Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તા.21 સપ્ટેમ્બર, 2017ના રોજ લક્ષ્મણરાવ ઈનામદારનીની જન્મ શતાબ્દી પ્રસંગે યોજાયેલા સહકાર સંમેલન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

તા.21 સપ્ટેમ્બર, 2017ના રોજ લક્ષ્મણરાવ ઈનામદારનીની જન્મ શતાબ્દી પ્રસંગે યોજાયેલા સહકાર સંમેલન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

તા.21 સપ્ટેમ્બર, 2017ના રોજ લક્ષ્મણરાવ ઈનામદારનીની જન્મ શતાબ્દી પ્રસંગે યોજાયેલા સહકાર સંમેલન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

તા.21 સપ્ટેમ્બર, 2017ના રોજ લક્ષ્મણરાવ ઈનામદારનીની જન્મ શતાબ્દી પ્રસંગે યોજાયેલા સહકાર સંમેલન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


દેશના અલગ અલગ ભાગોમાંથી આવેલા સહકાર આંદોલન સાથે જોડાયેલા આપ સૌ મહાનુભવો.

લક્ષ્મણરાવજી ઈનામદારના શતાબ્દી સમારોહની સાથે આ સહકારી આંદોલનને વધુ ગતિ મળે, નવી ઊર્જા મળે અને સમાજ પ્રત્યે એક સંવેદનાની સાથે સામાન્ય માનવીઓની સમસ્યાઓના ઉકેલ માટે સાથે મળીને, સાથે બેસીની કેવી રીતે માર્ગ શોધી શકાય, સાથ અને સહયોગ તથા સહકાર દ્વારા સમસ્યાઓનો કેવી રીતે ઉકેલ આવી શકે તેના માટે પૂરા દિવસ દરમિયાન આપ સૌ ચિંતન કરવાના છો.

આપણો દેશ બહુરચના વસુંધરા છે. દેશનો કોઈપણ પ્રદેશ એવો નથી કે જ્યાં આજે પણ સમાજને સમર્પિત વ્યક્તિઓ આપણી નજરે પડતી ન હોય. ઘણા લોકો એવા હોય છે કે ટી.વી.ને કારણે, અખબારોને કારણે, પ્રસાર માધ્યમોને કારણે અને પોતાના જીવનકાળ દરમિયાન મળેલા માન-સન્માનને કારણે લોકોની વચ્ચે ચર્ચામાં રહેતા હોય છે અને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ઘણીવાર ખૂબ મહાન પણ લાગતા હોય છે, પરંતુ આ દેશ એવો છે કે જેમાં ઘણો મોટો વર્ગ એવો છે કે જે ક્યારેય પણ અખબારોના શિર્ષકોમાં આવતો નથી. ટી.વી. ઉપર ક્યારેય ચમકતો નથી. આવા લોકોને વાહવાહી, માન પ્રતિષ્ઠા, ખિતાબ જેવું કશું હોતું નથી, પરંતુ એક મૂક સાધકની જેમ સમર્પિત જીવન જીવતા જીવતા ‘એક દીપ સે જલે દૂસરા દીપ, જલતે દીપ હજાર’, આ રીતે ધીમે ધીમે બળતા રહીને ધીમે ધીમે જલતા રહીને શરીરના કણ કણને આદર્શો માટે, મૂલ્યો માટે, પોતાનું જીવન ખપાવી દઈને જીવતા હોય છે. આવા ચહેરાઓ અજાણ્યા રહેવા છતાં પણ, તેમના દ્વારા દેશને જે પ્રાપ્ત થાય છે તેનું મૂલ્ય ક્યારેય પણ ઓછું હોતું નથી. વકીલ સાહેબ, આવું જ એક જીવન જીવનારા લોકોમાંના એક હતા.

આજે ઘણા લોકોને એવો પણ સવાલ થાય છે કે અમે તો, ક્યારે નામ શુધ્ધાં સાંભળ્યું નથી અને તમે શતાબ્દી ઉજવી રહ્યા છો. હું માનું છું કે નામ સાંભળ્યું નહોતું તે તો તેમનું સૌથી મોટું અચરજ હતું. પોતાની જાતને હંમેશા પાછળ રાખીને અને હું માનુ છું કે સહકારી ચળવળની સફળતાનો પહેલો મંત્ર આ હોય છે કે પોતાને જેટલા રાખી શકાય તેટલા દૂર રાખીને સૌને એકત્ર કરીને, લોકોને આગળ ધપાવવા તે સહકારીતાનો મોટો મંત્ર છે.

