Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પુનરુત્થાન માટે શિક્ષણ પર અકાદમિક નેતૃત્વ પરની પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મંચ પર બિરાજમાન આ પરિષદના અધ્યક્ષ શ્રીરામ રામ બહાદુર રાયજી, મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી પ્રકાશ જાવડેકરજી, ડોક્ટર સત્યપાલ સિંહજી, યુજીસી ચેરમેન ડૉ. ધીરેન્દ્ર પ્રતાપ સિંહજી, રીસર્ચર ફોર રિસર્જન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. સચિદાનંદ જોશી, ઇગ્નુના કુલપતિ ડૉ. નાગેશ્વર રાવ, સંગોષ્ઠીમાં કેન્દ્રીય, રાજ્ય અને ખાનગી વિશ્વવિદ્યાલયોમાંથી આવેલા કુલપતિઓ, ઉપ કુલપતિઓ અને ડાયરેકટર્સ શિક્ષા જગતના તમામ અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો.

આજે આપ સૌ પુનરુત્થાન માટે શિક્ષણ પર શૈક્ષણિક નેતૃત્વના વિષય પર એક સાર્થક ચર્ચા કરવા માટે અહિં એકત્રિત થયા છો. સૌથી પહેલા હું આપ સૌને આ મહત્વપૂર્ણ વિષયોને ઉઠાવવા બદલ અભિનંદન આપું છું. ભવિષ્યના ભારત માટે નવા ભારત માટે આવા વિષયોનું મંથન ઘણું જ જરૂરી પણ છે અને સમયની માંગ પણ છે. સાથીઓ, જ્યારે હું રિસર્જન્સ અર્થાત પુનરુત્થાન જેવા શબ્દના વિષયમાં વિચારું છું તો મન મસ્તિષ્કમાં પહેલી છબી સ્વામી વિવેકાનંદજીની ઉભરી આવે છે. સ્વામી વિવેકાનંદે જ દાયકાઓ પહેલા ભારતના દર્શનની શક્તિનું પુનરુત્થાન વિશ્વની સમક્ષ પ્રગટ કર્યું હતું. આ તે સમયની વાત છે જ્યારે દુનિયા એક રીતે આપણા દેશની ક્ષમતાઓ, આપણા સામર્થ્ય, આપણા યોગદાન, આપણો પુરુષાર્થ, આપણું પરાક્રમ આ બધું જ ભૂલી ચુકી હતી અને ભૂલવાડી દેવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીની વાતથી જ હું મારી વાત શરુ કરવા માંગું છું.તેમણે શિક્ષણના વિષયમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી હતી, જે આજે પણ હું સમજુ છું કે આપણી આજની પરિષદનો માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. આપણે એવી સર્વસંપન્ન શિક્ષા જોઈએ વિવેકાનંદજીએ કહ્યું હતું આપણે એવી સર્વસંપન્ન શિક્ષા જોઈએ કે જે આપણને મનુષ્ય બનાવી શકે. શિક્ષા માત્ર તે જાણકારીનું નામ નથી, જે તમારા મસ્તિષ્કમાં ભરી દેવામાં આવી છે. આપણે તો ભાવનાઓ અને વિચારોને એવી રીતે આત્મસાત કરવા જોઈએ, જેનાથી જીવન નિર્માણ થઇ શકે, માનવતાનો પ્રસાર થાય અને ચરિત્ર ગઠન થાય. આ વિવેકાનંદજીની વાતો છે અને જો આજે હું પુનરુત્થાનની વાત કરું તો હું નથી માનતો કે આની બહાર વધુ પરંતુ તેમ છતાં પણ જ્યારે સમય બદલાય છે તો કેટલીક વસ્તુઓ જોડાઈ પણ જાય છે, પરંતુ તે જ મૂળ વિચારના પ્રકાશ જોડાઈ જાય છે અને આ ત્રણ તત્વો આજના શિક્ષણના ત્રણ સ્તંભ છે – જીવન નિર્માણ, માનવતા અને ચરિત્ર ગઠન. સ્વામીજીના આ જ વિચારોથી પ્રેરિત બનીને હું આજે આમાં એક વધુ સ્તંભ જોડવાનું સાહસ કરું છું. કારણ કે સમયની માંગ છે.. અને તે છે – નવોન્મેષ, નવ ઉન્મેષ, નવીનીકરણ. જ્યારે નવીનીકરણ અટકી જાય છે તો જિંદગી અટકી પડે છે. કોઈ યુગ, કોઈ કાળ, કોઈ વ્યવસ્થા એવી નથી હોઈ શકતી કે જે નવીનીકરણ વિના ચાલી શકે છે. જીવંતતાનું પણ જો એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે અને તે નવીનીકરણ છે. જો નવીનીકરણ નથી તો જિંદગીને વેંઢારવાની હોય છે. વ્યવસ્થાઓ, વિચાર, જિંદગી પરંપરાઓ એ બધું બોજ બની જાય છે. જો આપણે આ ચારેય પાસાઓને લઈને આપણી ઉચ્ચ શિક્ષાના પુનરુત્થાનના વિષયમાં વિચાર કરીશું તો આપણને એક સાચી દિશા જોવા મળે છે. શિક્ષણની એવી દિશા કે જે વ્યક્તિના જીવનથી લઈને સમાજની જરૂરિયાતો અને રાષ્ટ્રના નિર્માણ સુદ્ધામાં કામ આવે. એટલું જ નહીં શિક્ષાની આ દિશાને ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરે તે જ સમયગાળામાં જુદી રીતે સમજાવ્યું હતું. ત્યારે જ તો તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિનો જન્મ કોઈ ને કોઈ લક્ષ્યની સાથે થતો હોય છે. અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવામાં શિક્ષણનું ઘણું મોટું યોગદાન હોય છે. હું એ જ વાતને આગળ વધારીને પણ કહીશ કે જે રીતે વ્યક્તિના જીવનમાં છે દરેક સંસ્થાનો જન્મ પણ કોઈ ને કોઈ નિર્ધારિત લક્ષ્યની સાથે થવો જોઈએ અને પછી તેની માટે સાધન અને સાધ્યમાં એકસૂત્રતા પણ હોવી જોઈએ.

