Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


નમસ્તે,

કોબેમાં મને અગાઉ પણ તમારા લોકો વચ્ચે આવવાની તક સાંપડી છે. ત્યારે તો ખબર પણ નહોતી કે આવો કોઈ મનુષ્ય પ્રધાનમંત્રી બની જશે. તે સમયે પણ તમે લોકોએ મને પ્રેમ આપ્યો હતો. એ પ્રેમને હું ક્યારેય ભૂલી નહીં શકું. કોબેમાં આવું અને તમને મળ્યા વિના જતો રહું – આવો વિચાર સુદ્ધાં હું ન કરી શકું.

હું કાલે પ્રધાનમંત્રી આબે સાથે વાત કરી રહ્યો હતો. કોબે સાથે મારા સંબંધો વિશે. મેં તેમને કહ્યું હતું કે જ્યારે વર્ષ 2001માં ગુજરાતમાં ભયંકર ધરતીકંપ આવ્યો હતો, ત્યારે ગુજરાતના લોકોને મદદ કરવામાં કોબે સૌ પ્રથમ હતું અને એ અગાઉ પણ અહીં ધરતીકંપ આવ્યો હતો. સુખમાં કોઈ સાથીદાર ન થાય તો માણસને પ્રમાણમાં ઓછું દુઃખ થાય છે. સુખમાં સાથીદાર થયા હોત તો સારું હતું એવું કહે. પણ જો દુઃખમાં કોઈ તમારો હાથ ન પકડે, તો આખું જીવન તમે ભૂલતા નથી. અને જે લોકો તમારા દુઃખમાં તમને આધાર આપે છે, ટેકો આપે છે, સાથસહકાર આપે છે, તેને તમે જીવનભર ભૂલતા નથી. તમારા માટે જીવનભર પૂજ્ય બની જાય છે. ગુજરાતમાં ધરતીકંપ આવ્યો ત્યારે સૌપ્રથમ સાથસહકાર આપવામાં કોબે આગળ હતું એટલે તે હંમેશા યાદ રહે, તેના પ્રત્યે આદર થાય એ સ્વાભાવિક છે. અત્યારે તમને હિંદુસ્તાનમાંથી દરેક સમાચાર ગર્વ કરવા જેવા મળે છે, ગર્વ થાય છે કે નહીં ? અત્યારે તમે છાતી ફુલાવીને, આંખોમાં આંખો પરોવીને વાત કરતા હશો. તેનું કારણ મોદી નથી. તેનું કારણ સવા સો કરોડ હિંદુસ્તાની છે. તેમણે જે લગન સાથે ભારતને આગળ વધારવાની, ખાસ કરીને ભારતની યુવા પેઢીએ જે નિર્ધાર કર્યો છે અને જે રીતે પુરુષાર્થ કર્યો છે, તેના પર બધાને ગર્વ છે.

બે વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ ઓછો થયો હતો. ભારતનું અર્થતંત્ર આજે પણ કૃષિ અને ચોમાસા આધારિત છે. જો સારો વરસાદ ન થાય, તો આખું અર્થતંત્ર ઊંધી દીશામાં દોડવા લાગે. તેમ છતાં બે વર્ષ ભયંક દુષ્કાળ પડવા છતાં, scarcity હોવા છતાં આખું વિશ્વ એક અવાજે કહી રહ્યું છે કે ભારત વિશ્વનું મોટું અર્થતંત્ર છે અને તેનું અર્થતંત્ર સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યું છે. જો દુનિયામાં કોઈ અર્થતંત્ર ઝડપથી પ્રગતિના પંથે અગ્રેસર છે, તો એ ભારતનું અર્થતંત્ર છે. આઈએમએફ હોય, કે વર્લ્ડ બેન્ક હોય, બધા એક અવાજે કહે છે. આઈએમએફે તો કહી દીધું છે કે ભારતનું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ છે.

