Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઝારખંડમાં અનેકવિધ વિકાસ પરિયોજનાના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

ઝારખંડમાં અનેકવિધ વિકાસ પરિયોજનાના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

ઝારખંડમાં અનેકવિધ વિકાસ પરિયોજનાના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

ઝારખંડમાં અનેકવિધ વિકાસ પરિયોજનાના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


 

 

મંચ પર બિરાજમાન ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી, રાજ્યના ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન રઘુવર દાસજી, મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન સુદર્શન ભગતજી, બિહાર અને ઝારખંડથી આવેલા સંસદના મારા સાથીગણ, ઝારખંડ મંત્રીમંડળના માનનીય સદસ્ય વિધાયકગણ અને આટલી મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, અને હું જોઈ રહ્યો છું, મારી સામે જે દેખાય છે હવે ખબર નથી પડતી કે સાચી સભા ત્યાં આગળ છે કે અહિયાં છે. કદાચ તેના કરતા ત્રણ ગણા લોકો ત્યાં છે, અને જે બહાર તડકામાં ઉભા છે, મને નથી ખબર કે તેમને સંભળાતું હશે કે નહી સંભળાતું હોય, આટલી મોટી સંખ્યામાં આટલા ઉમંગ અને ઉત્સાહની સાથે આપ સૌ અમને લોકોને આશીર્વાદ આપવા માટે આવ્યા. હું તમને માથું નમાવીને અભિનંદન કરું છું, તમને નમન કરું છું.

ઝારખંડની વિકાસ યાત્રાના સાક્ષી આપ સૌ આ વિકાસ યાત્રાના ભાગીદાર છો. એ તમારો સાથ અને સહયોગ છે કે જેના કારણે આ વિકાસ યાત્રા ઝડપી ગતિએ આગળ વધી રહી છે. 2019નું વર્ષ શરુ થયું છે અને પહેલા જ અઠવાડિયામાં જ્યારે તમારી વચ્ચે આવ્યો છું. તો હું આપ સૌને નવ વર્ષની પણ ખુબ ખુબ શુભકામનાઓ આપુ છું.

વીર પ્રસુત્તા ધરતી પલાનો જ્યાં અંગ્રેજોના નાકો ચને ચાવવાવાળા સ્વતંત્ર સેનાની નીલાંબર પીતાંબરની ગૌરવ ગાથાના જીવનનો હિસ્સો છે. આ ધરતીના દરેક સપૂત, દરેક વીર, દરેક દીકરીને અમે સૌ નમન કરીએ છીએ. હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના તે 25 હજાર લાભાર્થી પરિવારોને પણ વિશેષ અભિનંદન આપું છું જે તમે આજે તેમના નવા, પાકા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. નવા વર્ષમાં નવા ઘરના તેમને બમણા અભિનંદન. અને એટલા માટે પાકા નવા ઘરના લાભાર્થીઓને ખુબ ખુબ અભિનંદન.

સાથીઓ, આજે મને ખેડૂતોનું જીવન બદલનારી કૃષિ સાથે જોડાયેલ સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાનો પણ અવસર મળ્યો છે. આજે જે સિંચાઈ પરિયોજનાઓ ઉપર કામ શરુ થયું છે તે ખેડૂતની આવકને બમણી કરવાના અમારા પ્રયાસનો મહત્વનો ભાગ છે. સિંચાઈ પર ખર્ચ ઓછો હોય તો કિંમત આપોઆપ જ ઓછી થઇ જાય છે. તેથી દેશમાં સિંચાઈની પારંપરિક વ્યવસ્થાથી લઈને નવી ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આશરે 12સો કરોડ રૂપિયાની સોન કનહર પાઈપલાઈન યોજનાથી અહિયાંની 14 હજાર હેક્ટરથી વધુ ભૂમિની સિંચાઈ થઇ શકે છે. સાથે જ આ ક્ષેત્રના ૩ લાખથી વધુ લોકોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ થઇ રહ્યું છે. આ પરિયોજના અંતર્ગત 25 કિલોમીટરથી વધુ લંબાઈની પાઈપ જમીનની અંદર પાથરવામાં આવશે, એટલે કે જમીન પર ખેતી પણ થતી રહેશે અને સિંચાઈની સુવિધા પણ રહેશે.

સાથીઓ, ખેડૂતોને સશક્ત કરવા માટે જે યોજનાઓ ઉપર કામ થવું જોઈતું હતું તેને લઈને પહેલાની સરકારોનું શું વલણ રહ્યું તેની સાબિતી અહિયાંની ઉત્તર કોયલ પરિયોજના આપી રહી છે. આ મંડળ ડેમ પ્રોજેક્ટ તેની સાબિતી છે. વિચારો 47 વર્ષ એટલે કે અડધી સદી આ પરિયોજના ખંડેરના રૂપમાં અધુરી લટકેલી પડી છે. 1972માં તેની ફાઈલો ચાલી હતી અને પછી લટકતી રહી, ભટકતી રહી. પાછલા 25 વર્ષથી આ પરિયોજનાનું કામ એક રીતે તો ઠપ જ થઈને પડ્યું હતું.

તમે મને જણાવો કે શું કોઈ બંધ પરિયોજનાને પૂરી થવામાં અડધી શતાબ્દી થવી જોઈએ, શું આ દુષ્કાળ પ્રભાવિત ક્ષેત્રમાં ખેડૂતોની સાથે કરવામાં આવેલી એક અપરાધિક લાપરવાહી છે કે નથી, સાથીઓ આ યોજના ખેડૂતોની સાથે, છેતરપીંડીની સાથો સાથ, દેશના ઈમાનદાર કરદાતાઓની સાથે બેઈમાનીની પણ સાબિતી છે.

