પીએમઇન્ડિયા
ભારત માતાની જય, ભારત માતાની જય
ભારત માતાની જય, ભારત માતાની જય
મંત્રીમંડળના મારા સહયોગી, દેશના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી, ડૉ. સુભાષ ભામરેજી, ત્રણેય સેનાઓના ઉચ્ચ પદાધિકારીગણ, એનસીસીના મહાનિદેશક, વિદેશથી આવેલા અમારા મહેમાનો અને એનસીસીની મહાન પરંપરાનો એક ભાગ આપ સૌ મારા યુવાન સાથીઓ.
નેશનલ કેડેટ્સ કોર્પ્સની ગણતંત્ર દિવસ શિબિરમાં એક વાર ફરી આપની વચ્ચે આવવાનું દર વખતની જેમ આ વખતે પણ આનંદિત કરે છે. જ્યારે પણ હું તમારી સાથે વાતચીત કરવા માટે આવું છું તો અતિતની અનેક યાદો મન મસ્તિષ્કમાં ઉભરાઈ આવે છે. જોશ અને અનુશાસન, આ જે દિવસો તમે જીવી રહ્યા છો, મને પણ આ ક્ષણોને જીવવાનો અવસર મળ્યો છે. એક કેડેટના રૂપમાં વિતાવેલા દિવસો આજ સુધી મારા સંકલ્પને, મારી પ્રેરણાને ઊર્જા આપી રહ્યા છે.
સાથીઓ, આ કેમ્પનું પોતાનામાં જ એક ગૌરવશાળી અતિત પણ છે અને ભવિષ્યને લઈને તેનું ઘણું મહત્વ પણ છે. આ કેમ્પના એક ભાગ બનેલા આપ સૌ કેડેટ્સને હું ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપુ છું. ગયા વર્ષે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો તો મેં તમને કેટલોક આગ્રહ કર્યો હતો. દેશ અને સમાજ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયોમાં સક્રિય યોગદાન માટે તમને વિનંતી કરી હતી.
મને ખુશી છે કે વીતેલા વર્ષમાં એનસીસીના કેડેટ્સએ અનેક મહત્વપૂર્ણ પગલાઓ સાથે પોતાની જાતને જોડી હતી. સ્વચ્છ ભારત અભિયાન હોય, ડિજિટલ ટ્રાન્ઝેક્શન હોય, બેટી બચાવો– બેટી પઢાઓ અભિયાન હોય, પર્યાવરણ સાથે જોડાયેલ મુદ્દા હોય. જન જાગરણના અનેક એવા મુદ્દાઓને લઈને તમારા પ્રયાસ પ્રશંસનીય છે.
ખાસ કરીને કેરળમાં ભીષણ પૂર બાદ રાહત અને બચાવ કાર્યોમાં એનસીસીના કેડેટ્સનું યોગદાન ખૂબ સરાહનીય છે. સહયોગ અને સમપર્ણનો આ પાઠ તમે અહિં શીખ્યા છો તેને તમે કેરળમાં મુશ્કેલીમાં ફસાયેલા સ્વજનોને રાહત આપવાના કામમાં અમલમાં મુક્યો. મને વિશ્વાસ છે કે તમે આ જ પ્રકારે તમારી જવાબદારીઓને નિભાવતા રહેશો.
સાથીઓ, બે દિવસ પહેલા જ આપણા પ્રજાસત્તાકે 70માં વર્ષમાં પગલું માંડ્યું છે. પહેલા રાજપથ પર અને આજે અહિં તમારા ચહેરાની ચમક અને તમારા શિસ્તની ઝલક જોવા મળી અને તે ઝલકે મને નવા ભારતનો કદમ તાલ બતાવ્યો છે. સંપૂર્ણ આત્મવિશ્વાસની સાથે છાતી પહોળી કરીને, મસ્તિષ્કને ઊંચું રાખીને, રાષ્ટ્રના ગૌરવ માટે તત્પર આ અસીમ ઊર્જા ઉત્સાહ આપનારી હોય છે. તમારો આ જોશ, તમારો આ ઉત્સાહ જ છે કે જેના કારણે ભારત આજે નવા આત્મવિશ્વાસથી ભરેલું છે. આજે દુનિયા કહી રહી છે કે ભારત માત્ર સંભાવનાઓથી જ ભરેલું નથી પરંતુ તેને સાકાર પણ કરી રહ્યું છે.
