Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હી ખાતે સ્પિક મેકેના 5મા આંતરરાષ્ટ્રીય સંમેલન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ – વીડિયો કોન્ફરન્સના માધ્યમથી

નવી દિલ્હી ખાતે સ્પિક મેકેના 5મા આંતરરાષ્ટ્રીય સંમેલન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ – વીડિયો કોન્ફરન્સના માધ્યમથી


ત્રિપુરાના રાજ્યપાલ શ્રી તથાગત રોયજી, હરિયાણાના રાજ્યપાલ પ્રોફેસર કપ્તાન સિંહ સોલંકીજી, મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી સુરેશ પ્રભુજી, સ્પિક મેકે સલાહકારી સમિતિના અધ્યક્ષ ડોક્ટર કર્ણ સિંહજી, અધ્યક્ષ શ્રી અરુણ સહાયજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભવો અને મારા યુવાન સાથીઓ!

“સ્પિક મેકે”ની સ્થાપનાની 40મી વર્ષગાંઠ પર થઇ રહેલા પાંચમા આંતરરાષ્ટ્રીય સંમેલન પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ સંસ્થાએ શાસ્ત્રીય સંગીત, કલા, સાહિત્ય, લોક-સંસ્કૃતિના માધ્યમથી ભારતીય વિરાસતને સમેટવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. દેશના લાખો યુવાનોને દેશની સંસ્કૃતિ પ્રત્યે જાગૃત અને પ્રેરિત કર્યા છે.

હું પ્રોફેસર કિરણ શેઠજીને આ આયોજન માટે ખાસ રીતે અભિનંદન આપું છું. પ્રોફેસર કિરણ શેઠજી પાછલા 40 વર્ષોથી આ સાંસ્કૃતિક આંદોલનને એક કુશળ નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છે. તેઓ એક એવા સાધક છે જેમની વર્ષોની સાધનાએ ભારતીય સંગીત અને સંસ્કૃતિને યુવાનોની વચ્ચે જીવંત બનાવીને રાખી છે.

સાથીઓ, સાચો સાધક પોતાની વિચારધારા, પોતાના વિચારોથી ફકીર હોય છે. મોહ માયાથી દૂર હોય છે. મેં એક બનાવ વાંચ્યો હતો જયારે સંગીતના એક સાધકને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પૂછ્યું હતું કે તેઓ સરકાર પાસેથી શું સહયોગ ઈચ્છે છે. તે સાધકે એક વિશેષ રાગનું નામ લઈને કહ્યું હતું કે અનેક કલાકારો તેને શિસ્તમાં નથી ગાતા, તેની સાથે રમત કરે છે, શું સરકાર તેને અટકાવી શકે છે. આ જવાબ સાંભળીને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે હસીને માથું નમાવી દીધું હતું.

સંગીતના ક્ષેત્રમાં શાસન નહીં, માત્ર શિસ્ત ચાલે છે. પાછલા 40 વર્ષોમાં તમારી સોસાયટીએ જે શિસ્તની સાથે, એક જ કેન્દ્રબિંદુના ધ્યાન સાથે, દેશના ખૂણે ખૂણામાં શાળાઓ અને કોલેજોમાં જઈને, ગામડાઓ અને શહેરોમાં વિદ્યાર્થીઓને આ કાર્યક્રમથી જોડ્યા છે, ખૂબ ઓછી ફી પર કલાકારોને પોતાની સાથે કામ કરવા માટે તૈયાર કર્યા છે, સાધનો ભેગા કર્યા છે, સંસાધનો એકઠા કર્યા છે, તે અતુલનીય છે.

આ સંસ્થાએ પોતાના સમર્થકોના માધ્યમથી એક એવા પરિવારનું સર્જન કર્યું છે જેણે ભારતીય સંસ્કૃતિને ભૌગોલિક સીમાઓની પરિધિથી બહાર કાઢીને દુનિયાને જાગૃત કરવામાં પણ મોટી ભૂમિકા નિભાવી છે.

આજે આંતરરાષ્ટ્રીય સંમેલનના આ અવસર પર હું આપ સૌની સાથે તે મહાન કલાકારોને પણ શુભકામનાઓ આપું છું જેઓ પાછલા 40 વર્ષોથી આને સહાય કરતા આવ્યા છે. તે બધી જ વ્યક્તિઓ અને સંગઠનોને પણ હું શુભેચ્છાઓ આપવા માગું છું જેમણે લાંબા સમય સુધી આ સાંસ્કૃતિક આંદોલનનું સમર્થન કર્યું છે.

