પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી જુલાઈએ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. સવારે 11 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી જિંદ રેલવે સ્ટેશન પર જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. સવારે 11:30 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી એકલવ્ય સ્ટેડિયમ, જિંદ ખાતે આશરે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ, પ્રધાનમંત્રી ચંદીગઢ જશે જ્યાં બપોરે 1:45 વાગ્યાની આસપાસ, તેઓ ₹6,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે પણ જનમેદનીને સંબોધિત કરશે.
ત્યારપછી, પ્રધાનમંત્રી જલંધરની મુલાકાત લેશે જ્યાં તેઓ ₹5,470 કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
જિંદમાં પીએમ
પ્રધાનમંત્રી રેલવે ક્ષેત્રમાં સ્વચ્છ અને ટકાઉ ગતિશીલતા (મોબિલિટી) અપનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ચિહ્નિત કરતા, જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન-સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ભારતમાં ડિઝાઇન, એન્જિનિયર્ડ અને ઇન્ટિગ્રેટેડ કરાયેલી આ ટ્રેન સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે, જે અદ્યતન રેલવે એન્જિનિયરિંગમાં દેશની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. આની રજૂઆત સાથે, ભારત હાઇડ્રોજન-સંચાલિત ટ્રેનો કાર્યરત હોય તેવા દેશોના ચુનિંદા જૂથમાં સામેલ થશે.
આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે ટ્રેનને આગળ ધકેલવા માટે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયા આડપેદાશ તરીકે માત્ર પાણીની વરાળ ઉત્પન્ન કરે છે, પરિણામે કામગીરી દરમિયાન શૂન્ય કાર્બન ઉત્સર્જન થાય છે.
ડીઝલ ટ્રેનોની તુલનામાં, તેઓ ટેલપાઇપ ઉત્સર્જનને દૂર કરે છે, અશ્મિભૂત ઇંધણ અને અશ્મિભૂત ઇંધણની આયાત પર નિર્ભરતા ઘટાડે છે અને નોંધપાત્ર રીતે ઓછા અવાજ સાથે કાર્ય કરે છે. પરંપરાગત ઇલેક્ટ્રિક ટ્રેનોથી વિપરીત, તેમને સતત ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોતી નથી, કારણ કે વીજળી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા ઓનબોર્ડ જ ઉત્પન્ન થાય છે, જે તેને એક સ્વચ્છ અને કાર્યક્ષમ ઉકેલ બનાવે છે. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ અશ્મિભૂત ઇંધણ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી ઉત્પન્ન થતી વીજળી પરની નિર્ભરતાને પણ ઘટાડે છે, જે ટકાઉ પરિવહન તરફ ભારતના સંક્રમણને ટેકો આપે છે.
ભારતની હાઇડ્રોજન ટ્રેન 10-કોચનું કન્ફિગરેશન ધરાવે છે, જે તેને અત્યાર સુધી વિકસાવવામાં આવેલી સૌથી લાંબી હાઇડ્રોજન-સંચાલિત પેસેન્જર ટ્રેનોમાંની એક બનાવે છે. તે 3,200 HP પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે, જે તેને કાર્યરત સૌથી શક્તિશાળી હાઇડ્રોજન-સંચાલિત ટ્રેનસેટ્સમાંની એક બનાવે છે.
પ્રધાનમંત્રી હરિયાણામાં ₹12,470 કરોડથી વધુના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે તેમજ તેનો શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી આશરે ₹9,680 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ 157.92 કિમી લાંબો ફોર-લેન, સંપૂર્ણ એક્સેસ-કંટ્રોલ્ડ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે (પેકેજ 1 થી 5) રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ગ્રીનફિલ્ડ કોરિડોર 667 કિમી લાંબા દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેનો એક ભાગ છે. આ એક્સપ્રેસવે દિલ્હી અને કટરા વચ્ચેનો મુસાફરીનો સમય આશરે 14 કલાકથી ઘટાડીને લગભગ 6 કલાક કરશે, જ્યારે દિલ્હી-અમૃતસરની મુસાફરી આશરે 8 કલાકથી ઘટાડીને 4 કલાક કરશે. આ પ્રોજેક્ટથી NH-44 (જીટી રોડ) પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે, શ્રી માતા વૈષ્ણો દેવીના યાત્રાળુઓ અને પ્રવાસીઓના ટ્રાફિકને પ્રોત્સાહન મળશે અને કોરિડોરની આસપાસ ઔદ્યોગિક તેમજ લોજિસ્ટિક્સ વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે.
