Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ


કેમ છો બધા! સુખમાં છો ને?

શિવરાત્રીના પાવન પર્વની તમને બધાને ખૂબ-ખૂબ શુભકામનાઓ!

ભોળાનાથ સૌનું ભલું કરે.

મારી વાત શરુ કરું એ પહેલા ત્રણ વખત ભારત માતાનો જયકાર કરવો છે. હું બોલાવીશ.

પરાક્રમી ભારત માટે, ભારત માતાની – જય

વિજયી ભારત માટે, ભારત માતાની – જય

વીર જવાનો માટે, ભારત માતાની – જય

વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા જામનગરના વ્હાલા ભાઈઓ અને બહેનો,

આજે શિવરાત્રીનું પાવન પર્વ છે અને ગુજરાત એવી ધરતી છે કે, જ્યાં બે-બે જ્યોતિર્લીંગ છે. સોમનાથ અને નાગેશ્વરની આ ધરતી મારા માટે અત્યંત સુખદ અવસર છે કે, શિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ અને નાગેશ્વરની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે.

જ્યારે હું મુખ્યમંત્રી હતો અને દેશભરના બધા મુખ્યમંત્રીઓની બેઠકમાં જાઉં અને તેમને હું કહું કે ભાઈ તમને બધાને લાગે છે કે ગુજરાતમાં તમને શું તકલીફ છે, બધું સરસ-સરસ છે, તમને શું વાંધો છે અને જ્યારે એમને હું વાત સમજાવું તો એમને બધાને આશ્ચર્ય થતું. હું એમને કહેતો કે ભાઈ અમારું એવું રાજ્ય કે જેની પાસે કોઈ ખાણ-ખનીજનો બહુ મોટો ભંડાર નથી. તેના કરતા વધારે મોટી મુસીબત એટલે પીવાનું પાણી. અમારા અનેક ગામ પીવાના પાણી માટે વલખા મારે છે, અમારી સરકારની ઘણી મોટી શક્તિ એમાં ખર્ચાય છે, દસ વર્ષમાં સાત વર્ષ દુકાળમાં જાય, પીવાનું પાણી કેમ પહોંચાડવું એમાં જાય, જો ઈશ્વરે અમને પાણીની સુવિધા કરી દીધી હોત તો અમે એટલા બધા તાકતવર હતા, એટલા બધા પાણીદાર હતા કે અમે આખાય હિન્દુસ્તાનને જ્યાં લઇ જવું હોય ત્યાં લઇ જઈ શક્યા હોત એટલી અમારી તાકાત હતી.

અમારું બજેટ, અમારી સરકારની શક્તિ આ બધું જ અમારે પાણીની પાછળ ખર્ચવું પડે, હિન્દુસ્તાનભરમાંથી આવનારા મુખ્યમંત્રીઓને આ વાત ગળે જ નહોતી ઉતરતી. આટલી બધી તકલીફ છે, એમને અંદાજ જ નહોતો આવતો. પણ એની સામે આપણો સંકલ્પ પણ હતો. ઠીક છે, આપણી પાસે બારમાસી નદીઓનો અભાવ છે, વરસાદ ઓછો પડે છે અને ગુજરાતને વિકાસના પથ પર આગળ વધવું છે તો રોતા બેસી રહીએ એ ન ચાલે ભાઈ, પહેલા પાણી નહોતું તો કચ્છ ખાલી થતું હતું, આપણે નક્કી કર્યું કે પાણી નથી તો આપણે પાણીના જ પ્રશ્નનું પહેલા નિરાકરણ કરીશું, પાણી પહોંચાડીશું અને દેશ ગુજરાતને પાણીદાર બનાવીશું અને એ પણ હકીકત છે કે સરદાર સરોવર ડેમ, તેમાં આટલી બધી અડચણો આવી, આટલી બધી અડચણો આવી અને એના માટે એ વખતની બધી જ સરકારો જવાબદાર છે, તેઓ છટકી નહીં જઈ શકે તેમને જવાબ આપવો પડશે. જો આજથી 40 વર્ષ પહેલા નર્મદાનું કામ પૂરું થઇ ગયું હોત તો ગુજરાતને પાણી પાછળ 40 વર્ષ સુધી જે રૂપિયા ખર્ચવા પડ્યા હતા તે ના ખર્ચવા પડ્યા હોત અને આજે જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો, પાણી આવ્યું તો એની પહેલા ડેમનું કામ પૂરું થતા એ પહેલા આ પાણી કચ્છ અને કાઠીયાવાડની ધરતી પર કેવી રીતે પહોંચે, તેના માટે ભારે જહેમત કરી અને એક યોજના બનાવી અને મને બરાબર યાદ છે આ ‘સૌની’ યોજનાની કલ્પના જ્યારે મેં પહેલીવાર મૂકી’તી રાજકોટમાં આવીને ત્યારે તો મોટાભાગના લોકો… અને પેલા કેટલાક લોકો કે જે આખા ગામની પંચાત કરવા ટેવાયેલા હોય છે એ તો મંડી જ પડ્યા’તા કે આ મોદીએ ચૂંટણી આવી એટલે આ મુદ્દો બનાવ્યો છે, આ ચૂંટણી આવી એટલે મોદીએ આમ કર્યું છે. હવે ચૂંટણી તો આપણે ત્યાં બારેય મહિના ક્યાંક ને ક્યાંક ચાલતી જ હોય છે ભાઈ, કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણી ચાલતી જ હોય છે ભાઈ. હું કોઇપણ કાર્ય કરું તો તમે ચૂંટણી સાથે જોડી જ શકો. એ વખતે આશંકા હતી કે આ શક્ય જ નથી. હજારો કરોડો રૂપિયા, પાઈપ પાણીની લગાવવાની, પાણીને વીસ-વીસ માળ ઊંચા મકાન જેટલું ઊંચે લઇ જવાનું અને એ પાણી… આ બધું સંભવ જ નહોતું લાગતું. કારણ, આપણે બહુ-બહુ તો પેલી ટેન્કરો જોયેલી, હેન્ડપંપ જોયેલા, તેનાથી લાંબો પાણીનો ઉકેલ કોઈ’દી વિચારેલો જ નહીં.

