Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ડૉ. ભૂપેન હજારિકાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય જી, આસામના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી સર્બાનંદ સોનોવાલજી, પબિત્રા માર્ગેરિટાજી, મારા મોટા દીદી આદરણીય ઉષા મંગેશકરજી, ભારત રત્ન ભૂપેન હજારિકાજીના પરિવારના તમામ સભ્યગણ, કલા જગત સાથે જોડાયેલા તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો! આપ સૌને નમસ્કાર!

મોઈ ભુપેન દા લોઈ ગોભીર શ્રોદ્ધા જોનાઈસૂ, એઈ ઓઈતિહાસિક અનુસ્થાનત ઉપસ્થિત થાકિ, મોઈ ખુબેઈ આનોન્દિતો હોઈસૂ. આજનું આ આયોજન, આસામ અને નોર્થ ઈસ્ટની સાથે–સાથે, ભારતની કલા અને આપણી સામૂહિક ચેતનાનો પણ ઉત્સવ છે. એ પણ સુખદ છે, કે ભારત રત્ન ભૂપેન હજારિકા જીના જન્મશતાબ્દીનો આ સમારોહ ગુવાહાટીથી શરૂ થયો હતો, પરંતુ તેનું સમાપન દેશની રાજધાનીમાં થઈ રહ્યું છે. અને મને યાદ છે, આ અગાઉ મહાન યોદ્ધા, વીર લચિત બરફુકન જીની 400મી જયંતીનો ખૂબ ભવ્ય કાર્યક્રમ દિલ્હીમાં થયો હતો. આ એક ભારત–શ્રેષ્ઠ ભારતનું ખૂબ સુંદર ઉદાહરણ છે.

સાથીઓ,

ભૂપેન દાના જન્મશતાબ્દી સમારોહમાં, સમગ્ર રાષ્ટ્રએ પોતાના આ મહાન સપૂતને નમન કર્યું છે, પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અને એ મારા માટે સૌભાગ્યની વાત છે, કે મને જન્મશતાબ્દી વર્ષના પ્રારંભ અને સમાપન, બંને સમારોહમાં, સામેલ થવાની તક મળી છે. ભૂપેન દા પ્રત્યે મારી આત્મીયતા એક અન્ય કારણથી પણ વિશેષ છે. તેઓ આસામના મહાન સંતાન તો હતા જ, પરંતુ તેઓ ગુજરાતના જમાઈ પણ હતા. અને આજે પણ હું તેમના સુપુત્ર જીત સાથે ગુજરાતીમાં જ વાત કરું છું. અને એટલા માટે, મને જ્યારે આ કાર્યક્રમોમાં બોલાવવામાં આવ્યા, ત્યારે એક અલગ પ્રસન્નતા અનુભવી. હું ભૂલી શકતો નથી, જ્યારે 11 હજાર કલાકારોએ એકસાથે બીહુ રજૂ કર્યું હતું, ત્યારે સમગ્ર વિશ્વએ આસામની સાંસ્કૃતિક શક્તિને જોઈ હતી. જ્યારે બોડો બહેનો–ભાઈઓએ બાગુરુમ્બાની મનમોહક રજૂઆત કરી, ત્યારે વિશ્વએ આપણી વિવિધતાનો એક અદ્ભુત રંગ જોયો હતો. જ્યારે ચાના બગીચાઓ સાથે જોડાયેલા હજારો કલાકારોએ, ઝુમોઈરના રંગો વિખેર્યા, ત્યારે ચા વાળો તો ખુશ થશે જ થશે, ત્યારે સમગ્ર સમુદાયની પ્રતિભા વિશ્વની સામે આવી. અને આજે, આસામના અનેક જિલ્લાઓના કલાકારો ફરી એકવાર, રાજધાની દિલ્હીમાં એ જ રંગ, એ જ ઉત્સાહ લઈને આવ્યા છે.