આ કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ, ખૂબ ભાગ્યશાળી છે કે તેમને ભારતના સૌથી પ્રતિષ્ઠિત કલાકારોના, એક નહીં પરંતુ ઘણા બધા કોન્સર્ટમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. આ કોન્સર્ટમાં તમે દેશની સાંસ્કૃતિક વિવિધતા, તેની ભવ્યતા, સુંદરતા, અનુશાસન, વિનમ્રતા, સહ્રદયતાને અનુભવો. તે આપણા મહાન દેશના પ્રતિક છે, આપણી ભારત માતાના પ્રતિક છે.

સાથીઓ, આપણા દેશની માટીમાંથી નીકળેલું સંગીત, અહીંની પ્રકૃતિમાંથી જન્મેલું સંગીત માત્ર સાંભળવાનો આનંદ નથી આપતું, પરંતુ દિલ અને દિમાગ સુધી પહોંચે છે. ભારતીય સંગીતનો પ્રભાવ વ્યક્તિના વિચારો પર, તેના મન પર અને તેની માનસિકતા પર પણ પડે છે.

જયારે આપણે શાસ્ત્રીય સંગીત સાંભળીએ છીએ, ભલે શૈલી કોઈપણ હોય, સ્થાન કોઈપણ હોય, આપણે ભલે તેને ના સમજી શકીએ પરંતુ જો આપણે થોડો સમય તેને ધ્યાન લગાવીને સાંભળીએ તો અસીમ શાંતિનો અનુભવ થાય છે. આપણી તો પારંપરિક જીવનશૈલીમાં પણ સંગીત ઠાંસી ઠાંસીને ભરાયેલું છે. વિશ્વ માટે સંગીત એક કળા છે, અનેક લોકો માટે સંગીત આજીવિકાનું સાધન છે પરંતુ ભારતમાં સંગીત એક સાધના છે, જીવન જીવવાની એક રીત છે.

મજેસ્ટી (ભવ્યતા), મેજિક (જાદુ) અને મિસ્ટિક (રહસ્ય) આ ભારતીય સંગીતની ત્રિગુણ સંપદા છે. હિમાલયની ઊંચાઈ, મા ગંગાની ઊંડાઈ, અજંતા ઈલોરાની સુંદરતા, બ્રહ્મપુત્રની વિશાળતા, સાગરની લહેરો જેવો પદ્ન્યાસ અને ભારતીય સમાજમાં રચાયેલી સ્થપાયેલી આધ્યાત્મિકતા – આ બધાનું મળતું ભળતું પ્રતિક બની જાય છે. એટલા માટે સંગીતની શક્તિને સમજવા અને સમજાવવામાં લોકો પોતાની જિંદગી ખપાવી દે છે.

ભારતીય સંગીત, ભલે તે લોક સંગીત હોય, શાસ્ત્રીય સંગીત હોય કે પછી ફિલ્મી સંગીત જ કેમ ના હોય, તેણે હંમેશા દેશ અને સમાજને જોડી રાખવાનું કામ કર્યું છે. ધર્મ-પંથ-જાતિની સામાજિક દીવાલોને તોડીને બધાને એક સ્વરમાં, એકસાથે મળીને એકસાથે રહેવાનો સંદેશ સંગીતે આપ્યો છે. ઉત્તરનું હિન્દુસ્તાની સંગીત, દક્ષિણનું કર્ણાટકી સંગીત, બંગાળનું રવીન્દ્ર સંગીત, આસામનું જ્યોતિ સંગીત, જમ્મુ કાશ્મીરનું સુફી સંગીત, આ બધાનો પાયો છે આપણી ગંગા યમુનાની સભ્યતા.

જયારે કોઈ વિદેશથી ભારતીય સંગીત અને નૃત્ય કળાને સમજવા, શીખવા આવે છે તો તે જાણીને નવાઈ પામી જાય છે કે આપણે ત્યાં પગ, હાથ, માથું અને શરીરની મુદ્રાઓ પર આધારિત, અનેક નૃત્ય શૈલીઓ છે. આ નૃત્ય શૈલીઓ પણ અલગ અલગ કાળખંડમાં જુદા જુદા ક્ષેત્રોમાં વિકસિત થયેલી છે, તેમની ઓળખ છે.