આખી દુનિયાના અર્થશાસ્ત્રીઓ સ્વીકારે છે કે ભારત અત્યંત ઝડપથી પ્રગતિના પંથે અગ્રેસર છે. FDI, Foreign Direct Investment. (વિદેશી સીધું રોકાણ) પણ મારી પોતાની અલગ પરિભાષા પણ છે. મારી નજરે પહેલો અર્થ છે – FDI, First Develop India (પ્રથમ વિકાસ ભારત) અને બીજો અર્થ છે Foreign Direct Investments. અત્યારે ભારતને અત્યાર સુધીનું સૌથી વધુ FDI મળી રહ્યું છે. અન FDI મળવાથી વૃધ્ધિ દર પણ ઐતહાસિક ટોચે છે. તો આ ચીજવસ્તુઓ એ વાતનો સંકેત આપે છે કે દેશનો આર્થિક વિકાસ અતિ ઝડપથી થઈ રહ્યો છે.

આપણા દેશમાં ગરીબીની ચર્ચા હંમેશા થાય છે. એવું નથી કે મેં આવીને શરૂ કરી છે, અગાઉ પણ થઈ છે, પણ મોટા ભાગે ગરીબોની યાદ ચૂંટણી સમયે જ આવે છે. ચૂંટણી પતે, સરકાર બની જાય. પછી પાંચ વર્ષ સુધી ગરીબોને ભૂલી જવાના. મારા કિસ્સામાં ઊંધું થયું છે. મેં ગરીબી પર ચર્ચા ચૂંટણી પછી, મારી સરકાર બન્યા પછી શરૂ કરી છે. હું ઝડપથી દેશને ગરીબીમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. અત્યારે આપણા દેશમાં 40 ટકા એવા લોકો છે, જેમણે ક્યારેય બેંકનો દરવાજો પણ જોયો નહોતો. તેઓ વિચારી શકતા પણ નહોતા કે તેઓ આટલી મોટી બિલ્ડિંગમાં અંદર જઈ શકશે. અમે આવીને અભિયાન ચલાવ્યું કે સૌપ્રથમ, બધાના બેંક ખાતા ખોલવામાં આવે. પણ ખાતું ખોલવા રૂપિયા નહોતા. સ્ટેશનરીનો ખર્ચ પણ થાય. ફાર્મનો ખર્ચ પણ થાય. અમે સરકારમાં આવીને જાહેરાત કરી કે બધાને મફતમાં ખાતું ખોલી દો. તમે જાણો છો કે થોડા દિવસ અગાઉ શું થયું હતું. સરકારમાં તમામ લોકોને અહેસાસ થયો. અમે ગરીબોને કહ્યું કે તમારી પાસે ભલે એક રૂપિયો ન હોય, તો પણ બેંકમાં તમારું ખાતું ખુલશે. અત્યાર સુધી આપણે ધનિકોને ગરીબ થતા જોયા છે, પણ પહેલી વખત આપણે મોટી સંખ્યામાં ગરીબોને ધનવાન થતા જોઈ રહ્યા છીએ. આ આપણું સૌભાગ્ય છે. મેં ગરીબોને કહ્યું હતું કે, તમે એક રૂપિયો નહીં આપો તો ચાલશે. તેમણે તેમના જીવનમાં ક્યારેય બેંકનો દરવાજો જોયો નહોતો, ક્યારેય બેંકમાં ખાતું ખોલ્યું નહોતું. પણ મારા એક શબ્દ પર ભરોસો મૂકીને ગરીબોએ બેંકમાં અંદાજે રૂ. 45,000 કરોડ જમા કરી દીધા 45000 crore Rupees. આપણે આજે ગરીબોને ધનિક થતા જોયા છે અને આ જ છે આપણા દેશની સૌથી મોટી તાકાત. આપણે આપણા દેશને આપણે જેવો ઇચ્છીએ છીએ, તેવો બનાવવાનું સામર્થ્ય ધરાવીએ છીએ.