જે પરિયોજનાને 30 કરોડ રૂપિયા માત્ર…. 30 કરોડ રૂપિયામાં પૂરી થવાની હતી તે હવે આશરે 2 હજાર 400 કરોડ રૂપિયામાં પૂરી થશે. એટલે કે લગભગ લગભગ 80 ગણી વધારે કિંમત હવે દેશના કરદાતાઓને આ સમગ્ર યોજના માટે ચૂકવવી પડશે. તમે મને જણાવો આવું થયું છે તે સમાજના ગુનેગારો છે કે નથી, તે ખેડૂતોના ગુનેગાર છે કે નથી, તે તમારા ગુનેગારો છે કે નહી, તેઓ બિહારના ગુનેગાર છે કે નથી, તેઓ ઝારખંડના ગુનેગાર છે કે નથી. એવા ગુનેગારોને સજા મળવી જોઈએ કે ના મળવી જોઈએ…. એવા ગુનેગારો વિરુદ્ધ મોદીએ લડવું જોઈએ કે ના લડવું જોઈએ… એક ચોકીદારે આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ…

આઝાદી પછી આટલા વર્ષો સુધી દેશ કઈ રીતે ચાલ્યો છે, આ પરિયોજના તેની હાલત, ખેડૂતોની દુર્દશા આ જીવતી જાગતી એક કેસ સ્ટડી કરવા જેવું કામ છે. આ પરિયોજના એ વાતની પણ સાબિતી છે કે કઈ રીતે પહેલા ઝારખંડ અને બિહારના લોકોની સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

ભાઈઓ અને બહેનો આ ખેડૂતને માત્ર વોટ બેંક સમજનારા અને ખેડૂતને અન્નદાતા સમજનારા… એક તરફ એ લોકો છે જેમના માટે ખેડૂત એ વોટ બેંક છે, એક બાજુ અમે લોકો છીએ જેમની માટે અમારો ખેડૂત અન્નદાતા છે. આ ફરક છે જે પહેલા હતા તેમણે ખેડૂતને વોટ બેંક સમજ્યા અને આજે અમે છીએ જે તમને અન્નદાતા માનીને તમારી ખેતીમાં આવનારી દરેક મુશ્કેલી દૂર કરવાનો ઈમાનદારી સાથે પ્રયાસ કરી રહ્યા છીએ.

સાથીઓ, આજે કેટલાક લોકો આ અવસરને આ રૂપમાં જોશે કે આજે આટલા વર્ષોથી લટકેલું હતું એક કામ આગળ વધી રહ્યું છે. આ વાત એટલી નાની નથી. તમે વિચાર તો કરો જ્યારે સંયુક્ત બિહાર હતું, ઝારખંડ નહોતું બનવાનું. એક જ સરકાર પટનામાં બેસતી હતી, જો થોડી પણ સંવેદનશીલતા ખેડૂતો પ્રત્યે હોત, અહિયાંના લોકોની તકલીફોનું થોડું પણ જ્ઞાન હોત તો એક સંયુક્ત સરકારની હાજરીમાં આ કામ આટલા દિવસો સુધી લટકેલું ના પડ્યું હોત અને ત્રીસ કરોડનો 24 સો કરોડનો મામલો ન બનતો.

બીજી વાત આજે હિન્દુસ્તાનમાં પાણીને લઈને આડોશ પાડોશના રાજ્યોની વચ્ચે એવી લડાઈ ચાલી રહી છે, સર્વોચ્ચ અદાલતમાં મામલાઓ પડેલા છે. પાણી વહી રહ્યું છે, સમુદ્રમાં જઈ રહ્યું છે. પરંતુ પોતાના રાજનૈતિક કારણોથી યુદ્ધો લડવામાં આવી રહ્યા છે.

આજની આ ઘટના વિશેષ રૂપે દેશે નોંધવી પડશે. હું બિહારના મુખ્યમંત્રી મારા મિત્ર નીતીશ કુમારજીને અભિનંદન આપું છું. હું ઝારખંડના મારા સાથી મુખ્યમંત્રી રઘુવર દાસજીને અભિનંદન આપુ છું કે બંને સરકારોએ મળીને બંને રાજ્યો સાથે જોડાયેલ આ પરિયોજનાને તેમણે સંપન્ન કરવાની દિશામાં સમજદારીપૂર્વક પગલું ઉપાડ્યું છે.

હું બિહારથી આવેલા મારા સાંસદોને અભિનંદન આપું છું. હું ઝારખંડના મારા સાંસદોને અભિનંદન આપું છું. બંને રાજ્યોએ, સાંસદોએ સાથે મળીને જ્યારે પણ મારી પાસે આવ્યા ઝારખંડ અને બિહારના બંને દિશાની સાથે સાથે, સાથે આવેલા અને આ સમસ્યા આ રાજ્યની…. તે રાજ્યની નહી, આપણા દેશના ખેડૂતોની છે તેમને લાભ મળવો જોઈએ… હળીમળીને અને આ બધા જ સંસદસભ્યોને અભિનંદન આપું છું કે આ એક જ મુદ્દાને લઈને તેઓ ક્યારેય શાંતિથી નથી બેઠા, શાંતિથી સુતા નથી. તમારી માટે દિવસ રાત દોડતા રહ્યા છે અને મને પણ દોડાવતા રહ્યા છે અને એટલા માટે હું આ સાંસદોને આજે વિશેષ રૂપે અભિનંદન આપું છું અને એટલા માટે આજે આ ડેમ બની રહ્યો છે તેની સાથે સાથે ભારતના સમવાયીતંત્રને એક નવી તાકાત આપવાનું કામ બિહાર અને ઝારખંડ બંને સરકારોએ સાથે મળીને કર્યું છે. આ મારા માટે વિશેષ ગર્વની વાત છે. અને દેશના અન્ય રાજ્યો માટે પણ આમાંથી ઘણું બધું શીખવાનું છે. અને એટલા માટે હું વિશેષ રૂપે સાંસદોને, બંને સરકારોને, બંને મુખ્યમંત્રીઓને હૃદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન આપું છું.