એક બાજુ એ માનસિકતા, એવા લોકોએ રાજ કરેલું જેમને ટેન્કરથી આગળ કંઈ દેખાણું નહીં અને અમે એવા લોકો આવ્યા કે જેણે પાઈપલાઈનથી 500-500, 700-૦૦ કિલોમીટર અને એવી પાઈપલાઈન કે જેમાં તમે મારુતિ લઇને જઈ શકો અને એનું પરિણામ છે કે આજે ‘સૌની’ યોજનાથી પાણી પહોંચ્યું. કચ્છની સરહદ પર બીએસએફના જવાનો એમને નર્મદાનું તાજું પાણી પીવા મળતું હોય આ કમાલ ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ઈચ્છાશક્તિ એના કારણે શક્ય બનતી હોય છે. મને ખુશી છે કે ગુજરાત છોડ્યાં પછી પણ અમારી ટીમ એટલી જ લગનથી, સમયબદ્ધ રીતે આ સપના પૂરા કરવા માટે બરાબર કામે લાગી છે અને એક પછી એક ‘સૌની’ યોજનાના તબક્કાઓ પુરા થઈ રહ્યા છે અને તેનું જ પરિણામ છે કે આવનારા દિવસોમાં.. અને હું હંમેશા કહેતો હતો કે નર્મદાનું પાણી એ પાણી નહીં પારસ છે. જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય એમ નર્મદાના સ્પર્શથી ગુજરાતની ધરતી લીલીછમ થઇ જાય, સોનું ઊગે, આપણી ધરતી એવી થઇ જાય. અમારો ખેડૂત પરસેવો તો પાડે પણ એ પરસેવાની જોડે જ્યારે નર્મદાનો અભિષેક થાય ત્યારે એ પરસેવો દીપી ઊઠતો હોય છે, ઊગી નીકળતો હોય છે અને આજે ગુજરાતે કરી બતાવ્યું છે.

આજે અહિં મને ગુરુ ગોવિંદસિંહજી મેડિકલ કોલેજ માટે પણ, તેના વિસ્તાર માટે, તેની નવી-નવી યોજનાઓ માટેનો પણ અવસર મળ્યો. આપણામાંથી બધાને યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ કે ગુરુ પરંપરામાં ગુજરાતનો વિશેષ નાતો રહ્યો છે. ગુરુ ગોવિંદ સિંહજીના જે પહેલા પંચ પ્યારા હતા. તે પહેલા પંચ પ્યારેમાં એક આપણો દ્વારકાનો હતો અને દરજી સમાજનો હતો અને તેણે ગુરુગોવિંદ સિંહજીની સામે શીશ ધરી દીધું, હું તમારો શિષ્ય બનીને આવ્યો છું. દ્વારકાથી જઈને દરજીનો દીકરો અને એ ગુરુ ગોવિંદ સિંહજીએ શીખ પરંપરા માટે જે કામ કર્યું એનો એક પહેલા પાંચ સિપાહીઓ પૈકીનો એક આપણો દ્વારકાનો હતો અને એટલે અને એ વખતે દ્વારકા જામનગરનો હિસ્સો હતું અને પરિણામે આ હોસ્પિટલ ગુરુ ગોવિંદ સિંહજીના નામ સાથે જોડવામાં આવી છે.