વર્ષ 2011માં જાપાનમાં મોટી કુદરતી આફત આવી. તમારે ત્યાં ધરતીકંપ આવ્યો, સુનામી આવી. તે જ સમયે તમારે ત્યાં ફુકુશિમાની દુર્ઘટના પણ ઘટી. વર્ષ 2011ના એ દિવસો યાદ કરો. વીજળીમાં કાપ, પાણીમાં કાપ. ચાર બોટલ પાણીની જરૂર હોય તો એક બોટલ પાણીથી ચલાવવું પડે. દહીંની જરૂર છે તો ન લાવો, ઓછું લાવો. વળી આ મુશ્કેલી જ્યાં આફત આવી હતી, ત્યાં પડી નહોતી. સમગ્ર જાપાનમાં સરકારે ઇચ્છા વ્યક્ત કરી, સરકારી કચેરીઓ માટે કરકસર કરવાની અપીલ કરી. આ દેશની જનતાએ તેને જવાબદારી સમજી. બધાએ જેટલું થાય તેટલું પ્રદાન આપ્યું. વીજળીનો ઓછો ઉપયોગ કરવા લોકોએ AC બંધ કરી દીધા. જરૂરથી વધારે પાણી પણ લીધું નથી. ઓછામાં ઓછી ચીજવસ્તુઓ સાથે ઘર ચલાવ્યું. લોકો ત્રણ શાકભાજી લાવતા હતા, તો એકથી ચલાવી લીધું. જાપાનના લોકોએ સંકટ સમયે એકતાનું, જવાબદારીનું પ્રદર્શન કર્યું. જ્યારે હું આ બધી બાબતોનો અભ્યાસ કરતો હતો અને પછી જ્યારે હું સાંભળતો હતો, ત્યારે મને થતું હતું કે દેશ માટે કષ્ટ સહન કરનાર આ પ્રજા કેટલી મહાન છે! મને વિચાર આવે છે કે આપણા દેશમાં ક્યારેય આવું થઈ શકે? આવું શક્ય છે? પણ આજે વિશ્વાસ સાથે કહી શકું કે હિંદુસ્તાનનો સામાન્ય નાગરિક પણ તેને તક મળે તો જવાબદારી અદા કરવામાં પાછી પાની કરે તેવો નથી. મને આનો અનુભવ છે.

તાજેતરમાં જ મને અનુભવ થયો છે – તમને ખબર છે કયો? તમને ખબર છે કે આઠ નવેમ્બરે અચાનક રાત્રે આઠ વાગે રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો…હું સવા સો કરોડ દેશવાસીઓને નમન કરું છું, સલામ કરું છું. ઘરમાં લગ્ન છે, રૂપિયા નથી, માતા બિમાર છે, પણ નોટોના થપ્પા છે. બરોબર મુશ્કેલી ઊભી થઈ. તેમ છતાં લોકોએ દેશના વ્યાપક હિતમાં આ નિર્ણયને વધાવી લીધો, સરકારને આ નિર્ણયમાં સાથસહકાર આપ્યો. આ સંજોગોમાં સાથસહકાર આપવાને બદલે કેટલાક લોકો નાગરિકોને મોદી વિરૂદ્ધ કશું બોલવા મજબૂર કરતા હતા. પણ હું દેશના લોકોને સલામ કરું છું કે કેટલાક ચાર કલાક લાઇનમાં ઊભા રહ્યા છે, કેટલાક છ કલાક લાઇનમાં ઊભા રહ્યા છે. દેશના નાગરિકોએ તકલીફ વેઠી છે, પણ દેશના હિતમાં આ નિર્ણયને સ્વીકારી લીધો છે, તેનું સ્વાગત કર્યું છે. જે રીતે જાપાને વર્ષ 2011ની આપત્તિ સમયે એકતા અને જવાબદારીનું પ્રદર્શન કર્યું હતું, તેવી જ એકતા અને જવાબદારી ભારતીય નાગરિકોએ દાખવી હતી. કેટલાક સ્થળે લોકો ચારથી પાંચ કલાક લાઇનમાં ઊભા હતા અને અચાનક ATM બંધ પડી ગયા. તો પણ ચાલો કાલે આવીશું અને કાલે ઠીક થઈ જશે એવું કહીને પોતાની જવાબદારીનું પ્રદર્શન કર્યું. આ ખરેખર દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, વિકાસનો સંકેત છે. પાપ કરનારાઓની સંખ્યા બહુ વધારે નહીં હોય. બે લાખ, પાંચ લાખ. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મુશ્કેલી સવા સો કરોડ નાગરિકો વેઠી રહ્યા છે. પણ તેમ છતાં સવા સો કરોડ નાગરિકોને લાગે છે, આટલી મુશ્કેલીઓ વેઠ્યા પછી પણ લોકોને સમજાય છે, તમે Watsapp પર જોતા હશો. અગાઉ ગંગામાં કોઈ પાવલી (પચ્ચીસ) કે આઠ આના (પચાસ) પૈસાનો સિક્કો પણ નહોતું નાંખતું, પણ હવે નોટોના થપ્પા ગંગા મૈયાને અર્પણ કરે છે.