સાથીઓ,

હું હેમંતા જી અને તેમની સમગ્ર ટીમ તથા આસામની જનતાને, એક અન્ય ઐતિહાસિક પહેલ કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું. ભૂપેન હજારિકા જીની સ્મૃતિમાં, આસામ સરકારે નવો પુરસ્કાર શરૂ કર્યો છે. અને આદરણીય ઉષા મંગેશકર જીના સન્માન સાથે આ શુભ શરૂઆત થઈ છે. અને સંયોગ જુઓ, મારા ગામમાં બે દીકરી તાના અને રીરી, અકબરના જમાનામાં સંગીતની દુનિયામાં તેમનું ખૂબ મોટું નામ હતું. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં આ તાના રીરી સંગીત સમારોહનો પ્રારંભ કર્યો, અને તે સમયે જ્યાં બે લોકો એકસાથે જોડી ઓળખાય છે, તેમને પુરસ્કાર આપવાની પરંપરા શરૂ કરી. અને પહેલો પુરસ્કાર ઉષા દીદી અને લતા દીદીને આપ્યો હતો અને તે સમયે ઉષા દીદી મારા ગામ આવ્યા હતા. અને આજે આ પણ પુરસ્કારનો પ્રારંભ થઈ રહ્યો છે, અને આજે પણ મને ઉષા દીદીને પ્રણામ કરવાની તક મળી રહી છે. ઉષા દીદીનું આ સન્માન, ભૂપેન દાની વિરાસત અને સંગીત જગત, બંનેનું સન્માન છે. આસામ અને દેશની અનેક પેઢીઓ, ભૂપેન દા અને ઉષા દીદીના ગીતો સાંભળીને મોટી થઈ છે. મને વિશ્વાસ છે, આજે લતા દીદી, આશા દીદી પણ, જ્યાં પણ હશે, આપણને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હશે.

સાથીઓ,

અવારનવાર જ્યારે આપણે કોઈ વ્યક્તિની મહાનતાની ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણે તેનું નામ, તેનું કામ, તેની સિદ્ધિઓ જોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જેમની ઓળખ આ બધાથી પણ ખૂબ મોટી હોય છે. ભૂપેન દા આવા જ વિરલા વ્યક્તિત્વ હતા. તેઓ ગાતા હતા, સંગીતના સૂરને આત્મા આપવા માટે, તેઓ લખતા હતા શબ્દોને નવું જીવન આપવા માટે, તેઓ સંગીત રચતા હતા, સમાજને જોડવા માટે. હું માનું છું, ભૂપેન દાએ માત્ર ગીતો નથી લખ્યા, તેમણે પોતાના ગીતોમાં એક યુગ લખ્યો છે. તેમણે ગંગા અને બ્રહ્મપુત્રના વિસ્તારને સમાવ્યો, ભારતના વિવિધ સમાજને જોડ્યા, લોકગીતોને નવી પેઢી માટે ગૂંથ્યા, તેમને ભાષાની સીમાઓમાંથી બહાર કાઢ્યા, ભારતની વિરાસત માટે, તેમની પ્રતિબદ્ધતા અદ્ભુત હતી, અને આ જ પ્રતિબદ્ધતાથી, તેમણે ભારતની આગામી પેઢીને આપણી સાંસ્કૃતિક વિરાસત સોંપી.

સાથીઓ,

ભૂપેન દા, જેટલા આધુનિક હતા, તેટલા જ પોતાની માટી સાથે જોડાયેલા હતા. તેમની પ્રતિભા વૈશ્વિક હતી, તેમનું હૃદય હિન્દુસ્તાની હતું. તેથી ગયા વર્ષે મેં ગુવાહાટીમાં પણ કહ્યું હતું, ભૂપેન દાએ ભારતની ભાવનાઓને પોતાનો અવાજ આપ્યો છે. તેમણે ભારતના સપનાઓને પોતાના ગીતોમાં ગૂંથ્યા છે. અને એટલા માટે, એ આપણું સૌભાગ્ય છે કે તેમની આ વિરાસતને, ભારત સરકારે ભારત રત્નના રૂપમાં દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે.