ઈતિહાસની તે ઘટનાને અમરત્વ આપવાનો પ્રયાસ આ નામ સાથે જોડાયેલો છે અને આજે આ હોસ્પિટલ અને આરોગ્ય ક્ષેત્ર એક મોટી ક્રાંતિનું કામ આપણે ઉપાડ્યું છે. ગુજરાતમાં થઇ રહ્યું છે, દેશમાં થઇ રહ્યું છે. અહીંથી હું અમદાવાદ જવાનો છું. ત્યાં પણ ચાર મોટા હોસ્પિટલના પ્રોજેક્ટ્સ છે. કારણ, હોસ્પિટલોની વ્યવસ્થા વિના, આધુનિક ટેકનોલોજી વગર આજની ભાગદોડવાળી જિંદગીમાં સારવાર ન થઇ શકે.

પહેલા જમાનો હતો, બધા લોકો એટલા તંદુરસ્ત હતા કે ગામમાં એક વૈદરાજ હોય તો ગામ આખું સ્વસ્થ રહેતું હતું. હવે દુનિયા બદલાઈ ગઈ છે. ડાબી આંખનો ડૉક્ટર એક હોય તો જમણી આંખનો બીજો હોય .

સ્પેશિયાલિટીનો જમાનો છે. આપણે પણ એના માટે તૈયાર થવું પડે અને આજે જ ગુજરાતની અંદર આધુનિક હોસ્પિટલો બની રહી છે એનો સીધો લાભ મળવાનો છે, એટલું જ નહીં, આયુષ્માન ભારત યોજના હોય અથવા મા યોજના હોય- મુખ્યમંત્રી અમૃતમ યોજના. હું જ્યારે અહિં ગુજરાતમાં હતો ત્યારે એક ચિરંજીવી યોજના શરુ કરી હતી અને ગરીબ માતાઓની પ્રસૂતિ હોસ્પિટલમાં થાય, માતાની જિંદગી બચે, સંતાનની જિંદગી બચી જાય અને એમાં એટલી બધી સફળતા મળી હતી એના પછી એક પછી એક પછી એક ગુજરાતની અંદર આરોગ્ય ક્ષેત્રની અંદર આપણે યોજનાઓ લાવ્યા અને જ્યારે ભારત સરકારમાં ગયો તો આયુષ્માન ભારત નામની યોજના અને આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી છે યોજના.

તમને બધાને તો ખબર છે મને નાનું તો ફાવતું જ નથી, કંઈ પણ કરવાનું તો મોટું જ કરવાનું. થયું કે ન થયું હમણાં? પાઈપલાઈન નાખવાની છે તો 500 કિલોમીટર, 900 કિલોમીટર, 700 કિલોમીટર. ડચકા ખાતા કામ નહીં કરવાનું અને એ જ રીતે કામ કરીને આયુષ્માન ભારત યોજના અમેરિકાની જનસંખ્યા, કેનેડાની જનસંખ્યા, મેક્સિકોની જનસંખ્યા- આ ત્રણેય દેશોની જનસંખ્યાનો સરવાળો કરીએ એના કરતા વધારે લોકોને ભારતમાં આયુષ્માન યોજનાનો લાભ મળવાનો છે.

કોઇ પણ ગરીબ પરિવાર, પાંચ લાખ રૂપિયા વર્ષે. પરિવારમાં કોઇ પણ બીમાર થાય તો પાંચ લાખ રૂપિયા સુધીનું બીલ ભારત સરકાર ચૂકવશે, એને ક્યારેય ઓશિયાળા થઈને નહીં રહેવું પડે. એટલું જ નહીં મોટામાં મોટી હોસ્પિટલમાં એ સારવાર લઇ શકશે. એવું નહીં કે પેલા સરકારી દવાખાનામાં જાય ને પછી બિચારો સાંજે પાછો આવે ડૉક્ટરની રાહ જોઈને, ના.. એનોય હક છે આ દેશમાં પંદર હજાર કરતા પણ વધુ હોસ્પિટલ આજે આ કામમાં આપણી ભાગીદાર બની છે.

એટલું જ નહીં, આપણો જામનગરનો ભાઈ ભોપાલ ગયો હોય અને ભોપાલમાં માની લો કે માંદો પડી ગયો તો એણે જામનગર પાછા આવવાની રાહ જોવાની જરૂર નહીં, એ ભોપાલની હોસ્પિટલમાં જાય અને પેલું કાર્ડ બતાવે તો વગર પૈસે ભોપાલમાં ય સારવાર થાય. એ કલકત્તા ગયો હોય તો ત્યાં પણ થાય અને કરાંચી… કોચીન ગયો હોય તો ત્યાં પણ થાય. હમણાં જરા મારા મગજમાં પેલું બધું વધારે ભરેલું પડ્યું છે. પણ સારું છે કે નહીં? હા, એ ય કરવું પડે ને ભાઈ.