તમે મને કહો કે, ચોરીનો માલ બહાર આવવો જોઈએ કે ન આવવો જોઈએ? સામાન્ય મનુષ્યને એ ફરિયાદ રહે છે કે એકને ફાયદો થાય છે અને એકને નુકસાન. તેમને લાગે છે કે સરકાર બધાને 500, 1000ની નોટો આપે. પણ હવે મોદીની હજારની નોટ પણ બજારમાં ચાલવાની નથી. મારી પાસે હજારની નોટ હોય તો એ પણ નહીં ચાલે. લોકો કહે છે કે વાહ, લોકતંત્ર પ્રગતિના પંથે છે. આવું થવું જોઈએ. કાયદો દરેક માટે એકસમાન હોવો જોઈએ. જ્યારે મેં આ પ્રકારનો નિર્ણય લીધો હતો, ત્યારે મને સામાન્ય નાગરિકોના આશીર્વાદ મળશે તેવી કલ્પના પણ કરી નહોતી. હું વિચારતો હતો કે આ નિર્ણય લીધા પછી લોકોને કેવી-કેવી મુશ્કેલીઓ પડશે. પણ શું શું ફાયદા થશે એ વિશે તો મેં વિચાર્યું જ નહોતું. હું વિચારતો હતો કે, શું કરું, કેવી રીતે કરું, આવી રીતે કરું, તેવી રીતે કરું. સતત મનોમંથન ચાલતું હતું. વળી હું આ વિશે કોઈની સાથે ચર્ચા કરવાની સ્થિતિમાં પણ નહોતો. આ કામ એકાએક જ કરવું પડે, નહીં તો ઢેફુ ભાંગીને ધૂળ હાથમાં આવે. આ પગલું એકાએક ન લો તો કોઈ અર્થ જ ન સરે. તમે કાળું નાણું ભેગું કરનારને સમય આપો તો તેઓ તેનો માર્ગ કરી લે. એટલે આ સંપૂર્ણ યોજના Secret રાખવી જરૂરી હતી. હું વિચારતો હતો કે, આ નિર્ણય લેવાથી કેવી કેવી તકલીફો પડશે, કેવા પ્રકારની સમસ્યાઓ ઊભી થશે. પછી અમે એક નાની ટીમ બનાવી અને તેનો ઉચિત માર્ગ શોધવા મનોમંથન શરૂ કર્યું. પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે દેશની જનતા આટલા બધા આશીર્વાદ આપશે. જ્યારે લોકોને જાણ થઈ કે ઘરની મહિલા શાકભાજી લેવા જાય છે ત્યારે થોડી બચત કરે છે અને સાડીના પાલવમાં બાંધીને રાખે છે, જેથી ઘરમાં મુશ્કેલીના સમયે તેનો ઉપયોગ થઈ શકે. આપણા દેશમાં મહિલાઓને બચત કરવાની ટેવ વારસામાં મળે છે અને તેમની પાસે જે રૂપિયો હોય છે એ ઇમાનદારીનો હોય છે, બેઇમાનીનો નહીં. જ્યારે અમે જાહેરાત કરી કે જો કોઈ ગૃહિણી પાસે અઢી લાખ રૂપિયા હશે અને તે તેના ખાતામાં બેકમાં જમા કરાવશે તો સરકાર આ રૂપિયા ક્યાંથી આવ્યા એ પૂછશે નહીં. તમને ખબર છે કે તેનું પરિણામ શું આવ્યું? – જે છોકરાઓ અને વહુઓ તેમની માતાઓ અને સાસુઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા, તેઓ તેમની માતા અને સાસુઓના ખાતામાં અઢી-અઢી લાખ રૂપિયા જમા કરાવી આવ્યા. હવે તમે મને કહો કે આ માતાઓ મને આશીર્વાદ આપે કે નહીં? આવી વૃદ્ધ માતાઓના આશીર્વાદ મને મળે પછી યોજના સફળ થશે તેની મને ખાતરી છે.