સાથીઓ, દેશની અર્થવ્યવસ્થા હોય કે પછી દુશ્મન સામે લડવાનું આપણું સામર્થ્ય, દરેક સ્તર પર આપણી ક્ષમતાઓનો વિસ્તાર થયો છે. આપણી સેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે છંછેડતા નથી પરંતુ જો કોઈએ અમને છંછેડ્યા તો અમે તેને છોડતા પણ નથી. અમે શાંતિના પ્રબળ સમર્થક છીએ. પરંતુ રાષ્ટ્ર રક્ષા માટે કોઇ પણ પગલા ભરવામાં અમે ચૂકીશું નહી. એ જ કારણ છે કે વીતેલા સાડા ચાર વર્ષોમાં દેશની રક્ષા અને સુરક્ષાને સર્વોપરી માનીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
સાથીઓ, ભારત દુનિયાના એ પસંદગી પામેલા દેશોમાં સામેલ થયો છે કે જેની પાસે જળ, જમીન અને આકાશમાંથી પરમાણુ હુમલા અને આત્મરક્ષા કરવાની ક્ષમતા છે. તે સિવાય અનેક દાયકાઓથી લટકેલા પડેલા લડાયક વિમાનો અને આધુનિક તોપો સાથે જોડાયેલ સમજૂતીઓને જમીન પર ઉતારવામાં આવી છે. દેશમાં પણ મિસાઈલથી લઈને ટેંક, ગોળા બારૂદ અને હેલિકોપ્ટર બનાવવામાં આવી રહ્યાં છે. હું, તમને યુવાન સાથીઓને આશ્વાસન આપુ છું કે આવનારા સમયમાં દરેક એવો મોટો નિર્ણય લેવામાં આવશે કે જે રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી હોય. જો રાષ્ટ્ર સુરક્ષિત રહેશે, સક્ષમ રહેશે તો જ યુવાનો પોતાના સપનાઓ સાકાર કરી શકશે.
સાથીઓ, તમે અહિં દેશના જુદા-જુદા ક્ષેત્રોમાંથી આવેલા છો. તમારામાંથી ઘણા બધા નાના-નાના ગામડાઓમાંથી અને કસબાઓમાંથી જુદી-જુદી પૃષ્ઠભૂમિમાંથી આવેલા છો. મને આપ સૌના પરિશ્રમનો અહેસાસ છે. તમારા સમપર્ણનો અહેસાસ છે. હું તમને માત્ર એટલું જ કહીશ કે આ જ પરિશ્રમ આપણને સૌને સમૃદ્ધ બનાવે છે. આપણા પાયાને મજબૂત બનાવે છે. પરિશ્રમનું શું પરિણામ હોય છે તે જાણવા માટે એનસીસીના તમે કેડેટ્સ છો તમારે બહુ દૂર જવાની જરૂર નથી. તમારી અંદરથી જ અનેક સાથીઓએ હમણાં જ અદભૂત સાહસનું પ્રદર્શન કરતા દેશને ગૌરવની ક્ષણો આપી છે.
પર્વતારોહણ અને ટ્રેકિંગ જેવી સાહસિક ગતિવિધિઓ હોય કે પછી રમતના મેદાન પર ત્રિરંગો લહેરાવવાનું કામ, અનેક કેડેટ્સ આગળ આવ્યા છે. નોર્થ ઇસ્ટ ડાયરેકટરેટનાં કેડેટ હિમા દાસને તો આજે વિશ્વ ગૌરવપૂર્ણ રીતે ઓળખે છે. અનાજના ખેતરોમાં દોડતા-દોડતા, ખેતરોની પગદંડીઓ પર સંતુલન સાધતા-સાધતા હિમા દાસ આજે એ સ્તર સુધી પહોંચી ગઈ છે. અભાવને અવસર બનાવતા હિમાએ પહેલા જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશીપમાં અને પછી એશિયાઇ રમતોમાં દેશને ગૌરવાન્વિત કર્યો છે. એવી અનેક યુવા પ્રતિભાઓને જ્યારે હું જોઉં છું, જ્યારે તેમને મળું છું. મારો ભરોસો તો મજબૂત બને જ છે પરંતુ આ ભરોસાને વધુ સશક્ત કરવાની ઊર્જા પણ મળે છે.
