Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતમાં સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (17-9-2017)


ભારત માતા કી જય

ભારત માતા કી જય

વિશાળ સંખ્યામાં પધારેલા મારા પ્યારા ભાઇઓ અને બહેનો

 

ડભોઈ ઘણી વાર આવ્યો, ક્યારેક બસમાં આવતો હતો, ક્યારેક સ્કૂટર પર આવતો હતો, ક્યારેક કાર્યકરોની મિટિંગ લેતો હતો, ક્યારેક જનસભા સંબોધતો હતો. કોણ જાણે કેટલી કેટલી યાદો તમારા બધા સાથે સંકળાયેલી છે. પરંતુ ડભોઈમાં આવું વિરાટ દૃશ્ય અગાઉ ક્યારેય જોયું નથી. આ વિરાટ માનવ મહેરામણ માતા નર્મદાની ભક્તિનો જીવતું જાગતું પ્રતિક છે.

 

આજે વિશ્વકર્મા જયંતી છે. ભારતમાં સદીઓથી જે હાથથી કામ કરે છે, પરસેવો વહાવે છે, પરિશ્રમ કરે છે, નિર્માણનું કાર્ય કરે છે, ટેકનિશિયન હોય, એન્જિનિયર હોય, મિસ્ત્રી હોય માટીના કામ કરનારા હોય, ચૂનો અને સિમેન્ટનું કામ કરતા હોય, જે પણ સ્થાપત્યથી જોડાયેલા કામ કરતા હોય એ તમામને ભારતમાં વિશ્વકર્માના રૂપમાં જોવામાં આવે છે. આજે એવા વિશ્વકર્માની જયંતીનો પર્વ છે અને તેથી જ આનાથી મોટો બીજો કોઈ સંયોગ હોઈ શકે નહીં કે જ્યારે વિશ્વકર્માની જયંતીના પર્વ ઉપર વિશ્વકર્માના ઉપાસક, જે જે લોકોએ આ સરદાર સરોવર ડેમનું નિર્માણ કર્યું છે એ તમામના આ પરિશ્રમના પૂણ્યનું સ્મરણ કરીને, તેમની આ કઠોર સાધનાના પૂણ્ય સ્મરણ કરીને, માતા ભારતીના હિન્દુસ્તાનના એક મોટા સરદાર સરોવર ડેમની ભેટ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

 

ભાઈઓ, બહેનો, અહીં મને આજે મારા જન્મદિવસની ઘણી શુભકામના આપવામાં આવી રહી છે. જે જે લોકોએ અભિનંદન આપ્યા છે, જે જે લોકોએ શુભકામના પાઠવી છે, હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને જન્મદિવસની સાથે સાથે જે ભાવનાઓ પ્રગટ કરવામાં આવી છે એ ભાવનાઓને અનુકૂળ મારી જાતને નિખારવાનો, બનાવવાનો અને પળ પળ તમારા સપાનાઓ માટે જીવવા માટેનો હું મારા પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચવામાં કોઈ કમી નહીં રાખું. જીવીશ તો તમારા સપના માટે, મરી મીટીશ તો તમારા સપના માટે અને તમારા સપના સાકાર થાય તેના માટે સવા સો કરોડ દેશવાસીઓની શક્તિ એકત્રિત કરીને એક નવું ભારત, એક ન્યૂ ઇન્ડિયા, તેને પામીને જ રહેવું છે.

 

એક ગાંધી, દૂબળા પાતળા ગાંધી, સાબરમતીના આશ્રમમાં સાધના કરતા કરતા દેશવાસીઓને આઝાદી માટે જોડી શકે છે તો માતા નર્મદાના આશીર્વાદથી, સાબરમતીના આશીર્વાદથી, દેશના વીર પુરુષોની ત્યાગ-તપસ્યાના આશીર્વાદથી આ દેશના મહાપુરુષોની સાધનાના આશીર્વાદથી સવા સો કરોડ દેશવાસીઓ આઝાદીના 75 વર્ષ થવા પર એક નવા ભારતના નિર્માણમાં કોઈ કમી નહીં રહેવા દઇએ આ મારો સંપૂર્ણ વિશ્વાસ છે.