સાથીઓ, આજે કેટલાક લોકો દેશના ખેડૂતોને ધિરાણમાફીના નામ પર ફોસલાવી રહ્યા છે, ખેડૂતોની સામે જુઠ્ઠું બોલી રહ્યા છે. મને ખબર છે કે તેમણે ક્યારેય ઉત્તર કોયલ પરીયોજનાનું નામ પણ નહી સાંભળ્યું હોય. તેમને તો એ પણ ખબર નથી પડી કે કોયલ પંખીનું નામ છે કે ડેમનું નામ છે કે નદીનું નામ છે કાઈ ખબર જ નથી પડી. જ્યારે તેમની સરકાર કેન્દ્રમાં હતી તો આવા લોકોએ ક્યારેય પરવાહ જ નથી કરી કે દેશમાં જે સિંચાઈ પરિયોજનાઓ વર્ષોથી અટકેલી છે, અધૂરી છે તેમને પૂરી કરવામાં આવે.

તમે મને જણાવો… કે આ લગભગ લગભગ અડધી સદીથી લટકેલો પ્રોજેક્ટ તે સમય પર પૂરો થઇ ગયો હોત તો આ ક્ષેત્રનો ખેડૂત ક્યારેય કરજદાર બન્યો હોત ખરો.. બન્યો હોત ખરો… તેને ધિરાણ લેવું પડત શું.. શું તે દેવામાં ડૂબતો ખરો… તેમને તમે પહેલા દેવું કરવા માટે મજબૂર કરી દીધો. દેવા વગર જીવવાનું તેની માટે અશક્ય બનાવી દીધું અને હવે રાજનીતિ કરવા માટે નીકળી પડ્યા છે. સારું થાત જો ખેડૂતો પ્રત્યે થોડી પણ સંવેદના હોત. આવા બધા જ કામ પુરા કરી નાખ્યા હોત તો મારો ખેડૂત ક્યારેય દેવાના ડુંગરામાં ડૂબેલો ના રહેત અરે… તે તો દુનિયાને ધિરાણ આપવાની તાકાત ધરાવનારો બની ગયો હોત.

ભાઈઓ અને બહેનો, જ્યારે અમારી સરકાર આવી તો ખેડૂતના ખેતરમાં પાણી પહોંચાડવાનું બીડું અમે ઝડપ્યું છે. જ્યારે જૂની અધુરી સિંચાઈ પરિયોજનાના કાગળો કાઢવામાં આવ્યા તો એવા એવા કારનામાઓની ખબર પડી કે મારી તો આંખો જ ખુલ્લી રહી ગઈ. એક રીતે આંખો ફાટેલી રહી ગઈ.. એવું કામ કરીને ગયા છે.

તમે કલ્પના કરી શકો છો કે માત્ર ઉત્તર કોયલ પરિયોજના જ નહી, અનેક એવી સિંચાઈ પરિયોજનાઓ હતી જ્યાં આગળ બંધ બનાવી દેવામાં આવ્યા.. નહેરો ના બની. નહેરો બની ગઈ તો બંધનું કામ અધૂરું પડેલું હતું. બંધ અને નહેર બંને બની ગયા તો તેને જોડવાનું કામ નથી થયું. આવું… કોઈ પરવાહ જ નહી… પૈસા ગયા તો ગયા, જમીન ગઈ તો ગઈ, ખેડૂત મરી રહ્યો છે તો મરતો રહે. આ જ કામ કરતા રહ્યા છે. ખેડૂતોની સાથે દેશની સિંચાઈ પરિયોજનાની સાથે આ રીતનો અન્યાય કરવામાં આવી રહ્યો છે.

મેં દેશભરની આવી મોટી પરિયોજનાઓની યાદી બનાવડાવી, બજેટમાં પૈસાની વ્યવસ્થા કરી અને પછી શરુ કરી પ્રધાનમંત્રી સિંચાઈ પરિયોજના. આજે આ પરિયોજનાના કારણે દેશની તે 99મી મોટી પરિયોજનાને પૂરી કરવામાં આવી રહી છે. જે 30-30, 40-40 વર્ષથી અટકેલી પડી હતી, ફાઈલો પણ ખોવાઈ ગઈ હતી.

સાથીઓ, તમે જાણો છો કે અમે તેની ઉપર કેટલી રકમ ખર્ચ કરી રહ્યા છે. હું તમને કહું છું… લગભગ લગભગ 90 હજાર કરોડ રૂપિયા એટલે કે એક રીતે 1 લાખ કરોડ રૂપિયા… આ છે અમારી કામ કરવાની પદ્ધતિ.