એક બીજી વિશેષ વાત છે કે આપણા ત્યાંનું લોક સંગીત, જન જાતિઓએ પોતાની નિરંતર સાધનાથી વિકસિત કર્યું છે. તે સમયની સામાજિક વ્યવસ્થાઓને, કુરીતિઓને તોડીને તેમણે પોતાની શૈલી, પ્રસ્તુતિની રીત અને વાર્તા કહેવાની પોતાની પદ્ધતિનો વિકાસ કર્યો. લોક ગાયકો, નર્તકોએ સ્થાનીય લોકોની વાતોનો ઉપયોગ કરીને પોતાની શૈલીનું નિર્માણ કર્યું છે. આ શૈલીમાં સખત પ્રશિક્ષણની જરૂરિયાત નહોતી અને તેમાં સામાન્ય જનતા પણ સામેલ થઇ શકતી હતી.

તમારામાંથી મોટા ભાગના લોકો આપણી સંસ્કૃતિની આ બારીકાઇઓને, અને તેના વિસ્તારને સમજો છો. પરંતુ આજની યુવા પેઢીમાં મોટાભાગે આ વિષેની જાણકારી નથી. આ જ ઉદાસીનતાના કારણે ઘણા બધા વાદ્ય યંત્રો અને સંગીતની વિદ્યાઓ લુપ્ત થવાના આરે છે. બાળકોને ગિટારના જુદા જુદા સ્વરૂપો તો ખબર છે પરંતુ સરોદ અને સારંગીનો તફાવત બહુ ઓછા લોકો જાણે છે. આ પરિસ્થિતિ સારી નથી.

ભારતનું સંગીત, આ વિરાસત, આ દેશના માટે, આપણા સૌના માટે આશીર્વાદ સમાન છે. એક મોટી સાંસ્કૃતિક વિરાસત છે. તેની પોતાની શક્તિ છે, ઊર્જા છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે “રાષ્ટ્ર્યામ જાગ્રયામ વયમ” : હંમેશની ચોકસાઈ એ સ્વતંત્રતાની કિંમત છે. આપણે દરેક પળે જાગૃત રહેવું જોઈએ. આપણે આપણી વિરાસત માટે પ્રત્યેક પળે કાર્ય કરવું જોઈએ.

આપણે આપણી વિરાસત પ્રત્યે લાપરવાહ બનીને ના રહી શકીએ. આપણી સંસ્કૃતિ, આપણી કલા, આપણું સંગીત, આપણું સાહિત્ય, આપણી અલગ અલગ ભાષાઓ, આપણી પ્રકૃતિ, આપણી અનમોલ વિરાસત છે. કોઈપણ દેશ પોતાની વિરાસતને ભૂલીને આગળ વધી ના શકે. આપણા સૌનું કર્તવ્ય છે આ વિરાસતને સંભાળવાનું, તેને વધારે સશક્ત બનાવવાનું.

સાથીઓ, આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે, અને આપણું સંગીત, આપણી કલા આપણને આપણી પ્રકૃતિને બચાવવાનો અવિરત સંદેશ આપે છે.

આ સમયે સમગ્ર દુનિયામાં જળવાયુ પરિવર્તન એક મોટો વિષય બનેલો છે. આવનારી પેઢીઓ માટે, ભવિષ્ય માટે આપણે આપણા પર્યાવરણને બચાવવું જ પડશે.

પાછલા ત્રણ વર્ષોમાં પર્યાવરણ બચાવવા માટે ભારતે જે કંઈ પણ પગલાઓ ભર્યા છે, આજે આખી દુનિયામાં તેની ચર્ચા છે. વિશ્વ ભારતની સામે જોઈ રહ્યું છે અને એટલા માટે ખૂબ જરૂરી છે કે દેશના નવયુવાનોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે, પોતાની વિરાસતને બચાવવા માટે જાગૃત કરવામાં આવે.

તમે એક વર્ષમાં સાતથી આઠ હજાર કાર્યક્રમો કરો છો, દેશના સેંકડો શહેરો કસબાઓમાં લાખો લોકોને, અને ખાસ કરીને યુવાનો સાથે સીધો સંવાદ કરો છો. જો તમે તમારા કાર્યક્રમોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતાને પણ પ્રાથમિકતા આપશો તો તે પણ માનવતાની એક બહુ મોટી સેવા થશે.

