Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દુબઇ ખાતે યોજાયેલા ભારતીય સમુદાયના સમારંભમાં વડાપ્રધાનનું ભાષણ

દુબઇ ખાતે યોજાયેલા ભારતીય સમુદાયના સમારંભમાં વડાપ્રધાનનું ભાષણ

દુબઇ ખાતે યોજાયેલા ભારતીય સમુદાયના સમારંભમાં વડાપ્રધાનનું ભાષણ

દુબઇ ખાતે યોજાયેલા ભારતીય સમુદાયના સમારંભમાં વડાપ્રધાનનું ભાષણ

દુબઇ ખાતે યોજાયેલા ભારતીય સમુદાયના સમારંભમાં વડાપ્રધાનનું ભાષણ

દુબઇ ખાતે યોજાયેલા ભારતીય સમુદાયના સમારંભમાં વડાપ્રધાનનું ભાષણ

દુબઇ ખાતે યોજાયેલા ભારતીય સમુદાયના સમારંભમાં વડાપ્રધાનનું ભાષણ


દુબઇની ધરતી પર હું આજે મારી સામે એક નાના ભારતના દર્શન કરું છું. હિન્દુસ્તાનના ખૂણે ખૂણાથી આવેલા મારા સ્નેહી દેશવાસિયોને હું નમન કરું છું. તમે એ લોકો છો કે જેણે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને.. કોઇ દસ વર્ષથી.. કોઇ પંદર વર્ષથી.. કોઇ વીસ વર્ષથી.. કોઇ ત્રીસ વર્ષથી રોજીરોટી કમાઇ રહ્યા છો, જોકે સાથે સાથે ભારતના ગૌરવને વધારવામાં ક્યારેય પાછા પડ્યા નથી. તમારા વ્યવહારના કારણે, તમારા આચરણના કારણે હંમેશાં ભારત ગૌરવ અનુભવતું રહ્યું છે. ભારતમાં જો ક્યારેય વધારે વરસાદ પડી જાય તો દુબઇમાં બેસેલો મારો હિન્દુસ્તાની છત્રી ખોલી દે છે. ભારતમાં જો ક્યારેય કોઇ કુદરતી આપદા આવે તો દુબઇમાં બેસેલો મારો દેશવાસી નિરાંતે સુઇ શકતો નથી.

જ્યારે અટલ બિહારી દેશના વડાપ્રધાન હતા, ભારતે ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો હતો. દુનિયા ચોંકી ઉઠી હતી, અમુક લોકો ગુસ્સામાં હતા અન રાતો રાત ભારત પર અંકુશ લગાવાયો હતો. ભારતને આર્થિક મુસીબતોમાં ધકેલી દેવાયું હતું…અને ત્યારે વાજપેઇજીએ વિશ્વભરમાં ફેલાયેલા ભારતવાસીઓને આહવાન કર્યું હતું કે દેશની મદદ કરવા આવો. આજે હું ગર્વથી કહી શકું છું કે વાજપેઇજીના એ આહવાન પર ભારતની તિજોરી ભરવામાં ગલ્ફ દેશોમાં જે મજૂરીનું કામ કરે છે તેવા મારા ભારતવાસીઓએ સૌથી મોટું યોગદાન આપ્યું હતું. આ અર્થમાં અહીં વસેલો દરેક ભારતવાસી એક પ્રકારે હિન્દુસ્તાનના દરેક ખૂણા સાથે જોડાયેલો છે. ગઇ વખતે જ્યારે દેશ લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત હતો, ચૂંટણીના પરિણામ આવી રહ્યા હતા, હિન્દુસ્તાન જ નહીં સમગ્ર દુબઇ નાચી રહ્યું હતું. આ પ્રેમ ભારતમાતાના કલ્યાણ માટે, મા ભારતી ફરીથી એક વખત સામર્થ્યવાન બને, સશક્ત બને, સમ્પન્ન બને, સમૃદ્ધ બને, એ સપનું જોઇને દિવસ-રાત એક કરનારા તમે લોકો મારી સામે બેઠા છો.

ભાઇઓ-બહેનો, આજે…અહીં હિન્દુસ્તાનના ખૂણે ખૂણાથી આવેલા મારા ભાઇઓ-બહેનો બેઠા છે અને દુબઇ ફક્ત લઘુ ભારત જ રહ્યું છે એવું નથી, હવે તો દુબઇ એક લઘુ વિશ્વ પણ બની ગયું છે. દુનિયાના તમામ દેશોના લોકો, ઓછા કે વધુની સંખ્યામાં દુબઇમાં રહે છે. ઠંડાથી ઠંડા પ્રદેશોમાં રહેતા લોકો પણ આ 40-45 ડિગ્રી તાપમાનમાં રહેવાનું પસંદ કરે છે. શું તાકાત દેખાડી હશે આ દેશે, ચુંબકિય પાવર ઉત્પન્ન કર્યો હશે, વિકાસના માધ્યમથી સમગ્ર વિશ્વ અહીં આકર્ષિત થાય છે.

હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી આવેલા તમામ દેશવાસીઓએ હાલમાં બે દિવસ પહેલા જ 15મી ઓગસ્ટ, ભારતની આઝાદીની ઉજવણી કરી હતી. હું તમને દરેકને આઝાદીના પર્વના ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

અહીં કેરલથી આવેલો સમુદાય પણ મોટી માત્રામાં છે. હું કેરલનો ઉલ્લેખ વિશેષ રીતે એટલા માટે કરી રહ્યો છું કારણ કે આજે કેરલનું નવું વર્ષ છે. સહોદરકઅ અટે રુદયમ નિરન્યા નવવલસરા આશમ સફલઅ. નમસ્કારમ્.