ભાઈઓ અને બહેનો,

આ બહુ મોટું સ્વચ્છતા અભિયાન છે. આ અભિયાનનો આશય કોઇને પરેશાન કરવાનો નથી, કોઈને મુશ્કેલીમાં મુકવાનો નથી. ચોક્કસ, નાગરિકોને તકલીફો પડે છે. તેનો મને અંદાજ છે. મેં આઠ તારીખ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, ત્યારે આ અભિયાન શરૂ થવાની જાહેરાતના દિવસે જ કહ્યું હતું કે, ભારત વિશાળ દેશ છે. તમને 50 દિવસ આપવામાં આવે છે. ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. તમારે 50 દિવસમાં તમારી ઇમાનદારીને, તમારા હકના, તમારા અધિકારના રૂપિયા તમારા ખાતામાં જમા કરાવવાના છે. તમારા ખાતામાં રૂપિયા જમા થઈ જશે. પણ હું આ વાતને સ્પષ્ટપણે કહું છું કે જો કોઈ હિસાબ વિનાના રૂપિયા જમા થયા, તો તમારે હિસાબ આપવો પડશે. હું દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીનો હિસાબ ચકાસવાનો છું. ભલે આ કામ માટે નવા લોકોની ભરતી કરવી પડે. જે લોકો પ્રામાણિક છે, તેમની મહેનત, તેમના અધિકાર, તેમની પ્રામાણિકતાનો જયજયકાર થશે, તેમને કોઈ સમસ્યા નહીં પડે. પણ જો કોઈ ખોટી રીતે રૂપિયા જમા કરાવ્યા અને પછી તેઓ વિચારતા હશે, કે આજે બેંકમાં રૂપિયા જમા કરાવી દઈએ અને પછી જોયું જોશે, તો મારે કહેવું છે કે ખોટું કરનાર કોઈ બચવાના નથી. જે લોકો મને ઓળખે છે, તેઓ આ વાત સારી રીતે જાણે છે. જે લોકો થોડા સમજદાર છે તેઓ બેંકમાં કાળું નાણું જમા કરાવવાને બદલે ગંગાજીમાં પધારવી દેવાનું જ વધારે મુનાસિબ માને છે. રૂપિયા મળે કે ન મળે, પુણ્ય તો મળશે. એટલે દેશને એક વખત ફરી કહેવા ઇચ્છું છું, જે લોકો સત્તાધારીઓ સુધી પહોંચ ધરાવે છે તેમને કહેવા માગું છું કે મારી સરકાર પ્રામાણિક લોકોનું રક્ષણ કરવા શક્ય તમામ પ્રયાસ કરશે અને કાળું નાણું એકત્ર કરનાર ભ્રષ્ટ લોકોનો હિસાબ સરભર કરીને જ રહેશે.