આપ સૌ એક ભારત–શ્રેષ્ઠ ભારત અભિયાનને મજબૂત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકો છો. એક ભારત-શ્રેષ્ઠ ભારત અભિયાન દેશની સાંસ્કૃતિક વિવિધતાને મજબૂત કરવા, દેશના નાગરિકોને પોતાના દેશની ધરતી ઉપર ઉપસ્થિત જુદી જુદી પરંપરાઓ, ભાષાઓ, ખાવા પીવાની રીતભાત, રહેણી-કરણીથી પરિચિત કરાવવાનો પ્રયાસ છે.

તે અંતર્ગત બે જુદા જુદા રાજ્યોને એક પ્લેટફોર્મ પર લાવીને, તેમની વચ્ચે જોડાણ કરાવવામાં આવી રહ્યું છે. જોડાણ બાદ એક રાજ્યના લોકોને બીજા રાજ્ય વિષે જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજા રાજ્યની ભાષા પર આધારિત ક્વીઝ સ્પર્ધા, ડાન્સ સ્પર્ધા, ખાવા પીવાની પ્રતિયોગીતા વગેરે જેવા આયોજન કરવામાં આવી રહ્યા છે.

તમારા જેવી સંસ્થા પોતાના સ્તરે પણ આ કડીને આગળ વધારી શકે છે. તમે અલગ અલગ રાજ્યોની જે જે શાળાઓમાં જાવ છો, તેને અંદરોઅંદર જોડાણો માટે પ્રોત્સાહિત કરી શકો છો, શાળા વહીવટમાં સંવાદ સ્થાપિત કરાવી શકો છો.

પાછલા 40 વર્ષોમાં તમે યુવા ઊર્જાને એક દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છો. હવે તો આપણો દેશ દુનિયાનો સૌથી નવયુવાન દેશ છે. નવયુવાન ઊર્જા અને યુવા જોશથી ભરેલો છે. આ ઊર્જાને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લગાવવા માટે તમારી જેવી સંસ્થાઓ ઘણું બધું કરી શકે છે. ઈતિહાસ સાક્ષી છે કે જે દેશમાં યુવા શક્તિ સંગઠિત થઈને રાષ્ટ્ર નિર્માણમાં લાગી ગઈ હોય, તે દેશ વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચે છે.

સાથીઓ, 2022માં આપણો દેશ પોતાની સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હશે, તે સમય સુધીમાં આપણે દેશને ઘણી બધી કુરીતિઓથી, ઘણી બધી નબળાઈઓમાંથી બહાર કાઢીને આગળ લઇ જવાનો છે, ન્યૂ ઇન્ડિયા બનાવવાનું છે. ન્યૂ ઇન્ડિયાનો આ સંકલ્પ દેશના પ્રત્યેક વ્યક્તિ, દરેક પરિવાર, દરેક ઘર, દરેક સંસ્થા, દરેક સંગઠન, દરેક શહેર-ગામ-મહોલ્લાનો સંકલ્પ છે. આ સંકલ્પને પૂરો કરવા માટે આપણે સૌએ મળીને કામ કરવાનું છે.

તમને મારો આગ્રહ છે કે તમે પણ વર્ષ 2022 ને ધ્યાનમાં રાખીને પોતાના માટે કોઈક લક્ષ્ય જરૂરથી નિર્ધારિત કરો.

સાથીઓ, પરંપરાનો “વર્તમાન” સાથે સંવાદ એ જ સંસ્કૃતિઓને જીવિત રાખે છે. “સ્પિક મેકે” વર્તમાન પણ છે અને સંવાદ પણ છે. તમારો પ્રત્યેક પ્રતિનિધિ દેશની સંસ્કૃતિ અને સભ્યતાનો ધ્વજવાહક છે. આ ધ્વજ આમ જ લહેરાતો રહે, તમે નિત્ય નૂતન ઊર્જાથી ઊભરાતા રહો, એવી શુભકામનાઓ સાથે હું મારી વાતને વિરામ આપું છું. આ આયોજન માટે સૌને એકવાર ફરી ખૂબ ખૂબ અભિનંદન.

આભાર!!

*****

AP/J.Khunt/TR/GP