દરેક અઠવાડિયે હિન્દુસ્તાનથી 700થી વધારે ફ્લાઇટ અહીં આવે છે. દુનિયામાં કોઇ એક દેશમાં એટલી મોટી માત્રમાં હવાઇ અવરજવર જો ક્યાંય છે તો એ આ વિસ્તારમાં છે. દરેક અઠવાડિયે 700થી વધારે ફ્લાઇટ આવે છે, પરંતુ ભારતના વડાપ્રધાનને અહી આવવામાં 34 વર્ષ નીકળી ગયા. ક્યારેક ક્યારેક મને લાગે છે કે ઘણા બધા સારા સારા કામ છે, જે ભૂતપૂર્વ લોકો મારા માટે બાકી રાખીને ગયા છે તેથી જ ઘણા બાકી રહેલા કામ પૂરા કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. તે ઘણા બધા કામોમાં સૌથી મહત્વપૂર્ણ કામ મારું અબુધાબી આવવું છે, મારું દુબઇ આવવું છે, જે પ્રકારે આ મારી પહેલી મુલાકાત છે. એ અગાઉ હું ક્યારેય આ ભૂમિ પર આવ્યો નથી…અને 34 વર્ષમાં વડાપ્રધાન તરીકે કોઇ આવે તો કોઇને પણ, કોઇને પણ નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે. હક છે કે નહીં, બને છે કે નહીં ? જોકે અબુધાબીમાં માનનીય રાજકુમારે, દુબઇમાં માનનીય અલ મખ્તુમે નારાજગી દેખાડી નહોતી, એટલા પ્રેમનો વરસાદ કર્યો, એટલા પ્રેમનો વરસાદ કર્યો કે હું તેમના પ્રેમને ક્યારેય ભૂલાવી શકીશ નહીં. જે સ્વાગત કર્યું, જે સન્માન કર્યું, માનનીય રાજકુમાર પોતાના તમામ પાંચ ભાઇઓ સાથે એરપોર્ટ પર મારા સ્વાગત માટે આવ્યા, મારા સ્નેહી દેશવાસિયો, આ પ્રેમ, આ સન્માન કોઇ વ્યક્તિને મળ્યું નથી. આ સવા સો દેશવાસિયોનું સન્માન છે.આ ભારતની બદલાતી તસવીરનું સન્માન છે. ભારત જે પ્રકારે દુનિયામાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે, એ બદલાતી પરિસ્થિતિનું સન્માન છે. હું માનનીય રાજકુમારનું, અમીરાતના, દુબઇના સત્તાધારીઓનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

એકતરફ સંપ્રદાયના નામે આતંકવાદ થઈ રહ્યો છે. નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. બધી બાજુ ચિંતાનો માહોલ છે. આવા સમયે અબુધાબીના ક્રાઉન પ્રિન્સે ભારતીય સમાજ માટે મંદિર બનાવવાની જગ્યા ફાળવવાનો નિર્ણય કર્યો છે. જે લોકો અબુધાબીથી પરિચિત છે, તેઓ જાણતા હશે કે આ નિર્ણય કેટલો મોટો છે. આ ભેટ કેટલી અમૂલ્ય છે. તમે જ કહો, તમામ દેશવાસીઓએ તેમને વિશેષ રીતે અભિનંદન પાઠવવા જોઈએ કે નહિ? હું આપ સૌને આગ્રહ કરું છું કે તાળીઓની ગૂંજથી ક્રાઉન પ્રિન્સને અભિનંદન પાઠવો. ક્રાઉન પ્રિન્સને સ્ટેન્ડિંગ અવેશન આપો. તેમનો આભાર માનો. હું હૃદયપૂર્વક તેમનો આભારી છું.

ભાઈઓ-બહેનો, બે દિવસના મારા પ્રવાસમાં જે પ્રકારના વિશ્વાસનો માહોલ બન્યો… આખરે આંતરરાષ્ટ્રીય સંબંધોનો આધાર… તમારી ભાષા કઈ છે, તમે કેટલા સ્પષ્ટ છો, તમે રાજદ્વારી સંબંધોમાં કેટલા સારી રીતે સહભાગી થાવ છો… તેના કરતાં પણ વધુ મહત્વ એકબીજા પરના વિશ્વાસનું છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આ ભરોસો, આ વિશ્વાસ, એક બહુ મોટી મૂડી હોય છે અને આજે હું કેટલાક કલાકોની મારી મુલાકાત બાદ કહી શકું છું કે, ભારત, અબુધાબી, દુબઈ, અમિરાત વચ્ચે જે વિશ્વાસનો સેતુ બન્યો છે તે અભૂતપૂર્વ છે અને આવનારી પેઢીઓ સુધી ઉપયોગી રહે તેવો પાયો તૈયાર થયો છે.

ભારત અને અમિરાત વચ્ચે જે સંયુક્ત નિવેદન આવ્યું છે, તમને જાણીને આનંદ થશે કે ક્રાઉન પ્રિન્સે હિંદુસ્તાનમાં સાડા ચાર લાખ કરોડ રૂપિયાનાં રોકાણનો સંકલ્પ લીધો છે. સાડા ચાર લાખ કરોડ રૂપિયા! કેટલા? કેટલા? કેટલા? ભાઈઓ-બહેનો, જો તમારી પર કોઈને વિશ્વાસ જ ન હોય તો કોઈ 10 રૂપિયા પણ તમારી પર લગાવવા તૈયાર થઈ શકે ખરો? આ ભારતની સાખ બની છે. આજે ભારતનું બદલાયેલું સ્વરૂપ વિશ્વ સમક્ષ તમારી સ્વીકૃતિ વધારતું આગળ ચાલી રહ્યું છે.

આજે અમિરાત અને ભારત તરફથી આતંકવાદની વિરુદ્ધ, કોઈ ગોળગોળ વાતો કે કોઈની પરવાહ કર્યા વિના સીધેસીધો સ્પષ્ટ શબ્દોમાં સંકેત આપી દેવાયો છે. આતંકવાદની વિરુદ્ધ એકતાનો સૂર આજે આ ધરતીથી ઊઠ્યો છે. હું તેને ખૂબ જ મહત્વનો માનું છું અને એટલું જ નહિ સમજનારા સમજી જશે અને હોશિયારને ઇશારો કાફી છે. આતંકવાદની પ્રવૃત્તિ કરનારા લોકોને સજા થવી જોઈએ તેવો સ્પષ્ટ શબ્દોમાં સંકેત અહીંથી મળ્યો છે. હું આજે અહીંના શાસકોનો એટલા માટે પણ આભારી છું, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર તેનાં 70 વર્ષની ઉજવણી કરી રહ્યું છું અને તેમણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવાની ભારતની વાતને ખુલ્લું સમર્થન આપ્યું છે. હું તેમનો આભારી છું.

