Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઝારખંડના ખુંટી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે રૂફટોપ સોલર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

ઝારખંડના ખુંટી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે રૂફટોપ સોલર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે  પ્રધાનમંત્રીનું સંબોધન

ઝારખંડના ખુંટી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે રૂફટોપ સોલર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે  પ્રધાનમંત્રીનું સંબોધન

ઝારખંડના ખુંટી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે રૂફટોપ સોલર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે  પ્રધાનમંત્રીનું સંબોધન

ઝારખંડના ખુંટી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે રૂફટોપ સોલર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે  પ્રધાનમંત્રીનું સંબોધન


મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

હું વિચારી રહ્યો છું કે આજે અનેક નવા ઈતિહાસ રચાવા જઇ રહ્યાં છે. કદાચ હિન્દુસ્તાનના ઈતિહાસમાં ન્યાયાલય સાથે કોઇ કાર્યક્રમ સંકળાયેલો રહ્યો હોય અને આટલી વિશાળ જનસંખ્યા આવી હોય તેવું કદાચ દેશમાં આ અગાઉ ક્યારેય નહીં થયું હોય. ખુરશી, કાળો કોટ પહેરીને આવવું અને બેસવા જેવું જ અહીંનું વાતાવરણ હોય છે અને અહીં હું જે દ્રશ્ય જોઇ રહ્યો છું તે પોતાની રીતે એક અજાયબી છે. હું ઝારખંડને અભિનંદન પાઠવું છું. આપ સહુનું અભિનંદન કરું છું અને વિશેષ અભિનંદન એ વાત માટે આપું છું કે આટલી વિશાળ સંખ્યામાં માતાઓ અને બહેનો મને અહીં નજરે પડી રહી છે. હું એ સહુનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું.

આજે બીજી ઓક્ટોબર છે. મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી જેવા મહાપુરુષોની આજે જન્મજયંતી છે. કેટલાક સમય અગાઉ મને તાશ્કંદ જવાનો અવસર મળ્યો હતો. તાશ્કંદની ધરતી એટલે જ્યાં મા ભારતીએ પોતાના લાલને ગુમાવ્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો. હું ત્યાં તાશ્કંદ ગયો હતો અને ત્યાં મને લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાનું અનાવરણ કરવાનો સૌભાગ્ય મળ્યું હતું. તાજેતરમાં ભારતમાં 1965ના યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવા પર ભારે ગૌરવ સાથે ઉજવવામાં આવ્યું, વિજયપર્વ તરીકે મનાવવામાં આવ્યું, શોર્યપર્વના રૂપે મનાવવામાં આવ્યું અને દેશના એ પરાક્રમી લાલને યાદ કર્યા, જેમના પ્રધાનમંત્રીપદના કાર્યકાળમાં ભારતની સેનાએ પોતાનું પરાક્રમ બતાવ્યું હતું અને દેશને વિજય અપાવ્યો હતો.