સાથીઓ,

ભૂપેન હજારિકા જી પ્રખર રાષ્ટ્રવાદી અને સાચા દેશભક્ત હતા. તેઓ કહેતા હતા, એક સારા ભારતીય બનવા માટે દરેક આસામીએ સારા અહોમિયા બનવું પણ જરૂરી છે. “આમી અહોમિયા, આમી ભાલ ભારોતિયા”. 1962 માં યુદ્ધના માહોલમાં તેમણે દેશના યુવાનોને આહ્વાન કર્યું હતું, બુકુ હુમ હુમ કરે, મોર આઈ. જ્યારે દેશનો ચંદ્રમા કાળ–અંધકારથી ઢંકાઈ જાય, ત્યારે યુવાનો માતૃભૂમિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર રહે. અને નદીઓ સાથે તેમનો પ્રેમ પુત્રવત હતો, અને જોડાણ એવું કે તેઓ બ્રહ્મપુત્ર સાથે ફરિયાદ પણ કરી નાખતા, ઝઘડો કરી દેતા. અન્યાય, શોષણ અને ભેદભાવ જોઈને પણ તે મૌન કેમ વહે છે? “બિસ્તીર્ણો પારોરે, અખોન્ખ્યો જોનોરે, હાહાકાર ખુનિયૂ, નિહોબ્દે નિરોબે, બુરહા લુઈત તુમિ, બુરહા લુઈત બુવા ક્યો?”

સાથીઓ,

આ જ ભાવના સાથે, યુવા ભૂપેન હજારિકાએ એક નવા આસામ અને નવા ભારતના નિર્માણનો સંકલ્પ લીધો હતો. “અગ્નિજુગોર ફિરીંગોતિ મોઈ, નોતુન અહોમ ગોઢિમ, નોતુન ભારોત ગોઢિમ” અને આજે આપણે પોતાની આંખોથી નવા ભારતનું નિર્માણ થતું જોઈ રહ્યા છીએ. આજની યુવા શક્તિ સ્ટાર્ટઅપ બનાવી રહી છે, અવકાશમાં રોકેટ મોકલી રહી છે. કૃષિ, નાણા, રમતગમત અને વિજ્ઞાનમાં નવા કીર્તિમાનો સ્થાપિત કરી રહી છે.

સાથીઓ,

ભૂપેન દાએ સમગ્ર માનવ જાતિને સંબોધતા માનવતાને પ્રેરિત કરતું સુંદર ગીત ગાયું હતું. તેમણે કહ્યું હતું– આપણે સૌ એક જ જીવન નૌકાના સહયાત્રી છીએ, “આમી એકેખોન નાવોરે જાત્રી, હહોજાત્રી એકેખોન નાવોરે. તે નૌકા આજે સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે સત્યમાં બદલાઈ ચૂકી છે. આજે દરેક ભારતીયની મહેનત અને સહભાગિતા દેશની પ્રગતિની પતવાર બની છે. આપણો સંકલ્પ છે, કોઈ પાછળ ન છૂટે, સૌ સાથે ચાલે, સૌ સાથે વધે, અને તેનું જ પરિણામ, હમણાં આપણે વર્લ્ડ બેંકના અહેવાલમાં જોયું છે. વર્લ્ડ બેંકે કહ્યું છે કે વીતેલા વર્ષોમાં 50 કરોડ ભારતીયો ભીષણ ગરીબીમાંથી બહાર આવ્યા છે. મોટી સંખ્યામાં આસામમાં પણ લોકોનું જીવન સુધર્યું છે. આ સૌનો સાથ–સૌનો વિકાસના મંત્રની તાકાત છે.

સાથીઓ,

ભૂપેન દાનું એક અન્ય ગીત છે, માનુહે માનુહોર બાબે, આ ગીતમાં તેમણે એક સવાલ પૂછ્યો. જો માણસ જ માણસના દુઃખ–દર્દ વિશે નહીં વિચારે, તો પછી કોણ વિચારશે? વિચારો! કેટલો સરળ સવાલ છે, પરંતુ કેટલો મોટો સંદેશ છે? જ્યારે આપણે આપણી નીતિઓમાં, આપણી રીતિઓમાં, માનવતાને સર્વોપરી રાખીએ છીએ, ત્યારે સમાજ બને છે, સેતુ બને છે. વીતેલા 12 વર્ષોમાં આપણે સૌનો આ જ પ્રયાસ રહ્યો છે. આસામ હોય, સમગ્ર નોર્થ ઈસ્ટ, અષ્ટલક્ષ્મી હોય, સરકારે માનવીય સંવેદનાને સર્વોપરી રાખતા સંપૂર્ણ સેવા ભાવથી કામ કર્યું છે. આપણો નિરંતર પ્રયાસ છે, કે નોર્થ ઈસ્ટમાં આપણો દરેક પરિવાર, સમન્વયથી, સદ્ભાવથી, સકારાત્મક ઊર્જાથી આગળ વધે. મને ખૂબ ખુશી છે, કે વીતેલા વર્ષોમાં આસામના હજારો સાથીઓએ હિંસાનો રસ્તો છોડ્યો છે. માનવતાનો, વિકાસનો, વિશ્વાસનો નવો રસ્તો પસંદ કર્યો છે. અને હું સમજું છું, આજે આપણે નોર્થ ઈસ્ટના દરેક રાજ્ય સુધી, અષ્ટલક્ષ્મીના દરેક એક રૂપ સુધી, પૂર્વોત્તરના ખૂણે–ખૂણે, વિકાસના જેટલા કામ કરી રહ્યા છીએ, દરેક તે કામ, ભૂપેન દાના આશીર્વાદથી, તેમની પ્રેરણાથી થઈ રહ્યું છે.