અને આ રીતે આરોગ્યની સેવા સામાન્ય માનવીને મળે. હવે આરોગ્યની સેવા મળે એવું નહીં, આના કારણે જે નાના-નાના શહેરો છે ત્યાં મોટી મોટી હોસ્પિટલો આવવાની શક્યતાઓ ઊભી થઇ છે. દેશમાં બેથી ત્રણ હજાર આવી નવી મોટી હોસ્પિટલો આવવાની શક્યતા ઊભી થઇ છે. એક મોટું ક્ષેત્ર વિકાસ પામવાનું છે અને એક હોસ્પિટલ બને એટલે સેંકડો લોકોને રોજગારી મળતી હોય છે. અનેક લોકોને ત્યાં નાના-નાના ટેકનિશિયનો કેટલા બધા લોકો જોઈતા હોય છે, એનું કામ મળતું હોય છે. દેશમાં આરોગ્યના ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ આના કારણે આવવાની છે અને એવા હોસ્પિટલના કામની અંદર આજે અહિં મને જવાનો અવસર મળ્યો છે.

પાણીની જ્યારે વાત થઇ છે ત્યારે પાણીમાં એક સમસ્યા છે. પાણી એક એવું છે કે માણસને મર્યાદા ચૂકી જાય અને ત્યાં જ સંકટ શરુ થાય. આટલી મોટી ‘સૌની’ યોજના કર્યા પછી પણ આપણને એવું લાગે છે કે ગુજરાતની જરૂરિયાતને જોતા આપણી પાસે વરસાદનું પાણી કે નદીઓનું પાણી પૂરું નહીં પડે અને એટલા માટે મોટા પાયા પર સમુદ્રના પાણીને મીઠું કરવા માટેની અરબો રૂપિયા ખર્ચીને યોજનાઓ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે અને તેમાંથી એક પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ થયો છે. દરિયાના પાણીને મીઠું કરીને એ લોકો સુધી પહોંચાડવાનો.
એનો અર્થ એ થયો કે પાણીને પરમાત્માનો પ્રસાદ સમજીને વાપરવું પડે, ગુજરાતને પાણી વેડફવાનો અધિકાર છે જ નહીં. આટલી મહેનત કરીને ગરીબને મળવું જોઈએ, એને એક રૂપિયો મળવો જોઈએ તો 80 પૈસા આપ્યા, 20 પૈસા કાઢ્યા પાણી પહોંચાડવા માટે. કારણ, પાણી નહીં હોય તો જીવન શક્ય નહીં બને. અનેક કામો.. શાળાના ઓરડા બનાવવા પણ હોય, લાખ ઓરડા બનાવવાના હોય તો દસ હજાર ઓરડા ઓછા બનાવ્યા પણ એ પૈસા પાણીમાં નાખવા પડ્યા. હોસ્પિટલ બનાવવાની હોય તો થોડા પૈસા હોસ્પિટલમાં ઓછા કર્યા પાણી માટે નાખ્યા.

ગુજરાતમાં દરેક ક્ષેત્રમાંથી પાણી માટે થોડું-થોડું કાઢવું જ પડે. એનો અર્થ એ થયો કે પાણી સૌથી વધારે મૂલ્યવાન બની ગયું છે. આવા વખતે ગુજરાતના પ્રત્યેક નાગરિકની જવાબદારી છે પાણી બચાવવાની. ખેડૂતોની જવાબદારી છે, ડ્રિપ ઈરીગેશન કરવાની, પાણી બચાવવું એ આપણા માટે અનિવાર્ય છે. ટીપે-ટીપાનો ઉપયોગ કરવા માટેનું એક વાતાવરણ બનાવવું પડે અને જેમ દેશમાં સ્વચ્છતા અભિયાને એક મોટી સફળતા અપાવી, સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની ગયું અને આ વખતનો કુંભનો મેળો ગુજરાતના જે લોકો આવતા હતા કુંભના મેળે જતા હતા ને આવતા જતા મળે તો સ્વચ્છતાના એટલા વખાણ કરતા હતા એટલા બધા વખાણ કરતા હતા. કુંભના મેળાની સ્વચ્છતા લોકોને સ્પર્શી ગઈ. દેશમાં સ્વચ્છતા એક આંદોલન બની ગયું.

મહાત્મા ગાંધી સો વર્ષ પહેલા હરિદ્વારના કુંભમાં ગયા હતા અને તે વખતે તેમણે કુંભ સ્વચ્છ હોવો જોઈએ એ ઈચ્છા વ્યક્ત કરી હતી, 100 વર્ષ સુધી ન કરી શક્યા, આપણે કરીને બતાવ્યું અને એટલે જેમ સ્વચ્છતાનું આંદોલન સફળ થયું તો ગુજરાતમાં પાણી બચાવો આંદોલન સફળ થાય કે ન થાય? આપણે એ દિશામાં આગળ વધી શકીએ? અને જ્યારે આજે પ્રભુ શિવને નર્મદાનો જળાભિષેક કરી રહ્યા છીએ તો આજે શિવરાત્રીના પાવન પર્વે સમગ્ર ગુજરાત સંકલ્પ કરે કે આપણે પાણીને પણ બચાવીશું. તમે જુઓ મોટી ક્રાંતિ આવી જશે.