ભાઈઓ અને બહેનો, જો મારે રાજનીતિ કરવી હોત, જો મારે ખેડૂતોને વોટ બેંકનો જ એક ભાગ બનાવીને જ રાખવા હોત તો મારી માટે ખુબ સહેલું હતું. આ 1 લાખ કરોડ રૂપિયાની આટલી બધી જે યોજનાઓ છે તેની પાછળ મહેનત કરવાની શું જરૂર પડત. દિવસ રાત પુછપરછ કરવાની શું જરૂર પડતી, બાબુઓને દોડાવવાની શું જરૂર પડત. સીધે સીધા 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને દેવામાફી કરીને બસ વેચી નાખત. પરંતુ મેં ખેડૂતોને ગુમરાહ કરવાનો રસ્તો પસંદ ના કર્યો. દેવામાફી તો એક પેઢીની થઇ જાત, એક વર્ષની થઈ જાત પરંતુ 1 લાખ કરોડથી જે પાણી આવશે તે આવનારી સદીઓ સુધી લોકોનું કલ્યાણ કરશે. ખેડૂતની 5-5, 25-25 પેઢીઓનું કલ્યાણ કરશે. તે ક્યારેય દેવાદાર ના બને તે તાકાત તેમને અપાવવાનું કામ અમે કર્યું છે. અમે તે વોટબેંકની રાજનીતિ ના કરી, અમે અમારા ખેડૂતને મજબુત કરવાનું કામ કર્યું છે અને એટલા માટે ભાઈઓ અને બહેનો આ ચૂંટણી જીતવાના ખેલ જે ચાલી રહ્યા છે તે જ ખેલોનું પરિણામ છે કે તેમણે ખેડૂતને દેવાદાર બનાવીને રાખી દીધો છે. તેમણે બધી જ વસ્તુઓ સરકારના ભરોસે જીવે એવી વ્યવસ્થા બનાવીને રાખી દીધી છે તે વ્યવસ્થાને બદલવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું.

દેશ સરકારથી નહી, દેશ દેશવાસીઓથી ચાલવો જોઈએ. દેશ અમારા લોકોથી નહી તમારી માટે હોવો જોઈએ, તમારી તાકાતના ભરોસે ચાલવો જોઈએ. એ જ ઈરાદા સાથે અમે કામ કરી રહ્યા છીએ.

ભાઈઓ અને બહેનો, સરકારના નિરંતર પ્રયાસના કારણે આજે અનેક યોજનાઓ પૂરી થઇ છે અને હું મોટાભાગે જોઈ રહ્યો છું ઘણા બધા પ્રોજેક્ટ્સ છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છે. અને છેલ્લા તબક્કામાં છે એ જ વાતને લઈને કે પહેલાની સરકારો કે જે ખેડૂતોને વોટ બેંક સમજનારા અને અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા સમજે છે તેનો સીધે સીધો ફર્ક છે. તમને આ તફાવત.. આ ટીવીના એરકંડીશનર રૂમમાં બેઠેલા લોકો પાસેથી ક્યારેય ખબર નહી પડે, છાપાની હેડલાઈનોમાં ખબર નહી પડે અને એટલા માટે ભાઈઓ અને બહેનો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે, ખેડૂતને શક્તિશાળી બનાવવા માટે આ માર્ગ પર ચાલવાનું છે અને અમે માત્ર અને માત્ર પોતાના કર્મ અને પોતાના કર્તવ્યો ખેડૂતની સેવા કરવી, દેશની સેવા કરવી એ અમારો ધર્મ માનીને અમે કામ કરી રહ્યા છીએ.

સાથીઓ, અમારી સરકાર ખેતી અને ખેડૂતને સશક્ત કરવા માટે એક નવી વિચારધારા સાથે આગળ વધી રહી છે. અમારો પ્રયાસ બીજથી બજાર સુધી નવી વ્યવસ્થાઓ ઉભી કરીને ખેડૂતને મજબૂત કરવાનો છે.

ભાઈઓ અને બહેનો, દેશની તમામ સરકારોએ આઝાદી પછીથી જ પોતાની સમજણ અને ક્ષમતાઓના આધારે કામ કર્યું છે. કોઈએ નામ પર ધ્યાન આપ્યું તો કોઈએ કામ પર ધ્યાન આપ્યું. આજે અહિયાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 25 હજાર લોકોને નવા ઘર મળ્યા છે. અને એટલા માટે હું તમને એક ઉદાહરણ આ યોજનાનું પણ આપવા માંગું છું.

સાથીઓ, સાડા ચાર વર્ષ પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે સૌએ અવસર આપ્યો હતો તો અમે દેશના ગરીબોને, બેઘર લોકોને એક વાયદો કર્યો હતો. વાયદો એક કે 2022 સુધીમાં દેશના ગામડા હોય કે શહેર હોય દરેક દેશવાસીના માથા પર પાક્કી છત આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કોશિષમાં અમારી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી. શહેરોની માટે અલગ, ગામડા માટે અલગ જ્યારે અમે આ યોજનાને શરુ કરી તો પછી એ સવાલ ઉઠાવવામાં આવ્યો કે આવી યોજનાઓ તો પહેલા પણ હતી તમે જુદું શું કરશો, કઈ રીતે કરશો, તમે તો માત્ર નામ જ બદલી રહ્યા છો કદાચ તે નામ બદલાવાથી ઝટપટાયા હશે. પરંતુ આ યોજનામાં ખરું પરિવર્તન શું થયું, કઈ રીતે થયું, તેનો પ્રભાવ શું રહ્યો, તે આજે હું તમારા માધ્યમથી ઝારખંડની પવિત્ર ધરતી પરથી, દેશના દરેક ગરીબ સુધી પહોચાડવા માંગું છું.