તેમણે વ્યક્તિ નિર્માણ માટે પોતાનું જીવન ખપાવી દીધું. રાષ્ટ્ર નિર્માણનો આ એક રસ્તો તેમણે શોધ્યો. મારૂં એ સૌભાગ્ય રહ્યું છે કે જીવનનો ઘણો મોટો સમય તેમની સાથે વિતાવવાની મને તક મળી છે. હું જવાનીના અનેક વર્ષો તેમના હાથ નીચે કામ કરતો રહ્યો હતો અને એટલા માટે જ મારા માટે વકીલ સાહેબનું જીવન હંમેશા પ્રેરણાનો સ્રોત બની રહ્યું છે. જ્યારે હું તેમના જીવન ઉપર એક પુસ્તક લખી રહ્યો હતો, 25-30 વર્ષ પહેલાંની આ વાત છે અને જ્યારે હું ઝીણવટભરી નજરે જોતો હતો ત્યારે હું હેરાન થઈ જતો કે હું પણ તેમની સાથે રહેતો અને આટલા બધા વર્ષોથી રહેતો હતો, પરંતુ ઘણી બધી વાતો એવી હતી કે તેનો ખ્યાલ તેમના ગયા પછી જ આવ્યો હતો. આનો અર્થ એ થયો કે જીવન કેવી રીતે જીવ્યું હશે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. સાદગીપૂર્ણ જીવન અને એમ છતાં પણ પોતાની જાતને હંમેશા ચિત્રમાં નહીં આવવા દેવી, સાથીઓ આગળ વધે, સાથીઓની શક્તિ આગળ વધે, વિચારોને બળ મળે તે રીતે એક મહાન પરંપરા જાળવીને અણમોલ રત્નના રૂપમાં તેમણે કામ કર્યું હતું.

શતાબ્દી વર્ષ પ્રસંગે ઘણા કાર્યક્રમો યોજાવાના હશે. સહકાર આંદોલનને એક નવી તાકાત મળશે, પરંતુ આજે જ્યારે આપણે વકીલ સાહેબના શતાબ્દી વર્ષ પ્રસંગે સહકારી ક્ષેત્રે તેમણે જે યોગદાન આપ્યું હતું તેને યાદ કરીને આગળ વધી રહ્યા છીએ ત્યારે આજે આખો દિવસ બેસીને તમે ચર્ચા કરવાના છો. વિશ્વમાં સહકારીતા ક્ષેત્રની ઉત્તમ પ્રણાલિઓ કઈ છે તેની તમે ચર્ચા કરવાના છો.

કૃષિ ક્ષેત્રે આપણે સહકારી પ્રવૃત્તિ મારફતે કઈ રીતે આગળ વધી શકીએ, વર્ષ 2022 સુધીમાં આપણા ખેડૂતોની આવક બે ગણી કઈ રીતે કરી શકાય, એવી કઈ ચીજો છે કે જે આપણને જોડી રાખે છે, એવી કઈ ખરાબ આદતો છે કે જે આપણે છોડવાની છે જેથી આપણા કૃષિ જગતને પણ આપણા ગ્રામીણ જીવનને આધુનિક ભારતના સંદર્ભમાં તૈયાર કરી શકાય. આપણે વિકાસની એ દિશામાં તૈયારી કરવાની છે.

હવે એવું પણ શક્ય નથી કે શહેર તો આગળ વધી ગયા અને ગામડાઓને પાછળ છોડી દીધા છે. એક સમતોલ વિકાસની આવશ્યકતા હોય છે. સૌને સમાન તક મળે તે આવશ્યક હોય છે અને સમતોલ વિકાસ, સમાન તકના મૂળમાં સાથે કામ કરવાનો મંત્ર હોય છે. સમય જતા વ્યવસ્થામાં ઊણપો આવતી જ હોય છે. કેટલીક વ્યવસ્થાઓ સમયની ગતિમાંથી બહાર નિકળી જાય છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી દરેકે દરેક વ્યક્તિએ આ દિશામાં આત્મચિંતન કરતા રહેવું જોઈએ. શું એવું તો નથી કે સહકાર એક એવું માળખું છે, એક એવી કાનૂની વ્યવસ્થા છે કે જે બંધારણના માળખામાં રહીને, નિયમોના માળખામાં રહીને આકાર પામેલી એક ચીજ છે અને આ ચોકઠામાં આપણે પોતાની જાતને બેસાડવા પ્રયત્ન કરીએ તો આપણે પણ સહકારી બની જઈએ છીએ. હું સમજું છું કે આવું થશે તો મોટી ભૂલ થયેલી ગણાશે.

