Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પારાદીપ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરતી વેળાએ પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

પારાદીપ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરતી વેળાએ પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

પારાદીપ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરતી વેળાએ પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ


જય જગન્નાથ ! વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

સરકારી કાર્યક્રમ તો આપણે ઘણા જોયા છે, પરંતુ આવો માહોલ ક્યારેય નથી જોયો. મારી નજર જ્યાં સુધી પણ જઈ રહી છે, લોકો જ લોકો છે. આ એ વાતનો પુરાવો છે કે ઓડિશાનો પ્રત્યેક નાગરિક જાણે છે કે આ પારાદીપ રીફાઈનરીનું એમના જીવનમાં કેટલું મહત્ત્વ છે, ઓડિશાના વિકાસ માટે કેટલું મહત્ત્વ છે. એ ઓડિશાના નાગરિક જાણે છે. હું તમારા સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે આટલી મોટી સંખ્યામાં વિકાસના આ કામમાં ભાગીદાર બનવા માટે અમારી વચ્ચે આવ્યા છો.

ઓડિશા, આ ઉત્ત્કલ મણિ, પંડિત ગોકોવંદ દાસ જી, ઉત્ત્કલ ગૌરવ મધુસૂદન દાસ જી, વીર સુરેન્દ્ર સાય જી અને મહારાષ્ટ્રના કૃષ્ણ ચંદ્ર ગજપતિ જેવા મહાન મહાપુરુષોને, આત્માઓને હું નમન કરું છું.

અનેક વર્ષો સુધી ઓડિયા વ્યવસાયી, સાધવ સમુદ્રી રસ્તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના જુદા જુદા દેશોના જુદા જુદા સ્થળો, જેવાં કે, જાવા, બાલી, સુમાત્રા, બોરનિયો ક્યાં-ક્યાં પહોંચતા હતા ઓડિશાના વ્યાપારી. એની યાદમાં દર વર્ષે આજે પણ પવિત્ર કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે પ્રદેશના ખૂણે ખૂણે બોઈત વંદના કરવામાં આવે છે. પારંપરિક રીતે અહીંના બંદર વિશ્વના અન્ય હિસ્સાઓમાં વ્યાપાર માટે ખૂબ જ વાયબ્રન્ટ રહેતા હતા. મહાકવિ કાલિદાસને રઘુવંશમ કાવ્યમાં કલિંગના રાજાને મહોદધિપતિ એટલે કે લૉર્ડ ઑફ ધ સી, સ્વપરૂપમાં વર્ણન કર્યું છે. હું આ પારાદીપ જગતસિંહપુર જિલ્લાની માટીને પણ પાવન સમજું છું. આ જ ધરતી છે, જ્યાં શુદ્ર મુનિ સારલાદાસે સંપૂર્ણ મહાભારતની રચના કરી અને આ સંસ્કૃત સિવાય કોઈ પણ ભારતીય ભાષામાં લખાયેલું સૌથી પહેલું મહાભારત હતું.

અત્યંત વિનમ્રતા સાથે હું આજે ઉત્ત્કલ કેસરી હરિ કૃષ્ણ મહેતા અને ઉત્ત્કલના મહાન પુત્ર શ્રી બીજુ બાબુને યાદ કરવા માંગું છું. આ જ તો એ મહાપુરુષો હતો, જેમણે પારાદીપને બચાવવા માટે બંદરની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જગતસિંહપુર જિલ્લાની માટીમાં ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન નબકૃષ્ણ ચૌધરી, સ્વતંત્રતા સેનાની ગોપોબંધુ જી, માલતી દેવી જી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક પ્રાણ કૃષ્ણ પરિજા, આ એવા મહાપુરુષો છે, જેમને યાદ કરીને હું શિષ નમાવું છું, તેમને નમન કરું છું.