ભાઈઓ અને બહેનો, આપણા દેશમાં ગરીબોને ઘર આપવા માટે યોજના પહેલા પણ ચાલતી હતી. પરંતુ તે કોઈ પરિવારના નામથી યોજના ચાલતી હતી. તેમાં ઘરની ચિંતા ઓછી થતી હતી. પરિવારનું નામ જાળવી રાખવાની ચિંતા થતી હતી. અમે આવીને પરિવર્તન કર્યું… અમે નરેન્દ્ર મોદી આવાસ યોજના નથી બનાવી, અમે નમો આવાસ યોજના નથી બનાવી, અમે રઘુવર દાસ આવાસ યોજના નથી બનાવી, અમે સીધીસાદી વાત કહી દીધી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને પણ જ્યારે પણ જે પ્રધાનમંત્રી આવશે તે તેને આગળ વધારશે. નામનો ઝઘડો, નામ માટે નહી કામ થવું જોઈએ.

હું જાણું છું કે અહિયાં કોઈને યાદ નહી હોય કે પહેલા જે મોટા મોટા નેતાઓના નામ પર યોજનાઓ ચાલતી હતી તે ઘર છે ક્યાં… કાગળ પર જોવામાં આવશે.. ધરતી પર જોવા નહી મળે. આ રૂપિયા ક્યાં ગયા.. ક્યાં ગયા તે લોકો, ક્યાં ગયા તે ઘરો, ક્યાં ગયા તે પૈસા, આ જ ખેલ ચાલતો રહ્યો ભાઈઓ બહેનો. પહેલાની યોજનામાં શું શું થતું હતું. જ્યાં સુધી તેમના ખાસદારોને તેમની આસપાસના ચેલાઓને દક્ષિણા ના આપે ત્યાં સુધી તમારું નામ પણ નક્કી નહોતું થતું.

સાથીઓ, દેશમાં પહેલા જે આવાસ યોજના હતી તેમાં કોને ઘર મળશે, કઈ રીતે મળશે તેની પસંદ પ્રક્રિયામાં ઘણા મોટા મોટા ખેલ થયા કરતા હતા. દલાલી થયા કરતી હતી. હું સાર્વજનિક રૂપે પૂછી રહ્યો છું. આ જે મને પ્રમાણપત્રો બતાવી રહ્યા હતા, 25 હજાર લોકોને ઘર મળ્યા છે એવા લોકો બેઠા છે. હું તમને પૂછવા માંગું છું કે શું પ્રધાનમંત્રી આવાસ યોજના મેળવવા માટે તમારે કોઈને લાંચ આપવી પડી છે ખરી, જોરથી બોલો તે પ્રમાણપત્ર ઉપર કરીને કહો આપવી પડી છે… કોઈને પૈસા આપવા પડ્યા છે, કોઈએ તમારી પાસેથી પૈસા માંગ્યા છે.

હું દેશભરના લોકોને કહેવા માંગું છું. દલાલોની માટે અમારે ત્યાં કોઈ જગ્યા  નથી, વચેટીયાઓની કોઈ જગ્યા નથી અને એટલા માટે ગરીબના ખાતામાં સીધા બેંક દ્વારા પૈસા જમા કરાવી રહ્યા છીએ. નામ નક્કી કરવામાં પણ અમે વૈજ્ઞાનિક રીત પદ્ધતિ અપનાવી છે. 2011ની વસ્તીગણતરીના આધાર પર અને પહેલા તો બીપીએલ યાદી અને તે પણ બદલતું રહેતું હતું. લોકો ફરિયાદ કરતા રહેતા હતા કે મારું નામ નથી. પહેલા હતું પણ હવે કપાઈ ગયું છે. તે એટલા માટે કપાતું હતું કે તે વચેટીયાઓના ખિસ્સામાં કઈ નાખતો નહોતો. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે સૌથી પહેલા આ જ અવ્યવસ્થાને સુધારી.

હવે ગામડાઓમાં કોને ઘર મળશે તે 2011માં જે વસ્તીગણતરી થઇ હતી તેના આધાર પર ગ્રામ સભાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલું જ નહી, જો કોઈ કારણસર કોઈનું નામ તે યાદીમાં નથી અથવા કોઈને કંઈ ફરિયાદ છે તો તેને પણ અપીલ કરવાનો પૂરે પુરો મોકો આપવામાં આવે છે.

ઘર ફાળવણીમાં પારદર્શકતા હજુ વધારે વધારવા માટે અમારી સરકારે એ પણ નક્કી કર્યું છે કે જેમને જેમને ઘર આપવામાં આવી રહ્યું છે તેમની યાદીને ગ્રામ પંચાયતોની દીવાલો પર લગાવવામાં આવે. આખા ગામને ખબર હોવી જોઈએ કે આ લોકો હકદાર છે અને તેમને ઘર મળવાનું છે. એટલે કે દરેક સ્તર પર અમારો એ પ્રયાસ રહ્યો છે કે ગરીબોને ઘર મળે જ્યારે પહેલા દરેક સ્તર પર પ્રયાસ રહેતો હતો કે ગરીબોનું નામ કપાય, યાદીમાંથી નામ નીકળે એ દલાલોના ખિસ્સા ભરાતા રહે. આ જ કારોબાર થતો રહેતો હતો.