આટલો મોટો દેશ છે, વ્યવસ્થાની જરૂર તો પડતી હોય છે, નિયમોની પણ જરૂર પડે છે, માળખાની પણ આવશ્યકતા ઊભી થાય છે અને શું કરવું અને શું નહીં કરવું તે જાણવાની પણ આવશ્યકતા હોય છે. આ બધું જરૂરી છે, પરંતુ સહકારીતા તેના દ્વારા ચાલતી નથી, સહકારીતા એક ભાવના છે. સહકારીતા એક વ્યવસ્થા નથી, પણ એક ભાવના છે અને આ ભાવના જાળવવા માટે સંસ્કાર આવશ્યક છે અને એટલા માટે જ ઈનામદારજી વારંવાર કહેતા હતા કે વિના સંસ્કાર, નહીં સહકાર.

આજે જ્યારે જ્યારે નજર માંડીએ છીએ ત્યારે જણાય છે કે આ ભાવના ક્યાંક ઢાંચામાં ખોવાઈ તો નથી ગઈને. શું આપણે સહકારીતાની ભાવનાને પુનર્જીવિત કરવા માટે તથા ફરીથી ચેતનવંતી કરવા માટે વકીલ સાહેબ કરતા વધુ પ્રેરણા કોણ આપી શકે તેમ છે. આપણે જેટલા વધુ પ્રમાણમાં સહકારીતાની ભાવનાને તાકાત આપીશું તો વ્યવસ્થા આપોઆપ ગોઠવાશે. કોઈ ખામી હશે તો પણ કદાચ વ્યવસ્થા સરખી થઈ જશે.

આપણા દેશમાં સમગ્ર સહકારીતા આંદોલનનો આધાર ગ્રામીણ વિસ્તારોમાં રહેલો છે, પરંતુ એ બાબતનો ઈન્કાર કરી શકાતો નથી કે આ જ કાયદાઓ અને નિયમો હેઠળ જ્યારે શહેરી સહકારી દુનિયા ઊભી થવા લાગી અને તેમાં પણ જ્યારે બેંકીંગ ક્ષેત્રમાં અને તે પણ શહેરી, તેના પછી તેના રૂપરંગ બદલાવા લાગ્યા. તેના તાણા વાણા વિખેરાવા લાગ્યા. શંકા કુશંકાનો વ્યાપ વધતો ચાલ્યો, પરંતુ આજ પણ ગ્રામ્ય જીવન સાથે જોડાયેલું હોય તેવા સહકારી આંદોલનમાં એ પવિત્રતાનો અનુભવ થાય છે.

ખેડૂતને પણ લાગે છે કે હા, મારા માટે આ જ એક સાચો રસ્તો છે અને આ કાર્ય માટે સહકારીતા આંદોલનને સમય આપનારા લોકોને પણ આવું જ લાગે છે. હા, હું તેના માધ્યમ દ્વારા ગામડા, ગરીબ ખેડૂત માટે કશુંક કરી રહ્યો છું. તમે લોકો આજે આ બધી ચર્ચા કરવાના છો. મારા મનમાં એક નાનકડો વિષય છે, જે હું આપની સમક્ષ છોડતો જાઉં છું. તમે જરૂર તેની ચર્ચા કરજો.