ભાઈઓ-બહેનો, આ મારા માટે અત્યંત સૌભાગ્યનો વિષય છે કે 35,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી હિન્દુસ્તાનની રીફાઈનરીઓમાં ટોચની એક રીફાઈનરીનું લોકાર્પણ કરવાની મને તક સાંપડી છે. અને ખુશીની વાત એ છે કે આનો શિલાન્યાસ આપણા માર્ગદર્શક, આપણા પ્રેરણા પુરુષ, ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ કર્યો છે. જે કામનો વાજપેયી જીએ પ્રારંભ કર્યો, તે કામને પરિપૂર્ણ કરવાનું સૌભાગ્ય મળે, તેનાથી વધુ જીવનનો આનંદ બીજો શું હોઈ શકે.

ભાઈઓ-બહેનો, આ એવી યોજના છે જેના કારણે અહીંના લાખો નવયુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. અને એટલા માટે જ આ પારાદીપ રીફાઈનરી એક રીતે તો ઓડિશાનો વિકાસદીપ છે. આ પારાદીપ રીફાઈનરી ઓડિશાના નવયુવાનોનો ભાગ્યદીપ છે. આ પારાદીપ રીફાઈનરી હિન્દુસ્તાનની કરોડો ગરીબ મહિલાઓ, જે લાકડાના ચૂલા પેટાવીને રસોઈ બનાવે છે, ધુમાડાને કારણે બાળકો બીમાર પડી જાય છે, પોતે પણ બીમાર પડી જાય છે. આવી ગરીબ માતાઓને એક નવી આશા જગાવનારી પારાદીપ રીફાઈનરી છે, જ્યાંથી ગેસના સિલિન્ડર ગરીબ લોકોના ઘર સુધી પહોંચવાના છે.

સરકાર જ્યારે કામ કરે છે, ત્યારે કેટલી ત્વરાથી કરી શકે છે, તેનું ઉદાહરણ તમે જોયું છે. આપણા દેશના કેટલાયે પ્રોજેક્ટો 40-50 વર્ષ કોઈને વિચાર આવે, 10 વર્ષ પછી એને કાગળ પર ઉતારે, અને 5-10 વર્ષ વીતી જાય એની યોજના ઘડતા-ઘડતા, પછી શિલાન્યાસ થાય અને એને અમલમાં લાવતા-લાવતા તો પેઢીઓ વીતી જાય, પરંતુ એ કામ પૂરું નથી થતું. આજકાલ હું ક્યાંય કોઈ યોજનાનું ઉદ્ઘાટન કરવા જાઉં છું તો ખાસ કરીને અમારા કોંગ્રેસના મિત્રો તરત જ નિવેદન આપી દે છે – આ તો અમારા જમાનામાં શરૂ થયું હતું. ભાઈઓ-બહેનો, જો મારા હાથે કોઈ યોજનાનું ઉદ્ઘાટન કરવાનો અવસર મળે, તો મને આનંદ થાય એ સ્વાભાવિક છે. પરંતુ દેશના પ્રધાનમંત્રી તરીકે મને આનંદ નથી થતો. મને તો આનંદ ત્યારે થાત, જો આ કામ જો 15 વર્ષ પહેલા પૂરું થઈ ગયું હોત, તો અહીંના લાખો લોકોને રોજગાર મળ્યો હોત.

આપણે ત્યાં યોજનાઓને અવરોધો, વિલંબ, ક્યારેક કોર્ટના ચક્કર, ક્યારેક ટેન્ડર પ્રક્રિયા, ક્યારેક જન આંદોલન, કોણ જાણે કેટલી-કેટલી મુસીબતોમાંથી પસાર થવું પડે છે કે જેનાથી આપણી યોજનાઓ ઘણી ખર્ચાળ બની જાય છે. દેશની અંદર પ્રગતિ કરવા માટે દેશવાસીઓએ, બ્યુરોક્રસીએ, ઉદ્યોગ જગતે, સામાન્ય નાગરિકોએ, નીતિ નક્કી કરનારાઓએ, એક એવું કલ્ચર સર્જવાની જરૂર છે કે જ્યાં યોજનાઓ સમયસર શરૂ થાય, નિર્ધારિત સમય મુજબ આગળ વધે અને નિર્ધારિત સમય મર્યાદામાં સંપન્ન થાય, જેથી દેશને તેનો લાભ મળે, સમય કરતાં વહેલા લાભ મળે.