ભાઈઓ અને બહેનો, જૂની યોજનાથી અલગ એક વધુ મહત્વપૂર્ણ કાર્ય અમે કર્યું, આજે જેમને ઘર મળ્યા છે તે પણ તેના સાક્ષી છે કે પહેલા અહિયાં લાભાર્થીની ઓનલાઈન નોંધણી થાય છે અને પછી તેના બેંક ખાતાની ચકાસણી કરવામાં આવે છે. તે પણ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને લાભાર્થીના ખાતામાં સીધા પૈસા જમા કરાવવામાં કોઈ તકલીફ ના પડે.

ભાઈઓ અને બહેનો, પહેલાની યોજનામાં સ્થિતિ એવી રહેતી હતી કે જુદા જુદા સ્તર પર બેંક ખાતાઓ રહેતા હતા. જ્યાંથી લાભાર્થીઓને પૈસા ફાળવવામાં આવતા હતા તેના કારણે અવારનવાર તેમના પૈસા અટકી પડતા હતા. હવે અમે રાજ્ય સ્તર પર માત્ર એક ખાતું બનાવી દીધું છે જ્યાંથી બધા જ લાભાર્થીઓને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે ઘર મેળવનારાઓની વધુ એક તકલીફને દૂર કરવાનો અમે પ્રયાસ કર્યો છે.

હવે જઈએ ઘર નિર્માણની દેખરેખ પર… પહેલાની યોજનામાં કઈ રીતના ઘર બનતા હતા, તમે પણ જોયું હશે કે તેમની કેવી ખરાબ હાલત રહેતી હતી કે લોકો ઘર મળ્યા પછી પણ તેમાં જવા માટે તૈયાર નહોતા થતા. આ સ્થિતિ એટલા માટે હતી કારણ કે પહેલાની યોજનાઓમાં મોનીટરીંગ માટે કોઈ યોગ્ય પદ્ધતિ રહેતી જ નહોતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનનારા ઘરોની ગુણવત્તા પર ધ્યાન રાખવા માટે અમે નવી વ્યવસ્થા સ્થાપિત કરી છે.

હવે જે ઘરો બને છે તેમાં નિર્માણ દરમિયાન ત્રણ જુદા જુદા સ્તરો પર ફોટો લેવામાં આવે છે. તેની જીઓ ટેગીંગ કરવામાં આવે છે. એટલે કે કઈ તારીખે ફોટો લીધો, ક્યાં આગળ લીધો એ બધી જ જાણકારી સાચી રીતે જમા કરવામાં આવે છે. એટલું જ નહી સરકારે જે વ્યવસ્થા બનાવી છે તેમાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે કે આ ફોટોને કોઇપણ જોઈ શકે છે.

ભાઈઓ અને બહેનો, પહેલા જે ઘર મળતા હતા તેમાં માત્ર ખાલી ચાર દીવાલો જ રહેતી હતી. હવે જે ઘરો મળી રહ્યા છે તેમાં તમામ મૂળભૂત સુવિધાઓ છે, જે એક પરિવારની માટે જરૂરી હોય છે. વીજળીનું જોડાણ, રસોઈ ગેસનું જોડાણ, શૌચાલય આ બધી સુવિધાઓ ઘરની સાથે જ મળી રહી છે. તે સિવાય એક વધુ મોટું કામ કર્યું છે. અમે ઘરની ડીઝાઇનને લઈને… પહેલા નાના નાના ઘરો બનતા હતા અમે જરા તેમનું ક્ષેત્રફળ… વિસ્તાર વધારી દીધો છે જેમને ઘર મળે છે તેમને ડીઝાઇનના અનેક વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્રયત્ન તો એ રહે છે કે સ્થાનીય સામગ્રીનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી ડીઝાઇનના ઘરો લોકોને આપવામાં આવે.

સાથીઓ, આજે જે હું તમને કહી રહ્યો છું તે અહિયાં ઉપસ્થિત હજારો લોકોનો પોતાનો અનુભવ છે પરંતુ દેશમાં એવા પણ ઘણા બધા લોકો છે જેઓ આ વિષયમાં જાણવા પણ નથી માંગતા. હવે તેમને જણાવવા અને જતાવવાનો સમય આવી ગયો છે. આજે જે લોકો મારા પર કીચડ ઉછાળી રહ્યા છે જ્યારે તેઓ સરકારમાં હતા તો તેમણે પોતાના પાંચ વર્ષમાં ગરીબો માટે પાંચ વર્ષમાં જરા યાદ રાખશો આંકડો હું કહું છું, યાદ રાખશો જે હું કહી રહ્યો છું, યાદ રાખશોને, પાક્કું રાખશો.? તેમની જ્યારે સરકાર હતી. મેડમ રીમોટ કંટ્રોલથી જ્યારે સરકાર ચલાવી રહી હતી ત્યારે ગરીબો માટે ગામડામાં પાંચ વર્ષમાં માત્ર 25 લાખ ઘરો બનાવડાવ્યા હતા અને જ્યારથી આ સેવક આવ્યો છે ને, તમારી સેવા માટે આવ્યો છે ને મોદી.. સેવકે પાંચ વર્ષમાં અને તેનાથી પણ ઓછા સમયમાં 1 કરોડ 25 લાખ ઘરો બનાવી દીધા છે… 1 કરોડ 25 લાખ ઘર એટલે કે તેમના પાંચ વર્ષમાં જેટલા બન્યા તેના પાંચ ગણા. અર્થ એ કે અમે જેટલું કામ કર્યું તે કરવું હશે તો તેમને બીજા 25 વર્ષ લાગી જતા. એટલે કે તમારા બાળકોના બાળકો પણ મોટા થઇ જતા પરંતુ તમે લોકો ઝૂંપડીમાં જ જિંદગી કાઢી નાખત.