આજે અહિં રેલવેના પણ પ્રોજેક્ટની યોજના બની. જે ગતિથી રેલવેનું કામ ચાલી રહ્યું છે, ઈલેક્ટ્રિફિકેશનનું હોય, ગેજ કન્વર્ઝનનું હોય, ડબલ લાઈનીંગનું કામ હોય, પહેલા થતું હતું તેના કરતા ડબલ સ્પીડ છે. હવે તમને બધાને નવું નહિ લાગે કેમ કે તમે બધાએ મને જોયો છે, હું અહિયાં કેવી રીતે કામ કરું છું પણ દેશના લોકોને આશ્ચર્ય થાય છે કે આવું બધું થાય? હું એમને કહું છું કે જાઓ ગુજરાત જઈને જોઈ આવો, બધું જ થાય, કરીએ તો થાય ને ભાઈ, અને આજે દેશમાં થઇ રહ્યું છે, દેશમાં થઇ રહ્યું છે. રેલવેના કામમાં ગતિ આવી છે. આધુનિક રેલવે.. આધુનિક રેલ, કોચની વ્યવસ્થાઓ, આ બધું જ શક્ય બન્યું છે અને ડબલ સ્પીડથી, પહેલા કરતા જે કામ થતા હતા એના કરતા ડબલ સ્પીડ થઇ ગઈ છે.

આપણે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની એક યોજના લાવ્યા છીએ, 5 એકર અને તેનાથી ઓછી જમીન એવા ખેડૂતને વર્ષે 6 હજાર રૂપિયા સીધા એના બેંકના ખાતામાં પહોંચી જશે. દરેક સીઝન પહેલા 2 હજાર રૂપિયા પહોંચી જશે. તેને ખાતર ખરીદવાનું હોય, એને બીજ લાવવાના હોય, દવા લાવવાની હોય એને કામમાં આવશે અને એક એવો ગપગોળો ચલાવ્યો, એવો ગપગોળો ચલાવ્યો જુના લોકોએ, દસ વર્ષમાં એક વાર એમને તાવ આવે, દેવું માફ કરવાનો, ચૂંટણી આવી નથી કે દેવું માફ કરો, દેવું માફ કરો એવું ભાષણ ચાલુ કરી દે કશું કરવાનું નહીં, દસ વર્ષ સુધી ખેડૂતનું જે થવું હોય એ થાય, કંઈ કરવાનું નહીં અને તમને આશ્ચર્ય થશે 2008-09માં એમણે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવા નાબૂદીની વાત દેવા નાબૂદીની વાત કરેલી, જૂની સરકારે, 6 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું, દેશના ખેડૂતોનાં, માફ કેટલા કર્યા? 52 હજાર કરોડ અને બધાને છેતરીને મત લઇ ગયા, બધાની આંખમાં ધૂળ નાખી અને ચૂંટણી પત્યા પછી, ખેડૂત શું કરે બિચારો, એને એમ કે ભાઈ નિયમમાં મારું નહોતું થયું એટલે મારું આવ્યું નહીં. આ મૂર્ખ બનાવવાના જ કાર્યક્રમો કર્યા છે.