સાથીઓ સપના જોવા અને આકાંક્ષાઓને ઉડાન આપવી એ જ યુવાનોની ઓળખ હોય છે, તે જ તેની સ્વાભાવિક પ્રકૃતિ હોય છે. પોતાના સપનાઓ અને આકાંક્ષાઓને વધુ ઊંચા ઉડવા દો. પોતાના પ્રયાસોને સંપૂર્ણ વિસ્તૃત થવા દો. વર્તમાન સરકાર દેશના દરેક યુવાનના દરેક સપના જોનારાઓની સાથે ખભે-ખભો મિલાવીને ઉભી છે અને કદમથી કદમ મિલાવીને ચાલવા માટે તૈયાર છે. નવું ભારત દરેક કર્મયોગીને સન્માન આપશે, અવસર આપશે. આપ સૌ સાથી જ્યારે દેશની વર્ક ફોર્સમાં જવા માટે તૈયાર છો ત્યારે હું તમને એ બાબતનો ભરોસો આપવા માગું છું. તમે ક્યા કુટુંબમાં જન્મ લીધો છે, તમારી ઓળખાણ કોની સાથે છે, તમારી આર્થિક સ્થિતિ કેવી છે તેના આધાર પર તમારું ભવિષ્ય નક્કી નથી થતું. તમારું કૌશલ્ય, તમારો આત્મવિશ્વાસ, તમારા પગના છાલા જ તમને પરિણામ આપનારા છે.
સાથીઓ, આ પરંપરાને તોડવા માટે સમાજમાં દરેક પ્રકારના અસંતુલન, અસમાનતાને વહેંચવા માટે એક સાર્થક પ્રયાસ જરૂરી છે. વીઆઈપી નહીં ઈપીઆઈ એટલે કે એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ (દરેક માણસ મહત્વપૂર્ણ છે) આ સંસ્કારને મજબૂત કરવાનો પ્રયાસ સતત થઇ રહ્યો છે. ગાડીની ઉપરથી લાલ બત્તી કાઢી નાખવામાં આવી છે. હવે મગજમાંથી પણ તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમે ભરોસો રાખજો તમારા સપનાઓને, તમારી આકાંક્ષાઓને માત્ર અભાવો અને પરિસ્થિતિઓના કારણે સમાપ્ત નહીં થવા દેવામાં આવે.
સાથીઓ, તકોની સમાનતાની જ્યારે-જ્યારે વાત આવે છે તો એક મહત્વપૂર્ણ વિષય આપણી દીકરીઓ સાથે પણ જોડાયેલો છે. મારી સામે બેઠેલા તમે તમામ કેડેટ્સ પછી તે દીકરા હોય કે દીકરીઓ, તમારા જોશમાં અને તમારા સામર્થ્યમાં કોઈ અંતર નથી. દીકરીઓને દરેક પ્રકારના અવસર સાથે જોડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. વીતેલા સાડા ચાર વર્ષોમાં દીકરીઓને વર્ક ફોર્સમાં પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. શ્રમ, સેવા અને ઉદ્યમની સાથે સાથે દેશના સંરક્ષણને પણ આપણી નારી શક્તિ સશક્ત કરી રહી છે. તેના માટે અનેક ઐતિહાસિક પગલાઓ લેવામાં આવ્યા છે. પહેલીવાર આપણી દીકરીઓ ફાઈટર પાયલટ બની છે. તારિણીના ગૌરવને સમગ્ર દુનિયા જોઈ રહી છે. હવે સેનામાં પણ દીકરીઓની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મીલીટરી પોલીસના કુલ કોર્પ્સમાં 20 ટકાની મહિલાઓની ભરતી કરવા માટે પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
સાથીઓ, નારીશક્તિની તાકાત વીતેલા સાડા ચાર વર્ષોમાં રાજપથ પર પણ જોવા મળી છે. ગઈ વખતે મહિલા સ્વૉટ શાફ્ટ રાજપથ પર ઉતરી તો આ વર્ષે દેશના ઈતિહાસમાં પહેલીવાર મહિલા જવાનોની સમગ્ર ટુકડી પરેડમાં સામેલ થઇ છે. દેશે તો એ પણ પહેલીવાર જોયું કે પુરુષ ટૂકડીનું નેતૃત્વ એક દીકરીએ કર્યું છે. દીકરીઓ સમાજના દરેક ક્ષેત્રમાં દોરીસંચાર કરે તેના માટે વધુ સારો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વીતેલા સાડા ચાર વર્ષોની આખી તસ્વીરને તમે જોશો તો તમને આશ્વાસન મળશે કે હવે નારી સશક્તીકરણ દીકરીઓની ઉપર્યુક્ત ભાગીદારી પર ચર્ચા નહીં અમલીકરણ થઇ રહ્યું છે.