આજે પૂજ્ય બાપુની જન્મજયંતી છે. તમને આશ્ચર્ય થતું હશે કે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કેવી રીતે પહોંચ્યા છે, એક રીતે જોઇએ તો આ કાર્યક્રમ મેં સામે ચાલીને ઝૂંટવી લીધો છે. જસ્ટીસ જી એન પટેલજીનો એક દિવસે ફોન આવ્યો કે અમે આવું એક કામ કર્યું છે. તેમણે મને ફોન કર્યો, કેમ કર્યો એ તો મેં પણ પૂછ્યું જ નહીં. મેં સીધુ જ કહી દીધું કે સરસ અને કહ્યું કે હું બીજી ઓક્ટોબરે આવી રહ્યો છું અને આજે ગાંધી જયંતી છે. ગાંધી સ્વયં પર્યાવરણના સૌથી મોટા હિતૈષી રહ્યા છે. સમગ્ર જીવનભર સાદગીપૂર્વક તેમણે પ્રકૃતિની કેવી રીતે રક્ષા કરી તે દર્શાવ્યું છે. મેં કહ્યું હું આવીશ તમારે ત્યાં. તેમને પણ એવું લાગ્યું કે કોઇ દારૂગોળો ફૂટ્યો છે. એકાએક કોઇ પ્રધાનમંત્રી કહી દે કે હું આવીશ. તમને પણ આશ્ચર્ય થતું હશે અને ખાસ કરીને મીડિયાના મિત્રોને તો જાણે કોઇ મોટો મસાલો મળી જશે, મસાલો એટલે મળશે કે દેશના પ્રધાનમંત્રી અને એ પણ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જઇ રહ્યા છે. આ તે કેવા પ્રધાનમંત્રી છે જેઓ 175 ગિગાવૉટ રીન્યુઅલ એનર્જીના સપનાં જુએ છે અને 185 કિલો વૉટ માટે ખુન્ટી સુધી આવે છે. આ અંગે કોઇને પણ આશ્ચર્ય થઇ શકે છે કે ક્યાં 175 ગિગા વૉટ રીન્યુઅલ એનર્જીનું સપનું અને ક્યાં 185 કિલો વૉટ વીજળી, પરંતુ મેં અહીં આવવા માટે મેં એટલે પસંદ કર્યું કારણ કે એની પાછળ એક રહસ્ય છે આજે બીજી ઓક્ટોબર જે મારી પ્રેરણા છે. મહાત્મા ગાંધીની જન્મજયંતી મારી પ્રેરણા છે અને સમગ્ર વિશ્વ માટે પણ.

હમણા હું સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ગયો હતો, આખો સમય દુનિયાના બધા દેશ એક જ વિષય અંગે ચર્ચા કરી રહ્યા હતા કે આ પર્યાવરણનું શું થશે. ગ્લોબલ વૉર્મિંગને કારણે કેવી મુસીબત આવશે, વરસાદ અનિશ્ચિત થઇ રહ્યો છે શું થશે, સમુદ્રનાં સ્તરમાં વધારો થઇ રહ્યો છે તો શું થશે, નાના નાના દેશ ડૂબી જશે શું થશે. ચારે તરફ સમગ્ર વિશ્વને એક ચિંતા સતાવી રહી છે. પરંતુ હું આજે સવા સો કરોડ દેશવાસીઓ તરફથી સમગ્ર વિશ્વને કહેવા ઇચ્છું છું કે આ જે મુસીબત આવી છે તે પાપમાં અમે ભાગીદાર નથી. આપણા પૂર્વજોએ અમને ક્યારેય પ્રકૃતિનાં વિનાશ કરવાનો રસ્તો નથી બતાવ્યો. પરંતુ પાપ કોઇએ પણ કર્યું હોય, ભૂલ કોઇથી પણ થઇ હોય, માનવતાના રક્ષણ માટે ભારતે પણ પોતાનું યોગદાન આપવું પડશે. અને અમે તે આપવાનો નિર્ણય કર્યો છે. એક બીજી મહત્વપૂર્ણ વાત પણ છે આજે મારા અહીં આવવા અંગે. ગુજરાત હોય, રાજસ્થાન હોય તે લોકો સૂર્યઊર્જા માટે જાય, સોલર એનર્જી માટે જાય. તે તો કોઇના પણ ગળે વાત ઉતરી શકે છે કે શું કરશે બિચારા કોલસો નથી તો શું કરશે, સૌરઊર્જા કરશે. પરંતુ ઝારખંડ કે જ્યાં કોલસાનાં ભંડાર ભરેલા પડ્યાં છે તે ઝારખંડ જ્યારે સૌર ઊર્જા માટે જાય છે ત્યારે દુનિયા માટે એક નવો દાખલો બને છે, એક નવો સંદેશ આપે છે. એ અર્થમાં ફક્ત હિન્દુસ્તાન નહીં પણ સમગ્ર વિશ્વ એ બાબતને સમજે કે હું એ પ્રદેશની ખુંટી નામની એક નાનકડી જગ્યાએથી બોલી રહ્યો છું જે પ્રદેશની અધિક આબાદી મારા આદિવાસી ભાઈ-બહેનો છે. જેમણે સદીઓથી જંગલોનું રક્ષણ કર્યું છે. જ્યાં કોલસાનાં ભંડાર ભરેલા છે એ પ્રદેશની જનતા વિશ્વના માનવ કલ્યાણ માટે આજે સૌર ઊર્જા તરફ જવાનો સંકલ્પ કરે છે. એ માટે હું ખાસ કરીને અહીં આવ્યો છું, ઝારખંડને અભિનંદન આપવા આવ્યો છું.