આપણે એવી યોજના લાવ્યા છીએ કે દર વર્ષે 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થશે અને દસ વર્ષમાં સાડા સાત લાખ રૂપિયા ખેડૂતના ખાતામાં પહોંચી ગયા હશે. એનો અર્થ એ કે ગામડામાં સાડા સાત લાખ કરોડ રૂપિયા, એટલે ગામડાનું આખું અર્થતંત્ર બદલાઈ જાય ભાઈ, સાડા સાત લાખ કરોડ રૂપિયા ગામડામાં ઠલવાણા હોય એટલે ગામડાનો માનવી પહેલા સાયકલ ન ખરીદતો હોય તો સાયકલ ખરીદે, છોકરાઓ માટે બૂટ ન લાવતો હોય તો બૂટ લાવે, બૂટ લાવતો હોય ને મોજા ન લાવતો હોય તો મોજા લાવે, ઘરની અંદર વાસણ સારા વસાવે, ઘરમાં સારું રાંધવાની કોશિશ કરે, એક પ્રકારે આખા ગામડાનું અર્થતંત્ર બદલાઈ જાય એવું કામ આપણે કર્યું છે અને એ જ્યારે કરજ માફ કરતા હતા તો ગામડામાં સોમાંથી માંડ 20 કે 25 ખેડૂતોને લાભ મળતો હતો, આપણી યોજનાના કારણે સોમાંથી લગભગ 90 ખેડૂતોને લાભ મળવાનો છે અને દર વર્ષે મળવાનો છે.
ભાઈઓ-બહેનો, સમસ્યાઓના સ્થાયી સમાધાન અને કોઈ પણ પ્રકારના વ્હાલા-દવલા વગર સૌનો સાથ, સૌનો વિકાસ આ મંત્ર સાથે કામ કરીએ તો કેટલો બધો લાભ મળતો હોય છે. હમણાં આપણે ખેડૂતોને જે લાભ મળે છે એ બધા લાભ પશુપાલકોને આપવાનો નિર્ણય કર્યો. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકોને મળશે. જેમ સસ્તા દરે વ્યાજ બેંકના પૈસા મળે છે, સસ્તા વ્યાજના દરે એ જ રીતે પશુપાલકને પણ મળશે અને એ જ લાભ માછીમારને પણ આપ્યો. માછીમાર માટે પણ આની વ્યવસ્થા કરી. પહેલી વાર દેશમાં. જ્યારે અટલજીની સરકાર બની હતી ત્યારે પહેલીવાર આદિવાસીઓ માટેનો એક વિભાગ બન્યો હતો. આદિવાસીઓ માટેનો વિભાગ નહોતો આપણા દેશમાં. આ દેશમાં મોદી સરકાર આવ્યા પછી પહેલીવાર માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું છે અને માછીમારોના, સમુદ્રતટના બધા, આખા દેશના માછીમારોની સમસ્યાઓ, માછીમારોનો વિકાસ, માછીમારીના ક્ષેત્રમાં આધુનિકતા, માછીમારીના ક્ષેત્રમાં કામ કરનાર લોકો માટે આધુનિક સંસાધનો એનું આખું કામ. માછીમારને પણ કિસાન ક્રેડિટ જેવી સુવિધા, તે બેંકમાંથી ઓછા દરે વ્યાજે પૈસા લઇ શકે અને તેને પણ જેમ ખેડૂતને પૈસા મળે છે એમ એને પણ પૈસા મળે આનું કામ અમે કર્યું છે. સ્થાયી પરિવર્તન કેવી રીતે લાવી શકાય તેની ચિંતા કરી છે.

આપણો માછીમાર ઊંડા સમુદ્રમાં માછીમારી માટે જાય… કિનારે-કિનારે કરે એટલે બહુ મળે નહીં, બિચારો અંદર જાય તો કમાણી મોટી થાય, ઓછી મહેનતે થાય અને એના માટે જે પ્રકારના વેસલ્સ જોઈએ એ બનાવવા માટે એમનો સુધારો કરવા માટે ભારત સરકાર સબસિડી આપે છે, 15 લાખ રૂપિયાની સબસિડી, જેથી કરીને મારો માછીમાર ઊંડા સમુદ્રમાં જઈને મોટી આવક મેળવી શકે એના માટેનું કામ આપણે કર્યું છે.

આપણો પ્રયાસ છે કે આ દેશમાં દરેક વ્યક્તિને 2022 સુધીમાં ઘર મળે, મેં તમને કહ્યું ને એમ કે મને નાનું તો ફાવતું જ નથી, જે કરવું એ પૂરું કરવું, મોટું કરવું, જલ્દી કરવું. 2022 સુધીમાં આ દેશમાં એક પણ વ્યક્તિ એવો ન હોય એક પણ પરિવાર ન હોય કે જેને પોતાની માલિકીનું ઘર ન હોય અને પાક્કું ઘર ન હોય. ભૂતકાળમાં જે સરકાર ગઈ ને તેણે 25 લાખ મકાન બનાવ્યા હતા, અમે આ 55 મહિનાની અંદર 1 કરોડ ને 30 લાખ મકાન બનાવી દીધા. અને એટલે જ હું કહું છું કે 2022 સુધીમાં આ દેશના પ્રત્યેક વ્યક્તિને ઘર મળશે અને ઘર મળે એટલે ખાલી ચાર દીવાલો નહીં, ગેસનું કનેક્શન, વીજળીનું કનેક્શન, પાણીનું કનેક્શન, નજીકમાં નિશાળ, બધું જ, અડધું-અધૂરું કઈ જ નહીં. આ પૂરી યોજના સાથે કામ ચાલી રહ્યું છે અને એ કામ પૂરું કરવાની દિશામાં આજે જામનગરની અંદર પણ મને મકાનની ચાવીઓ આપવાનો અવસર મળ્યો છે અને જેમને નથી મળ્યા એમને પણ હું કહી દઉં છું, મોદી સરકાર ફરીથી આવવાની જ છે અને 2022માં મારું સપનું છે કે દરેકને ઘર મળવાનું છે, મળવાનું જ છે, બધાને મળવાનું છે અને એટલા માટે મારો આગ્રહ છે કે આપણે ત્યાં જામનગર એટલે લઘુ ઉદ્યોગોનું એક પ્રકારનું વિશાળ ફલક, લઘુ ઉદ્યોગોના કારણે જામનગરની આન-બાન અને શાન છે. આ લઘુ ઉદ્યોગોના વિકાસ માટે ભારત સરકારે અનેક યોજના, પહેલી વાર તમે ઓનલાઈન જઈને લઘુ ઉદ્યોગના લોકો પોતાને બેંક લોન જોઈતી હોય તો બેંકોના ચક્કર કાપવાની જરૂર નહીં, ખાલી તમે ઓનલાઈન ભરી દો, 59 મિનીટમાં, 59 મિનીટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોન મંજૂર થાય છે, 59 મિનીટમાં.