તેની આગળ પણ એક મહત્વપૂર્ણ વાત એ છે કે, આજે ભારતનું ઘણા સમયથી એક વિશેષ સ્થાન છે અને તેનું આજે ક્રાઉન પ્રિન્સે જાહેરમાં સમર્થન કર્યું છે. ભાઈઓ-બહેનો, ઘણાં વર્ષોથી સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ અટકી પડ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે, બે-પાંચ વર્ષથી નહિ, ઘણાં વર્ષોથી તે અટકી પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધથી પીડિત માનવ સમુદાયની ભલાઈ માટે અને ભવિષ્યમાં માનવજાતિએ આવા સંકટનો સામનો કરવાની સ્થિતિ ન સર્જાય, તેની દેખરેખ અને સાવચેતી રાખવાની વ્યવસ્થા વિકસિત કરવા માટે 70 વર્ષ પહેલાં તેનો જન્મ થયો હતો, પરંતુ હજી સુધી આ સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદની કોઈ પરિભાષા નક્કી કરી શક્યું નથી, આતંકવાદ કોને કહેવાય? આતંકવાદનું સમર્થન કરનારાને શું કહેશો? કયા દેશને આતંકવાદનો સમર્થક માનવો? કયા દેશને આતંકવાદનો સમર્થક ન માનવો? તે માટે કોમ્પ્રિહેન્સિવ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટેરોરીઝ્મ… તેનો નિર્ણય કરવાનો પ્રસ્તાવ લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્રમાં પડતર છે. ભારત વર્ષોથી કોઈ એક પ્રસ્તાવ પર ચર્ચા થઈ જાય અને નિર્ણય લેવાય તેમ ઇચ્છે છે, પરંતુ તે ટાળી દેવાય છે. આજે મને ખુશી એ વાતની છે કે, ક્રાઉન પ્રિન્સે ભારતની સ્થિતિનું સમર્થન કર્યું છે અને આતંકવાદ સામેના જંગ મુદ્દે તમે સ્પષ્ટ સંકેત આપ્યા છે. આ ફક્ત સાડા ચાર લાખ કરોડના મૂડી રોકાણની જ વાત નથી. આ એક નિશ્ચિત દિશામાં ખભેથી ખભા મેળવીને ચાલવાના પ્રકારનો સંકેત છે. આ સંયુક્ત નિવેદનમાં છે. હું તેને મહત્વપૂર્ણ માનું છું.

ભાઈઓ-બહેનો તમે તો વર્ષોથી બહાર છો. આજે ભારતનું નામ સાંભળતાં જ તમારી સમક્ષ ઊભેલી વ્યક્તિની આંખોમાં ચમક આવી જાય છે કે નહિ? તમારું માથું ગર્વથી ઊંચું થાય છે કે નહિ? તમે ગર્વ અનુભવો છો કે નહિ? આજે દુનિયાનો હિંદુસ્તાનની તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે અને તેનું એક કારણ… શું કારણ છે? શું કારણ છે આ પરિવર્તનનું? મોદીને કારણે નહિ, આ જે પરિવર્તન આવ્યું છે, સવા સો કરોડ દેશવાસીઓની સંકલ્પશક્તિને કારણે આવ્યું છે. સવાસો કરોડ દેશવાસીઓએ મે, 2014માં 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતવાળી સરકાર ચૂંટી હતી. આજે વિશ્વનો કોઈ પણ મહાપુરુષ, વિશ્વનો કોઈ પણ રાજનેતા મોદી સાથે જ્યારે હસ્તધૂનન કરે છેને ત્યારે તેને મોદી દેખાતો નથી, તેને સવા સો કરોડ હિંદુસ્તાની દેખાય છે. વિશ્વની ઝડપી ગતિએ આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા દેખાય છે.

ભાઈઓ-બહેનો, થોડા દિવસ પહેલાં, આઈએમએફ હોય, વર્લ્ડ બેંક હોય, મૂડીઝ હોય કે વિશ્વની જેટલી પણ આર્થિક માપદંડ પર રેટિંગ આપતી સંસ્થાઓ હોય, તમામે એક સૂરમાં કહ્યું હતું કે, આજે દુનિયાના મોટા દેશોમાં સૌથી તેજ ગતિએ જો આર્થિક સુધાર થઈ રહ્યો હોય, ઝડપી ગતિથી વિકાસ થઈ રહ્યો હોય તો તે દેશનું નામ છે…(ભારત… ભારત…ના નારા શરૂ થઈ ગયા) મને કહો ગર્વ અનુભવશો કે નહિ? માથું ઊચું થઈ જશે કે નહિ? એક વર્ષની અંદર આ પરિવર્તન આવ્યું છે. ભાઈઓ-બહેનો, અમે મેક ઇન ઇન્ડિયા… થોડા સમય પહેલાં આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. વિશ્વને હું કહું છુ કે, મેક ઇન ઇન્ડિયા. આવો, હિંદુસ્તાન એક એવો દેશ છે, જે સંભાવનાઓથી ભરપૂર છે, અહીં તક જ તક છે. આ એક એવો ભાગ્યશાળી દેશ છે, જેની પાસે 65 ટકા જનસંખ્યા 35 વર્ષથી ઓછી વયની છે. ભારત એક નવયુવાન દેશ છે. આજે અહીં યુવાની લબાલબ ભરી પડી છે. વિશ્વ અહીં આવે, અમારા યુવાનોની તાકાત સાથે જોડાય, ઉત્પાદન કરે, વિશ્વના બજારમાં જઈને વેચે. આજે… આ થોડાક જ મહિનાનો મામલો છે… ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ… એફડીઆઈમાં 48 ટકાની વૃદ્ધિ થઈ છે. 48 ટકા. ભાઈઓ-બહેનો, વિકાસને નવાં શિખર પર લઈ જવા માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનું (વ્યાપાર કરવામાં સરળતા) માધ્યમ બને. દેશની યુવાશક્તિમાં સ્કિલ ડેવલપમેન્ટનું અભિયાન હોય, આધુનિક ભારતના નિર્માણ માટે ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા માટે દિવસ-રાત પુરુષાર્થ કરાતો હોય, તો વિશ્વનું આવવું ઘણું સહજ છે, મારા ભાઈઓ-બહેનો ઘણું સ્વાભાવિક છે.