સાથીઓ, જ્યારે વાત વિદ્યા, વિદ્યાલય, વિદ્યાર્થીની થઇ રહી હોય તો હું તમારું ધ્યાન આપણા દેશની પુરાતન ગૌરવશાળી પરંપરા તરફ પણ લઇ જવા માંગું છું. અમારી સંસ્કૃતિનો આધાર સ્તંભ વેદ છે. તમે સૌ એ વાત જાણો છો કે વેદ એ સંસ્કૃત ભાષાના વિદ શબ્દ વડે બનેલ છે, જેનો શાબ્દિક અર્થ જ્ઞાનગ્રંથ છે. આ જ વિદથી વિદ્યા શબ્દ વિકસિત થયો છે એટલે કે જ્ઞાન વિના આપણા સમાજ, આપણા દેશ અને પરથી આપણા જીવનના આધારની પણ કલ્પના ક્યારેય કરી શકાય તેમ નથી. સાથીઓ, જ્ઞાન અને શિક્ષા માત્ર પુસ્તકો જ નથી હોઈ શકતી. શિક્ષાનો ઉદ્દેશ્ય, વ્યક્તિના દરેક પાસાને સંતુલિત વિકાસ કરવાનો હોય, અને આપ સૌ જાણો છો કે સંતુલિત વિકાસ તેની માટે સતત નવીનીકરણ જરૂરી હોય છે. આપણા પ્રાચીન તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા જેવા વિશ્વવિદ્યાલયોમાં જ્ઞાનની સાથે નવીનીકરણ પર પણ ભાર મુકવામાં આવતો હતો. ત્યારે જ તો આવા વિદ્યાના મંદિરોમાંથી આચાર્ય ચાણક્ય, આર્ય ભટ્ટ, પાણીની, ધન્વન્તરી, ચરક, સુશ્રુત, અગણિત વિદ્વાનો તેમાંથી નીકળ્યા હતા. જો તેઓએ માત્ર પુસ્તકિયા જ્ઞાનને પુરતું માની લીધું હોત તો શું દુનિયાને રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ખગોળવિજ્ઞાન, શૈલ્ય ચિકિત્સા, ગણિત અને વ્યાકરણના નિયમો મળી શકત ખરા? મને નથી લાગતું કે તે કદાચ મળી શકત. અને એટલા માટે જ જ્યારે “પુનરુત્થાન માટે શિક્ષણ”ની વાત આવે છે તો માન્યતામાં, વિચારોમાં, નવીનતા વિના કામ નથી ચાલી શકતું.

ભાઈઓ – બહેનો, શિક્ષણ અને શિક્ષણમાં પુસ્તકિયા જ્ઞાનને લઈને આપણા દેશના આધુનિક ઈતિહાસના ત્રણ મહાપુરુષોના વિચારો એક જેવા હતા. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, દિનદયાળ ઉપાધ્યાય અને ડૉ. રામમનોહર લોહીયા. તેમણે શિક્ષણમાં ચરિત્ર અને સમાજહિતનું પ્રતિબિંબ જોયું અને બાબાસાહેબ આંબેડકરે કહ્યું– ચરિત્રહીન અને વિનયહીન સુશિક્ષિત વ્યક્તિ પશુ કરતા પણ વધુ ખતરનાક હોય છે. જો સુશિક્ષિત વ્યક્તિની શિક્ષા ગરીબ જનતાના હિતને વિરોધી હશે, તો વ્યક્તિ સમાજની માટે અભિશાપ બની જાય છે. શિક્ષણથી વધુ મહત્વ ચરિત્રનું હોય છે. આ શબ્દો ડૉ. બાબાસાહેબ આંબેડકરના છે. ત્યાં જ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીએ પણ શિક્ષાની સામાજિક જવાબદારીઓને જોડીને કહ્યું હતું કે સમાજે દરેક વ્યક્તિને સુચારુ રૂપે શિક્ષિત કરવી પડશે ત્યારે જઈને તે સમાજ પ્રત્યે જવાબદારીઓને પૂરી કરવામાં સક્ષમ બનશે. અહિંયાં તેમણે શિક્ષણ સંસ્થાનો સુધી જ સીમિત નથી રાખ્યો વિચાર, સમાજે જ સમાજને શિક્ષિત કરવો, એક પેઢી બીજી પેઢીને સંસ્કાર સંક્રમણ કરે છે તે વિચારને આધુનિક સ્વરૂપમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીએ જોયો હતો. દેશના મનીષી ડૉ. રામમનોહર લોહિયા પણ કહેતા હતા કે – શિક્ષા એ શોધપરક સંશોધન આધારિત હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થાનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે જે વ્યક્તિ, પરિવાર, સમાજ અનેરાષ્ટ્રને એકસૂત્રમાં બાંધી શકે. આપણે તે સમાજની કલ્પના નથી કરી શકતા કે એક વર્તુળ એટલે કે વ્યક્તિ, બીજું વર્તુળ એટલે પરિવાર, ત્રીજું વર્તુળ એટલે સમાજ, ચોથું વર્તુળ એટલે રાજ્ય, પાંચમું વર્તુળ એટલે દેશ.. આવી કલ્પના આપણે નથી કરી શકતા. આપણે તો વ્યક્તિથી ચાલતા ચાલતા પરિવાર, પરિવારથી ચાલતા ચાલતા એક જ ધારામાં એક જ સૂત્રમાં વિસ્તારિત થતું જાય એ કલ્પના લઈને ચાલનારા લોકો છીએ, આપણે એવા વર્તુળની કલ્પના જ નથી કરી શકતા કે એક વર્તુળ બીજાની સાથે જોડાયેલું નથી. બંને વર્તુળો અલગ અલગ છે તો સમાજનો વૈચારિક વિકાસ, વિસ્તાર અને સંસ્કારની પ્રવૃત્તિ અસંભવ હશે. દેશના આ ત્રણ મહાન ચિંતકોના વિચારોમાંથી પણ સ્પષ્ટ થાય છે કે શિક્ષણનું જો કોઈ લક્ષ્ય ન હોય તો તે ખીંટીએ લટકતા સર્ટિફિકેટથી વધુ બીજું કંઈ જ નથી હોઈ શકતું.