એટલું જ નહી, આ અમારી જે કામ કરવાની રીત છે કે પહેલાની સરકારમાં જ્યાં એક ઘર બનવામાં લગભગ લગભગ 18 મહિના લાગી જતા હતા. હવે જે પ્રકારની ટેકનોલોજી, જે પ્રકારના સાધનો, જે પ્રકારની વ્યવસ્થાને અમે લાગુ કરી છે, 18 મહિના કરતા વધુ સમય પહેલા લાગતો હતો, તે આજે 12 મહિના કરતા પણ ઓછા સમયમાં તે પોતાના ઘરમાં રહેવા માટે જતો રહે છે. અને ભાઈઓ બહેનો, આપણા દેશમાં ઘર છે તો પુરુષના નામ પર, ગાડી છે તો પુરુષના નામ પર, જમીન છે, ખેતી છે, તો પુરુષના નામ પર, દુકાન છે પુરુષના નામ પર, જે કઈ પણ છે પુરુષના નામ પર અને પુરુષનો સ્વર્ગવાસ થઇ જાય તો તેના દીકરાના નામ પર બિચારી માના નામે કઈ છે જ નહી. અમે નક્કી કર્યું પ્રધાનમંત્રી આવાસ યોજના તે પરિવારની જે મુખ્ય મહિલા છે, તેના નામ પર આપવામાં આવશે. મારી માતાઓ- બહેનો તાકાત છે… તેમના જ ખાતામાં પૈસા જમા થશે. આ જે મકાન બની રહ્યા છે તેની પાછળ પણ કારણ છે કે પૈસા આઘાપાછા નથી જતા તે બહેનો ધ્યાન દઈને મકાન બનાવડાવી દે છે.

દેશમાં જે પણ બેઘર છે તેમને ઘર મળવામાં… અમારો વાયદો છે, કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, હજુ પણ ઘણા લોકો જેમને મકાન પહોંચાડવાનું છે. જેમને ઘર મળ્યું નથી તેમને હું વિશ્વાસ અપાવું છું. અમે કરીને બતાવ્યું છે પાંચ ગણું ઝડપથી કામ, સાડા ચાર વર્ષમાં કરીને બતાવ્યું છે. 2022માં મકાનનું કામ પૂરું કરવાના ઈરાદાથી દોડી રહ્યા છીએ. જેમને નથી મળ્યું, તેમને પણ મકાન મળશે, તે હું વિશ્વાસ આજે આપવા માંગું છું. મારી સામે એવા અનેક ભાઈ બહેનો બેઠા છે જેઓ સાક્ષી છે કે તેમને કેટલી સરળતાથી કોઈને પણ ખવડાવ્યા પીવડાવ્યા વિના પોતાનું ઘર મળી ગયું અને મેં પૂછી લીધું અત્યારે…

સાથીઓ, હું પોતે જ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરતો રહું છું. એ જ રીતે અહિયાં ઝારખંડના લાભાર્થીઓ સાથે મેં વાતચીત કરી છે અને જેનાથી મને જાણવા મળ્યું છે કે કઈ રીતે પરિવર્તન આવ્યું છે.

મને એકવાર વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ઝારખંડની બહેનો સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. ખુંડીની બહેન નીરુ, અંજલિ, ગાયત્રી સહિત અનેક એવી બહેનો સાથે તે દરમિયાન મારી ખાસ્સી એવી વાતચીત થઇ હતી. તેમાં બહેનોએ જણાવ્યું કે કઈ રીતે તેમણે પોતાનું ઘર બનાવ્યું છે. ઝારખંડની સરકારે જે રાની મિસ્ત્રી બનાવવાની જે તાલીમ આપી છે તે પછી પહેલા તેમણે બીજાઓ માટે શૌચાલયો બનાવ્યા અને પછીથી પોતાની માટે ઘરો બનાવ્યા.

ભાઈઓ અને બહેનો, એવા તમામ લાભાર્થીઓ જણાવે છે કે કઈ રીતે ચાર હફ્તામાં સીધા તેમના બેંક ખાતામાં આશરે સવા લાખ રૂપિયા પહોંચી રહ્યા છે. શૌચાલય માટે અલગથી પૈસા મળી રહ્યા છે. પહેલા માત્ર 70 હજાર રૂપિયા મળતા હતા અને તેમાંથી પણ ઘર પર કેટલા લાગતા હતા, તે તમે તે લોકોને પૂછો જે સૌભાગ્યશાળી લોકોને પહેલાની સરકાર દરમિયાન ઘર મંજુર થયા છે.

સાથીઓ, ગરીબને જ્યારે ઘર મળી જાય છે તો તેનો આત્મવિશ્વાસ ચરમ પર પહોંચી જાય છે. જ્યારે તેને ગરમી, ઠંડી વરસાદની ચિંતા નથી રહેતી તો તે કમાણી પર ધ્યાન આપે છે અને તેનું જીવન સ્તર ઉપર ઉઠવા લાગે છે.