ભાઈઓ, બહેનો, આ સરદાર સરોવર ડેમ આજે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આત્મા જ્યાં પણ હશે આપણા તમામ પર અગણિત આશીર્વાદ વરસાવતી હશે. દીર્ઘદૃષ્ટા કોને કહે છે? 71 વર્ષ અગાઉ,આઝાદી અગાઉ, મારા પણ જન્મ પહેલા, આપણામાંથી ઘણા બધાના જન્મ અગાઉ સરદાર પટેલ સાહેબે, સરદાર સરોવર ડેમનું સ્વપ્ન નિહાળ્યું હતું. દેશ આઝાદ થયો, હું આજે અત્યંત આત્મવિશ્વાસપૂર્વક કહું છું કે બે મહાપુરુષ જો થોડા વર્ષ વધારે જીવિત રહ્યા હોત તો આ સરદાર સરોવર 60-70ના દાયકામાં જ બનાવીને આ પશ્ચિમના તમામ રાજ્ય સુજલામ, સૂફલામ થઈ ગયા હોત, હર્યા ભર્યા બની ગયા હોત. હિન્દુસ્તાનના અર્થજગતને એક અભૂતપૂર્વ સામર્થ્ય આપવાનું સૌભાગ્ય પશ્ચિમના આ રાજ્યોને મળ્યું હોત. એ બે મહાપુરુષ હતા એક સરદાર વલ્લભભાઈ પટેલ  જેમણે નર્મદાના મહાત્મ્યને, સામર્થ્યને, ગુજરાતની આવશ્યકતાઓને, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનના જીવનને, એક માતા નર્મદા કેવી રીતે બદલી શકે છે તેનું સપનું જોયું હતું. દીર્ઘ-દૃષ્ટિથી એ પ્રોજેક્ટની કલ્પના કરી હતી. અને બીજા, બીજા મહાપુરુષ હતા ડૉ. બાબા સાહેબ આંબેડકર. જે લોકોને બાબા સાહેબ આંબેડકરનો અભ્યાસ કરવાનો અવસર મળ્યો છે તેઓ જોઈ શકે છે કે ભારતમાં જળક્રાંતિ માટે, જળશક્તિ માટે, જળમાર્ગ માટે, સમૂદ્રી સામર્થ્ય માટે, મંત્રી પરિષદના પોતાના અલ્પકાળમાં જેટલી યોજના બનાવી, જેટલી કલ્પના પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે કરી હતી ભાગ્યે જ કોઈ એક સરકાર આટલા કામ વિચારી શકે છે. જે કામ બાબા સાહેબ આંબેડકરે વિચાર્યું હતું.

 

જો આ બે મહાપુરુષ થોડા વર્ષ વધુ જીવિત રહ્યા હોત તો આપણને તેમની સેવાઓનો લાભ થોડા વર્ષ વધુ મળ્યો હોત તો મારા પ્યારા દેશવાસીઓ આજે પૂરને કારણે જે પ્રદેશ તબાહ થઈ જાય છે, દુકાળને કારણે જ્યાંનો ખેડૂત મરી રહ્યો છે આ તમામ સમસ્યામાંથી દેશ બહાર નીકળી ગયો હતો અને દેશ પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરી ગયો હોત. પરંતુ એ આપણું કમનસીબ રહ્યું કે આપણે આ બે મહાપુરુષોને વહેલા ગુમાવવા પડ્યા. આજે આ સરદાર સરોવર ડેમ ભારતને સમર્પિત થઈ રહ્યો છે, સવા સો કરોડ દેશવાસીઓને સમર્પિત થઈ રહ્યો છે, ગાંધી અને સરદારની ધરતી પર સમર્પિત થઈ રહ્યો છે. જે ધરતી પર બાબા સાહેબ આંબેડકરના જીવનમાં પરિવર્તન આવ્યું હતું, ગાયકવાડને કારણે, એ ધરતી પર સમર્પિત થઈ રહ્યો છે. દેશની એક નવી તાકાતનું આ પ્રતિક હશે, આ વિશ્વાસ સાથે આ તમામ મહાપુરુષોને, તેમને યાદ કરીને, આ ભવ્ય દિવ્ય યોજના તમારા તમામના ચરણોમાં સમર્પિત કરું છું, દેશવાસીઓને સમર્પિત કરું છું. માતા ભારતીને સમર્પિત કરું છું.

 

ભાઈઓ, બહેનો, યોજના બનવી, યોજનાઓ પૂરી કરવી ખૂબ સ્વાભાવિક હોય છે પરંતુ કદાચ હિન્દુસ્તાનમાં જેટલી તકલીફો માતા નર્મદાએ સહન કરવી પડી છે, આ યોજનાને સહન કરવી પડી છે, દુનિયાની કોઈ તાકાત એવી ન હતી જેણે તેમાં અડચણ પેદા કરી ન હોય. વર્લ્ડ બેંક છે, નિર્ણય લઈ લીધો છે, સરદાર સરોવર માટે પૈસો નહીં આપીએ. ભારત માટે હજારો કરોડ રૂપિયાની આવડી મોટી યોજના આર્થિક મદદ વિના શક્ય ન હતી. અને એ જ વર્લ્ડ બેંકે કહ્યું કે તે પર્યાવરણ વિરોધી છે, ખોટા પ્રચારની આંધી ફેલાવનારાઓએ એટલા જુઠ્ઠાણા ફેલાવી દીધા હતા. ભાઈઓ, બહેનો અમે પણ નક્કી કરી લીધું હતું વર્લ્ડ બેંક હોય કે વર્લ્ડ બેંક ન હોય અમે ભારતના પરસેવાથી સરદાર સરોવર ડેમ બનાવીને રહીશું, અને આજે તેને બનાવી દીધો.