સાથીઓ, આપણે એક અન્ય વાસ્તવિકતાને પણ સ્વીકાર કરવી પડશે કે આજે દુનિયામાં કોઈ પણ દેશ સમાજ કે વ્યક્તિ એકલો – આઈસોલેટ બનીને નથી રહી શકતો. આપણે વૈશ્વિક નાગરિક અને વૈશ્વિક ગ્રામના દર્શન અંગે વિચારવું જ પડશે. અને આ દર્શન તો આપણા સંસ્કારોમાં પ્રાચીનકાળથી ઉપસ્થિત છે. જ્યારે આપણે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ની વાત કરીએ છીએ તો આપણા દર્શનનો ભાગ આ જ વિશ્વ પરિવાર વૈશ્વિક ગ્રામનો હોય છે. આ જ વિઝન પર ચાલીને આજે સરકાર શિક્ષાને લક્ષ્ય આપવા, તેને સમાજ સાથે જોડવા અને શિક્ષણની સમસ્યાઓના ઉપાય શોધવાની દિશામાં સતત પ્રયાસો કરી રહી છે, નવીનીકરણ પણ કરી રહી છે.

સાથીઓ, આજે આપણા દેશના લગભગ લગભગ 900 વિશ્વવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાન સાથે જ દેશમાં લગભગ 40 હજાર કોલેજો છે. તમે વિચારી શકો છો કે કેટલી મોટી તાકાતની વાત આપણા માથે છે. જો આપણે આપણા ગામડાઓ અને શહેરોની સમસ્યાઓને પડકારો સામે લડવામાં આ શિક્ષણ સંસ્થાનોનો વધુમાં વધુ સહયોગ લઈએ, તો પરિસ્થિતિ કેટલી જુદી થઇ જશે. અને મારો કહેવાનો અર્થ એ છે કે આપણે “ઇન્ટરલીંક ઇન્સ્ટીટયુશન ટુ ઇનોવેટ એન્ડ ઇનક્યુબેટ”ના દર્શન પર કામ કરીએ. એક એવું આંતરજોડાણ જે સમાજ અને સંસ્થાનને જોડીએ અને સંસ્થાનોને પણ આંતરિક રીતે જોડીએ અને બધું ભેગું કરીને રાષ્ટ્રના સપનાઓની સાથે જોડીએ. કલ્પના કરી લો કે 20-22 વર્ષનો વિદ્યાર્થી પોતાની ડીગ્રી માટે અભ્યાસ કરતી વખતે જ્યારે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોતાની વિચાર પ્રક્રિયાને વિકસિત કરશે તો કેટલો ફરક પડી શકે છે. જે તેઓ પોતાના પ્રોજેક્ટ્સ પર કામકરતી વખતે વિચારી પણ રાખશે કે તેનો ઉપયોગ સમાજના કામમાં આવશે, તો પરિણામ નિશ્ચિતપણે ખૂબ જ હકારાત્મક થશે.