આ પ્રકારનો નિર્ણય અમે રાતોરાત લીધો છે એવું નથી. અમે અગાઉ એક યોજના શરૂ કરી હતી. સરકારે જાહેરાત કરી હતી કે, તમારું બિનહિસાબી નાણું જાહેર કરો અને નક્કી કરેલો દંડ ભરી દો. તેમાં લગભગ રૂ. 67,000 કરોડ મળ્યાં જ્યારે અમે એ યોજનાની જાહેરાત કરી હતી, ત્યારે કેટલાક લોકો કહેતા હતા કે મોદીને નિષ્ફળતા મળશે. મોદીને કશું હાથ નહીં લાગે. પણ જ્યારે પરિણામ બહાર આવ્યું, ત્યારે એ જ લોકોની બોલતી બંધ થઈ ગઈ છે.

છેલ્લાં બે વર્ષથી હું કાળું નાણું બહાર કાઢવા વિવિધ સ્તરે અલગ-અલગ પ્રકારના પ્રયાસ કરી રહ્યો છું. તમને ખબર છે કે, અમારા પ્રયાસોના પરિણામરૂપે દેશને લગભગ સવા લાખ કરોડ રૂપિયા પાછા મળ્યા છે, સવા લાખ કરોડ રૂપિયા. અમે તક આપી હતી, એવું નથી કે મોકો આપ્યો નહોતો. તેમ છતાં તમે અગાઉ જેવું વલણ જાળવી રાખ્યું, તો ભૂલ તમારી છે, મારી નહીં. એટલે જેની પાસે હજુ પણ કાળું નાણું છે તેમની પાસે 30 ડિસેમ્બર સુધીનો સમય છે. હવે 30 ડિસેમ્બર સુધી શાંતિથી સરકારને આ કામમાં સહકાર આપો, ઉતાવળ કરશો તો તકલીફ પડશે. પણ હું તમને ખાતરી આપું છું કે 30 ડિસેમ્બર સુધી પણ સવા સો કરોડ દેશવાસીઓને કોઈ મુશ્કેલી નહીં પડે. તેમને તેમનો હક મળી જશે. પણ કેટલાક લોકો વિચારતા હશે કે 30 ડિસેમ્બર પછી…તો હું આજે ફરી એલાન કરું છું કે આ સ્કિમ પૂરી થયા પછી તમને ઠેકાણે પાડવા બીજી કોઈ યોજના નહીં આવે તેની કોઈ ગેરેન્ટી નથી.

હવે દુનિયા બદલાઈ ગઈ છે. આપણે અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં દેશના તમામ નાગરિકોને લાવવા પડશે. મેં તક આપી, હવે આ તકનો લાભ લેવો કે ન લેવો એ તમારે વિચારવાનું છે. પણ મારા પ્રિય દેશવાસીઓ, તમે લોકો આકરી મહેનત કરીને ભારતનું નામ રોશન કરવામાં રાતદિવસ એક કરી રહ્યા છો. તમારા પુરુષાર્થથી દેશનું ગૌરવ વધે છે. તમે દુનિયામાં કોઈ પણ ખૂણામાં જાવ, તમને ભારતીય સમુદાયના વ્યવહાર વિશે બહુ હકારાત્મક વાતો સાંભળવા મળશે. વિશ્વમાં વસતા ભારતીય સમુદાયે ભારતની શાખ, દેશની પ્રતિષ્ઠા વધારી છે. તમારા લોકોનું આ બહુ મોટું યોગદાન છે.

મને એક વખત ફરી તમને મળવાની તક સાંપડી. હું તમારો ખૂબ-ખૂબ આભાર માનું છું. હું તમને ખાતરી આપું છું કે હિંદુસ્તાન સતત પ્રગતિના પંથે અગ્રેસર થવાનું છે અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાનું છે. જે સ્વપ્નો તમે દુનિયામાં વિવિધ સ્થળોમાં ફરીને જુઓ છો અને જે ચીજવસ્તુઓ તમે હિંદુસ્તાનમાં મેળવવા ઇચ્છો છો, જે સુવિધાઓ તમે હિંદુસ્તાનમાં મેળવવા ઝંખો છો, એ તમામ હિંદુસ્તાનમાં હવે સંભવિત છે અને પ્રાપ્ત થશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

JKhunt/TR/GP