ભાઈઓ બહેનો, આપણે એવું વર્ક કલ્ચર લાવવાની કોશિષ કરી રહ્યા છીએ, જેથી ક્યારેય વિલંબને કારણે દેશને ગંભીર નુકસાન ન થાય. ભાઈઓ-બહેનો, આ રીફાઈનરીમાં 78 કરોડ કિલોગ્રામ એલપીજીનું ઉત્પાદન થવાનું છે. 500 કરોડ લીટર પેટ્રોલનું ઉત્પાદન થવાનું છે. 660 કરોડ લીટર ડિઝલનું ઉત્પાદન થવાનું છે. કેરોસીન અને એટીએફનું કુલ મળીને 250 કરોડ લીટરનું ઉત્પાદન થવાનું છે. 27 લાખ ક્વિન્ટલ સલ્ફરનું ઉત્પાદન થવાનું છે. 120 લાખ ક્વિન્ટલ પેટ્રોલિયમ કોકનું નિર્માણ થવાનું છે. તમે કલ્પના કરી શકો છો કે આ તમામ ઉત્પાદનોને કારણે દેશના આર્થિક વિકાસમાં કેટલો નોંધપાત્ર વેગ આવશે.

હિન્દુસ્તાનના પૂર્વ કિનારે ઓડિશાની ધરતી પર એક સમયે ભારતની સૌપ્રથમ સૂરજની કિરણ અહીં આવતી હતી. હવે ભારતને નવી ઉર્જા અહીંથી પ્રાપ્ત થવાની છે. આ તાકાત પારાદીપે દર્શાવી છે. ભાઈઓ-બહેનો, આને કારણે લાખો નવા રોજગારની સંભાવનાઓ સર્જાઈ છે. આના માટે જે કાચો માલ તૈયાર થશે, એ કાચા માલને કારણે નાના-નાના પ્લાસ્ટિકના અનેક ઉદ્યોગો શરૂ થઈ શકે તેમ છે. અને તેના માટે કૌશલ્ય વિકાસનું કામ સરકાર કરી રહી છે. મુદ્રા યોજના મારફતે નાણાં આપી રહી છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા માટે, નવયુવાનોને નવા સંશોધનો કરીને કામ કરવા માટે સરકાર સહાય આપી રહી છે. પારાદીપ રીફાઈનરી, તેની સાથે વિકાસની લાંબી યાત્રા ચાલનાર છે, જે ઓડિશાનું ભાગ્ય બદલવાનું કામ કરશે.

ભાઈઓ-બહેનો, આજે આપણા દેશમાં લાખો ગરીબ પરિવાર, કરોડો ગરીબ પરિવાર, એમણે રસોઈ બનાવવી હોય તો લાકડાના ચૂલા પેટાવવા પડે છે અને વૈજ્ઞાનિકો કહે છે કે લાકડાના ચૂલા પેટાવવાથી, એક કલાક એ ચૂલાના ધુમાડામાં જો કોઈ રહે, તો 400 સિગારેટ પીવાથી જેટલો ધુમાડો એના શરીરમાં જાય, એટલો ધુમાડો જતો રહે છે. એ ગરીબ મા-બહેનોના સ્વાસ્થ્યનું શુ થતું હશે, એમની તંદુરસ્તીનું શું થતું હશે. અમારા પ્રયત્નો છે કે આ ગરીબ માતાઓ સુધી એલપીજીના ગેસ સિલિન્ડર પહોંચે. તેમને લાકડાના ચૂલાથી, ધુમાડાથી મુક્તિ મળે. અને આ પારાદીપ રીફાઈનરીમાં આટલી મોટી માત્રામાં એલપીજી ગેસનું નિર્માણ થવાનું છે, કે એમને ધુમાડાથી મુક્તિ મળશે.