ભાઈઓ-બહેનો, આજે વિશ્વ જે આતંકવાદનું નામ સાંભળીને કંપી ઊઠે છે, એક નફરત જન્મે છે. હું વિશ્વને કહેવા માગું છું કે, અમે હિંદુસ્તાનના લોકો 40-40 વર્ષથી આ આતંકવાદના શિકાર છીએ. અમારા નિર્દોષ સ્વજનો આતંકવાદીઓની ગોળીઓથી વીંધી નખાયા, મોતને ઘાટ ઉતારી દેવાયા. આજથી 25-30 વર્ષ પહેલાં મને વિશ્વના લોકો સાથે વાત કરવાની તક મળતી હતી, તો એ આતંકવાદ સમજવાની તેમની ક્ષમતા જ નહોતી. ક્યારેક હું આતંકવાદની વાત કરતો, તો તેઓ મને કહેતા કે તે તમારો પોલિસિંગ પ્રોબ્લેમ છે, લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ છે. હવે એમને સમજાયું છે કે, આતંકવાદનો કેટલો ભયાવહ ચહેરો છે. આતંકવાદની કોઈ સીમા હોતી નથી, તે કોણ જાણે ક્યારે કોઈ સીમા પર જઈને આતંક મચાવે. આજે હું અહીં આવી રહ્યો હતો ત્યારે મેં સાંભળ્યું કે બેંગકોકમાં એક બોમ્બ વિસ્ફોટ થયો, નિર્દોષ લોકો માર્યા ગયા. ભારત તો સતત આવા હુમલાનો સામનો કરતો રહ્યું છે. આતંકવાદની માનસિકતા ધરાવતા દેશોને, આતંકવાદને, તેને સમર્થન આપનારાને એક બાજુ મૂકી માનવતામાં વિશ્વાસ ધરાવતા લોકોએ અને માનવતાવાદમાં વિશ્વાસ રાખનારા દુનિયાના દેશોએ એક થઈને આતંકવાદ સામે લડવાનો સમય આવી ગયો છે.

ગુડ તાલિબાન-બેડ તાલિબાન, ગુડ ટેરરિઝમ-બેડ ટેરરિઝમ, આ બધું હવે નહિ ચાલે. દરેક જણે નક્કી કરવું પડશે કે નિર્ણય કરો કે તમે આતંકવાદની સાથે છો કે માનવતાની સાથે. નિર્ણય કરો. ભારતે તો આજે પણ વારંવાર આવી નાપાક હરકતોનો શિકાર બનવું પડે છે. અમે સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અહીં બહુ ઓછા લોકો જાણે છે કે, ભારતની આઝાદી પહેલાંથી નાગાલેન્ડ ઉગ્રવાદ, વિદ્રોહ જેવી સમસ્યાથી ઝઝૂમતું રહ્યું હતું અને તેને કારણે ભારતનો સંપૂર્ણ પૂર્વીય ભાગ, નોર્થ-ઇસ્ટ વારંવાર હિંસાનો શિકાર બનતા હતા અને ધીમે ધીમે આ બીમારી એટલી ફેલાઈ ગઈ કે અન્ય રાજ્યોમાં પણ અલગ અલગ નામથી, અલગ અલગ ઉગ્રવાદી, આતંકવાદી સંગઠનો બનતાં ગયાં. આઝાદી પહેલાંથી આ ચાલતું હતું.

આજે ખૂબ સંતોષપૂર્વક મારા દેશવાસીઓ, તમને કહેવા માગું છું કે, હજુ એક જ મહિના પહેલાં નાગાલેન્ડનાં આવાં સંગઠનોની સાથે, જેઓ એકસમયે હિંસામાં વિશ્વાસ રાખતાં હતાં, જેઓ શસ્ત્રોની ગતિવિધિ ચલાવતાં હતાં, તેમની સાથે જે વાતચીત ચાલતી હતી તે સફળતાપૂર્વક આગળ વધી, નિર્ણય થયો, મુખ્યધારામાં આવવાનો નિર્ણય લેવાયો. 60-70 વર્ષ બાદ આ સંભવ બન્યું. હું નાગાલેન્ડની આ ઘટનાનો ઉલ્લેખ એટલા માટે કરવા માગું છું કે, હિંસાના માર્ગે ચાલીને ભારતના નવયુવાનોને અને વિશ્વના નવયુવાનોને હું એક ઉદાહરણ આપવા માગું છું. સમસ્યા ગમે તેટલી ગંભીર કેમ ન હોય, અંતે તો વાતચીતથી જ માર્ગ મળે છે. કોઈ 10 વર્ષ લડાઈ લડ્યા બાદ વાત કરે, કોઈ 20 વર્ષ લડાઈ લડ્યા બાદ વાતચીત કરે, કોઈ 40 વર્ષ લડાઈ લડ્યા બાદ વાત કરે, પરંતુ અંતે તો વાતચીત જ થાય છે અને ટેબલ પર જ નિર્ણયો થાય છે અને એટલા માટે વિશ્વભરમાંથી ગેરમાર્ગે નીકળી પડેલા લોકો, બોમ્બ-બંદૂકના ભરોસે પોતાનાં સપનાં સાકાર કરવાના માર્ગ પર નીકળી પડેલા લોકો, આ રસ્તો ક્યારેય તમારું ભલું નહિ કરી શકે. આ રસ્તો ક્યારેય કોઈ બીજાનું પણ ભલું નહિ કરે. આ રસ્તો ક્યારેય માનવતાનું ભલું નહિ કરે. આ રસ્તો ઇતિહાસને નિષ્કલંક રહેવા દેશે નહિ. તે સંપૂર્ણ ઇતિહાસને કલંકિત કરી દેશે. તે સંપૂર્ણ ઇતિહાસને કલંકમય બનાવી દેશે અને તેથી હિંસાનો માર્ગ છોડીને મુખ્યધારામાં જવું, તે આજના સમયની માગ છે.