 

જે વર્લ્ડ બેંકે પર્યાવરણના નામે, પર્યાવરણના નામ પર, સરદાર સરોવર ડેમને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. 2001માં કચ્છમાં ભૂકંપ બાદ તેનું પુનઃનિર્માણ થયું અને એ ઇકો ફ્રેન્ડલી, પર્યાવરણ ફ્રેન્ડલી વિકાસ થયો એ જ વર્લ્ડ બેંકે ગુજરાતના ભૂકંપના કાર્યોને વર્લ્ડ બેંકના પર્યાવરણનો સૌથી મોટો એવોર્ડ, ગ્રીન એવોર્ડ ગુજરાતને આપવા માટે મજબૂર થવું પડ્યું હતું.

 

ભાઈઓ, બહેનો,  જો એક વાર હિન્દુસ્તાનના લોકો સંકલ્પ કરી લે છે તો દુનિયાના તમામ પડકારને પડકારવાનું સામર્થ્ય આ દેશ ધરાવે છે અને તેનું જ પરિણામ છે સરદાર સરોવર ડેમનું કામ, ક્યારેક ક્યારેક આપણા દેશમાં રાજ્યોની શક્તિ, રાજ્યોના પડકારો, તેની ઘણી ચર્ચા થતી રહે છે, તુલનાત્મક અભ્યાસ થતો રહે છે. પરંતુ પશ્ચિમ ભારતના આપણા કેટલાક રાજ્યો, જો આઝાદી પછીનો ઇતિહાસ જોવામાં આવે, આપણા આ વિસ્તારના વિકાસમાં કોઈ સૌથી મોટી અડચણ આવી હોય તો તે પાણીને કારણે આવી છે. પાણીની અછત, પશુ હોય, માનવી હોય, આપણા ખેતરો હોય, ગામ છોડીને  200-200, 400-400 કિલોમીટર દૂર ચાલ્યા જાય છે જ્યાં પાણી મળી જાય ત્યાં જ ચાર-છ મહિના ગુજરાન ચલાવે છે અને વરસાદ થાય એટલે પાછા આવી જાય છે. ક્યારેય કોઈએ આ દર્દનાક જીવનની કલ્પના કરી છે? પાણી વિનાનું જીવન કેવું હોય છે?

 

જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યો હતો, સરહદ પર જવાનો મારો સ્વભાવ હતો. બીએસએફના જવાન હોય, લશ્કરના જવાન હોય, હું તેમની વચ્ચે જ દિવાળી મનાવતો રહેતો હતો. એક વાર ગુજરાતની સરહદ પર જઈને બીએસએફના જવાનો સાથે બેઠો તો બીએસએફના જવાનો પીવાના પાણી, સેંકડો ઊંટ દ્વારા પાણી ભરીને લાવતા હતા ત્યારે આપણા દેશના જવાનોને પીવાનું પાણી મળતું હતું. આ દર્દ મેં પણ સારી રીતે અનુભવ્યું અને જ્યારે સરદાર સરોવર ડેમનું કામ આગળ ધપ્યું તો મનમાં એક ઇચ્છા જાગી કે હું ભારત અને પાકિસ્તાનની સરહદ પર મારા બીએસએફના જવાન, જે પાણી વિના સરહદ પર ફરજ બજાવી રહ્યા છે હું નર્મદાનું પાણી તેમના સુધી પહોંચાડીશ. 700 કિલોમીટર દૂર પાઇપ લાઇન લગાવી. કેટલાય દાયકાઓથી, વર્ષોથી જ્યારે ઊંટ પર પાણી ભરીને લાવવામાં આવતું હતું ત્યારે મારા દેશનું રક્ષણ કરનારા જવાનોને પાણી મળતું હતું. જ્યારે હું પાણી લઈને, નર્મદાનું પાણી લઈને પહોંચ્યો મેં બીએસએફના જવાનોના ચહેરા પર એ ખુશીની લહેર નિહાળી હતી. તે એન્જિનિયરિંગ ચમત્કાર હતો કે અમે અહીંથી પાણી ઉપાડીને  700 કિલોમીટર દૂર નર્મદાનું પાણી પહોંચાડ્યું  અને તે માટે ક્યાંક ક્યાંક તો પાણીને 60 માળની ઇમારત સુધી ઉપર પહોંચાડવું પડ્યું અને ત્યાંથી ફરીથી નીચે લાવ્યા.

 

ભાઈઓ, બહેનો, સમગ્ર સરદાર સરોવર ડેમ એક એન્જિનિયરિંગ ચમત્કાર છે. કે આ નેટવર્ક એન્જિનિયરિંગ ચમત્કાર છે અને હું તો દેશના આર્કિટેક્ટને, દેશના એન્જિનિયરને, સ્ટ્રક્ચર ડિઝાઇન કરનારાઓ સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આ તમામ વિદ્યાર્થીઓને આગ્રહ કરીશ કે તેઓ પોતાના અભ્યાસમાં એક પ્રોજેક્ટના રૂપમાં તેને લે. ભવિષ્યમાં નિર્માણ કાર્ય માટે એવી કોઈ નવી દિશા મળી શકે છે, અવસર મળી શકે છે.