આપણાં દેશના ખેડૂતની અનેક સમસ્યાઓ છે, પરંતુ આપણે એક વાત જોઈએ તો ખેડૂત જે કાંઈ ખરીદે છે તે છૂટક ખરીદે છે અને જે કંઈ વેચે છે તે જથ્થાબંધમાં વેચે છે. શું આ વસ્તુને ઉલ્ટાવી શકાય છે. તે ખરીદે જથ્થાબંધ અને રિટેઈલમાં વેચાણ કરે તેવું બની શકે? આવું થશે તો કોઈ તેને લૂંટી નહીં શકે. કોઈ વચેટિયો તેની કટકી નહીં કરે. જે લોકોએ ડેરી ઉદ્યોગનો અભ્યાસ કર્યો હશે, સહકારી ડેરી ઉદ્યોગનો આ બાબત તરફ તમે ધ્યાન આપો. એની વિશેષતા એ છે કે તેમાં ખેડૂત જથ્થાબંધ ખરીદી કરે છે અને જથ્થાબંધ વેચે છે. જુઓ, આ તેની બારીકી છે. ડેરી ઉદ્યોગની સફળતાના મૂળમાં તે ખરીદે છે જથ્થાબંધ અને વેચે છે પણ જથ્થાબંધ. આવું કેમ? અગાઉ જે વ્યક્તિ દૂધનું ઉત્પાદન કરતો હતો તે 10 ઘરે જઈને 1-1 લીટર દૂધ વેચતો હતો. આજે 10 લીટર દૂધ લઈને તે કલેક્શન સેન્ટરમાં જાય છે અને દૂધ આપીને આવે છે. આનો અર્થ એ થયો કે તે જથ્થાબંધમાં વેચે છે અને ખરીદી કરે છે તો પણ તે ડેરી દ્વારા જ. તેનો પશુ આહાર છે કે દવાઓ છે તેની કાળજી લેવાય છે. પશુઓ અંગેની તમામ વ્યવસ્થાઓ સામૂહિક સ્વરૂપે ગામને મળતી હોય છે.

આનું પરિણામ એ આવ્યું કે ડેરીમાં તેને કોઈને કોઈ તાકાત મળતી રહી હતી. તે બચી શક્યો હતો. વધારાની આવકનું સાધન મળી શક્યું હતું, નહીં તો દરેક ક્ષેત્રમાં તેને કઠણાઈ હોય છે. આપણે જો એવું માની લઈએ કે તે ખાનગીમાં જથ્થાબંધ રીતે દૂધ આપતો હોય તો તેને આટલી કમાણી થઈ શકે નહીં. તે સહકારી ક્ષેત્રમાં હોય એટલે જ તેની કમાણીનો આધાર ઊભો થાય છે. શું આપણે એવી સહકારી ચળવળ ઊભી કરી શકીએ કે જે પરંપરાથી ચાલી આવી રહી છે. પહેલાં 5 મંડળીઓ હતી, જે લોકો ચલાવતા હતા. હું દેખાડી દઈશ, હું 6ઠ્ઠી મંડળી બનાવીશ. સહકારનું એક નવું સ્વરૂપ બને છે, પરંતુ પેલી 5 મંડળીઓ તો ચાલે જ છે અને એવા પણ 10 વિષયો હોય છે કે જેમાં અત્યાર સુધી કોઈએ ડગ માંડ્યા નથી. શું આપણે આ નવા ક્ષેત્રોમાં જઈને સહકારીતાના માધ્યમથી સમસ્યાઓનું નિવારણ લાવી શકીએ? આવા અનેક ક્ષેત્રો પડેલા છે કે જ્યાં સુધી હજુ સહકારીતા ક્ષેત્રની હવા પહોંચી નથી. જ્યાં પહોંચી છે ત્યાં ઘણી સ્પર્ધા છે. ખાંડની વાત કરીએ તો ત્યાં ઘણી સ્પર્ધા છે. દૂધ છે ત્યાં સ્પર્ધા વધારે છે. જ્યાં કશું ને કશું છે ત્યાં સ્પર્ધા સ્વાભાવિક છે. પરંતુ એવા ઘણાં ક્ષેત્રો છે કે જ્યાં પૂરી એક પેઢીએ ત્યાગ કરવો પડ્યો છે અને તેનાથી જ સહકારીતાની તાકાત વધી હોય છે.