મારાં વહાલાં ભાઈઓ-બહેનો, બાંગ્લાદેશ. 1947માં ભારતનું વિભાજન થયું ત્યારે પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન એ સમયે હતાં. પૂર્વ પાકિસ્તાન જે આજે બાંગ્લાદેશ બન્યું, ભારત અને તેની વચ્ચે સીમાવિવાદ ચાલતો હતો, જે તણાવનું કારણ બન્યો હતો, આશંકાઓનું કારણ બન્યો હતો. ઘૂસણખોરી માટે એક સુવિધાનજક સ્થિતિ બની હતી. તમારા સૌના આશીર્વાદથી હિંદુસ્તાને બીડું ઉપાડ્યું, સૌએ મળીને બીડું ઉપાડ્યું, આ સમસ્યાનું સમાધાન કરવું છે, વાતચીતથી કરવું છે. હું ગયા સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાજીને મળ્યો હતો અને મેં તેમને વાયદો કર્યો હતો કે મારી પર વિશ્વાસ રાખો અને મને થોડો સમય આપો. તેમણે કહ્યું હતું કે, મારી પાસે ભરોસો રાખવા સિવાય છે પણ શું? પરંતુ આજે, આજે મેં મારા વહાલા દેશવાસીઓ, તમારી સમક્ષ માથું નમાવીને કહેવા માગું છું કે આઝાદીથી અટકી પડેલો આ સવાલ પહેલી ઓગસ્ટે સમાપ્ત કરી દીધો. સરહદ નિર્ધારિત થઈ ગઈ, જેમને બાંગ્લાદેશ જવું હતું તે બાંગ્લાદેશ ચાલ્યા ગયા, જેમને ભારત આવવું હતું તેઓ ભારત આવી ગયા. આપણે 15મી ઓગસ્ટ, 1947માં આઝાદ થયા હતા. ભારતના નાગરિક તરીકે ગૌરવગાન ગાતા હતા, પરંતુ આ આપણાં ભાઈ-બહેનોને 1 ઓગસ્ટ, 2015ના રોજ ભારતની ભૂમિ પર આઝાદીનો સ્વાદ માણવાનું સૌભાગ્યમાન મળ્યું છે. ભારતની સંસદમાં સર્વસંમતિથી તમામ રાજકીય પક્ષોએ સાથ આપ્યો અને સર્વસંમતિથી નિર્ણય લેવાયો, વાતચીતના માધ્યમથી નિર્ણય લેવાયો.

મારાં ભાઈઓ-બહેનો, આ નાનીમોટી ઉપલબ્ધિ નથી અને હું બીજા લોકોને પણ હંમેશાં કહું છું, આડોશપાડોશના દેશોને પણ કહેતો રહું છું, હિંસાના માર્ગે ગયેલા લોકોએ પણ ક્યારેક ને ક્યારેક વાતચીતનો માર્ગ અપનાવવો જ પડે છે. આમ તો આડોશપાડોશમાં પણ સમસ્યાઓનું સમાધાન વાતચીતથી જ કાઢવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આજે ભારત એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. માનવતાના અધિષ્ઠાન પર કરી રહ્યું છે. જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો, તેના થોડાક જ કલાકોમાં પહોંચી ગયા. એવું નહિ કે ભાઈ જરા પૂછો તો શું થયું છે? જરા જાણકારી તો મેળવો શું થયું છે? એવું કરો પ્રતિનિધિમંડળ મોકલો, જરા જુઓ શી મુસીબત આવી છે? એવું કરોને ભાઈ કોઈ પોતાના સંબંધીઓ ત્યાં હોય તો પૂછે કે શું થયું છે? આવી કોઈ રાહ ન જોઈ. આજે દિલ્હીમાં એવી સરકાર છે, જે દરેક પળે નજરે પડે છે, દરેક જગ્યાએ નજરે પડે છે અને કેટલાક કલાકોમાં ભારતથી જે થઈ શકતું હતું તે કર્યું. તે માનવતાનું કામ હતું. નેપાળનાં ચરણોમાં જઈને અમારા લોકો બેસી ગયા અને તેમની સેવામાં લાગી ગયા અને આજે પણ સેવા યથાવત્ છે. નેપાળ આપણું પાડોશી છે. તે દુઃખી હોય અને આપણે સુખી હોઈએ, તે ક્યારેય સંભવ ન બને. તેના સુખમાં જ આપણું સુખ સમાયું છે.

તમને હેરાની થશે. જ્યારે હું નેપાળ ગયો, વડાપ્રધાન બન્યા બાદ. નેપાળ જવું હોય તો 70 મિનિટ ન લાગે. દિલ્હીથી નેપાળ જવું હોય તો 70 મિનિટ ન લાગે, પરંતુ ભારતના વડાપ્રધાનને નેપાળ પહોંચતાં 17 વર્ષ લાગી ગયાં. ફરીથી અમે ગયા, સંબંધો ફરી જોડ્યા. પોતાનાપણું. આજે નેપાળ ભારત પર વિશ્વાસ રાખે છે. ભારત નેપાળના સુખદુઃખનું સાથી બની રહ્યું છે.

શ્રીલંકા, રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા, ત્યાર બાદ કોઈ પ્રધાનમંત્રીની સ્ટેન્ડ અલોન વિઝિટ થઈ નથી. કેટલાં વર્ષો વીતી ગયાં. આપણો પાડોશી છે, અવારનવાર આપણા તામિલનાડુ, કેરળના માછીમારો અને તેમના માછીમારો એકબીજાની સામસામા આવી જાય છે, પરંતુ ત્યાં કોઈ જતું નહોતું. અમે ગયા, એટલું જ નહિ, જાફના, જ્યાં 20-20 વર્ષ સુધી બોમ્બ અને બંદૂકનો જ કારોબાર ચાલતો હતો, તે જાફનામાં જઈને એ દુખિયારાનાં આંસુ લૂંછવાનું સૌભાગ્ય મને મળ્યું છે. એક પ્રધાનમંત્રી તરીકે જાફના જવાનું સૌભાગ્ય મને મળ્યું છે.

આપણા પાડોશમાં માલદીવ, આઈલેન્ડ પર વસતો દેશ, ટૂરિઝમની દૃષ્ટિએ ઘણો આગળ વધ્યો છે. અચાનક એક દિવસ ત્યાં પાણીના તમામ પ્લાન્ટ્સ ખરાબ થઈ ગયા. આખા દેશ પાસે પીવાનું પાણી નહોતું. તમે કલ્પના તો કરો, કોઈ દેશ પાસે પીવાનું પાણી ન હોય તો… કેટલું મોટું સંકટ આવ્યું કહેવાય. માલદીવથી અમને મેસેજ મળ્યો કે આ પ્રકારની મુસીબત આવી પડી છે. એક ક્ષણની પણ રાહ જોઈ નહિ ભાઈઓ-બહેનો. વિમાન દ્વારા પીવાનું પાણી પહોંચાડ્યું. બીજા દિવસે સ્ટીમરથી પાણી પહોંચાડવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી તેમનાં પ્લાન્ટ્સ પૂર્વવત્ ન થયા, પાણીની વ્યવસ્થા ફરી પુનર્જીવિત ન થઈ, અમે માલદીવને તરસ્યું ન રહેવા દીધું.