 

ભાઈઓ, બહેનો આ ગુજરાતના નહીં, આ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના કરોડો ખેડૂતનું નસીબ બદલનારો પ્રોજેક્ટ છે. ગુજરાતે તેમાં પહેલ કરી અને ભાઈઓ, બહેનો અમે તેમાં પ્રયાસ કર્યો, દુનિયાભારમાં અમારી ટીકા કરવાના પ્રયાસો થયા, અનાપ શનાપ ખોટા આરોપો લગાડવામાં આવ્યા. માતા નર્મદાની આ યોજના અટકાવવા માટે ઘણા બધા ષડયંત્રો રચવામાં આવ્યા. પરંતુ અમે હંમેશા એમ કહીને રાખ્યું હતું કે તેને રાજકીય વિવાદોનો વિષય નહીં બનવા દઇએ.  આ 21મી સદીની ભાવિ પેઢીના ભાગ્યનો નિર્ણય કરનારી યોજના છે અને તેથી રાજકીય ભાષા સાથે અમે અમારી જાતને નહીં સાંકળીએ.

 

ભાઈઓ, બહેનો હું આજે પણ તેનું પાલન કરતો આવ્યો છું. ગમે તેટલી તકલીફ પડી હોય, કોણે કોણે મુશ્કેલીઓ સર્જી છે મારી પાસે પુરાવા છે પરંતુ તે રાજનીતિ મારે કરવી નથી. મારે એ માર્ગે જવું નથી.

મેં જોયું છે ગુજરાતના સાધુ-મહાત્મા, આધ્યાત્મનો સંદેશ આપવો જેનું જીવનનું કાર્ય છે પરંતુ જ્યારે જ્યારે સરદાર સરોવર નર્મદા યોજનાની વાત આવી ત્યારે મેં જોયું છે કે ગુજરાતના સંતગણ, તેમણે આગેવાનીની લડાઈ લડી હતી. ઉપવાસ પર બેઠા હતા. આટલું જ નહીં પરંતુ જ્યારે વર્લ્ડ બેંકે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો તો ગુજરાતના મંદીરોમાંથી પણ સરદાર સરોવર ડેમ બનાવવા માટે પૈસા આપવામાં આવ્યા હતા અને ત્યારે જઈને આ સરદાર સરોવર ડેમ બન્યો છે. અને તેથી જ આ કોઈ એક દળનો, કોઈ એક સરકારનો કાર્યક્રમ છે તેમ અમે ક્યારેય માન્યું નથી.  આ કોટી કોટી જનોનો કાર્યક્રમ છે, પાણી માટે તરસતા લોકોના સંકલ્પનો કાર્યક્રમ છે, અને આ પાણી ગુજરાતની ધરતી, કોરી ધરતીનું છે.

 

ભાઈઓ, બહેનો, જીવનની કેટલીક પળ એવી હોય છે જે વ્યક્તિના જીવનમાં અત્યંત ભાવુકતા ભરી દે છે. મારા જીવનમાં પણ માતા નર્મદા માટે કાંઇક કરવું તે ભાવુકતાથી ભરેલું છે, કેમ કે હું જોઉં છું કે મારી ધરતી માતા, આ સુકાયેલી ધરતી માતા, પાણીના ટીપાં માટે તરસતી ધરતી માતા, તેને જ્યારે કોઈ દીકરો નર્મદાનું પાણી આપે છે તો તે દીકરા માટે તેનાથી વધારે ભાવુક પળ બીજી કઈ હોઈ શકે ? મારા રાજ્યની કરોડો માતાઓ, દીકરીઓ અભ્યાસ  પડતો મૂકીને, માથા પર વાસણ મૂકીને, ત્રણ ત્રણ કિલોમીટર પીવાના પાણી માટે જતી હતી. 6 વર્ષ, આઠ વર્ષ 10 વર્ષની બાળકી માતાને પાણી ભરવામાં મદદ કરતી હતી, ભણવાનું છોડી દેતી હતી, એક દીકરાને નાતે આજે માતા નર્મદાનું જળ તેને મુસિબતોમાંથી મુક્ત કરે છે.  તો એ કરોડો માતાના આશીર્વાદ જેમ એક દીકરાને મળે છે તેના જીવનની ભાવુક પળ બીજી કઈ હોઈ શકે?

 

એ અબોધ પશુ જે બોલી શકતા નથી, માનવ જાતિની સેવા કરવા માટે તેમનું શરીર કામ આવે છે.  અબોધ પશુ, પીવાનું પાણી, ખાવા માટે ઘાસચારો, પાણી માટે આ પશુ 200-200 કિલોમીટર પગપાળા ચાલ્યા જાય છે. આજે જ્યારે નર્મદાનું પાણી પહોંચશે, લીલો ચારો મળશે, મારા એ પશુ લીલો ચારો ખાશે, અબોલ પશુને પીવાનું પાણી મળશે. અબોલ પશુ પણ આશીર્વાદ આપે છે. તો ભારત માતાના બેટાના રૂપમાં એ કરોડો પશુઓના આશીર્વાદ પણ મારા માટે ભાવનાની મોટી પળ હોવી સ્વાભાવિક છે.