સાથીઓ,

આપણે સૌ ભારતીયો, વિકસિત ભારતનો સંકલ્પ લઈને નીકળ્યા છીએ. ભાષા અલગ હોઈ શકે છે, વાતાવરણ, ખાણીપીણી, જીવનશૈલી, ઘણું બધું અલગ હોઈ શકે છે. પરંતુ આપણો સંકલ્પ એક છે. અને આ સંકલ્પ, વિકસિત ભારતના નિર્માણનો છે. હા, આવી વાતો તેમને પસંદ નથી આવતી, જે વિવાદમાં, સત્તાના સપના જુએ છે. જે ભારતને પણ ટુકડાઓમાં જુએ છે, જે દેશની સિદ્ધિઓ પર નારાજ ફુવા બનીને ફરતા રહે છે. હું તો કહીશ કે આવા નારાજ ફુવાઓએ ભૂપેન દાના ગીતો વારંવાર સાંભળવા જોઈએ. કદાચ તેમને સદ્બુદ્ધિ આવે.

સાથીઓ,

મને એક અન્ય વાતનો ગર્વ છે. ભૂપેન દાએ કાશીથી અભ્યાસ કર્યો હતો, અને મારું સૌભાગ્ય છે, મને તે કાશીના સાંસદ તરીકે સેવા કરવાની તક મળી છે. તેઓ માસ કોમ્યુનિકેશનમાં PhD કરનારા પ્રથમ ભારતીયોમાંના એક હતા. ભૂપેન દાની જન્મ શતાબ્દીના કાર્યક્રમોનું ભલે આજે સમાપન થઈ રહ્યું છે, પરંતુ તેમની વિરાસત ચિરંતર છે. તેથી આપણે તેમની સ્મૃતિઓમાંથી પ્રેરણા લઈને, નવા સંકલ્પોને આકાર આપવાનો છે. ભૂપેન દાના ગીતો, આપણા શિક્ષણનો હિસ્સો બને, તેઓ નવી પેઢી સુધી પહોંચે. તેમની રચનાઓનું સંરક્ષણ થાય. તેમના વિચારો પર સંશોધન થાય. દેશની અલગ–અલગ ભાષાઓમાં તેમના સાહિત્યનો પ્રસાર થાય, એ ખૂબ આવશ્યક છે.

સાથીઓ,

ભૂપેન દાએ નવા આસામનું સપનું જોયું હતું. હું ગર્વ સાથે કહી શકું છું, કે વીતેલા દાયકામાં આસામ અભૂતપૂર્વ સંભાવનાઓનો પ્રદેશ બનીને ઊભર્યો છે. અને મેં થોડા વર્ષો પહેલા કહ્યું હતું, તે દિવસ દૂર નથી, જ્યારે દેશનું દરેકે બાળક એ કહેવાનું શરૂ કરશે, A ફોર આસામ. આધુનિક જોડાણથી લઈને, ટેક્નોલોજીના નવા હબ સુધી, ભૂપેન દાના નામે બનેલા બ્રહ્મપુત્રના વિશાળ સેતુથી લઈને, ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ જીના નામે બનેલા આધુનિક હવાઈમથકો સુધી આસામનો નવો અવતાર સામે આવી રહ્યો છે. અને આસામના વિકાસની આ ગતિ વધુ ઝડપી બનવાની છે. આ જ વિશ્વાસ સાથે ફરી એકવાર આપ સૌને અને વિશેષ રૂપે આદરણીય ઉષા મંગેશકર જીને મારી ખૂબ–ખૂબ શુભકામનાઓ. ખૂબ–ખૂબ ધન્યવાદ.

SM/DK/JD