Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર વિતરણ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર વિતરણ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કારના દરેક વિજેતાઓને હું હૃદયથી ખૂબ-ખૂભ શુભેચ્છા પાઠવું છું. ‘શ્રી રાજકાર સિંહાજિત સિંહ’, શ્રી રામ સુતારજી અને છાયાનટનું સન્માન, કળાનું સન્માન છે, સંસ્કૃતિનું સન્માન છે અને જ્ઞાનનું સન્માન છે.

સંસ્કૃતિ કોઈપણ રાષ્ટ્રનો પ્રાણવાયુ હોય છે. તેનાથી જ રાષ્ટ્રને ઓળખ અને અસ્તિત્વને શક્તિ મળે છે. કોઈપણ રાષ્ટ્રનું સન્માન અને તેનું આયુષ્ય પણ સંસ્કૃતિની પરિપક્વતા અને સંસ્કૃતિના મૂળની મજબૂતાઈથી જ નક્કી થાય છે.

ભારતની પાસે તો હજારો વર્ષોનો એક સાંસ્કૃતિક વિસ્તાર છે, જેણે ગુલામી લાંબા કાળખંડનો, બહારના આક્રમણનો પણ પ્રભાવિત થયા વિના સામનો કર્યો છે. આ જો સંભવ થઈ શક્યું છે તો તેની પાછળ સ્વામી વિવેકાનંદજી અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર જેવા અનેક મહાનુભાવોનું યોગદાન રહ્યું છે.

ભારતનું સાંસ્કૃતિક સામર્થ્ય એક રંગબેરંગી માળા જેવું છે, જેને તેના અલગ-અલગ મણકાઓનાં વિવિધ રંગો શક્તિ આપે છે. ‘કોસ-કોસ પર બદલે પાણી, ચાર કોસ પર વાણી’ આ જ ભારતને બહુરંગી અને બહુપરિમાણીય બનાવે છે.

ભારતની આ શક્તિને ગુરુદેવે સમજી અને રવિન્દ્ર સંગીતમાં આ વિવિધાનો સમાવેશ કર્યો. રવિન્દ્ર સંગીતમાં આખા ભારતનો રંગ છે અને એ ભાષાના બંધનથી પણ પર છે.

ગુરુદેવ, લોક-કળા અને પારંપરિક નૃત્યોને દેશની એક સંસ્કૃતિનો પરિચય માનતા હતા. મણિપુરી નૃત્યના શિક્ષક નબાકુમાર સિંહાજી તેનાથી કેટલા પ્રભાવિત હતા, એ શાંતિનિકેતનમાં જઈને ખબર પડે છે.

આજે ટાગોર સન્માનથી સન્માનિત શ્રી રાજકુમાર સિંહાજિત સિંહ આ સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકુમારજી મણિપુરી નૃત્યના પ્રચાર-પ્રસાર પ્રત્યે સમર્પિત રહ્યા છે. તેમણે મણિપુરી નૃત્ય પરંપરાના માધ્યમથી સાંસ્કૃતિક સદભાવને પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આશા છે કે ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં તેઓ યોગદાન આપતા રહેશે. આ પુરસ્કાર માટે મારા તરફથી તેમને ખૂબ-ખૂબ અભિનંદન.

સાથીઓ, ગુરુદેવ દરેક સીમાડાઓથી પર હતા. તેઓ પ્રકૃતિ અને માનવતા પ્રત્યે સમર્પિત હતા. ગુરુદેવ આખા વિશ્વને પોતાનું ઘર માનતા હતા, તો વિશ્વએ પણ તેમને એટલું જ પોતાપણું આપ્યું. આજે પણ અફઘાની લોકોની જીભ પર કાબુલીવાલાની વાર્તા છે. આજે પણ દુનિયાના ઘણા શહેરોમાં તેમના નામ સાથે જોડાયેલી સ્મૃતિઓ છે, અનેક પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયોમાં તેના નામ પર ચેર છે. સાડા ત્રણ વર્ષ પૂર્વ જ્યારે હું તાજિકિસ્તાન ગયો હતો, તો મને ત્યાં ગુરુદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.

સાથીઓ, એવું પણ ઘણું ઓછું જોવા મળતું હોય છે કે, કોઈ વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં બે દેશના પ્રધાનમંત્રી સામેલ હોય. એ ગુરુદેવ પ્રત્યે લગાવ હતો, તેના પ્રત્યે શ્રદ્ધા હતી, કે વિશ્વભારતીના દિક્ષાંત સમારોહમાં મારી સાથે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાજી પણ ઉપસ્થિત હતા.