કોઈની કટકી બટકી બધું બંધ, બેન્કરને ચા પીવડાવવાની જરૂર ન પડે, સાહેબ-સાહેબ કહેવાની જરૂર નહીં, ઓનલાઈન કરો, 59 મિનીટમાં. તમારા દસ્તાવેજો મુકો, તમને હક મળી જાય, આ પ્રકારની ક્રાંતિ લાવવાનું કામ આજે આ સરકારે કર્યું છે અને એના કારણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, 142થી સીધો 77માં ક્રમ પર આવી ગયો, આટલો મોટો જંપ લગાવી દીધો કારણ કે એમાં જે લાઈસન્સ, ઢીકણું-ફલાણું જે મુસીબતો હતી બધી જ દૂર કરી દીધી, જેનો લાભ જામનગર, મોરબી, રાજકોટ.. આ બધા નાના-નાના કારખાનાઓમાં આખું મોટું એક જબરદસ્ત એક વાતાવરણ બન્યું છે. આ લઘુ ઉદ્યોગો માટે આટલો મોટો ફાયદો એન્જિનિયરીંગ વર્કની અંદર કામ કરનારા લોકો માટે ફાયદો, ઉત્પાદન ક્ષેત્રના લોકોને ફાયદો.

જીએસટીના બધા જ કાયદાઓમાં જેમ-જેમ આપણને ખબર પડે કે અહિં જરૂર છે, અહિં જરૂર છે સુધારો કરતા જઈએ છીએ અને જીએસટી આજે સામાન્ય માણસને ઉપકારક બને એ રીતે બનાવી દીધો છે અને એનો લાભ સામાન્ય માનવીને થઇ રહ્યો છે. એક પ્રકારે સામાન્ય માનવી ભારત સરકાર કે રાજ્ય સરકારમાં પોતાની બનાવેલી ચીજો વેચી નહોતો શકતો. નાનકડું કામ હોય, નાની-નાની વસ્તુઓ બનાવતો હોય, કોઈ પ્લાસ્ટિકની ડોલ બનાવતો હોય કે કોઈ ટેબલની માટેની વસ્તુઓ બનાવતો હોય કે નાની-નાની ખુરશીઓ બનાવતો હોય, કઈ મેળ જ ન પડે. આપણે એક જીઈએમ પોર્ટલ લાવ્યા, જેમ પોર્ટલની અંદર તમે નોંધણી કરાવો, ભારત સરકારમાં જેને જોઈતું હોય ત્યાં લખી નાખે, મોકલવાવાળો ત્યાં લખે, કરોડો રૂપિયાનું કામ સામાન્ય માનવી આજે સરકારમાં મોકલે છે, કોઈ ટેન્ડર નહીં, કોઈ વચેટીયો નહીં, કોઈ મારો-તારો નહીં, કોઈ કોઇપણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં, અને સામાન્ય માનવી જે વસ્તુઓ બનાવે છે, તે આજે સરકારની અંદર સીધી ખરીદવામાં આવી રહી છે નહિંતર પહેલા મોટા મોટા ટેન્ડરોવાળા આવે, પછી નાનો માણસ એનાથી મોટાને વેચે, મોટો એનાથી મોટાને વેચે, મોટો એનાથી મોટાને વેચે ને પછી મોટો એટલો બધો મોટો હોય કે જે સરકારને કહે એટલે સરકાર લઇ લે. બધા રૂપિયા મોટાની પાસે જતા હતા, હવે આ બધા પૈસા નાના પાસે જાય આ કામ કરવાની તાકાત આજે ભારત સરકારમાં છે અને આપણે કરી બતાવ્યું છે. એનો લાભ આપણે આપી રહ્યા છીએ.

ભાઈઓ-બહેનો, કોઇ પણ દેશ શક્તિ વગર ચાલી ન શકે, સામર્થ્ય વગર ચાલી ન શકે, આપણા ગુજરાતમાં છાશવારે કોમી હુલ્લડો થતા હતા કે નહોતા થતા ભાઈ? આપણા જામનગરમાં પણ શું હતું? થતા હતા કે નહોતા થતા? બધું બંધ થઇ ગયું કે ના થઇ ગયું? બધા સુખ ચેનથી જીવવા માંડ્યા કે નહીં? બધાની પ્રગતિ થવા માંડી કે નહીં? આ બધું વૈમનસ્ય કરાવનારા લોકો ઠેકાણે પડ્યા એટલે બધું બરાબર ચાલવા માંડ્યું કે ના માંડ્યું? હવે મને કહો ભાઈ, આ દેશમાં આતંકવાદની બિમારી જવી જોઈએ કે ના જવી જોઈએ? એમ નહીં, ખખડીને બોલો, જામનગરવાળા. આ આતંકવાદનો રોગચાળો જવો જોઈએ કે ન જવો જોઈએ? આતંકવાદને જડમૂળથી ઊખેડવું જોઈએ કે ન ઊખેડવું જોઈએ?