સાથીઓ, ઉચ્ચ શિક્ષણમાં આપણા ઉચ્ચ વિચાર, ઉચ્ચ આચાર, ઉચ્ચ સંસ્કાર અને ઉચ્ચ વ્યવહારની સાથે જ સમાજની સમસ્યાઓનું ઊંચું સમાધાન પણ ઉપલબ્ધ કરાવવાનું છે. મારો આગ્રહ છે કે વિદ્યાર્થીઓને કોલેજ યુનિવર્સિટીના ક્લાસરૂમમાં તો ધ્યાન આપીએ જ, પરંતુ તેમને દેશની આશાઓ આકાંક્ષાઓની સાથે પણ જોડવું પડશે. આ જ માર્ગ પર ચાલીને કેન્દ્ર સરકારનો પણ એ જ પ્રયત્ન છે કે આપણે દરેક સ્તર પર દેશની જરૂરિયાતોમાં શિક્ષણ સંસ્થાનોને ભાગીદાર બનાવીએ. આ જ વિઝનની સાથે અમે જે રીતે હમણાં જાવડેકરજીએ ઉલ્લેખ કર્યો અટલ ટિંકરીંગ લેબની શરૂઆત કરી છે. તેમાં શાળાના બાળકોમાં નવીનીકરણની પ્રવૃત્તિ વધારવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી દેશની 2000થી વધુ શાળાઓમાં આવી ટિંકરીંગ લેબની શરૂઆત થઇ ચુકી છે અને આગામી કેટલાક મહિનાઓમાં અમે આની સંખ્યાઓને વધારીને 5000 સુધી કરવા જઈ રહ્યા છીએ. અને મેં વચ્ચે એકવાર ટેકનોલોજીના માધ્યમથી વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી દેશભરના જુદા જુદા ખૂણામાં અટલ ટિંકરીંગ લેબમાં કામ કરનારા બાળકોની સાથે વાત કરી હતી. 8મા, 9મા, 10મા ધોરણના બાળકો હતા. એટલે કે મને તે કાર્યક્રમને છોડવાનું મન નહોતું થતું. મારા તે કાર્યક્રમ પછી ઘણા બધા કાર્યક્રમોની લાઈન લાગેલી હતી. પરંતુ તેમ છતાં મેં તે બાળકોને સાંભળ્યા, તેઓ એક એક પ્રયોગ બતાવી રહ્યા હતા કે અમે લેબમાં આવું કર્યું, અમે લેબમાં તેવું કર્યું એટલે કે હું ચકિત થઇ જતો હતો. એટલે કે આપણા બાળકોમાં કેટલી ક્ષમતા છે તેમને થોડો પણ અવસર આપવામાં આવે, તેમની અંદરની શક્તિઓને બહાર લાવવામાં આવે તો કલ્પના બહારનું પરિણામ લાવી આપે છે. થોપવામાં ન આવે. સમસ્યા ત્યાં જ ઉભી થાય છે.

અમારી સરકાર શિક્ષણ જગતમાં રોકાણ પર પણ ધ્યાન આપી રહી છે. જેમ કે શિક્ષણનું માળખાગત બાંધકામ વધુ સારું બનાવવા માટે રાઈઝ એટલે કે રીવાઈટલાઈઝિંગ ઑફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ ઇન એજ્યુકેશન આ કાર્યક્રમને અમે વ્યાપક રૂપે શરુ કર્યો છે. તેના માધ્યમથી 2022 જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ થશે. 2022 સુધી એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો અમારો ઈરાદો છે. સરકારે એચઈએફએ એટલે કે હાયર એજ્યુકેશન ફંડિંગ એજન્સીની સ્થપના પણ કરી છે કે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાની સ્થાપનામાં આર્થિક સહાયતા પણ પૂરી પાડશે.સરકારે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અભિયાન બજેટ પણ ત્રણ ગણું વધારવાનો નિર્ણય લીધો છે. હમણાં પ્રકાશજી આંકડા આપી રહ્યા હતા પરંતુ મારે વધુ આગળ જવું છે. આ રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણને મજબુત કરવામાં પ્રભાવક પગલાઓ સાબિત થશે.

ભાઈઓ અને બહેનો, પાછલા ચાર વર્ષોમાં દેશમાં ઘણા બધા નવા આઈઆઈટી, નવા આઈઆઈએમ, નવા આઈઆઈએસઈઆર અને નવા આઈઆઈઆઈટી, નવા કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયો સ્વીકૃત કરવામાં આવ્યા છે. સરકાર એક નીતિ પણ લાવી છે, જે અંતર્ગત દેશમાં 20 ઇન્સ્ટીટયુટ્સ ઑફ એમિનન્સની સ્થાપના કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. તેમાં 10 જાહેર ક્ષેત્રના અને 10 ખાનગી ક્ષેત્ર. આ નીતિનો ઉદ્દેશ્ય દેશના શિક્ષણ સંસ્થાનોને દુનિયાના સિદ્ધ સંસ્થાનોની યાદીમાં સામેલ કરવાનું છે. આજે આપણે વિશ્વકક્ષાના ટોચના 500માં ઘણી ઓછી માત્રામાં જોવા મળીએ છીએ. આ સ્થિતિ આપણે બદલવાની છે અને તેની માટે સરકાર જાહેર ક્ષેત્રના પ્રત્યેક સંસ્થાન પર લગભગ એક હજાર કરોડ રૂપિયા આવનારા કેટલાક વર્ષોમાં ખર્ચ કરશે. તમે એ વાતથી પણ ખૂબ સારી રીતે પરિચિત હશો કે ગ્લોબલ ઈનિશ્યેટીવ ફોર એકેડમિક નેટવર્ક એટલે કે જ્ઞાન યોજના અંતર્ગત અમે ભારતીય સંસ્થાનોમાં ભણાવવા માટે દુનિયાભરના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને આમંત્રિત કરી રહ્યા છીએ.

સાથીઓ, અમારી સરકાર શિક્ષણ સંસ્થાનોમાં વિચારોના ખુલ્લા પ્રવાહના પક્ષમાં છે. અમે આઈઆઈએમ જેવા સંસ્થાનોને સ્વાયત્તતા આપીને તેની શરૂઆત કરી દીધી છે. મને નવાઈ લાગે છે કે આ વાતણ ચર્ચા ક્યાય નથી થઇ રહી. વિદ્વાન લોકો પણ ખબર નહીં ચુપ બેઠા છે. આઈઆઈએમ જે સુધારા કરવામાં આવ્યા કદાચ હિન્દુસ્તાનમાં જે સુધારાઓની મોટી મોટી વકીલાત કરવાવાળા લોકો હતા, જેઓ પાછલા 20-25 વર્ષથી લખતા રહ્યા હશે, કદાચ તેમણે પણ વિચાર્યું નહીં હોય આટલી તાકાત સાથે અમે…. પરંતુ થઇ ગયા બાદ જો વળી સારું કહેશે તો મોદીના ખાતામાં જતું રહેશે તો મુસીબત થઇ જશે લખવાનું બંધ કરી દેશે. અને તેના કારણે જે પરિવર્તન આવ્યું છે આઈઆઈએમને પોતાના કોર્સ, પોતાનો અભ્યાસક્રમ, શિક્ષકની નિમણુક અને ત્યાં સુધી કે બોર્ડ સભ્યોની નિમણુક, વિસ્તૃતિકરણ એ બધું તેમણે પોતાને જ નક્કી કરવાનું છે. તમે કરી લો, મેં એ જ કહ્યું છે, મને કરીને દેખાડો, સરકાર ક્યાંય નહીં આવે, કોઈ બાબુ આવીને નહિ બેસે. હવે તે તેમની જવાબદારી છે તેઓ કરીને બતાવશે.