 

ભાઈઓ, બહેનો, આજે હું જન્મદિવસ મનાવનારા લોકોમાં રહ્યો નથી. પરંતુ જન્મ દિવસે અને વિશ્વકર્મા જયંતી હોય તો કરોડો લોકોની આખી શતાબ્દીના ભાગ્યનું નિર્માણ થાય છે જે પળ, એવી પણ આટલા વર્ષોમાં મારા જીવનમાં ક્યારેય આવી નથી. જે આજે ગુજરાતે મને આપી છે.

 

ભાઈઓ, બહેનો વિકાસની તો આ મોટી મિસાલ છે. પંડિત લોકો તેનું અધ્યયન કરશે, સિમેન્ટ કેટલી ઉપયોગમાં લેવાઈ? કહે છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, કંડલાથી કોહીમા સુધી આઠ  મીટર પહોળો માર્ગ બનાવવો જોઇએ. હિમાલયથી સમૂદ્ર સુધી અને કંડલાથી કોહીમા સુધી આઠ મીટર પહોળો સિમેન્ટ કોંક્રીટનો રસ્તો બનાવવામાં જેટલી કોંક્રીટ ઉપયોગમાં લેવાય છે તેટલી કોંક્રીટ આ પ્રોજેક્ટમાં લાગી છે. ભાઈ સાહેબ. શું નથી કરવું પડ્યું ભાઈઓ, બહેનો તેથી જ આ નર્મદાનું પાણી, પાણી નથી પરંતુ પારસ છે પારસ. અને જ્યારે પારસનો સ્પર્શ લોખંડ સાથે થાય છે તો લોખંડ પણ સોનું બની જાય છે અને એવી જ રીતે આ પારસરૂપી માતા નર્મદાનો સ્પર્શ જે ધરતી પર, ધરતીના જે ખૂણામાં થશે તે સ્વર્ણિમ થઈ જશે. ભાઈઓ, બહેનો અને તેથી જ ભારતના સ્વર્ણિમ ભાગ્યનું કામ આ નર્મદામયી પારસરૂપી માતા દ્વારા થનારું છે તે હું જોઈ રહ્યો છું.

 

ભાઈઓ, બહેનો, ખેડૂતોનું ભલું થશે, પીવાનું પાણી મળશે, ગુજરાતમાં આર્થિક ક્રાંતિ આવશે. પરંતુ આપણા દેશમાં જૂઓ, પશ્ચિમ ભારત પાણી માટે તરસે છે અને પૂર્વ ભારત જેને વિકાસ માટે વિજળી જોઇએ, ગેસ જોઇએ. અને તમે જોયું હશે કે જ્યારથી અમે દિલ્હીમાં સરકારમાં બેઠા છીએ કેન્દ્રમાં સેવા કરવાનો તમે અવસર આપ્યો છે. અમે ભારતનો સંતુલિત વિકાસ થાય,પશ્ચિમને પાણી મળે, પૂર્વને વિજળી મળે, ગેસ મળે જેથી મારા પૂર્વના ભાઇઓ પણ તાકાતવાન બને, મારા પશ્ચિમના ભાઈઓ પણ તાકાતવાન બને અને મારી ભારત માતાની બંને ભૂજાઓ સામર્થ્યવાન બને. આ યોજના માટે અમે કામ કરી રહ્યા છીએ.

 

ભાઈઓ, બહેનો આ સરદાર સરોવર ડેમ કોઈ એક રાજ્યનો નથી. મને બરાબર યાદ છે કે જ્યારે રાજસ્થાનને પાણી આપ્યું, સરદાર સરોવર ડેમથી રાજસ્થાનને પાણી આપ્યું તો વસુંધરાજી એ વખતે મુખ્યમંત્રી હતા, ભૈરોસિંહ શેખાવત અને જશવંતસિહજી પણ. ભૈરોસિંહ ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા. તેઓ મને મળવા આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું, ભૈરોસિંહજી અને જશવંતસિહજીએ કહ્યું હતું કે મોદીજી તમને ખબર છે કે આ રાજસ્થાનને પાણી આપવાનો મતલબ શું થાય છે? ઘણા ભાવુક હતા  અને ભાવના સાથે તેમણે કહ્યું હતું કે મોદીજી જરા ઇતિહાસ જોઇ લો. થોડા પાણી માટે સદીઓ અગાઉ બે રાજ્યો વચ્ચે તલવાર ચાલતી હતી, લડાઈ થતી હતી, રાજ્યોથી રાજ્યોનો પરાજય થતો હતો, જય-વિજયનો ઇતિહાસ બની જતો હતો, અને તમે કોઈ સંઘર્ષ નહીં, કોઈ તનાવ નહીં, કોઈ ઝઘડો નહીં, કોઈ આંદોલન નહીં, સીધું જ સરદાર સરોવર ડેમથી નર્મદાનું પાણી રાજસ્થાનને આપી દીધું. બાડમેર, પાકિસ્તાનની સરહદ સુધી પાણી પહોંચાડી દીધું? ભાઈઓ,બહેનો, મેં એ બે નેતાઓની આંખમાં એ ભાવના નિહાળી હતી. અને મને આનંદ છે કે જ્યારે જ્યારે આવા લોકોને શાસન કરવાની તક મળી છે જેમના માટે દળ કરતા મોટો દેશ હોય છે, ત્યારે ત્યારે નર્મદા યોજનાએ પ્રગતિ કરી છે. જેમના માટે દેશ કરતા મોટો પોતાનો પક્ષ છે એ વખતે નર્મદા યોજનામાં અડચણો આવી છે.