ભાઈઓ-બહેનો, આપણા દેશના ખેડૂતોને યુરિયા જોઈએ છે. ફર્ટિલાઈઝર માટે યુરિયા જોઈએ છે. યુરિયા માટે જે ચીજવસ્તુઓની જરૂર પડે છે, તેમાંથી એક ચીજ જરૂરી છે, તે છે – ગેસ. જો પૂરતી માત્રામાં ગેસ મળે, તો યુરિયાનું ઉત્પાદન વધી શકે છે. આપણા દેશના ખેડૂતોને સમયસર યુરિયા પહોંચી શકે છે. અને એટલા માટે જ અમે આ પારાદીપ યોજના હેઠળ જ આગામી દિવસોમાં પૂર્વ હિન્દુસ્તાનના વિકાસ માટે ફર્ટિલાઈઝરના કારખાનાનો આરંભ કરવા માંગીએ છીએ, જેથી આ વિસ્તારના ખેડૂતોને જરૂરી માત્રામાં યુરિયા મળી રહે. આપણા દેશમાં આવનારા દિવસોમાં ઉર્જાના આ ક્ષેત્રોમાં ખેડૂતોની ભલાઈ માટે અમે બીજી યોજના પણ બતાવી છે.

એ વાત સાચી છે કે રીફાઈનરીની જરૂરત છે, રીફાઈનરીઓની સંખ્યા વધવી પણ જોઈએ. અમે એ સતત જોઈ રહ્યા છીએ કે વિદેશોમાંથી આપણે તેલની જે આયાત કરવી પડે છે, તેમાં ઘટાડો કેવી રીતે લવાય. મેં સરકારના અધિકારીઓ સાથે એક દિવસ બેઠક યોજી હતી. મેં તેમને કહ્યું કે જ્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવતો હશે, 2022માં હિન્દુસ્તાનની આઝાદીના 75 વર્ષ પૂરાં થવાના છે. મેં કહ્યું કે જ્યારે આઝાદીના 75 વર્ષ આપણે ઉજવતા હોઈશું, ત્યારે આ વિદેશોમાંથી જે તેલ આયાત કરીએ છીએ, તેમાં તમે 10 ટકા ઘટાડો કરી શકશો ખરા ? મેં તેમની સામે પડકાર મૂક્યો છે. અને મને વિશ્વાસ છે કે આપણી તેલ કંપનીઓ, આપણો પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ પોતાની તમામ શક્તિઓ આની પાછળ લગાડી દેશે અને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું લેશે.