ભારતમાં ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલ આ હું સમજુ છું કે એક અભૂતપૂર્વ પ્રયોગ છે અને આ નિર્ણય આગળઆપણને વધુ સંસ્થાઓ તરફ લઇ જવાનો છે. હમણાં તાજેતરમાં જ યુજીસીએ ગ્રેડેડ ઇકોનોમિક રેગ્યુલેશન પણ જાહેર ર્ક્યા છે જેનાથી યુનિવર્સિટીઓ અને કોલેજોને સ્વાયત્તતા આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય શિક્ષણના સ્તરને સુધારવાનો તો છે જ તેનાથી તેમને સર્વશ્રેષ્ઠ બનાવવામાં પણ મદદ મળશે. આ નિયમનના લીધે દેશમાં 60 ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો અને યુનિવર્સિટીઓને ગ્રેડ સ્વાયત્તતા મળી ચુકી છે. આમાંથી અનેક રાજ્યોની યુનિવર્સિટીઓ પણ તેનો એક ભાગ છે. સરકાર તરફથી કરવામાં આવી રહેલ આ પ્રયાસોની વચ્ચે આપ સૌનું પણ આ જ ઉત્તરદાયિત્વ બને છે કે હકારાત્મક માહોલનો જેટલો વધુ લાભ ઉઠાવી શકો છો, ઉઠાવો અને તેમાં જે સારપો છે જે આપણા ઉત્તમ ઉત્તમ સપનાઓ હતા તે સપનાઓનો મેળ ખવડાવીને આ સમયને આપણે ખોઈને જવા ના દઈએ, તેને ગુમાવી ના દઈએ. તમારામાંથી મોટાભાગના લોકોનો કાર્યકાળ ચાર પાંચ વર્ષનો હોય છે. આ વર્ષો દરમિયાન કાર્ય કરતી વખતે તમારે પણ તમારી માટે અમુક લક્ષ્યાંકો નિર્ધારિત કરવા જોઈએ. તમારે પહેલા દિવસથી જ એવું વિચારવું પડશે કે જ્યારે તમારો કાર્યકાળ સમાપ્ત થશે ત્યારે તમે શું વિરાસત છોડીને જશો.