શું આપણે એક નવી પેઢીને, નવી ભાવના સાથે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના જીવનમાં સમૂળગુ પરિવર્તન લાવવા માટે સહકારી આંદોલનની પ્રેરણા આપી શકીએ કે નહીં? આપણાં દેશના સ્વભાવને સહકારી આંદોલન એકદમ બંધ બેસે છે. તે ઉધાર લીધેલી કોઈ વ્યવસ્થા નથી. તે આપણાં મૂળભૂત ચિંતન, સ્વભાવ અને સહકારને અનુકૂળ વ્યવસ્થા છે અને એટલા માટે જ આપણે ત્યાં તેનો વિકાસ ખૂબ જ સ્વાભાવિક છે. આ વ્યવસ્થા માટે આપણે તેને ઈન્જેક્ટ નથી કરવી પડતી, નહીં તો તમામ વ્યવસ્થાઓ જો આપણે લાવીશું તો ઉછીની લીધેલી વ્યવસ્થાઓમાં એક વિદેશી તત્વ રહે છે અને તેનો વિરોધ પણ થતો રહે છે. આ બધું આપણી સહજ પ્રાકૃતિક વ્યવસ્થાનો એક ભાગ છે. આપણે સાથે મળીને આ બધું કરી શકતા હોઈએ છીએ.

હવે આજે જે રીતે નીમ કોટીંગનું કામ ચાલી રહ્યું છે તેનો ખેડૂતોને ઘણો ફાયદો મળી રહ્યો છે. તેને કારણે યુરિયા અંગે થતો હોબાળો બંધ થઈ ગયો છે, પરંતુ આ નીમ કોટીંગ કરવા માટે લીમડાની લીંબોળીને એકત્ર કરવી, એકત્ર કરીને તેમાંથી તેલ કાઢવું અને તેલ કાઢ્યા પછી તેને યુરિયા બનાવતી ફેક્ટરી સુધી પહોંચાડવું. આવા બધાં નવા કામો નિકળ્યા છે. આપણે જો ગામડાની મહિલાઓની સહકારી મંડળીઓ બનાવતા રહીએ તો આ નીમ કોટીંગ માટે જેટલી લીંબોળીની જરૂર છે માત્ર તેટલી જ લીંબોળી જંગલોમાંથી એકઠી કરીએ. જ્યાં જ્યાં લીમડાના ઝાડ છે ત્યાંથી લીંબોળી એકઠી કરીએ. હવે જુઓ, એક નવું ઉદ્યોગસાહસિકતાનું ક્ષેત્ર ખૂલી શકે છે. નવી સહકારીતા શરૂ થઈ શકે છે.

હું અમારા ડેરી પ્રવૃત્તિવાળા જેટલા મિત્રો છે તેમને વારંવાર કહેતો રહેતો હોઉં છું કે તમે ખેડૂતોને પશુપાલન માટે પ્રેરણા તો આપો છો, તો તમારે ભારપૂર્વક મધમાખી ઉછેર ઉપર પણ ભાર મૂકવો જોઈએ. મધની ક્રાંતિ કરવાની જરૂર છે. દેશમાં સ્વીટ રિવોલ્યુશન લાવવાની જરૂર છે. સહકારી આંદોલનના માધ્યમથી મધુ ક્રાંતિ આવી શકે છે. મધ બાબતે, કિસાન જે રીતે પશુ પાલન કરે છે, દૂધનું ઉત્પાદન કરતો રહે છે, એવી રીતે જ 50 મધમાખી નક્કી કરી લે (મધમાખી ઉછેરે) અને વર્ષના દોઢ થી બે લાખ રૂપિયાની કમાણી આસાનીથી વધી શકે છે. જે ડેરી ક્ષેત્ર છે, જેમાં દૂધ લઈ જવામાં આવતું હોય છે, તે સાથે સાથે મધ પણ લઈને આવે. જે રીતે દૂધનું ડેરીમાં પ્રોસેસિંગ થાય છે તે રીતે પ્રોસેસિંગ કરવામાં આવે. તેનું બજાર ઊભું થાય છે, કેમિકલ વેક્સ મળે છે તે જો રૂ.100માં પણ વેચાય તો મધનું મીણ રૂ.400 થી રૂ.450માં વેચાતું હોય છે. તેની ઘણી મોટી માગ છે. ભારતમાં જ તેનું ઘણું મોટું બજાર છે, પરંતુ આપણા ખેડૂતો આજે પણ તેનાથી દૂર રહ્યા છે. મધમાખીઓમાં પણ સેંકડો પ્રકાર હોય છે અને મધમાખીને કારણે પાકને પણ ઘણો લાભ થતો હોય છે. આજે જે લોકો બાગાયતમાં કામ કરે છે તેમને માટે તો મધમાખી એમ્બેસેડરનું કામ કરીને એક કેટલ એન્ગેજરનું કામ કરે છે.