એક અન્ય કારણ પણ છે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, મુખ્યમંત્રી હોવાને કારણે દરવર્ષે અમારે સુપ્રીમકોર્ટની જ્યુડિશરી દ્વારા એક બેઠક બોલાવવામાં આવતી હતી. બધા મુખ્યમંત્રી આવતા હતા, દરેક હાઈકોર્ટના જજ આવતા હતા અને સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ બેસતા હતા. પ્રધાનમંત્રી આવીને પોતાનું પ્રવચન આપીને જતા રહેતા હતા અને પછી આખો દિવસ અમારી બેઠક ચાલતી રહેતી હતી, તેમાં બધા સવાલો પર ચર્ચા થતી હતી કે કોર્ટોમાં કેસો કેમ વિલંબથી ચાલી રહ્યાં છે, કેસ પૂરા કેમ નથી થતા. અહીં અમારા પ્રદીપ ભટ્ટ બેઠા હશે, તેઓ એ સમયે રજીસ્ટ્રાર તરીકે કામ કરતા હતા તેઓ પણ એ બેઠકમાં હતા. ત્યાં એક હાઈકોર્ટના જજે જે અહેવાલ આપ્યો તે ખરેખર નવાઈ પમાડે તેવો હતો. જ્યારે તેમનાથી પૂછવામાં આવ્યું કે તેમની કોર્ટમાં આટલા બધા કેસ કેમ પડેલા છે, આટલા બધા કેસ કેમ બાકી છે, નિકાલ કેમ થતો નથી. તો તેમણે જે જવાબ આપ્યો, હું જે રાજ્યથી આવતો હતો ત્યાંની પરિસ્થિતિ જે મેં મારી જાણકારીમાં છે તેને કારણે મારા માટે એક મોટું આશ્ચર્ય હતું. તેમણે કહ્યું કે અમારે ત્યાં સપ્તાહમાં એક અથવા બે દિવસ વીજળી આવે છે, બે અથવા ત્રણ કલાક માટે વીજળી આવે છે. અને અમારી કોર્ટનું મકાન એવું છે કે અંધારું રહે છે. વીજળી આવે ત્યારે અમે કોર્ટ ચલાવી શકીએ તેમ છીએ, નહીતર અઠવાડિયામાં ત્રણ – ચાર દિવસ તો અમે વીજળી વગર અંધકારમાં કોર્ટ ચલાવી શકતા નથી અને એને કારણે કેસ પણ ચાલતા નથી અને લોકોને ન્યાય આપવામાં મોડું થાય છે. મને આંચકો લાગ્યો, આઝાદીના આટલા વર્ષો પછી મારા દેશના ન્યાયાલયમાં વીજળીનાં અભાવને કારણે સામાન્ય માનવી ન્યાય માટે તરસે છે. આજે મને આવવાની એક પ્રેરણા એ છે કે મને એ વાત યાદ આવી અને આજે ઝારખંડના ન્યાયમૂર્તિઓએ તેનું સમાધાન શોધી કાઢ્યું છે. હવે અહીં સૌર ઊર્જાથી કોર્ટ ચાલશે. પર્યાવરણની રક્ષા પણ થશે અને સાથે સાથે ન્યાય અપાવવા માટે પણ એક નવા ક્ષેત્રનો પ્રારંભ થશે.