અનેક એવા વિષયો છે કે જેની પર ધ્યાન આપવાની જરૂર છે, જે ઉચ્ચ શિક્ષણના સ્તરમાં પુનરુત્થાન માટે ખૂબ જરૂરી છે. અને જેમ કે તમે શિક્ષણની નવી પદ્ધતિઓને વિકસિત કરવામાં સહયોગ આપી શકો છો. આજેદર રોજ એક નવી ટેકનોલોજી આવે છે. આપણે સમયની સાથે રહીને નવી ટેકનોલોજીનો પ્રયોગ કરીને શિક્ષણની વ્યવસ્થાને વધુ મજબુત કઈ રીતે કરી શકીએ છીએ. શિક્ષકની તાલીમ કે જે હંમેશાથી એક ઉપેક્ષિત ક્ષેત્ર રહ્યું છે, તેને કઈ રીતે સુધારી શકીએ છીએ. આપણે તે વાત પર સહમત હોઈશું કે કોઈ પણ ગરીબમાં ગરીબ હોય કે અમીરમાં અમીર પણ હોય જો તેને જીવનની એકમાત્ર ઈચ્છા પૂછીશું તો, ગરીબમાં ગરીબ પૂછશો ડ્રાઈવર હશે, પટાવાળો હશે, સામાન્ય જિંદગી ગુજારનારો મજુર વ્યક્તિ હશે અથવા અમીરમાં અમીર હશે. જોતેને પૂછશો તો એક સપનું સામાન્ય હોય છે અને તે હોય છે પોતાના બાળકોનો સારો અભ્યાસ. અમીરમાં અમીર વ્યક્તિ પણ ઈચ્છે છે કે ભાઈ મારા બાળકોને સંભાળનાર કોઈ સારો શિક્ષક મળી જાય, કોઈ સારી શાળા મળી જાય, ગરીબઅ ગરીબ પણ ઈચ્છે છે કે મારા બાળકની માટે સારા શિક્ષણની વ્યવસ્થા થઇ જાય. હવે તે શિક્ષક વિના તો શક્ય નથી જ, દરેક વ્યક્તિ સારો શિક્ષક શોધે છે અને એટલા માટે આપણું ફોકસ એ વાત પર પણ હોવું જોઈએ કે સમાજને ઉત્તમ શિક્ષક કઈ રીતે મળે? અને મિશનરી જીન ધરાવતા શિક્ષકો જોઈએ. આપણી સંસ્થાઓ ખૂબ સારા સારા સીઈઓ ઉત્પન્ન કરે છે, દુનિયાની મોટી મોટી કંપનીઓના સીઈઓ બની જાય છે, આપણે ખૂબ ગર્વ કરે છીએ કે મારા દેશની ફલાણી સંસ્થાઓમાંથી નીકળેલા વ્યક્તિ તે દેશના મોટા ઉદ્યોગ કે વેપાર જગતનો તે સીઈઓ બની ગયો છે, મને તો ખુશી જ્યારે થશે ત્યારે અમે કહીશું મારે ત્યાંથી નીકળેલો શિક્ષક તેણે દેશને 50 વૈજ્ઞાનિક આપ્યા છે, 50 ડોક્ટર આપ્યા છે. અને હું એવું માનું છું કે તે આજની ઘણી મોટી જરૂરિયાત છે. જો તમે કોઈ સારા સાહિત્યકારને મળશો કવિને સાંભળશો, જોશો તો જોવા મળશે કે તેમની અંદરથી જે વસ્તુઓ નીકળે છે ચિંતન પોતાનું છે, કલમ પોતાની છે, શબ્દો પોતાના છે, માં સરસ્વતીનો આશીર્વાદ હશે, પરંતુ એક વાત સામાન્ય હશે, તે એ હશે કે જે કઈ પણ નીકળ્યું હશેતે જીવનના અનુભવમાંથી નીકળ્યું હશે, સમાજ પ્રત્યે સંવેદના વડેનીકળ્યું હશે, કેટલાક સપનાઓના લીધે નીકળ્યું હશે. આ માત્ર શબ્દોનો જોડ નથી હોતો, સમગ્ર ભાવ વિશ્વ હોય છે કે જે આ શબ્દોને ગર્ભાધાન કરાવે છે અને તે ગર્ભાધાનમાંથી કોઈ કવિતા બનીને કોઈ સાહિત્યિક રચના બનીને નીકળે છે. કોઈ રચનાત્મક વસ્તુ બનીને નીકળતી હશે. કદાચ કલમથી નીકળે, કમ્પ્યુટરમાંથી નીકળે પરંતુ તેના મૂળમાં સમાજ પ્રત્યે તે સંવેદના હોય છે. જિંદગીના અનુભવોનો એક નીચોડ હોય છે, ત્યારે જઈને નીકળે છે. અને એટલા માટે સમાજના સુખ દુઃખને સમજવા તેમને જમીન પર રહીને અનુભવ કરવા તે આપણી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ કઈ રીતે બને તે સમયની માંગ છે. આ ત્યારે થાય છે કે જ્યારે શિક્ષણનો વિસ્તાર વર્ગખંડના ઉંબરાથી બહાર પણ થાય. હવે જે રતે જુના સમયમાં ગુરુકુળમાં વિદ્યાર્થીઓને લાકડા કાપવા માટે મોકલવામાં આવતા હતા. રાજા મહારાજાઓના દીકરાઓ ગુરુકુળમાં ભણતા હતા. હવે તે સંસ્થા માટે લાકડા મંગાવવા એ કોઈ અઘરું કામ નહોતું, પરંતુ સંસ્કાર આપવા માટે, જીવનનો અનુભવ કરવા માટે રાજાનો દીકરો પણ જો ગુરુકુળમાં ભણતો હોય તો તેને લાકડા કાપવા માટે જવું પડતું હતું. અને એટલા માટે તેની પાછળ ઉદ્દેશ્ય એ રહેતું હતું કે વિદ્યાર્થી બહાર જાય, સમાજ, તેના પડકારોને જુએ, સમજે. એ જ રીતે વિદ્યાર્થીઓને આપવામાં આવનારી શિક્ષાનો વિસ્તાર વર્ગખંડની સરહદથી બહાર થવો ખૂબ જરૂરી છે. તે આસપાસના કોઈ મહોલ્લામાં જાય, પોતાની આસપાસ જુએ કે કઈ રીતે ઝુંપડપટ્ટીઓમાં કુપોષણની સમસ્યા છે. કેટલાક બાળકોને પૂરતી રસી નથી મુકવામાં આવી. ડ્રગ્સધીમે ધીમે કરીને ગરીબ પરિવારોમાં પણ ઘુસતા જઈ રહ્યા છે. શું કારણ છે કે બાળકો શાળા છોડીને આવી રીતે ભટકી રહ્યા છે. સમાજની આ છબીથી તેમનો પરિચય પણ ખૂબ જરૂરી છે.

તમે વિચારોજો કોલેજમાં ભણનારા યુવાનો પોતાની આસપાસના વિસ્તારોમાં જઈને માત્ર એક વાતનો પ્રચાર કરે, એક વાત પ્રત્યે જાગૃતતા ફેલાવે, બધા જ બાળકોને કહે ઝુંપડપટ્ટીમાં, ગરીબોમાં અરે ભાઈ જુઓ બાળકો હાથ ધોયા વગર ખાવાનું નથી ખાવાનું. વારંવાર કહે, તમે કલ્પના કરી શકો છો કે કેટલો મોટો બદલાવ આવશે, વસ્તુ નાની છે. હું તે વાતો નથી કરી રહ્યો કે બજેટ લગાવો, બીટિંગ કરો, સુધારો કરો, ફોર્મ ભરો, એવું નથી કહી રહ્યો. હું જોડાવાની વાત કરું છું. એકઠા થવાની વાત કરી રહ્યો છું. જાગૃતતાની પદ્ધતિઓ નવીન હોઈ શકે છે. રચનાત્મક હોઈ શકે છે. આવા અભિયાનો માત્ર વિદ્યાર્થીનું પોતાનું જ જીવન સુદ્રઢ નહીં બનાવે પરંતુ અનેક ગરીબ બાળકોના જીવનની રક્ષા પણ કરશે.