હવે આપણે અહિયાં દવા કરીએ તો મેળ પડે ભાઈ? જ્યાંથી થતું હોય ત્યાં કરવું પડે કે નહીં ભાઈ? તમે કોઇપણ ડૉક્ટર પાસે જાવ તો તેને એમ લાગે કે ભાઈ તમારું આ ગુમડું-બુમડું બરાબર છે પણ મૂળ પ્રોબ્લેમ તમારા લોહીમાં છે, લોહી જરા સરખું કરવું પડે, એની દવા કરવા પડે તો તમારું ગૂમડું જશે, કહે કે ન કહે ડૉક્ટર? મૂળ બીમારી સાફ કરવી પડે કે ન કરવી પડે? હવે મૂળ બિમારી પડોશમાં છે, તમે તો જામનગરમાં પાડોશમાં જ છો, ત્યાંથી વાવડ આવતા હશે, કચ્છ અને જામનગરને તો વહેલા વાવડ આવે.

મારે આ જામનગરના લોકોને પૂછવું છે ભાઈ, તમને આપણા દેશની સેના જે કહે એમાં ભરોસો છે કે નથી? સેના જે કહે એ સાચું માનવું માનવાનું હોય કે ન માનવાનું હોય? મારે પણ માનવાનું હોય કે ન માનવાનું હોય? પણ કેટલાક લોકોને પેટમાં દુઃખે છે, હવે એમાંય એમને વાંધા વચકા પડે છે.

ભાઈઓ બહેનો, આ દેશને ગર્વ થવો જોઈએ કે અમારી સેના આ તાકાત બતાવે છે સાહેબ. મેં હમણાં, દિલ્હીમાં એક મારું ભાષણ હતું. એ ભાષણમાં મેં કહ્યું દેશ આખો ગર્વ કરે છે, અદભૂત પરાક્રમ કર્યું છે, જવાનોએ પરાક્રમ કર્યું છે અને કોઇપણ દેશને થવું જોઈએ એમાં મડદાલની જેમ રોતા બેસવાની ક્યાં જરૂર છે ભાઈ. મેં તેમને કહ્યું જો આજે અમારી વાયુ સેના પાસે રાફેલ હોત તો પરિણામ જુદું હોત. હવે જેમને મારી વાત ન સમજાતી હોય એમાં મારો દોષ ભાઈ? હવે એમની મર્યાદા છે શું કરવું? જ્યારે મેં એમ કહ્યું, એમણે એવું કહ્યું કે મોદી તો ઇન્ડિયન એરફોર્સે જે કર્યું એને જ પ્રશ્ન કરે છે. અરે મહેરબાન, સાબુ વાપરો ને સાબુ… સાબુ એટલે, સામાન્ય બુદ્ધિ.

એર સ્ટ્રાઈકના સમયે અમારા જવાનોના હાથમાં રાફેલ હોત તો અમારો એકેય જાત નહીં અને એમનો એકેય બચત નહીં. આ અમારો હિસાબ છે ભાઈ. પણ આ દેશના વીરોને પ્રણામ, આ દેશની વીર પ્રજાને પ્રણામ અને અમારો સંકલ્પ છે કે આ દેશને તબાહ કરનારા કોઇ પણ લોકો હશે એમના આકાઓ પેલે પાર બેઠા હશે તો પણ આ દેશ જપીને નહીં બેસે. હવે એમનું શું છે અમારા વિરોધીઓ, આમાં પણ એમને વાંધો પડ્યો, મોદી શું કરે છે, મોદી શું કરે છે, મોદી શું કરે છે, અરે આ જોઈ લો ને ભાઈ આ કર્યું. એમનો મંત્ર છે આવો, ભેગા મળો અને મોદીને ખતમ કરો. દેશનો મંત્ર છે આવો, એક થાવ, આતંકવાદ ખતમ કરો. એમને મોદીને ખતમ કરવો છે, આપણે આતંકવાદને ખતમ કરવો છે, તમે મને કહો ભાઈઓ, આતંકવાદ ખતમ કરનારાની જોડે જવાય કે ન જવાય? આતંકવાદ ખતમ કરનારાની ઈચ્છા સાથે જોડાવાય કે ન જોડાવાય?

ખૂબ-ખૂબ સલામ ભાઈઓ. મારી સાથે બોલો,

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ધન્યવાદ!

NP/J.Khunt/GP/RP