પ્રધાનમંત્રી NH-7 અને NH-344 પર 33.81 કિમી લાંબો ફોર-લેન, આંશિક રીતે એક્સેસ-કંટ્રોલ્ડ અંબાલા-કાલા અંબ હાઈવે પણ સમર્પિત કરશે. આ હાઈવે અંબાલા શહેરી સમૂહ અને કાલા અંબ ઔદ્યોગિક પટ્ટા વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે, હરિયાણા અને હિમાચલ પ્રદેશ વચ્ચેના રોડ જોડાણો સુધારશે, પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવરને સરળ બનાવશે અને કાલા અંબ વિસ્તારના ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે.
સમર્પિત કરવામાં આવનારો અન્ય એક મોટો પ્રોજેક્ટ NH-352A પર 40.60 કિમી લાંબો જિંદ-ગોહાના ગ્રીનફિલ્ડ હાઈવે છે. આ નવો હાઈવે જિંદ અને ગોહાના વચ્ચેનો મુસાફરીનો સમય આશરે બે કલાકથી ઘટાડીને માત્ર 40 મિનિટ કરશે, જે મુસાફરો, નૂર પરિવહન અને કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ જિંદ-ગોહાના ક્ષેત્રને લાભ આપશે અને સાથે રોહતક, પાણીપત તેમજ દિલ્હી-એનસીઆર સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે.
પ્રધાનમંત્રી 24.27 કિમી લાંબા હાંસી-બરવાલા બ્રાઉનફિલ્ડ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જે હાલના કેરેજવેને પેવ્ડ શોલ્ડર્સ સાથે 2/4-લેન કન્ફિગરેશનમાં અપગ્રેડ કરશે.
પ્રધાનમંત્રી કુરુક્ષેત્રમાં એલિવેટેડ રેલવે ટ્રેક સમર્પિત કરશે, જે એક મોટો શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે જે શહેરમાં રેલવે ક્રોસિંગ પર લાંબા સમયથી ચાલતી ટ્રાફિકની ભીડને દૂર કરશે. આ પ્રોજેક્ટ વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરશે, માર્ગ સલામતીમાં સુધારો કરશે અને રેલવે તેમજ રોડ પરિવહન પ્રણાલી બંનેની કાર્યક્ષમતામાં વધારો કરશે.
પ્રધાનમંત્રી મોટી તબીબી સંસ્થાઓ પણ જેમ કે પંડિત નેકી રામ શર્મા ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભિવાની, મહર્ષિ ચ્યવન મેડિકલ કોલેજ અને રાવ તુલા રામ હોસ્પિટલ, કોરિયાવાસ, નારનૌલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સંસ્થાઓ હરિયાણામાં ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણની પહોંચનો વિસ્તાર કરશે, MBBS ની બેઠકોમાં વધારો કરશે, નિષ્ણાત હેલ્થકેર પ્રોફેશનલ્સની ઉપલબ્ધતામાં સુધારો કરશે અને લોકોને તેમના ઘરની નજીક વધુ સારી તબીબી સેવાઓ મેળવવા માટે સક્ષમ બનાવશે, જેથી રાજ્યની હેલ્થકેર ઇકોસિસ્ટમ મજબૂત થશે.
આ ક્ષેત્રના સાંસ્કૃતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સમૃદ્ધ બનાવતા, પ્રધાનમંત્રી કુરુક્ષેત્રમાં શીખ મ્યુઝિયમનો શિલાન્યાસ કરશે. આ મ્યુઝિયમ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શીખ ધર્મનો ઇતિહાસ, શીખ ગુરુઓના ઉપદેશો, તેમની હિંમત, બલિદાન અને ભારતના સદ્ભાવ અને સંસ્કૃતિમાં શીખ સમુદાયના અમૂલ્ય યોગદાનને પ્રદર્શિત કરશે.