હું હમણાં થોડા દિવસો અગાઉ બનારસ ગયો હતો, મારું લોકસભાનું ક્ષેત્ર છે. અનેમારી ત્યાં મુલાકાત કાશી વિશ્વવિદ્યાલયના કેટલાક નવયુવાનો સાથે થઇ. હું નથી જાણતો કે તેમના ઉપ કુલપતિ ક્યારેય તેમને મળ્યા છે કે નથી મળ્યા, પરંતુ મને મળવાનો મોકો મળ્યો. આ યુવાનોએ ચાર પાંચ વર્ષ પહેલા એક સંસ્થા શરુ કરી હતી ટ્રાય ટુ ફાઈટ. ટ્રાય ટુ ફાઈટના નામથી. શરૂઆતમાં અ ત્રણ ચાર છોકરાઓ હતા અને હવે તો તે ઘણું મોટું જૂથ બની ગયું છે, છોકરા છોકરીઓ બધા ભેગા થઇ ગયા છે.

આ યુવાનોએ જે કચરો વીણવાવાળા બાળકો હોય છે તેમની પર તેમનું ધ્યાન ગયું અને તેમને મન થઇ ગયું કે આ બાળકોને શિક્ષણ અપાવું જોઈએ. અને તેમણે પોતાના શિક્ષણના સમયમાંથી થોડો સમય કાઢીને આ કચરો વીણવાવાળા બાળકોને શાળાએ લઇ જવાની દિશામાં મહેનત કરી, થોડું ભણાવવાનું શરુ કર્યું, કેટલોક સમય આપવા લાગ્યા, મતલબ ક મહેનત કરવા લાગ્યા. આજે બનારસમાં આ યુવા સંસ્થા 1000થી વધુ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરી રહી છે.

હું તે બાળકોને પણ મળ્યો, તે નવયુવાનોને પણ મળ્યો અને પરિવારમાં આવા જ બાળકો પેદા થયા, માં પોતાના કામમાં છે, બાપ પોતાના કામમાં છે. બાળકોની દુનિયા અલગ છે. આવી ખોટી આદતોમાં ફસાયેલા હતા, તે સૌને બહાર કાઢીને લાવ્યા. એક બાળકીને મેં જોઈ, એટલું સરસ ચિત્ર હતું, તેની તાકાત હતી, ભગવાને તેને ભેટ આપી હતી. તેમણે જ્યારે તે મને ભેટ આપી, તે બાળકીએ હું આશ્ચર્યચકિત રહી ગયો. પછી મેં તેને પૂછ્યું, બેટા તારા પરિવારમાંથી કોઈએ, ના ના તેણે કહ્યું, હું તો એમ જ કરતી હતી અને આ જ્યારે સાહેબ લોકો આવ્યા તો તેમણે પછી મારી માટે કાગળ લાવ્યા, કલમ લાવ્યા હવે હું તેની પર કરી રહી છું.
જુઓ, તે કોલેજના વિદ્યાર્થીઓ, તે હુલ્લડોમાં પણ જઈ શકતા હતા, યુનિયનબાજીમાં જઈ શકતા હતા, આંદોલનમાં જઈ શકતા હતા પરંતુ તેમણે રસ્તો આ પસંદ કર્યો અને 1000 બાળકોની જિંદગીને બદલી નાખી અને હું માનું છું માત્ર તે હજાર છોકરાઓની જિંદગી જ નથી બદલાઈ, તે યુવાનોની જિંદગી વધુ બદલાઈ છે કે જેમણે આ સંવેદનાને સમજી છે.

સમાજના હિતમાં કામ કરનારી આવી સંસ્થાઓ સાથે જેટલા વધુ યુવાનો જોડાશે તે જ રીતના અભિનવ પ્રયોગો કરશે તેટલો જ ગરીબ વંચિત બાળકોને લાભ મળશે. આ બધા જ કાર્યોમાં ખૂબ બજેટ કે આર્થિક સહાયતાની જરૂર નથી હોતી પરંતુ એવા કાર્યો કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને કોઈ ઝુંપડપટ્ટીમાં રહેનારા નાના બાળકો, બંનેને પ્રેરણા આપવાનું કામ કરશે. તેમનામાં અંદરો અંદર પણ એક સંપર્ક સાબિત થશે પરંતુ આપણા દેશનું એક દુર્ભાગ્ય પણ છે. ક્ષમા કરજો, કોઈ ખોટું ના લગાડતા. આપણે લોકો શાળામાં ભણતા હતા ત્યારે શાળામાં શિક્ષક કહેતા હતા કે આજે કોઈ સેવા કાર્ય કર્યું હોય તો નોટ લખીને આવજો. કદાચ તમારે લોકોને પણ એવું હશે, આજેકયું સેવા કાર્ય કર્યું એમ લખીને અને 100માંથી 90 બાળકો લખતા હતા કે આજે રસ્તામાં એક અંધજન મળ્યો, તેને મેં રસ્તો ક્રોસ કરાવ્યો. તમે જોઈ લો 90 બાળકો એવું જ લખતા હતા. એટલે કે એક તો તેઓ ખોટું લખવાની આદત પાડતા હતા, ખોટું કરવાની આદત પાડતા હતા અને આપણે તેને ટોકતા પણ નહોતા કે આ નાનકડું ગામ છે અહિંયાં રસ્તો ક્રોસ કરવાની નોબત ક્યાંથી આવી યાર, બસ ચાલ્યા કરે છે ગાડી. પહેલાથી ચાલતી આવી રહી છે, અમારી પણ ચાલે છે, આજે પણ ચાલતું હશે કદાચ.