 

આજે આ ડેમનું કાર્ય પૂર્ણ થયું છે. હું આદરપૂર્વક મધ્ય પ્રદેશની જનતાનો,મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આદરપૂર્વક આભાર માનું છું. આજે આ યોજના પૂરી થઈ છે તેના માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રની જનતા, તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે આ યોજના પરિપૂર્ણ થઈ છે હું મારા એ આદિવાસી ભાઇઓ, બહેનોને આદરપૂર્વક નમન કરું છું જેમણે સર્વજન હિતાય, સર્વજન સુખાય પોતાનું કાંઇક છોડવું પડ્યું તો છોડવા માટે આગળ આવ્યા અને તેમની તરફ એક આદરના ભાવ સાથે આગામી સરકાર જોશે તેવો મને વિશ્વાસ છે. તેમના સુખ-દુઃખની ચિંતા આવનારી સરકાર કરશે તેવો મને પૂરો ભરોસો છે.  હું મારા એ આદિવાસી ભાઈઓ, બહેનોને નમન કરું છું જેમના ત્યાગને કારણે, જેમના બલિદાનને કારણે આજે આ ભારત માતા, તરસી મારી ભારત માતા, નર્મદાના જળથી પુષ્પિત, પલ્લવિત થવા જઈ રહી છે. તેનાથી મોટું જીવનનું સૌભાગ્ય કયું હોઈ શકે ?

 

ભાઈઓ, બહેનો, આપણા દેશમાં ભારતને એક બનાવવાનું કાર્ય સરદાર સાહેબે કર્યું. જો સરદાર સાહેબ ન હોત તો દેશ કેવો વિખરાયેલો હોત એ આપણે સારી રીતે સમજીએ છીએ. કાશ્મીરને બાદ કરતા સમગ્ર હિન્દુસ્તાનને એક કરવાનું કામ સરદાર સાહેબની જવાબદારી હતી અને તેમણે કરી દેખાડ્યું. અને આજે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન લઈને આગળ ધપી રહ્યા છીએ. પરંતુ આઝાદી બાદ જે રૂપમાં આ મહાપુરુષને દેશે સમજવો જોઇએ, જે સ્વરૂપમાં આ મહાપુરુષની દેશની પેઢીને પ્રેરણા મળવી જોઇએ તે કોઈને કોઈ કારણસર સંભવ બની શક્યું નહીં. તમે કલ્પના કરી શકો છો દુનિયાભરના લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા જાય છે. આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં સાપુતારા છે, સૌરાષ્ટ્રમાં જાઓ તો ગીરના સિંહ છે, કચ્છમાં જાઓ તો રણ છે, ઉત્તરમાં જાઓ તો માતા અંબાજી છે અને થોડા આગળ જાઓ તો માઉન્ટ આબુ છે. પરંતુ આ મારો વિસ્તાર છે જ્યાં ટુરિઝમની શક્યતા છે અને તેથી જ ભાઈઓ, બહેનો,આ સરદાર પટેલનું સ્મારક, તમે જોઈ લેજો, મારા શબ્દો લખી લેજો, દરરોજના લાખો લોકો અહીં આવતા હશે, લાખો લોકો આવતા રહેશે, ટુરિઝમનું એક એવું કેન્દ્ર બની જશે. આ હજારો ગામડાઓની રોજગારીનું સાધન બનવાનું છે. આ સ્વપ્ન મેં નિહાળ્યું છે.

 