ચંદીગઢમાં પીએમ
પ્રધાનમંત્રી હેલ્થકેર, શિક્ષણ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવરી લેતા ₹6,600 કરોડથી વધુના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER), ચંદીગઢ ખાતે એડવાન્સ્ડ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટર અને એડવાન્સ્ડ ન્યુરોસાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.
એડવાન્સ્ડ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટરને ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થા, ગંભીર રીતે બીમાર નવજાત શિશુઓ અને વિશિષ્ટ સારવારની જરૂરિયાતવાળા બાળકો માટે વ્યાપક તૃતીય કક્ષાની (tertiary) હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 300 બેડ અને અત્યાધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સેન્ટર માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓને નોંધપાત્ર રીતે મજબૂત કરશે અને આ પ્રદેશના હજારો પરિવારોને લાભ આપશે.
એડવાન્સ્ડ ન્યુરોસાયન્સ સેન્ટર ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, ન્યુરો-ક્રિટિકલ કેર અને અદ્યતન નિદાન સુવિધાઓ એક જ છત નીચે સંકલિત સેવાઓ પ્રદાન કરશે. તે જટિલ ન્યુરોલોજીકલ વિકૃતિઓથી પીડાતા દર્દીઓ માટે સમયસર અને વિશ્વસ્તરીય સારવાર સુનિશ્ચિત કરશે અને સાથે ન્યુરોસાયન્સમાં તબીબી સંશોધન, શિક્ષણ અને તાલીમને મજબૂત કરશે.
પ્રધાનમંત્રી પીજીઆઈએમઈઆર (PGIMER), ચંદીગઢ ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) અંતર્ગત 150-બેડના અત્યાધુનિક ક્રિટિકલ કેર બ્લોકનો શિલાન્યાસ પણ કરશે. આ સુવિધા પ્રદેશના એકંદર હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની સાથે કટોકટીની સજ્જતા, સઘન સંભાળ સેવાઓ અને આપત્તિ પ્રતિભાવ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.
પ્રધાનમંત્રી ચંદીગઢમાં શૈક્ષણિક સંસ્થાઓ સંબંધિત કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજ ખાતે કુરુક્ષેત્ર બોયઝ હોસ્ટેલ એન્ડ મેસનું ઉદ્ઘાટન, ગવર્નમેન્ટ કોલેજ, સેક્ટર 46 માં હોસ્ટેલ બ્લોકનું ઉદ્ઘાટન અને પંજાબ એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસર્ચ સ્કોલર્સ હોસ્ટેલનો શિલાન્યાસ સામેલ છે. આ સુવિધાઓ શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે રહેણાંક સુવિધાઓમાં સુધારો કરશે અને ઉચ્ચ શિક્ષણ માટે વધુ સારું વાતાવરણ ઊભું કરશે.
પ્રધાનમંત્રી આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાના ઉદ્દેશ્ય સાથે મુખ્ય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ મોહાલી જિલ્લામાં આઈટી સિટીથી કુરાલી સુધીના 6-લેન ગ્રીનફિલ્ડ હાઈવેનું ઉદ્ઘાટન કરશે, જે આ પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આ હાઈવે મોહાલી, ખરડ અને કુરાલી વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડશે અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ તેમજ કાશ્મીર વચ્ચે બહેતર કનેક્ટિવિટી પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી 6-લેન ઝિરાકપુર ગ્રીનફિલ્ડ બાયપાસનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટથી ઝિરાકપુર-પંચકુલા પટ્ટા વચ્ચેનો મુસાફરીનો સમય ઘટશે અને મુસાફરો માટે વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડે તેવી અપેક્ષા છે. અંબાલા-ચંદીગઢ ગ્રીનફિલ્ડ હાઈવે (NH-205A) ના PR-7 સ્પર માટે પણ શિલાન્યાસ કરવામાં આવશે, જે 10.3-કિલોમીટરનો ગ્રીનફિલ્ડ કોરિડોર છે જે લાંબા અંતરના ટ્રાફિકને ઝિરાકપુરના શહેરી વિસ્તારોને બાયપાસ કરવા સક્ષમ બનાવશે અને ઝિરાકપુર બાયપાસને સીધો એરોસિટી, ચંદીગઢ સાથે જોડશે.