સાથીઓ, અવસરોની સમાનતાના રસ્તામાં ભ્રષ્ટાચાર પણ એક ખૂબ મોટો અવરોધ છે. ભ્રષ્ટાચાર, સગાવાદ, પોતાના-પારકા આપણી વ્યવસ્થામાં તેના માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ.
ભ્રષ્ટાચાર, નવા ભારતના સંસ્કાર હોઈ જ ન શકે. મારી અને મારી સરકારની વિચારધારા અને કાર્યો બંને આ વાતના સાક્ષી છે કે, ભ્રષ્ટ આચરણ કરનારા, ગમે તેટલા મોટા કેમ ન હોય, ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, કોઇપણ નહીં બચે. પોતાની પહોંચ વડે પ્રક્રિયાઓને પ્રભાવિત કરનારાઓને, દલાલો અને વચેટીયાઓના માધ્યમથી દરેક નિર્ણય, દરેક ફાઈલની બોલી લગાવનારાઓને, ગરીબમાં ગરીબ વ્યક્તિના અધિકારને લૂંટનારાઓની સફાઈ કરવાના કામમાં હું પુરેપુરી ક્ષમતા અને ઈમાનદારી સાથે લાગેલો છું.
સાથીઓ, આજે સરકાર જે કંઈ પણ કરી શકી છે તેની પાછળ આપ સૌ યુવાન સાથીઓનું સક્રિય યોગદાન રહ્યું છે. સ્વચ્છ ભારત વડે દેશમાં સ્વચ્છતાનું આંદોલન તમે આગળ વધાર્યું છે. નોટબંધી જેવા કડક નિર્ણયો વડે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં લડાઈને તમે સમર્થન આપ્યું છે. ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી ઈમાનદાર અને પારદર્શક વ્યવસ્થા બનાવવામાં તમારી ઘણી મોટી ભૂમિકા રહી છે. એટલે કે દરેક યોજનાને તમે સાકાર બનાવી છે. એક વધુ આગ્રહ તમને કરવા માંગું છું, દેશની વિરાસત, દેશના રાષ્ટ્ર નાયકોની યાદ સાથે જોડાયેલ વીતેલા ત્રણ ચાર વર્ષોમાં અહિં દિલ્હીમાં એવા અનેક વધુ પવિત્ર સ્થળો બનાવવામાં આવ્યા છે જ્યાં તમે જશો તો ઘણું બધું શીખવા મળશે. બની શકે કે તમારામાંથી કેટલાક લોકો આ જગ્યાઓ પર ગયા હોય. પરંતુ તેમ છતાં તમને તેમના વિષે જણાવવા માંગું છું. જેમ કે હમણાં તાજેતરમાં જ લાલ કિલ્લામાં ક્રાંતિ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ક્રાંતિ મંદિર નેતાજી સુભાષચંદ્ર બોઝને સમર્પિત છે. જ્યારે તમે ત્યાં જશો તો તમને એ પણ જાણકારી મળશે કે આઝાદ હિન્દ ફોજ અને લાલ કિલ્લાનો શું સંબંધ છે. એ જ રીતે ગયા વર્ષે રાષ્ટ્રીય પોલિસ સ્મારકનું પણ લોકાર્પણ થયું છે. દેશના આંતરિક વિસ્તારોમાં કાયદા વ્યવસ્થાને બનાવી રાખવા માટે શહીદ થયેલા હજારો પોલીસ અને સુરક્ષાદળોની સ્મૃતિમાં આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપ સૌ અલીપુર રોડ પર બનેલા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણ સ્થળ પર પણ જઈ શકો છો.