અને અહીં જ દેશની આઝાદી માટે મરી ફીટનારા લોકો, કેટલાક લોકોને લાગે છે કે મુઠ્ઠીભર લોકોએ જ દેશને આઝાદ કરાવ્યો છે? ગણ્યા ગાંઠ્યા લોકોએ જ બલિદાન આપ્યા, અને ગીત પણ કેટલાક લોકોના જ ગવાયા છે. દેશની આઝાદીના ઇતિહાસને ભુલાવી દેવાયો છે. દેશ માટે બલિદાન આપનારા લોકોને યાદ કરતા કેટલાક લોકો ખચકાય છે. 1857થી 1947 સુધી મારા આદિવાસીઓએ દરેક સલ્તન સામે લડાઈ લડી છે, બલિદાન આપ્યા છે. અંગ્રેજો  એક સાથે 100-100 આદિવાસીઓને ફાંસીએ લટકાવી દેતા હતા, તેઓ ઝૂકવા માટે તૈયાર ન હતા. આઝાદીના જંગમાં હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં જ્યાં જયાં આદિવાસી છે બલિદાન આપવામાં તેઓ ક્યારેય પાછળ રહ્યા નથી. જંગની શરૂઆત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા અદા કરી છે. મારા દેશની ભાવિ પેઢીને ખબર પડવી જોઇએ કે મારા આદિવાસી ભાઈઓ જંગલમાં રહ્યા, પહાડોમાં રહ્યા, પહેરવા માટે કપડા ન હતા પરંતુ માતા ભારતીની આઝાદી માટે બલિદાન આપવામાં તેઓ ક્યારેય પાછળ રહ્યા નથી. તેમનું સન્માન થવું જોઇએ, તેમનું ગૌરવ હોવું જોઇએ. ભાવિ પેઢીને તેમની પ્રેરણા મળવી જોઇએ. અને તેથી જ હિન્દુસ્તાનમાં જયા જયા, જે જે રાજ્યમાં આદિવાસીઓએ 1857-1947 સુધી આઝાદીના જંગમાં જે કાંઈ પણ કર્યું અમારી સરકાર તેનું મ્યુઝિયમ બનાવવા માગે છે.

 

દેશને પણ, ભાવિ પેઢીને પણ આપણા આદિવાસીઓ પ્રત્યે ગૌરવ હોવું જોઇએ, અભિમાન હોવું જોઇએ. માતા ભારતી માટે મરનારા તેમના પૂર્વજો પ્રત્યે શ્રદ્ધાભાવ હોવો જોઇએ અને તેથી હિન્દુસ્તાનના તમામ રાજ્યો, જ્યાં જ્યાં આદિવાસીના પરાક્રમની ગાથા છે, ત્યાં એક એવું આધુનિક ડિજિટલ ટેકનોલોજી ધરાવતું મ્યુઝિયમ બનવાનું છે. આજે તેની શરૂઆત, તેનો શિલાન્યાસ કરવાની તક મને ગુજરાતની ધરતી પરથી મળી છે. ધીમે ધીમે ભારતના તમામ રાજ્યોમાં તે વિકસીત થશે. તેને હું મારા જીવનનું મોટું સૌભાગ્ય માનું છું અને મારા એ વીર આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાને લઈને જાબુંઘોડાના નાયકા સમાજ સુધી, તમામ પ્રત્યે શ્રદ્ધા અને આદરથી નમન કરીને આજે તેનો શિલાન્યાસ પણ કરવાનું મને સદનસીબ સાંપડ્યું છે અને આવનારા સમયમાં તેનો પણ લાભ મળશે.

 

આ સમગ્ર સરદાર સરોવર ડેમ વોટર સ્પોર્ટ્સ માટે, સાહસિક વોટર સ્પોર્ટ્સ માટે, રિક્રિએશન માટે અને ટુરિઝમ કેન્દ્ર માટે એક એવી જગ્યા બનવાની છે જે ગુજરાતની સૌથી મોટી આર્થિક ગતિવિધીનું કેન્દ્ર, આ કાલ સુધી જંગલ હતા, રોજી રોટી કમાવવા માટે શહેરો સુધી લોકોએ ભટકવું પડતું હતું, હવે એ રોજી રોટી ઘરની સામે આવશે, આ કામ થવાનું છે. વડોદરાથી લઈને, ભરુચથી લઈને, રસ્તાનું નિર્માણ, રેલવેનું નિર્માણ, ઝડપી ગતિની ગાડીઓનું નિર્માણ જેથી પ્રવાસીઓ આવે, આરામથી આવે જેથી હિન્દુસ્તાનનું એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર બની જાય. એક આગ્રાનો તાજમહેલ સદીઓથી બન્યો, આજે પણ દેશમાં એક આગ્રાનો તાજમહેલ જ દેખાડતા રહે છે. ભાઈઓ, હિન્દુસ્તાનના તમામ ખૂણામાં દુનિયાને આપવા માટે, દેખાડવા માટે ઘણું બધું છે. આ સરદાર સરોવર ડેમ, આ સરદારની પ્રતિમા, આ આદિવાસીઓના પરાક્રમની ગાથા ગાનારું મ્યુઝિયમ તે દેશના, દુનિયાના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનનારું છે.

આવા આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો આજે શુભારંભ થઈ રહ્યો છે. ડેમનું લોકાર્પણ થઈ રહ્યું છે. મેં આજે સરદાર સાહેબની પ્રતિમાના કાર્યનું પણ વિગતવાર પરિક્ષણ કર્યું. જે ગતિથી કામ ચાલી રહ્યું છે, જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, શીખવા સમજવા જેવું લાગ્યું.