અફઘાનિસ્તાન આપણો પાડોશી છે. અફઘાનિસ્તાન સંકટોમાંથી પસાર થઈ રહ્યો છે. ઘણાં વર્ષોથી અવારનવાર તે ઘા સહન કરતો રહ્યો છે, પણ દરેક પળે અફઘાનિસ્તાનને મલમ લગાવવાનું કામ હિંદુસ્તાન કરતું આવ્યું છે. અફઘાનિસ્તાન ફરીથી એક વાર ઊભું થઈ જાય, કારણ કે આપણે સૌ નાનપણથી કાબૂલીવાળાથી તો ઘણા પરિચિત છીએ જ. જ્યારે કાબૂલીવાળાની વાત આવે તો આપણને કેટલું પોતાનાપણું મહેસૂસ થાય છે. ભાઈઓ-બહેનો ભારતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનો, ભારતમાં નિરંતર વિકાસને આગળ વધારવાનો અને પાડોશી દેશો સાથે મિત્રતા કેળવીને તથા સહયોગ લઈને આગળ ચાલવાનો અમારો પ્રયાસ રહ્યો છે.

સાર્ક દેશોના સમૂહે તેમાં એક નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે, સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે. નહિતર પહેલાં સાર્ક દેશોના મંચનો ઉપયોગ તૂંતૂંમૈંમૈં માટે થતો હતો તો ક્યારેક ભારતને ઘેરવા માટે થતો હતો. આજે સાર્ક દેશોના લોકો, જેટલા સાથે ચાલી શકે તેમને સાથે લઈને આ સાર્કના એકમને વિકાસની ઊંચાઈઓ પર લઈ જવાનું સપનું અમે જોયું છે. અમે જાહેરાત કરી છે કે, 2016માં અમે અવકાશમાં સાર્ક સેટેલાઇટ છોડીશું, જેની સેવાઓ સાર્ક દેશોમાં મફત હશે, જે શિક્ષણમાં ઉપયોગી થશે, જે આરોગ્ય માટે ઉપયોગી થશે, જે ખેડૂતોને ઉપયોગી થશે, જે માછીમારો તથા સામાન્ય લોકોને ઉપયોગી થશે. હજી વચ્ચે અમે વિચારી રહ્યા હતા કે, જે સાર્ક દેશ કનેક્ટિવિટી માટે ગંભીરતાથી વિચારે અને આપણે જાણીએ છીએ આજે વિકાસમાં કનેક્ટિવિટીનું મહત્વ ઘણું છે. તમે દરિયાઈ માર્ગથી જોડાવ કે રેલવે માર્ગથી જોડાવ કે પછી રોડ માર્ગથી જોડાવ, જોડાવવું જરૂરી છે. યુરોપના દેશોને આ લાભ મળ્યો છે. એક દેશથી બીજા દેશ જતા રહો, ખબર પણ ન પડે કે દેશ ક્યારે બદલાઈ ગયો. શું આવું સાર્ક દેશો વચ્ચે સંભવ નથી? અમે મળીને સામૂહિક નિર્ણય લેવાનો પ્રયાસ નેપાળમાં કર્યો, પરંતુ તમે જાણો છો કેટલાક લોકોને થોડીક તકલીફ થાય છે, પરંતુ શું કેટલાક લોકોની તકલીફોને લીધે આપણે અટકી જવું જોઈએ? આપણા કામને શું આપણે રોકી દેવું જોઈએ? ઠીક છે, તમારી મરજી. તમે ત્યાં રહી જાવ, અમે તો નીકળી પડ્યા છીએ અને અમે શું કર્યું? એક બહુ મોટો નિર્ણય લીધો. ભાઈઓ-બહેનો, તેની અસર આવનારા દિવસોમાં શું થશે તે તો સમય જ બતાવશે. નેપાળ, ભૂતાન, ભારત, બાંગ્લાદેશ, આ ચાર દેશે એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને કનેક્ટિવિટીનું એક સંપૂર્ણ કામ નક્કી કરી લીધું છે, એગ્રીમેન્ટ થઈ ગયું છે, તે આગળ જતાં નોર્થ-ઇસ્ટ સાથે જોડાશે. ત્યાંથી મ્યાનમાર માર્ગ સાથે જોડાશે. તે ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, પૂર્વ હિંદુસ્તાનની વચ્ચે થઈને ભારતને કનેક્ટિવિટીની તાકાત આપશે. એક નવા ભારતનું બદલાયેલા, સંબંધોના નવા વિશ્વનું સર્જન થશે.

ભાઈઓ-બહેનો, એક નિશ્ચિત સમયની સાથે ભારત પોતાની ભૂમિકા અદા કરે, ભારત મોટા હોવાના અહંકારથી નહિ, દરેક જણ સાથે ખભે ખભા મેળવીને ચાલવા માગે છે. વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શવા માગે છે. ભારતમાં નવયુવાનોને રોજગાર મળે, અમારી કૃષિમાં બીજી હરિયાળી ક્રાંતિ આવે, અમારું પૂર્વ હિંદુસ્તાન, ભલે તે પૂર્વ ઉત્તરપ્રદેશ હોય, ભલે બિહાર હોય કે પશ્ચિમ બંગાળ, આસામ, નોર્થ-ઈસ્ટ કે ઓડિશા, આ અમારા જે વિસ્તાર છે ત્યાં વિકાસની જરૂર છે તે માનવું પડશે જ. જો અહીં વિકાસ થઈ ગયો અને હિંદુસ્તાનના પશ્ચિમ અને પૂર્વ બરાબર સમકક્ષ થઈ ગયા તો ભારત ઘણી તેજ ગતિથી દોડવા લાગશે અને તેથી ભારતના આ પૂર્વ ભાગ પર આર્થિક વિકાસનું એક નવું અભિયાન અમે ચલાવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું એક નવું અભિયાન ચલાવ્યું છે. ફર્ટિલાઇઝરનાં નવાં કારખાનાં શરૂ કરી રહ્યાં છીએ. ગેસની પાઇપલાઇન પાથરવાની છે. વીજળી પહોંચાડવાની છે. તમે મને કહો, આઝાદી પછીનાં આટલાં વર્ષો બાદ વીજળી હોવી જોઈએ કે નહિ? શું આજના યુગમાં વીજળી વિના ગુજારો સંભવ છે ખરો? ભાઈઓ-બહેનો, અમે સપનું જોયું છે. પાંચ વર્ષની અંદર અંદર અમે દેશનાં ખૂણે-ખૂણે 24 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે અને અમે તે કરીને જ રહીશું.