થોડાક દિવસો અગાઉ તમારે ત્યાં છાપાંઓમાં હું નથી જાણતો કે ઝારખંડના છાપાંઓમાં આવા કોઇ સારા સમાચાર આવતા હશે કે નહીં પરંતુ થોડાક દિવસો અગાઉ કદાચ તમે સાંભળ્યું હશે કે પછી ટીવી પર જોયું હશે, કેટલાક લોકોએ બતાવ્યું હતું તો કેટલાકે લખ્યું પણ હતું કે દુનિયામાં કોચી સૌથી પહેલુ એવું એરપોર્ટ છે કે જે સંપૂર્ણપણે સૌરઊર્જાથી સંચાલિત છે, સૌરઊર્જાનો જ ઉપયોગ કરીને ચાલતું હતું, હમણા એકાદ બે મહિના થયા છે. કેટલાક દિવસ અગાઉ હું ફરીદાબાદથી દિલ્હી મેટ્રોના ઉદ્ધાટન માટે ગયો હતો, ફરીદાબાદથી દિલ્હી મેટ્રો ખુલ્લી મુકવામાં આવી હતી. તેના દરેક મેટ્રોના બધા સ્ટેશન સૌરઊર્જાથી ચાલી રહ્યા છે. તે પોતાની રીતે એક ખૂબ મોટું કામ થયું છે. જો તમે વૈષ્ણોદેવી જશો, વૈષ્ણોદેવીનાં દર્શને જશો ત્યારે તેનું જે સૌથી છેલ્લું રેલવે સ્ટેશન છે તે જોવા મળશે અને ત્યાં પહોંચશો તો જોવા મળશે કે તે આખા સ્ટેશનને અમે સૌરઊર્જાથી ધમધમતું કરી દીધું છે અને આજે દેશનું સૌપ્રથમ ન્યાયાલય એક ડિસ્ટ્રીક્ટ ન્યાયાલય સંપૂર્ણરીતે સૌરઊર્જાથી ચાલવાનું છે અને મારી નજરે મારું માનવું છે કે દેશ માટે આ એક નવી ભેટ છે. અને મહાત્મા ગાંધીને આ ઉત્તમથી ઉત્તમ શ્રદ્ધાંજલિ છે કારણ કે ગાંધીજી જીવનભર એ બાબતના આગ્રહી રહ્યા હતા. અને એ અર્થમાં હું માનું છું કે આ એક ખૂબ મહત્વપૂર્ણ પ્રોત્સાહક પગલું છે.

આપણે ત્યાં શાસ્ત્રોમાં આ વિષય અંગે હજારો વર્ષ અગાઉ જ જણાવવામાં આવ્યું હતું અને તે અંગે લખવામાં આવ્યું છે. ઋગવેદમાં પાંચ હજાર વર્ષ અગાઉ મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો છે. ઋગ્વેદમાં જણાવાયું છે કે – ‘સૂર્ય આત્મા જગતાસ તથુષઃ’ કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન સૂર્ય ચલ અને અચલની આત્મા છે. ચલ હોય કે અચલ હોય પણ તેની જો કોઇ આત્મા હોય તો તે ભગવાન સૂર્ય છે. તે સૂર્યની શક્તિ તરફ આજે સમગ્ર વિશ્વની નજર પડી છે અને ધ્યાન પડ્યું છે. ભારતે સપનું જોયું છે કે 175 ગીગા વૉટ ભારતમાં અગાઉ જ્યારે પણ વીજળી અંગેની ચર્ચા થતી હતી તે સમયે તો મેગાવૉટથી આગળ વિચારી પણ શકાતું નહોતું કે વાત પણ થતી નહોતી. બધો હિસાબ-કિતાબ મેગાવૉટમાં થતો હતો. પ્રથમ વખત દેશ ગીગાવૉટની ચર્ચા કરવા લાગ્યું છે, અને જ્યારે હું દુનિયાની સામે કહું છું કે 2022માં જ્યારે હિન્દુસ્તાનની આઝાદીને 75 વર્ષ પૂરા થશે ત્યાં સુધી અમે 175 ગીગાવૉટ રીન્યુઅલ એનર્જીની અંદર સફળતા મેળવી લીધી હશે. આ આંકડો સાંભળતા જ દુનિયા આશ્ચર્ય અનુભવે છે. આખી દુનિયાથી અમને અભિનંદન મળી રહ્યાં છે. આટલું મોટું અભિયાન શરૂ થયું છે જે આવનારા દિવસોમાં પર્યાવરણનું રક્ષણ કરશે.

