Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા સજ્જ


ભારત આવતીકાલે 70મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ગર્વ સાથે કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ સવારે 7.30 કલાકે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેટલાંક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવસભર વિવિધ પ્રવૃત્તિઓ ચાલશે, જેના પરિણામે દેશના લોકોમાં દેશપ્રેમની ભાવના જાગશે.

પ્રધાનમંત્રીએ 9મી ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશમાં મહાન સ્વંતત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળેથી તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ યાત્રાનો ઉદ્દેશ સમગ્ર દેશના લોકોમાં રાષ્ટ્રપ્રેમ જગાવવાનો છે. તિરંગા યાત્રા 23મી ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં 75 પ્રધાનો સ્વતંત્રતા સંગ્રામ સાથે સંબંધિત 150 સ્થળોની મુલાકાત લેશે. કેટલાંક મહિલા પ્રધાનો દેશની સરહદો પર જઈને સૈનિકોને રાખડી બાંધશે.

સાંસ્કૃતિક મંત્રાલયે નવી દિલ્હીમાં રાજપથ લોન્સમાં ભારત પર્વનું આયોજન કર્યું છે, જે અઠવાડિયું ચાલશે. તેનો ઉદ્દેશ દેશપ્રેમ જગાવવાનો, દેશની વિવિધતામાં એકતાના મંત્રને પ્રોત્સાહન આપવાનો અને તેમાં જનતાને મોટા પાયે સહભાગ બનાવવાનો છે. સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે 12મી ઓગસ્ટના સાંજે રાજપથ લોન્સમાં ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી વૈંકયા નાયડુ, સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી મહેશ શર્મા ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ જનતા માટે ખુલ્લો છે અને પ્રવેશ નિઃશુલ્ક છે. આ કાર્યક્રમની મુખ્ય બાબતોમાં સશસ્ત્ર દળોના બેન્ડ, 50 સ્ટોલ સાથે વિવિધ વાનગીઓ સાથેની ફૂડ કોર્ટ, હસ્તકળા મેળો, 17-થીમ પેવેલિયન અને વિવિધ રાજ્યો, પ્રાદેશિક સંગઠનો, સાંસ્કૃતિક સંસ્થાઓ વગેરે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સામેલ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે “આઝાદી 70 સાલ – યાદ કરો કુરબાની” શીર્ષક સાથે ફોટો પ્રદર્શનનું આયોજન પણ કર્યું છે.

સમગ્ર દશમાં સ્વતંત્રતા દિવસને લોકોનો ઉત્સવ બનાવવા કેટલીક વિશિષ્ટ પહેલો હાથ ધરી છે. 12 ઓગસ્ટથી નવી દિલ્હીમાં સિરિ ફોર્ટ ઓડિટોરિયમમાં સપ્તાહ લાંબો “ઇન્ડિપેન્ડન્સ ડે ફિલ્મ ફેસ્ટિવલ” ચાલી રહ્યો છે. આઝાદીના ઉત્સવનું થીમ ગીત “તિરંગા યાત્રા” એ જ દિવસે લોંચ થયું છે. પહેલી વાર રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટર્જી, મુહમ્મદ ઇકબાલ, કવિ પ્રદીપ, શકીલ બદાયુની, નૌશાદ, પિતામ્બર દાસ જેવા રાષ્ટ્રગીતના સર્જકો અને તેલુગુમાં ભારતમાતાકુ જે જેજુલુ જેવા પ્રાદેશિક રાષ્ટ્રગીતોના સર્જન કરનાર આચાર્ય આત્રેય (1972)ની જીવનકથા તેમના ગીતો પહેલા પ્રસારિત કરવામાં આવે છે. પહેલી વખત સ્વતંત્રતાની ઉજવણી પર વેબપેજ લોંચ થયું છે, જે જૂનાં ફોટો, વીડિયો અને ઓડિયો, સોશિયલ મીડિયા લિન્ક, પસંદગીના નાયકો પર હકીકતો અને ગ્રાફિક્સ, અખબારી યાદીઓ અને પ્રધાનમંત્રીના ભાષણો જેવી વિશિષતાઓ ધરાવે છે. સરકારે ટ્વિટર અને ફેસબુક સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો વિસ્તૃત ઉપયોગ આ પ્રવૃત્તિઓ વિશે લોકોમાં આતુરતા જગાવવા કર્યો છે.

દેશમાં તમામ મહત્ત્વપૂર્ણ સ્મારકો તિરંગામાં દર્શાવવામાં આવ્યા છે. સંસ્થાઓને સ્વતંત્રતા સંઘર્ષ પર વાત કરવા પ્રસિદ્ધ વ્યક્તિઓને મોકલવા માટે જણાવવામાં આવશે. શાળાના બાળકોને તેમના શહેરો કે નગરોમાં જન્મસ્થળો/પ્રતિમાઓ/સ્મારકોની મુલાકાત લેવા પ્રેરિત કરવામાં આવશે. 23 ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે તમામ 15 લાખ શાળાઓ અને 40 હજાર કોલેજોના તમામ વિદ્યાર્થીઓ એકસાથે રાષ્ટ્રગીત ગાશે અને દેશભક્તિની ભાવના સમગ્ર દેશમાં જાગશે. તમામ શાળાઓ અને કોલેજોમાં રમતગમતની પ્રવૃત્તિઓ યોજાશે. નિબંધ લેખન, ક્વિઝ, ચર્ચા, ચિત્રકળા, રાષ્ટ્રગીતોનું ગાન વગેરે જેવી સ્પર્ધા પણ યોજાશે, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને અન્ય કેટલાંક સ્વતંત્રતા સેનાનીઓ જેવો પોશાક પહેરવામાં આવશે અને લોકોમાં સ્વતંત્રતા સંગ્રામ વિશે જાગૃતિ લાવવામાં આવશે.

આઝાદીના રંગો એક અખિલ ભારતીય અભિયાન છે, જે 9 ઓગસ્ટથી શરૂ થયું છે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે. તેનું નગર રાષ્ટ્રીય લડત સાથે જોડાયેલા મુખ્ય 70 શહેરો કે નગરોમાં કરવામાં આવ્યું છે. પહેલી વાર મહિલા પ્રધાનો સરહદે જશે અને રક્ષાબંધને એટલે કે 18મી ઓગસ્ટના રોજ સૈનિકોને રાખડીઓ બાંધશે. સરહદના ચાર પોઇન્ટ : ઇસ્ટર્ન કમાન્ડમાં ટેન્ગા અને બૈશાખી, ઉત્તર કમાન્ડમાં બારામુલ્લા અને કુપવાડાની ઓળખ કરવામાં આવી છે, જ્યાં કેન્દ્ર સરકારના મહિલા પ્રધાનો મુલાકાત લેશે.

સ્વતંત્રતા દિવસ દેશ માટે બલિદાન આપનાર સૈનિકોને યાદ કરવાનું પર્વ પણ છે. દેશપ્રેમની ભાવના સાથે જોડાયેલા આ ઉત્સવમાં લોકોએ સહભાગી થઈને જનોત્સવ બનાવવાની જરૂર છે. તે લાંબા ગાળે દેશની સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપશે અને મોટા પાયે જનતાની ભાગીદારી સુનિશ્ચિત કરશે.

J.Khunt/TR