દુબઈમાં રહેતા મારાં વહાલાં ભાઈઓ-બહેનો અમે એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. આપણા દેશમાં ઘણા લોકોનાં પહેલાં બેંક એકાઉન્ટ્સ નહોતાં. અમે દરેક ભારતીયનું બેંક એકાઉન્ટ ખોલાવી દેવાનું એક કામ કર્યું. ભારતમાં આપણા દેશના નાગરિકોનો ઇન્સ્યોરન્સ નહોતો, વીમો નહોતો.

પરિવારમાં કોઈ આપત્તિ આવી જાય તો બાકીના સભ્યોના ગુજરાનની કોઈ વ્યવસ્થા નહોતી. અમે ત્રણ યોજના બનાવી. એક પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ યોજના. ઇન્સ્યોરન્સ માટે કેટલા રૂપિયા આપવાના ખબર છે? એક સ્કીમ એવી છે કે જેમાં એક મહિનામાં ફક્ત એક રૂપિયો આપવાનો છે, 12 મહિને 12 રૂપિયા. આપણા દેશની ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આપી શકે કે ન આપી શકે? મને કહો આપી શકે કે ન આપી શકે? મહિનાના 12 રૂપિયા, વર્ષના 12 રૂપિયા આપી શકે, તેને બે લાખ રૂપિયાનો વીમો મળશે. બીજી યોજના છે, જેમાં તેને વધુ મદદ મળશે. તે એક દિવસના 90 પૈસા, એક રૂપિયો પણ નહિ, એક દિવસનો એક રૂપિયો પણ નહિ, આજે તો ચા પણ એક રૂપિયામાં મળતી નથી. હું જ્યારે ચા વેચતો હતો ત્યારે એક રૂપિયો પણ મળતો નહોતો અને આજે એક રૂપિયામાં ચા મળતી નથી. એક દિવસના 90 પૈસા, વર્ષના 330 રૂપિયા ભરનારને પણ સુરક્ષા કવચ મળશે. કુદરતી મોત થાય કુદરતી અકસ્માત ન થયો હોય, તો સહજ તેના પરિવારને બે લાખ રૂપિયા મળશે. અમે લોકોને આગ્રહ કર્યો છે કે રક્ષાબંધનના પર્વ પર આપણા દેશની પરંપરા છે, આપણે આપણી બહેનોને શ્રેષ્ઠ ભેટ આપીએ છીએ, કોઈ ને કોઈ ભેટ આપીએ છીએ. હું ગલ્ફ દેશોમાં રહેતાં મારાં વહાલાં ભાઈઓ-બહેનોને આગ્રહ કરું છું કે આ વખતે રક્ષાબંધનના પર્વે તમે તમારી બહેનને જીવન સુરક્ષા યોજના આપી દો. જો તમે 600 રૂપિયા બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવશો તો દર વર્ષે તેને 12 ટકાથી વધુ ઇન્ટરેસ્ટ મળશે અને તમારી બહેનને બે લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળશે. બંને યોજના લેશો, એટલા રૂપિયા જમા કરાવશો તો ચાર લાખ રૂપિયા તેનાં ચરણોમાં તમારા તરફથી પહોંચી જશે. ભાઈઓ-બહેનો, આપણે સમાજ-જીવનને એક સુરક્ષિત બનાવવાનાં છે અને આજે જ્યારે વિશ્વનું ભારત તરફ આકર્ષણ વધ્યું છે, આ પરિસ્થિતિનો આપણે લાભ ઉઠાવાનો છે અને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.
મારાં વહાલાં ભાઈઓ-બહેનો, તમે જે મને સન્માન આપ્યું છે, પ્રેમ આપ્યો છે, આખું હિંદુસ્તાન તમને જોઈ રહ્યું છે. આ બદલાયેલા માહોલની અસર દરેક ભારતવાસીનાં મન પર પણ થાય છે. મને લાગે છે કે, વિશ્વભરમાં જે આપણો ભારતીય સમાજ પહોંચ્યો છે, તે ભારતીય સમાજને પણ આજે એક નવી ઊર્જા, નવી શક્તિ મળી છે. આજે જ્યારે હું અબુધાબી આવ્યો, દુબઈ આવ્યો, તો કેટલીક વાતો મારા ધ્યાનમાં આવી, તેમના વિશે પણ આજે હું તમને કહીને જવા માગું છું કે, એમ્બેસી અને કાઉન્સેલ સંબંધિત તમારી ફરિયાદો રહે છે, નથી રહેતી? ન રહેતી હોય તો સારી બાબત છે, પરંતુ જો રહેતી હોય તો ભારત સરકારે ’MADAD’ નામનું એક ઓનલાઇન પ્લેટફોર્મ બનાવ્યું છે. આ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ વિશ્વભરમાં ફેલાયેલા આપણા ભારતીય ભાઈ-બહેનો કરી શકે છે, જેથી તમારી સમસ્યા આગળ સુધી પહોંચી શકશે. E-migrate portal શરૂ કરવામાં આવ્યું છે, જેથી આપણા પ્રવાસી ભારતીયોની કોઈ ફરિયાદ, કોઈ મુશ્કેલી હોય તો તેમણે ઇમિગ્રેશન ઓફિસનાં ચક્કર લગાવવા નહિ પડે. E-migrate portal પર પોતાની વાત રજૂ કરી તે મદદ મેળવી શકે છે. દૂર દૂરથી ત્યાં જવું, બહુ તકલીફ થાય છે, એટલે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મને એ પણ જણાવાયું છે કે, કોઈ કોઈ જગ્યાએ આ પોર્ટલનો ઉપયોગ કરવામાં નાગરિકોને સમસ્યા થઈ રહી છે, જો ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો તે 30 દિવસની અંદર ઉકેલવા માટે અમારી એમ્બસીને આદેશ આપવામાં આવ્યો છે. આવું મેં એમને કહ્યું અને મને વિશ્વાસ છે કે અમારી એમ્બસીના ભાઈઓ, આ જે ટેક્નિકલ પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક આવે છે તેનો માર્ગ કાઢશે.