 

હું ખરેખર દેશવાસીઓને આજે આ અમૂલ્ય ભેટ આપતા ગર્વની અને સંતોષની લાગણી અનુભવી રહ્યો છું. હું મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીને અન્ય એક કામ માટે પણ અભિનંદન આપવા માગું છું. તાજેતરમાં, આમ તો બધાને ખબર હશે કે નર્મદા માતા પહાડમાંથી આવતી નથી. જંગલોમાંથી આવે છે અને તેથી નર્મદા માતાને જંગલોથી હરેલી ભરેલી રાખવાનું અભિયાન પણ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ હાથ ધર્યું.  લગભગ 8-9 મહિના પગપાળા યાત્રા ચાલી. કરોડો વૃક્ષ રોપવાનું અભિયાન ચાલ્યું. આ કરોડો વૃક્ષોના માધ્યમથી તેમણે આવનારી સદીઓ સુધી નર્મદાનું પાણી ઘટે નહીં તેવું બીડું ઝડપ્યું છે. હું મધ્ય પ્રદેશની જનતાનો, તેના મુખ્યમંત્રીનો, આ પવિત્ર કાર્ય કરનારાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. નદી બચાવવાનું કાર્ય કદાચ આ અગાઉ દેશમાં થયું નથી. આજે મેં જોયું છે, આપણા દેશમાં ઘણા સંતો, ઘણી સંસ્થાઓ નદી બચાવવાનું કાર્ય કરી રહી છે, અભિયાન ચલાવી રહી છે, ત્યાગ-તપસ્યા સાથે ચલાવી રહ્યા છે. પર્યાવરણના રક્ષણ માટે દેશમાં જે પ્રયાસ થઈ રહ્યા છે તે પ્રયાસ પણ હૃદયથી અનેક અનેક અભિનંદનને પાત્ર છે અને તેથી આ મહત્વપૂર્ણ કાર્ય માટે પણ હૃદયપૂર્વક તમામનો આભાર માનું છું.

 

ભાઈઓ, બહેનો, કાલે રાત્રે હું જ્યારે દિલ્હીથી નીકળ્યો ત્યારે એક દુઃખદ સમાચાર મળ્યા, આપણા દેશના વીર સૈનિક, વીર સેનાપતિ અને મને જ્યારે જ્યારે મળ્યા, આપણા દેશના માર્શલ શ્રીમાન અર્જન સિંહ, 1965નું યુદ્ધ જેમના નામ સાથે સંકળાયેલું છે, એક વીર યોદ્ધા, 98 વર્ષની વય અને હજી થોડા દિવસ અગાઉ એક કાર્યક્રમમાં અમે મળ્યા, યુનિફોર્મ પહેરીને આવતા હતા. વ્હીલચેર પર આવવું પડતું હતું અને તે જોતાં વેંત જ ઊભા થઈને સલામ કરતા હતા. હું તેમને પ્રાર્થના કરતો હતો, માર્શલ તમારે ઊભા થવું જોઇએ નહીં પરંતુ તેઓ એક એવા સૈનિક હતા, શિસ્ત તેમની રગેરગમાં હતી તેઓ આપોઆપ ઊભા થઈ જતા હતા.

 

કાલે જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો તેની ખબર પડી તો હું તેમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. જોમ એ જ હતું, ઉત્સાહ એ જ હતો, શરીર સાથ આપતું ન હતું પરંતુ રગે રગમાં ભરેલી તે શિસ્તની તડપ નજરે પડતી હતી. આવા એક વીર યોદ્ધા, વીર સૈનિકને આપણે ગુમાવી દીધો છે. હું તેમને આદરપૂર્વક નમન કરું છું, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરાક્રમને દેશ હંમેશાં હંમેશાં યાદ રાખશે. તેમની શિસ્તને યાદ રાખશે, તેમની ત્યાગ, તપસ્યાને યાદ રાખશે, માતા ભારતી પ્રત્યેના તેમના સમર્પણને યાદ રાખશે અને આવનારી પેઢીઓ તેમનામાંથી પ્રેરણા લઈને માતા ભારતી માટે કાંઇકને કાંઇક કરવાનો સંકલ્પ લેશે અને 2022માં ન્યૂ ઇન્ડિયા બનાવવાની દિશામાં સિદ્ધિ પ્રાપ્ત કરશે.

આ એક ભાવના સાથે હું ફરી એક વાર ગુજરાત સરકારનો આભાર માનું છું, ગુજરાતની જનતાનો આભાર માનું છું, આ ચારેય સરકારોને અભિનંદન આપું છું, જેમનું આ પ્રોજેક્ટમાં યોગદાન રહ્યું છે અને વિજળી ઘરે ઘરે પહોંચાડવામાં માતા નર્મદાજી પણ કામ આવી રહી છે, તે જમીનને પણ સુજલામ સૂફલામ કરશે, આપણા ઘરોમાં પણ પ્રકાશ ફેલાવશે. આવી માતા નર્મદાને નમન કરતા તમને સૌને આગ્રહ કરું છું કે બે મુઠ્ઠી બંધ કરીને હું બોલીશ નર્મદે, તમે સૌ બોલશો સર્વદે. આજે માતા નર્મદા છે તો બધું જ છે.

 

નર્મદે–સર્વદે, જોરથી બોલો…

નર્મદે– સર્વદે.

નર્મદે– સર્વદે. નર્મદે– સર્વદે.

ખૂબ ખૂબ ધન્યવાદ.

 

 

NP/J.Khunt/TR/GP