અત્યારે આપણી પાસે જે ઓઈલ આવે છે, તે મોટા ભાગે ખાડીના દેશોમાંથી આવે છે. પરંતુ અમારું સ્વપ્ન છે કે ખાડીનું પણ તેલ હોય, ઝાડીનું પણ તેલ હોય. ખાડીનું તેલ અને ઝાડીનું તેલ બંનેને આપણે ભેગા કરવાના છે. અને એટલે જ અમે કહ્યું છે કે આપણા દેશના ખેડૂતો, જે શેરડીની ખેતી કરે છે, અને એ શેરડીના રસમાંથી ઈથેનોલ બની શકે છે. જેટલી ખાંડની જરૂર છે, સુગરની જેટલી જરૂર છે, એટલી સુગર બનાવો અને જે વધારાની શેરડી છે, તેમાંથી ઈથેનોલ બનાવો. અને આ ઈથેનોલ, આપણી પેટ્રોલિયમ પેદાશો સાથે મિક્સ કરો, જેથી આપણાં વાહનો વધુ ઝડપી ચાલે અને પર્યાવરણની પણ રક્ષા થાય. દેશમાં ઘણી મોટી માત્રામાં આ ઝાડીના તેલનો – શેરડીના સાંઠામાંથી બનનારો ઈથેનોલ પ્રોસેસ કરીને બનાવવામાં આવ્યો, એના કારણે મારા છત્તીસગઢના આદિવાસીઓ ઘણા મોટા પાયે જટ્રોફાની ખેતી કરે છે. આપણી પડોશમાં ઓડિશાના જટ્રોફામાંથી પણ જે તેલ કાઢવામાં આવે છે, તે તેલ પણ આપણી પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાતો સાથે જોડાઈ શકે છે. અમે ઝાડીના તેલ બાબતે પણ ભરપૂર પ્રયાસો કરી રહ્યા છીએ. બીજી તરફ સોલર એનર્જી પર ભાર આપી રહ્યા છે, જેથી ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે. ભારત પોતાના પગ પર ઊભું હોય, સ્વનિર્ભર હોય, વિશ્વમાં કોઈની પણ ઉપર આશ્રિત ન રહેવું પડે. આ કામને તાકાત આપવા માટેના એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે સરકારે આ પારાદીપ રીફાઈનરીનું કામ ઉપાડ્યું છે.

ભાઈઓ-બહેનો, આપણા દેશમાં કોઈ પણ ખેડૂત પરિવારને પૂછશો, ભલે એની પાસે સો એકર જમીન હશે, તો પણ જો ખેડૂતને પૂછશો કે તમારા ત્રણ દીકરા છે, શું વિચારો છો, દીકરાઓને આગળ ક્યાં લઈ જવા માંગો છો. તો, ખેડૂત કહે છે એક દીકરાને ખેતીમાં જોતરીશ, પરંતુ બે દીકરાઓને તો હું શહેરમાં જ મોકલી દઈશ. એ એમની રોજી-રોટી કમાઈ લેશે. ત્યાં નોકરી-ધંધો કરી લેશે. એટલે કે ખેડૂત પણ પોતાના ત્રણ દીકરાઓને હવે ખેતીના કામમાં લગાડવા નથી માંગતો. ખેડૂત પણ પોતાના એક દીકરાને ખેતી કરવા દઈને બાકીના બે દીકરાને કોઈ બીજા કામમાં લગાડવા ઈચ્છે છે. આ બીજું કોઈ કામ ખેડૂતના દીકરાને ક્યાર મળે. શું ખેડૂતના દીકરા બેરોજગાર રહે, શું ખેડૂતના દીકરા દેવાદાર બનતા જાય, જો આપણા ગામડાંઓના ખેડૂતોના દીકરાઓને પણ રોજગાર આપવાનો છે, તો આપણા દેશમાં આપણે ઉદ્યોગો વધારવા પડશે.

જો આ પારાદીપ રીફાઈનરી ન બની હોત. આ ત્રણ હજાર એકર જમીન જો આ ઉપયોગમાં ન લેવાઈ હોત, તો લાખો લોકો માટે રોજગારની તકો સર્જાઈ ન હોત. સમગ્ર ઓડિશાનું ભાગ્ય બદલવામાં આપણને આ જમીન કામ ન આવી હોત. આ પારાદીપ રીફાઈનરી છે, જેના કારણે આ જમીન આજે હિન્દુસ્તાનના ગરીબ ખેડૂતના દીકરાને રોજગાર આપવાનું કારણ બની રહી છે. અને એટલા માટે જ ભાઈઓ બહેનો, આપણા નવયુવાનો માટે રોજગારની શક્યતાઓ વધે એવું કરવું પડે. કારણ કે હિન્દુસ્તાન યુવાન છે, વિશ્વનો સૌથી યુવાન દેશ હિન્દુસ્તાન છે.