અન્ય એક કામ મેં કહ્યું છે, અહીં ભારતીય સમાજના વધુ વર્કર્સ છે. તેમની પાસે એટલા રૂપિયા નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ ભાગતા ફરે અને તેથી અમે કહ્યું છે કે, અમે સમયાંતરે જ્યાં અમારો ભારતીય સમાજ રહે છે ત્યાં જઈને કાઉન્સેલર કેમ્પ લગાવીશું. મહિનામાં એક વાર, બે મહિનામાં એક વાર અને ત્યાં જઈને તેમની સાથે બેસીને વાતચીત કરીશું અને તેમની સમસ્યાનું સમાધાન લાવવા યોગ્ય વ્યવસ્થા કરીશું. અહીં હું આ બધી વાતો એટલા માટે કરી રહ્યો છું કે, ભૂ-ભાગ એવો છે કે જ્યાં મારા ગરીબ વર્ગનાં ભાઈ-બહેન રહે છે, મજદૂરી કરવા માટે અહીં આવ્યાં છે. અમેરિકા માટે કંઈ કરી શકું કે નહિ, પરંતુ તમારા માટે જો કંઈ ન કરું તો બેચેન થઈ જાઉં છું અને તેથી અમે વધુ એક કામ કર્યું છે. અત્યારે વિદેશોમાં ક્યારેક ક્યારેક જઈએ છીએ તો આપણા ભારતીયો ક્યારેક ક્યારેક સંકટમાં, જેમ કે અચાનક બીમારી આવી ગઈ, કંઈ થઈ ગયું, ક્યાંક કોઈ કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયા, જેલ જવું પડ્યું. તો વિશ્વની બહાર તેમને જોનારું કોણ છે? પરિવાર તો ત્યાં નથી અને ક્યારેક ક્યારેક મુસીબતમાં કોઈ પરિવાર આવી જાય તો તેમની મદદ માટે ઇન્ડિયન કોમ્યુનિટી વેલફેર ફંડ (આઈસીડબ્લ્યુએફ) સ્થાપિત કરવામાં આવ્યું છે. તમામ દૂતાવાસોને આ વેલ્ફેર ફંડ આપવામાં આવ્યું છે અને તેથી આવી મુસીબતમાં કોઈ ફસાય તો તેને કાયદાની મર્યાદામાં રહીને જે મદદ થઈ શકે, કોઈ જેલમાં બંધ હોય તો કમસે કમ તેને ખાવાપીવાનું મળી રહે, માનવતાની રીતે કોઈ વ્યવસ્થા થઈ જાય, આ તમામ કામો માટે એક ફંડની અમે વ્યવસ્થા કરી છે. અમે એ પણ નિર્ણય લીધો છે કે, આ ફંડ દ્વારા દૂતાવાસ, કાઉન્સેલમાં કાઉન્સેલર સુવિધાઓ વધુ સારી કેવી રીતે બને, જે નાગરિકોની ભલાઈ માટે ઉપયોગમાં લઈ શકાય. જેમને કાયદાકીય સલાહની જરૂર પડે અને જો તે પોતે સક્ષમ નથી, ક્યારેક એક હજાર-બે હજારનો દંડ ભરી શકતો નથી, તેને કારણે જેલમાં સડવું પડે છે, આવા લોકોને મદદ કરવા ભારતીય નાગરિક હોવાને નાતે તેમને મદદ કરવા માટે વેલ્ફેર ફંડનો ઉપયોગ થવો જોઈએ, જેથી સંકટોમાંથી બહાર આવી શકે. આ પણ અમે વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. હું જાણું છું કે, સ્કૂલોમાં એડમિશનમાં કેટલી મુશ્કલીઓ આવે છે. તમારાં બાળકોને સ્કૂલોમાં ભણાવવામાં કેટલી મુશ્કેલીઓ આવે છે? મેં અહીં સંબંધિત લોકોને આ વાત કહી અને મેં કહ્યું કે વધુ સ્કૂલ કેવી રીતે બને, તેની ચિંતા અમે કરી છે. જોઈએ, મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તેનો લાભ તમને લોકોને મળી જશે.

મને વિશ્વાસ છે મારાં ભાઈઓ-બહેનો કે જે તમારી નાની-મોટી વાતો મારા ધ્યાન પર આવી હતી, તેને પૂરા કરવાનો મેં પ્રયાસ કર્યો છે. હું ફરી એક વાર તમને સૌને હૃદયથી ઘણી ઘણી શુભકામનાઓ આપું છું અને વિશ્વમાં ક્યાંય પણ મારો ભારતવાસી હોય તો અમે પાસપોર્ટનો રંગ જોતા નથી, અમારા લોહીનો રંગ પૂરતો છે, તે ધરતી સાથેનો નાતો પૂરતો છે અને તેથી આવો મારા સાથીઓ, આપણે સૌ મળીને, જી હાં મળીને, મા ભારતીનું શિર ઊચું કરવા માટે, ગૌરવથી જીવન જીવવા માટે એક માહોલ બનાવવામાં સક્રિયતાથી ભાગીદાર થઈએ અને તમારું યોગદાન તમારી શક્તિ સામર્થ્યવાન તમારા પરિવારનું પણ ભલું કરવામાં ઉપયોગી થાય. દેશનું પણ ભલું કરવામાં ઉપયોગી નીવડે.

આ શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

મારી સાથે બંને મુઠ્ઠી બંધ કરીને બોલો, ભારત માતા કી જય. બંને મુઠ્ઠી સંપૂર્ણ બંધ કરીને પૂરા જોશથી બોલો, ભારતનાં ખૂણે ખૂણે, તમારા પોતાના ગામમાં અવાજ પહોંચવો જોઈએ… ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

ખૂબ ખૂબ આભાર.

J. Khunt/PIB Ahmedabad