આ મહત્વપૂર્ણ યોજના બદલ હું ફરી એક વખત ઝારખંડને અભિનંદન આપું છું. હું ઝારખંડના નાગરિકો સાથે પણ એક વાત કરવા ઇચ્છું છું, કરું? મારી વાત માનશો? બધા લોકો બતાવશો તો હું માનું કે તમે મારી વાત માનશો. માતાઓ બહેનો તમે કહો કે મારી વાત માનશો? પાક્કુ માનશો? તમે ઇચ્છો છો કે તમારા ઘરનું લાઇટનું બિલ ઓછું આવે. જેના ઘરમાં વીજળી છે તેઓ જરૂરથી ઇચ્છશે કે તેમના ઘરનું વીજબીલ ઓછું આવે. તમે ઇચ્છો છો કે પૈસાની બચત થાય, તમે ઇચ્છો છો કે બચાવેલા પૈસાથી બાળકોને દૂધ પીવડાવી શકાય. તો એક રસ્તો છે. વિજ્ઞાને એક નવા એલઈડી બલ્બની શોધ કરી છે. વીજળીનો નવો ગોળો આવ્યો છે જેને એલઈડી કહે છે. શરૂઆતમાં થોડુંક મોંઘું લાગે છે પણ જો તમારે ત્યાં 100 રૂપિયાનું વીજળીનું બિલ આવતું હશે અને આ નવા ગોળાને લગાવવામાં આવે તો વીજળી તો વધારે મળશે સાથે તેનો પ્રકાશ પણ વધારે મળી શકશે પણ બીલ અડધાથી પણ ઓછું થઇ શકે છે. પૈસાની બચત થશે કે નહીં થાય. લગાવશો આ એલઈડી બલ્બ, એ અભિયાન સાથે જોડાશો આખા દેશમાં જે પ્રકારે સૌરઊર્જા તરફ આગળ વધવાની જરૂરત છે તે જ પ્રકારે વીજળી બચત કરવાની પણ જરૂરત છે. માનવરક્ષા માટે વીજળી બચાવવી જરૂરી બની છે. જો આપણે દરેક પ્રાકૃતિક સંસાધનને વાપરી નાખીશું, પૂરા કરી નાખશું તો આવનારી પેઢીનું શું થશે. આજે આપણી જે છે તે આપણી પોતાની પૂંજી નથી. આજે આપણી પાસે જે હરિયાળા વૃક્ષો છે, છોડ છે તે આપણી મૂડી નથી. આપણે આપણી પાસે નદીઓમાં સારું અને સ્વચ્છ પાણી વહી રહ્યું છે તે આપણી મૂડી નથી. આપણા પૂર્વજો તે આપણા માટે મુકી ગયા છે. આપણા દાદા-દાદી-પિતા-પરપિતા આપણા માટે છોડી ગયા છે ત્યારે આપણને મળી શક્યું છે. જો તેમનું પૂણ્ય આપણા ઉપયોગમાં આવી શકે છે તો આપણું પૂણ્ય પણ આપણા પછી આવનારી પેઢીને પણ ઉપયોગમાં આવવું જોઇએ. આ જવાબદારી આપણે સંભાળવી પડશે. મને વિશ્વાસ છે કે દેશમાં આની જાગૃતિનું વાતાવરણ સર્જાશે.

પૂજ્ય બાપુની જન્મજયંતી નિમિત્તે અને બાપુ પોતે સ્વયં પણ બેરિસ્ટર હતા. તેમનો પણ ન્યાય સાથે અને ન્યાયાલય સાથે સંબંધ હતો. અને તેઓ જીવનભર ન્યાય અપાવવા માટે લડત કરતા રહ્યા હતા. તેમની જન્મજયંતીએ આજે અહીં એક ન્યાયાલય સંપૂર્ણ રૂપે સૌરઊર્જા સાથે દેશને સમર્પિત થઇ રહ્યું છે. ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આભાર.

AP/J.Khunt