દેશની 65 ટકા વસતી 35 વર્ષથી ઓછી વયની છે. જે દેશ પાસે આટલા યુવાનો હોય છે, તે દેશના સ્વપ્નો પણ યુવાન હોય છે, એ દેશના ઈરાદા પણ યુવાન હોય છે. એ દેશના સંકલ્પ પણ યુવાન હોય છે અને એ દેશને વિકાસના માર્ગે અગ્રેસર બનાવવા માટે તાકાત પણ લગાડવી પડે તો એ યુવાન તાકાત હોય છે, જે ભારતના ભાગ્યને બદલે છે. અને એટલે જ અમે મુદ્રા યોજના દ્વારા નવયુવાનોને પોતાના પગ પર ઊભા રહેવા માટે રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે તક આપીએ છીએ. અમે નથી ઈચ્છતા કે આપણા દેશનો નવયુવાન જોબ સીકર બને, જોબ મેળવવા માટે બિચારો અહીં-તહીં ભટકતો રહે, અમે ઈચ્છીએ છીએ કે એવો માહોલ સર્જાય કે આપણા દેશના યુવાનો જોબ સીકર નહીં, જોબ ક્રીએટર બને. એક વ્યક્તિને, બે વ્યક્તિને, પાંચ વ્યક્તિને, રોજગાર આપે, એવી નવયુવાનને તાકાત મળે. અને એટલે જ મુદ્રા યોજના હેઠળ ઘણી મોટી માત્રામાં ભંડોળ નવયુવાનોને આપવાની દિશામાં અમે પગલાં લીધાં છે.

છેલ્લા કેટલાક દિવસોમાં અમે લગભગ એક લાખ કરોડ રૂપિયા આપ્યા છે. અમે આટલા ઓછા સમયમાં દેશના સામાન્ય પરિવારના લોકોને એક લાખ કરોડ રૂપિયા મુદ્રા યોજના હેઠળ મળવા એ કોઈ નાની વાત નથી. મને હમણાં જ ધર્મેન્દ્ર જી જણાવી રહ્યા હતા કે સમગ્ર ઓડિશામાં છેલ્લા 60 વર્ષમાં 26 લાખ લોકોને ગેસના સિલિન્ડર મળ્યા. 60 વર્ષમાં 26 લાખ. ધર્મેન્દ્ર પ્રધાન જી મંત્રી બન્યા પછી એક વર્ષની અંદર-અંદર 11 લાખ પરિવારોમાં ગેસના સિલિન્ડર માત્ર ઓડિશામાં પહોંચાડી દીધા. કામ ઝડપી કેવી રીતે થાય છે, તેનું આ ઉદાહરણ છે. 60 વર્ષોમાં 26 લાખ, એક વર્ષમાં 11 લાખ, આ રીતે કામ કરાય છે, આ કામ આ સરકાર કરી રહી છે. અને એટલે જ અમારી કોશિષ છે કે આપણા દેશના નવયુવાનોને રોજગારની નવી તકો મળે. અત્યાર સુધીમાં આપણા દેશની અર્થવ્યવસ્થાની નિષ્ણાતો ચર્ચા કરતા હોય તો બે વાતો હંમેશા કહે છે. મોટા-મોટા અર્થશાસ્ત્રી જે લખે છે, તે એક પબ્લિક સેક્ટર અને બીજા કહે છે પ્રાયવેટ સેક્ટર. હું ત્રીજા સેક્ટર પર ભાર દઉં છું. ઈકોનોમીમાં જો પબ્લિક સેક્ટરનું મહત્ત્વ છે, પ્રાયવેટ ક્ષેત્રનું મહત્ત્વ હોય, તો ત્રીજા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રને પણ ધ્યાન પર લેવાની જરૂર છે. એ છે પર્સનલ સેક્ટર. એક-એક ઈન્ડિવિજ્યુઅલ, પોતાની તાકાતથી આગળ વધે અને એટલા માટે એક-એક વ્યક્તિને વિકાસની દિશામાં અગ્રેસર બનાવવા, એક-એક પરિવારને વિકાસની યાત્રામાં જોડવા. આ પ્રકારની આર્થિક નીતિઓ પર ભાર આપીને આ સરકાર આગળ વધી રહી છે.