સાથીઓ, આ જગ્યા દિલ્હીની એક નવી ઓળખ બની રહી છે. સરદાર પટેલનું નવું સ્મારક દિલ્હીમાં બન્યું છે. ડિજિટલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ જગ્યાઓ પર તમને ઈતિહાસ સાથે જોડાયેલી, અનેક મહાન વ્યક્તિત્વો સાથે જોડાયેલી જાણકારીઓ તો મળશે જ, દેશ માટે કામ કરવાની, સમાજ માટે કામ કરવાની એક નવી ઊર્જા પણ મળશે. મને વિશ્વાસ છે કે, તમારી આ ઊર્જા વડે નવા ભારતનો નવો જોશ વધુ બુલંદ થશે. આવનારા મહિનામાં વધુ એક નવું નજરાણું અને એક પ્રેરણા સ્થળ લાંબી રાહ જોયા બાદ દેશને સુપરત થવા જઈ રહ્યું છે. આઝાદી પછી દેશ માટે મરી ફીટનારા આપણા વીર જવાનો, આપણી સેનાના જવાન એક રાષ્ટ્રીય સ્તરનાં યુદ્ધ સ્મારકની દેશ પ્રતિક્ષા કરી રહ્યો હતો, દેશના જવાનો પ્રતિક્ષા કરી રહ્યા હતા. વીરોના પરિવારજનોની સ્વાભાવિક પ્રતિક્ષા, લાંબા સમયથી તે પણ અટકેલું પડ્યું હતું. આ કામ વર્ષો પહેલા જ થઈ જવું જોઈતું હતું. પરંતુ સરકારમાં આવ્યા પછી અમે નિર્ણય લીધો અને હવે તે પૂર્ણતાના આરે પહોંચી ગયું છે અને ફેબ્રુઆરી મહિનામાં દેશના વીર, બલિદાનીઓ જેમણે ઉચ્ચ બલિદાન આપ્યા છે, સર્વોચ્ચ બલિદાન આપ્યા છે એવા વીરોની સ્મૃતિમાં ભારતનું એક રાષ્ટ્રીય સ્તરનું યુદ્ધ સ્મારક લગભગ તૈયાર થઇ ચૂક્યું છે. ફેબ્રુઆરીના મહિનામાં તેનું પણ લોકાર્પણ કરવાનો અવસર મળશે અને દેશના આપણા વીર જવાનોને સન્માનિત કરવાનું સૌભાગ્ય મળશે. હું ફરી એકવાર આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપુ છું. આ અવસર આપણી વિચારધારાને બદલે છે, મહિના આખાની આ જીવંતતા એક રીતે આપણી વિચારધારાને રાષ્ટ્રીય સ્તર પર લઇ જાય છે. દરેક વિચારમાં આપણે આપણા દેશની માટે શું વિચારીએ છીએ. માત્ર આપણું ગામ, આપણો મહોલ્લો, આપણી જાતિ, આપણી બિરાદરી જ નહી પરંતુ દેશના સંદર્ભમાં વિચારવા માટે તે અવસર આપે છે. કોઈપણ દેશનું મોટું બનવું, આગળ વધવું એ વાત પર નિર્ભર કરે છે કે, તેના માટે સમાજ વ્યવસ્થામાં એકતાના સૂત્રમાં બંધાયેલા લોકો કેવા હોય. તે રાષ્ટ્રની પ્રગતિનો બીજો આધાર છે કે, તે કેટલો આશાવાદી છે, કેટલી આકાંક્ષાઓથી ભરેલો છે. નિરાશાની ગર્તમાં ડૂબેલો સમાજ ન તો કયારેય પોતાની જાતને ઉપર ઉઠાવી શકે છે અને ન તો દેશને ઉપર લઇ જઈ શકે છે. આજે હું ગર્વ સાથે કહું છું કે સવા સો કરોડ હિન્દુસ્તાની નવી આશાઓ અને આકાંક્ષાઓથી ભરેલા છે અને તેના કારણે મને લાગે છે કે મારો દેશ નવી ઊંચાઈઓને પાર કરીને જ રહેશે. સપનાઓને સાકાર કરીને રહેશે અને જે સપનાઓને લઈને આઝાદીના દીવાનાઓએ આઝાદીની જંગ લડી હતી તે સપનાઓને પૂર્ણ કરવાનો સમય હવે શરુ થઇ ગયો છે. આવો, આપણે સૌ સાથે મળીને ભારત માતાના જયકારનું ગાન કરીને તે સપનાઓને એક નવી ઊર્જા આપીએ, નવી તાકાત આપીએ, નવા સંકલ્પો કરીએ. મારી સાથે બોલો–
ભારત માતાની જય… ભારત માતાની જય… ભારત માતાની જય.
ખૂબ-ખૂબ આભાર!
NP/J.Khunt/GP/RP
Sharing some pictures from the NCC Rally in Delhi today.
— Narendra Modi (@narendramodi) January 28, 2019
I congratulate all those associated with the NCC family and wish them the very best for their future endeavours. pic.twitter.com/Btp1qj5b0G
Seeing the brilliant youngsters of the NCC reaffirms my belief that India's future is bright thanks to our talented Yuva Shakti. pic.twitter.com/M8stIHaZBs
— Narendra Modi (@narendramodi) January 28, 2019
हमारी सेना ने ये स्पष्ट संदेश दिया है कि हम छेड़ते नहीं हैं, लेकिन किसी ने छेड़ा तो फिर छोड़ते भी नहीं हैं! pic.twitter.com/avGOuCWNZB
— Narendra Modi (@narendramodi) January 28, 2019