ-ફૂલ બરબાદ થઇ જાય છે. અમે એક પ્રધાનમંત્રી ખેડૂત સંપદા યોજના બનાવી છે. આ પ્રધાનમંત્રી ખેડૂત સંપદા યોજના હેઠળ ઉત્પાદિત થયેલા માલનું વેલ્યુ એડીશન, તેની મુલ્ય વૃદ્ધિ, કાચી કેરી વેચો તો ઓછા રૂપિયા મળશે, પાકી કેરીઓ વેચો તો વધારે પૈસા મળશે આ મુલ્ય વૃદ્ધિ થઇ. કાચી કેરીનું અથાણું બનાવીને વેચો તો વધારે પૈસા મળશે, આ મુલ્ય વૃદ્ધિ થઇ અને અથાણું પણ સારી રીતે પેક કરીને અને જાહેરાત કરીને વેચો તો વધારે પૈસા મળશે આ તેની મુલ્ય વૃદ્ધિ થઇ. લીલા મરચા વેચો તો સસ્તા મળશે, લાલ થોડા મોંઘા હશે અને પાવડર બનાવો તો વધારે મોંઘા મળશે. જેમ જેમ મૂલ્યવૃદ્ધિ થાય છે તો ખેડૂતોને લાભ મળે છે. દૂધ વેચો તો ઓછા પૈસા મળે, માવો બનાવીને વેચો તો વધારે પૈસા મળશે અને તેમાં પણ પેંડા બનાવીને વેચો તો હજુ વધારે પૈસા મળશે. સરકારે ખેડૂતોને મૂલ્યવૃદ્ધિના રસ્તા ઉપર લઇ જવા માટે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના બનાવી છે. મોટા પાયે ફૂડ પાર્ક બનાવવાની યોજના બનાવી છે. આ નવેમ્બર મહિનામાં સમગ્ર દુનિયાની કંપનીઓને બોલાવીને ફૂડ પ્રોસેસિંગ માટે ખેડૂતો જે ઉત્પાદન કરે છે તેની મૂલ્યવૃદ્ધિ માટે દુનિયાની કંપનીઓ તેમનો હાથ પકડે, તેમની આંગળી પકડીને આગળ લઇ જાય અને તેના માટે ભારત સરકાર હિન્દુસ્તાનના ખેડૂતો આગળ આવે, તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રી ખેડૂત સંપદા યોજના, જેમાં હજારો કરોડનું બજેટ આપવાનું આ સરકારે નક્કી કર્યું છે.

ભાઈઓ બહેનો, ગુજરાતનું ગામ સમૃદ્ધ બને, ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બને, દેશના ખેડૂતોને આ યોજનાનો લાભ મળે, દેશનો ખેડૂત સમૃદ્ધ બને અને દેશના ગ્રામીણ જીવનમાં એક આર્થિક  ક્રાતિના વાતાવરણની દિશામાં અનેક કાર્યોને લઈને આજે જ્યારે ભારત સરકાર આગળ વધી રહી છે ત્યારે અમરેલી જિલ્લાએ સહકારી ક્ષેત્ર હેઠળ શ્વેત  ક્રાતિ, મધ  ક્રાતિ, વાદળી  ક્રાતિ, એપીએમસી, ડેરી એન્જીનીયરીંગ વગેરે અનેક પ્રકલ્પોને જ્યારે હાથમાં લીધા છે ત્યારે ભારત સરકાર હંમેશા તમારી સાથે રહેશે, તમે આગળ વધશો તો ભારત સરકારને હંમેશા તમારી સાથે જ જોશો એવી આ ભારત સરકારની નીતિ છે અને તેનો લાભ હિન્દુસ્તાનનો કોઈપણ જિલ્લો ઉઠાવી શકે છે. કોઈપણ સહકારી જિલ્લો ઉઠાવી શકે છે. અમરેલી તેનો ભરપુર લાભ ઉઠાવે, ગુજરાતના જિલ્લાઓ ભરપુર લાભ ઉઠાવે, મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે.

ખૂબ ખૂબ આભાર મિત્રો!

 

NP/J.Khunt/TR/GP