ભાઈઓ-બહેનો, મારે આપણા વૈજ્ઞાનિકોને, આપણી યુવા પેઢીને આજે ખાસ શુભેચ્છાઓ પાઠવવી છે અને એ શુભેચ્છા છે – પારાદીપ રીફાઈનરીમાં મેઈક ઈન ઈન્ડિયાનો એક નવો વિક્રમ પ્રસ્થાપિત થયો છે. આ ક્ષેત્રમાં દુનિયાના કેટલાયે દેશ આગળ છે, પંરતુ ભારતના વૈજ્ઞાનિકોએ ઈન્ડમેક્સની જે યોજના હતી અને કાચા માલમાંથી પ્રોસેસ કરવાની ટેકનિકમાં ભારતના વૈજ્ઞાનિકો દ્વારા, ભારતમાં બનેલો, ભારતના ટેકનિશિયનો દ્વારા નિર્માણ પામેલો પ્રોજેક્ટ, આજે પારાદીપમાં શરૂ કરી રહ્યા છે.

વિશ્વના લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કે આટલી મોટી માત્રામાં આઉટકમ આપનારું, આટલી તીવ્ર ગતિથી આઉટકમ આપનારું, આટલી પરફેક્ટ પ્રોસેસ કરનારું, આટલી ઝીણવટથી દરેક એલીમેન્ટનું ડિવિઝન કરનારું, આ ટેકનોલોજી ડેવલપ કરવા માટે સમગ્ર વિશ્વના ટેકનિશિયન, વૈજ્ઞાનિકોને ભારતે આશ્ચર્યમાં મૂકી દીધા છે અને આ કામ આ પારાદીપ રીફાઈનરીમાં થઈ રહ્યું છે.

સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે અને તેના કારણે એલપીજીના ઉત્પાદનમાં ઘણો મોટો વધારો થનારો છે. આપણી અર્થવ્યવસ્થાને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનનું કારણ આ રીફાઈનરી બનશે. અને એટલે જ ભાઈઓ-બહેનો, એ તમામ વૈજ્ઞાનિકો, એ તમામ ટેકનિશિયનો પણ આ વાત માટે ખૂબ-ખૂબ અભિનંદનના અધિકારી છે. હું શ્રી ધર્મેન્દ્ર પ્રધાન જીને, તેમની સમગ્ર ટીમને આ કામ ઝડપભેર આગળ વધારવા 18 મહિનાની અંદર અંદર પૂર્ણતાએ પહોંચાડવા માટે હૃદયથી ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. એમનો જયઘોષ કરું છું.

ભાઈઓ-બહેનો, આ પારાદીપ, એવો દીપ પ્રજ્જ્વલિત થયો છે જે વિકાસની નવી સંભાવનાઓ લઈને આવ્યો છે. સદીઓ પહેલાં, ઓડિશામાં સ્વર્ણિમ યુગ હતો. આ પારાદીપ બાદ ઓડિશામાં ફરી એકવાર ઉજ્જ્વળ ભવિષ્યનો સમયગાળો શરૂ થઈ રહ્યો છે અને ભારત સરકાર આ કામ માટે જે કરવું પડતું હશે તે બધું કરશે, ક્યારેય પીછેહઠ નહીં કરે.

ભારત સરકારની પૂરેપૂરી મદદ મળશે, કારણ કે ઓડિશાના નવયુવાન હિન્દુસ્તાનનું ભાગ્ય બદલવાના છે. તેમને અવસર મળવા જોઈએ અને અવસર ઉપલબ્ધ કરાવવાનું કામ આ સરકાર કરી રહી છે.

મારી તમને સહુને ખૂબ-ખૂબ શુભકામનાઓ છે. ફરી એકવાર તમને સહુને,

જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ.

AP/J.Khunt