ગુરુદેવની રચના ‘આમાર સોનાર બાંગ્લા’ બાંગ્લાદેશની ઓળખ છે, ત્યાંનું રાષ્ટ્રગીત છે. ભારત અને બાંગ્લાદેશની આ જ પરસ્પર સાંસ્કૃતિક વિરાસતને છાયાનટે વધુ મજબૂત કરી છે. છાટાનટના માનવતાવાદી અને સાંસ્કૃતિક મૂલ્યો ગુરુદેવની ભાવનાઓને અભિવ્યક્ત કરે છે. હું તેમને આજનાં સન્માન માટે ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું.

સાથીઓ, ગુરુદેવની વાત કરતાં હું કાયમ ગુજરાતમાં વિતાવેલા કેટલાક દિવસોની પણ ચર્ચા કરું છું. તેમના ભાઈ અમદાવાદના કમિશ્નર હતા અને તેમના ભાઈની સાથે રહેતા તેમણે ઘણી કવિતાઓની રચના ત્યાં કરી હતી. ગુરુદેવની રચના જન-ગણ-મનની જે ભાવના છે, તેને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલે સશક્ત કરી.

મને આનંદ છે કે આ બંને મહાનાયકોને આજે એક વધુ કડી જોડી રહી છે. શ્રી રામ સુતારજી આજે ગુરુદેવ અને સરદાર સાહેબની વચ્ચે સેતુ બન્યા છે. સુતારજીએ સ્ટેચ્યૂ ઑફ યૂનિટીના માધ્યમથી દેશને ગૌરવાન્વિત કર્યો છે. રાષ્ટ્રીય એકતાની ભાવનાને સશક્ત કરવામાં ભારતીયોમાં ગૌરવનો ભાવ વધુ મજબૂત કરનારા સુતારજીને હું ટાગોર પુરસ્કાર માટે ફરીથી ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને હવે હમણાં મેં તેમનું પ્રવચન સાંભળ્યું છે, ઉંમર તો 93ને પાર કરી દીધી છે, પરંતુ તેમનાં સંબોધનમાં મૂળમંત્ર એ જ હતો – હજુ મારે ઘણું બધું કરવાનું બાકી છે. આ દરેક યુવાનોને પ્રેરણા આપવાની વાત છે.

સાથીઓ, ગુરુદેવનું કર્તૃત્વ અને તેમનો સંદેશ સમય, કાળ અને પરિસ્થિતિથી પર છે. માનવતાની રક્ષા પ્રત્યેના તેમના આગ્રહને આજે વધુ મજબૂત કરવાની જરૂર છે. આજે દુનિયામાં જે પ્રકારના પડકારો છે, તેમાં ગુરુદેવને વાંચવા, તેમની પાસેથી શીખવું વધુ પ્રાસંગિક છે.

હું ગુરુદેવની પંક્તિઓથી મારી વાતને વિરામ આપીશ –

ગુરુદેવજીએ લખ્યું છે –

”I slept and dreamt that life was joy.

I awoke and saw that life was service.

I acted and behold, service was joy.”

એટલે કે

“હું સુતો અને સ્વપ્ન જોયું કે જીવન આનંદ છે.

હું જાગ્યો અને જોયું કે જીવન સેવા છે.

મેં સેવા કરી અને જાણ્યું કે સેવા જ આનંદ છે.”

આપણે સૌ સેવાનો આ ભાવ આવી રીતે જ જાળવી રાખીએ, દેશની સંસ્કૃતિને વધુ મજબૂત કરવા માટે કાર્ય કરતા રહીએ, એ જ કામનાની સાથે ફરી એકવાર આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

રાષ્ટ્રપતિજીને હું ધન્યવાદ આપું છું કે તેઓએ સમય કાઢી અને આ પ્રસંગની શોભા વધારી છે. ભાઈ મહેશ શર્માજીને પણ હું અભિનંદન પાઠવું છું કે તેના વિભાગે ખૂબ સુંદર રીતે આ એક પુરસ્કારના માધ્યમથી એ ભાવનાઓને જોડવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.

ખૂબ-ખૂબ ધન્યવાદ!!!

NP/J.Khunt/GP/RP