કહેવાનો અર્થ એ છે કે એવા ઘણાં નવા ક્ષેત્રો છે કે જેમાં આપણે કઈ રીતે આગળ વધવું? આપણી પાસે સાગરનો કિનારો છે. આ સાગર કિનારે જે માછીમારો કામ કરે છે તેમનું કામકાજ ઓછામાં ઓછું વર્ષના 5 મહિના બંધ રહેતું હોય છે. હવામાનને કારણે ચોમાસામાં સમુદ્રમાં જવું જોખમી પૂરવાર થતું હોય છે. આ કારણે સમુદ્રમાં જવાનું બંધ થાય છે, પરંતુ દરિયાઈ મણકાની ખેતી આપણે ત્યાં લોકપ્રિય બની શકતી નથી. આપણાં સાગરકાંઠે વસતા માછીમાર ભાઈ-બહેનો જો સહકારી ચળવળના માધ્યમથી સમુદ્રના પાણીમાં દરિયાઈ મણકાની ખેતી કરે તો આજે તે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે ઘણી મહત્વની કાચી સામગ્રી પૂરવાર થઈ રહે તેમ છે. માનો કે, દરિયાઈ મણકાનું બજાર મળતું નથી. તેને સમુદ્રમાં 45 દિવસના ગાળા સુધી રાખવામાં આવે છે. 45 દિવસ પછી તેનો પાક તૈયાર થાય છે. દર 45 દિવસે એક પાક મળતો રહે છે. હવે જો સમુદ્રની અંદર 45 દિવસ સુધી આવી ખેતી ફેલાવવામાં આવે તો તમે રોજે રોજ તેનો પાક લઈ શકો છો. કશું જ ના કરો, માત્ર તેનો જ્યુસ કાઢો અને ખેતરોમાં આ જ્યુસ છાંટવાનું કામ કરો તો પણ, જમીન સંરક્ષણનું ઘણું મોટું કામ દરિયાઈ મણકાના જ્યુસથી થઈ શકે છે. આમાં કશું કરવાનું નથી. મહેનત વગરનું કામ છે. સહકારી ચળવળ મારફતે સાગરકાંઠાના આપણાં ભાઈઓ કે જે વર્ષમાં આશરે 5 મહિના પોતાનું કામ બંધ રાખતા હોય છે તેમના પરિવારની મહિલાઓ દિવસ-રાત ઘરમાં રહેતી હોય છે. તેમના માટે એક તક ઊભી થઈ શકે છે. મારા કહેવાનો અર્થ એ છે કે આપણે ત્યાં ગ્રામ અર્થકારણમાં પરિવર્તન લાવવા માટે સહકારી આંદોલન વડે નાની નાની ચીજો દ્વારા પણ ખૂબ મોટું પરિવર્તન લાવી શકાય તેમ છે.

હું આગ્રહ રાખીશ કે વકીલ સાહેબે જે ભાવ તત્વ સાથે સહકારી આંદોલનને જોડ્યું છે, જે સંસ્કાર તત્વ દ્વારા સહકારી આંદોલન સાથે આપણે બધા જોડાયા છીએ તેમણે જે સંવેદનશીલતા સાથે સહકારી આંદોલન સાથે જોડાવાનો આગ્રહ રાખ્યો હતો તે બધા મૂળભૂત તત્વોને લઈને, મૂળભૂત વિચારોને સાથે લઈને આજે જો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આપ સૌ બંધુઓ અહીં આવ્યા છો તે બધા જ તેનો વધુ પ્રચાર- પ્રસાર કરતા રહેશો અને લોકોને સાથે જોડતા રહેશો તો તમારૂં સમગ્ર સહકારી આંદોલન સાચા અર્થમાં સામાન્ય માનવીના હક્કોની રક્ષા કરતા રહીને સમાન ભાગીદારી સાથે આગળ વધવા માટે કામમાં આવશે.

આવી અપેક્ષા સાથે, વકીલ સાહેબનું પુણ્ય સ્મરણ કરતા કરતા આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ!

TR