એટલું જ નહી, આ જે ઘરો બની રહ્યા છે તે પરિવારની મહિલા સદસ્યના નામ પર અમે આપી રહ્યા છીએ એવામાં માત્ર એક જ ઘરથી ગરીબના સશક્તિકરણનું આખું આંદોલન ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ઘર પણ મળી રહ્યું છે, રોજગાર પણ, આત્મસન્માન પણ અને આત્મવિશ્વાસ પણ જે ગરીબીને ભારતમાંથી દૂર કરવામાં ઘણો મદદગાર સિદ્ધ થઇ રહ્યો છે.

જ્યારે ઘરની વાત થાય છે તો એક બીજો મોટો તફાવત પહેલાની સરખામણીમાં એ છે કે આઝાદી પછી પહેલી વાર કોઈ સરકારે મધ્યમવર્ગના ઘરની પણ ચિંતા કરી છે. મધ્યમવર્ગને આર્થિક મદદની સાથે જ વ્યાજમાં પણ રાહત આપવામાં આવી રહી છે. આ દેશના દરેક નાગરિકનું પોતાના ઘરનું સપનું પૂરું થાય એ જ રીતે અમે સંપૂર્ણ ઈમાનદારી સાથે અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને જો મધ્યમ વર્ગીય પરિવાર 20 લાખ રૂપિયાનો ફ્લેટ લેવા જાય છે તો બેંકમાંથી તેણે ધિરાણ લીધું છે તો તેમાં અમે મદદ એવી રીતે કરી છે કે 20 વર્ષમાં જ્યારે પૈસા જમા કરાવશે તો પહેલાની સરખામણીમાં તેના છ લાખ રૂપિયા ઓછા થઇ જશે, બચી જશે. આ કામ મધ્યમ વર્ગીય પરિવારો માટે અમે કર્યું છે. 20 લાખ રૂપિયા ભરતા ભરતા તેના છ લાખ રૂપિયા બચાવવાનું કામ વ્યાજ ઓછા કરીને અમે કર્યું છે.

ભાઈઓ અને બહેનો, ઝારખંડ અહિયાંના આદિવાસીઓને, અહિયાંના સામાન્ય જનના સંઘર્ષનું પરિણામ છે. આ રાજ્ય આપ સૌની આકાંક્ષાઓનું પ્રતિક છે. જેને અટલજીની સરકાર દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું. તેના સંતુલિત અને સમગ્ર વિકાસ માટે કેન્દ્ર અને ઝારખંડની સરકારો સંપૂર્ણ ઈમાનદારી સાથે લાગેલી છે. સૌનો સાથ સૌનો વિકાસ અમારો માર્ગ પણ છે અને લક્ષ્ય પણ છે.

એ જ વિચારધારાનું પરિણામ છે કે અહિયાંથી જે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જય યોજના પીએમજે યોજનાની શરૂઆત મોદી કેરના નામથી લોકો ઓળખે છે. ત્રણ મહિના પહેલા કરવામાં આવી હતી તે આજે લાખો ગરીબોને જીવનદાન આપી રહી છે. માત્ર સો દિવસની અંદર જ લગભગ લગભગ સાડા છ-સાત લાખથી વધુ બહેન ભાઈઓને દેશભરના હજારો દવાખાનામાં કાં તો ઈલાજ મળી ગયો છે અથવા તો પછી તે દવાખાનામાં ઈલાજ કરાવી રહ્યો છે તેમાં ઝારખંડના પણ આશરે 28 હજાર લાભાર્થીઓની મદદ કરવામાં આવી છે.

સાથીઓ, આજે આયુષ્માન યોજનાનો એટલો વિસ્તાર થઇ ચુક્યો છે કે દરરોજ લગભગ લગભગ 10 હજાર લોકોને તેનો લાભ મળી રહ્યો છે. એટલે કે આ યોજના દરરોજ 10 હજાર લોકોના જીવનને બચાવવા, તેમની તકલીફને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ભાઈઓ અને બહેનો વિકાસની પંચધારા એટલે કે બાળકોનો અભ્યાસ, યુવાનોની કમાણી, ખેડૂતને સિંચાઈ, વડીલોને દવા અને જન જનની સુનાવણી તેને ન્યુ ઇન્ડિયાના સંસ્કાર બનાવવામાં અમે લાગેલા છીએ.

આપ સૌ ઝારખંડવાસીઓના ભરપુર આશીર્વાદ અમારી સાથે રહ્યા છે. ન્યુ ઇન્ડિયાની માટે રહ્યા છે, ન્યુ ઝારખંડ માટે રહ્યા છે. વિકાસ પ્રત્યે પોતાનો વિશ્વાસ આમ જ બનાવી રાખશો, એ જ ભાવના સાથે હું ફરી એકવાર નીતીશકુમાર અને રઘુવર દાસજી બંનેને અભિનંદન આપું છું. અમારા બધા જ સંસદ સભ્યોને અભિનંદન આપું છુ અને જનતા જનાર્દનને અભિનંદન આપું છું.

આ પરિયોજનાઓ માટે અનેક અનેક શુભકામનાઓ આપું છું. અને તમે આટલી મોટી સંખ્યામાં આવીને, આટલા ધૈર્ય સાથે આશીર્વાદ આપ્યા તેના માટે હું ફરી એકવાર માથું નમાવીને નમન કરું છું. મારી સાથે પૂરી તાકાત સાથે બોલો… બંને મુઠ્ઠી બંધ કરીને બોલો..

ભારત માતાની જય… આમ નહી..

ભારત માતાની જય..  શાબાશ…

ભારત માતાની જય..

ભારત માતાની જય.. 

ભારત માતાની જય.. 

ખુબ ખુબ આભાર!!

 

NP/J.khunt/GP