Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જી-20ના કાર્યકારી ભોજ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીનું વક્તવ્ય : વેપાર અને ઉર્જા

જી-20ના કાર્યકારી ભોજ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીનું વક્તવ્ય : વેપાર અને ઉર્જા


મહામહિમ,

વૈશ્વિક વેપારમાં મંદી એ ગંભીર ચિંતાનો વિષય છે. વર્તમાન વૈશ્વિક આર્થિક માહોલમાં વેપારનો વેગ વધે એવી શક્યતાઓ ભાગ્યે જ દેખાય છે. વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપવાના પ્રયત્નો વેપાર માટે મદદરૂપ નીવડશે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પારદર્શી, ન્યાયપૂર્ણ, ભેદભાવ વિનાની અને નિયમો આધારિત વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થા જરૂરી છે.

દોહા ડેવલપમેન્ટ રાઉન્ડ તેનાં લક્ષ્યાંકો હાંસલ કરે એ અનિવાર્ય છે. બાલી પેકેજના તમામ મૂળતત્ત્વો સંપૂર્ણપણે અમલી થવા જોઈએ. ડિસેમ્બરમાં નાઈરોબી ખાતેની બેઠક સફળ નીવડે તેની અમને પ્રતીક્ષા છે.

રિજિયનલ ટ્રેડ એગ્રીમેન્ટ્સ વિશ્વ વેપાર વ્યવસ્થાને વિભાજીત ન કરે એવાં ન હોવાં જોઈએ અને વધુ ઉદાર બહુપક્ષીય વેપાર પદ્ધતિને ટેકારૂપ હોવાં જોઈએ.

વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં નાનાં અને મધ્યમ એકમોની ભૂમિકા વધારવાથી વિશ્વ સ્તરે રોજગાર સર્જન વધારી શકાશે.

સંતુલિત અને સાતત્યપૂર્ણ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે શ્રમિકોની સ્થળાંતરશીલતા અને કૌશલ્યની ગતિશીલતા પણ જરૂરી છે.

ઉર્જાના મુદ્દે ત્રણ મૂળભૂત પડકારો છે : વિકસતા દેશોમાં વૃદ્ધિને વેગ આપવા ઉર્જા ; કરોડોની સંખ્યામાં ઉર્જાવંચિતોની જરૂરિયાતોને પહોંચી વળવું ; અને, સ્વચ્છ અને નવિનીકરણીય (રીન્યુએબલ) ઉર્જાનો વપરાશ વધારવો.

એનર્જી, ઈકોલોજી અને ઈકોનોમી (ઉર્જા, જીવશાસ્ત્ર અને અર્થતંત્ર) પરસ્પર ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.

એટલે જ ભારત પોતાની વિશાળ અને સતત વધી રહેલી ઉર્જાની જરૂરિયાતોને શક્ય એટલી સાતત્યપૂર્ણ રીતે પહોંચી વળવા ઈચ્છે છે.

અમે વર્ષ 2022 સુધીમાં 175 ગિગાવૉટ જેટલી વધારાની રીન્યુએબલ એનર્જીનું લક્ષ્યાંક રાખ્યું છે ; અશ્મિભૂત બળતણ પર અપાતી સબસીડી તેમજ કોલસા પર લાદેલા કાર્બન સેસમાં કાપ મૂકીશું. અમે ક્લીન કોલ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છીએ. અમારી પાસે ન્યુક્લિયર એનર્જી માટે મહાત્ત્વાકાંક્ષી યોજના છે. વર્ષ 2030 સુધીમાં અમે કુલ ઉર્જામાંથી 40 ટકા ઉર્જા બિન-અશ્મિભૂત બળતણ દ્વારા ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ.

આંતરરાષ્ટ્રીય સહયોગ અને સહકાર અમને અમારાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ બનશે.
જી-20 તરીકે, આપણે અનેક પરિમાણોને પ્રોત્સાહન આપવાની જરૂર છે :

• સ્વચ્છ અને નવિનીકરણીય ઉર્જા માટે સંશોધન અને વિકાસ વધારવાં ; અને, ખર્ચ ઘટાડવો તેમજ સહુને પરવડે તેમજ ઉપલબ્ધ બને તે જોવું.

• સ્વચ્છ ઉર્જાની ઉપલબ્ધિ અને સંક્રમણ વધે તે માટે નાણાંકીય ટેકો અને ટેકનોલોજી હસ્તાંતરણ વધારવાં.

• ક્લીન કોલ ટેકનોલોજી અને કોલસાને ગેસમાં રૂપાંતરણ અંગેના સંશોધન પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું.

• પ્રસાર-પ્રતિરોધક ન્યુક્લિયર એનર્જી ટેકનોલોજી વિકસાવવી.

• ઉર્જાની કાર્યક્ષમતા વધારવી અને ઉર્જાનો વપરાશ નિયંત્રિત કરવો.

• ગેસના સંકલિત વૈશ્વિક બજારને પ્રોત્સાહન આપવું.

• ઉર્જા માટે વૈશ્વિક વહીવટી માળખામાં મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓને વધુ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવું.

આને પગલે આપણી ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળાશે, આબોહવા પરિવર્તનના પડકાર સામે ટક્કર ઝીલી શકાશે અને વિશાળ આર્થિક તકો સર્જાશે.

J.Khunt/PIB Ahmedabad