જલંધરમાં પીએમ
પ્રધાનમંત્રી આ પ્રદેશમાં કનેક્ટિવિટી મજબૂત કરવા, મુસાફરોની સુવિધામાં સુધારો કરવા અને આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ₹5,470 કરોડથી વધુના રેલવે અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જલંધર કેન્ટ સહિત 75 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. 20 રાજ્યોમાં 75 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન એ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અન્ય એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે વિશ્વના સૌથી મોટા સ્ટેશન પુનર્વિકાસ કાર્યક્રમોમાંનો એક છે. આશરે ₹1,570 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ સ્ટેશનોને આધુનિક, મુસાફરો માટે અનુકૂળ સુવિધાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. ‘વિરાસત ભી, વિકાસ ભી‘ ની ભાવનાથી પુનર્વિકસિત આ સ્ટેશનોમાં સ્થાનિક સંસ્કૃતિ, ધરોહર અને સ્થાપત્યને પ્રતિબિંબિત કરતા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નંગલ ડેમ-તલવાડા-મુકેરિયા નવી રેલવે લાઇન પ્રોજેક્ટના ભાગ રૂપે આશરે ₹830 કરોડના ખર્ચે નિર્મિત કૌલતપુર ચોક-કાર્તોલી નવી રેલવે લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે. તે હોશિયારપુર અને ઉના જિલ્લાઓને લાભ આપતા પંજાબ અને હિમાચલ પ્રદેશ વચ્ચે રેલવે કનેક્ટિવિટી નોંધપાત્ર રીતે મજબૂત કરશે. આ નવી રેલવે લાઇન શ્રી આનંદપુર સાહિબ અને મા ચિંતપૂર્ણી મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળો માટે કનેક્ટિવિટી પ્રદાન કરશે, જ્યારે મુસાફરોને વધુ ઝડપી, સુરક્ષિત અને વધુ વિશ્વસનીય પરિવહન મોડ પ્રદાન કરીને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ વધારશે.
પ્રધાનમંત્રી કાર્તોલી-અંબાલા ટ્રેન સેવાનો શુભારંભ કરાવશે, જે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે. પ્રધાનમંત્રી અમૃતસર (છેહરટા)-વારાણસી ટ્રેન સેવાનો પણ શુભારંભ કરાવશે, જે ભારતના બે સૌથી પૂજનીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રો વચ્ચે સીધું રેલવે જોડાણ સ્થાપિત કરશે.
રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવતા, પ્રધાનમંત્રી ₹3,070 કરોડથી વધુના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી ફોર-લેન ગ્રીનફિલ્ડ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના 30.9 કિમી લાંબા પેકેજ-6નું ઉદ્ઘાટન કરશે. આ વિભાગ ખાસ કરીને ભારે વાહનો માટે સરળ અને ઝડપી મુસાફરીની સુવિધા આપશે, જ્યારે ઇંધણનો વપરાશ અને વાહન સંચાલન ખર્ચ ઘટાડશે.
પ્રધાનમંત્રી 25.2 કિમી લાંબા સિક્સ-લેન ગ્રીનફિલ્ડ સધર્ન લુધિયાણા બાયપાસના વિકાસ માટે શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ લુધિયાણા અને ભટિંડા વચ્ચે મુસાફરીનું અંતર અને સમય ઘટાડશે, જ્યારે અન્ય અગ્રણી આર્થિક કેન્દ્રો સાથે કનેક્ટિવિટીમાં પણ સુધારો કરશે.
SM/IJ/JD