મારો કહેવાનો અર્થ એ છે કે આ બધું નવીનીકરણ ના થવાનું પરિણામ છે. આ શરુ એટલા માટે થયું હશે કે તે બાળકોમાં સમાજ સેવાના સંસ્કાર હોય, પરંતુ પછીથી તે એક વિધિ બની ગઈ, પ્રાણહીન થઇ ગયુ કારણ કે લખવું છે, તમે લખીને લાવો છો, પાનું ભરાઈ ગયું છે, શિક્ષકને સમય નથી વાંચવા માટે. આખો કાગળભરીને લખ્યું છે પછી અંદરકઈ પણ લખ્યું હોય, લખ્યું તો છે ને.

હું સમજુ છું આમાં પરિવર્તન જરૂરી છે. અને હું માનું છું કે તમારામાંથી ઘણા બધા લોકો એ વાતોથી પરિચિત હશો કે આ સરકારમાં આવ્યા પછી મેં એક બીજો પણ પ્રયાસ શરુ કર્યો છે. મારો પ્રયત્ન રહે છે કે જ્યાં ક્યાય પણ યુનિવર્સિટીના પદવીદાનમાં હું જાઉં છું, અહિંયાં કદાચ કેટલાક બેઠા હશેજેમની યુનિવર્સિટીમાં જવાનો મને મોકો મળ્યો હોય, તો મેં એક નિયમ બનાવ્યો છે. મારા ઓફીસમાંથી ચિઠ્ઠી જાય છે કે હું તે પદવીદાનમાં આવીશ પરંતુ ત્યાં આગળ મારા ખાસ મહેમાનો હશે પચાસ. તેમની માટે બેસવા માટે આગળની હરોળમાં ખાસ વ્યવસ્થા હોવી જોઈએ. એવો મારો આગ્રહ રહે છેઅને તે 50 કોણ હોય છે– તે વિસ્તારના સરકારી શાળાના ઝુંપડપટ્ટીઓમાં રહેનારા બાળકો કે જેઓ ભણે છે, સાતમાં, આઠમાં, નવમાં, દસમાં ધોરણના બાળકો મારા મુખ્ય અતિથી હોય છે. તેમને હું પરિચય કરાવું છું તે સંપૂર્ણ પ્રેક્ષકોમાં પદવીદાનમાં. શા માટે, હું તે બાળકોને સંસ્કાર આપવા માંગું છું અને જુવે તે માને. તે જ્યારે બેસે છે બાળક, તેણે તો બિચારાએ પોતાની ઝુંપડપટ્ટી જોઈ છે, શાળાનું તે જે વાતાવરણ જોયું છે, આટલી મોટી યુનિવર્સિટીના કેમ્પસમાં આવે છે. બેસે છે, બધું અલગ અલગ, બરાબર અને તે પહેરીને બાળકો આવે છે ટોપીમાં અને જ્યારે પ્રમાણપત્રો લે છે, તેની અંદર પણ એક બીજ અંકુરિત થવા લાગે છે કે ક્યારેક હું પણ. હું પણ ક્યારેક આ ડાયસ પર જઈશ અને મને પણ કોઈ આ રીતે આપશે, આ સપના વાવવાનું કામ થાય છે.

વસ્તુ નાની હોય છે, બદલાવ બજેટથી આવે છે એવું નથી જી. બદલવાના ઈરાદાથી આવે છે, જોડાવા સાથેશરુ થતા હોય છે અને ઝૂઝવાથી સફળતા પણ મળે છે, આ સંકલ્પ લઈને ચાલવાનું છે. અને એટલા માટે જ્યારે પણ હું શિક્ષણ જગતના વિદ્વાનોની વચ્ચે જાઉં છું તો એક વાત પર જરૂરથી ભાર મુકું છું. અને આ વિષય છે શહેર આધારીત શ્રેષ્ઠ કેન્દ્રો. દરેક સંસ્થાનને પણ આ જવાબદારી લેવી પડશે કે તે પોતાની આસપસના શિક્ષણ અને સમસ્યાના ઉકેલની ઇકો સીસ્ટમને સાચા રૂપમાં તૈયાર કરે અને તેની માટે હું તમને કેટલાક ઉદાહરણો આપવા માંગું છું.

આપણા વિદ્યાર્થીઓને જવાબદારી આપ શકાય છે કે તેઓ પોતાની આસપાસના લોકોને ડિજિટલી શિક્ષિત બનાવવાનું કામ કરે. તેઓ પોતાની આસપાસના લોકોને આયુષ્માન ભારત, ઉજાલા, સ્વચ્છ ભારત મિશન જેવી યોજનાઓથી પરિચિત કરાવે. તે તેમના જીવનને સરળ બનાવી શકે છે. વિદ્યાર્થી પોતાના વિસ્તારમાં જળ સંરક્ષણ, પર્યાવરણ અને વીજળી બચાવવાની શીખ આપે.

આવા અનેક કાર્યોની યાદી બનાવીને પુલ બનાવીને શિક્ષણ સંસ્થાન એકબીજા સાથે વહેંચી પણ શકે છે. હું તો એમ પણ કહું છું કે આ કામમાં માત્ર શિક્ષક અને વિદ્યાર્થી જ નહીં, અભિભાવક અને એલ્યુમનીને પણ જોડવા જોઈએ. જ્યારે શિક્ષણ દ્વારા આ કાર્ય દરેક સ્તર પર સમાજનું જોડાણ હશે તો આપણા યુવાનોનું સામર્થ્ય અને તેમની સમજમાં કેટલો વધારો થશે તેનો તમે અંદાજો લગાવી શકો છો.

ભાઈઓ અને બહેનો, દેશના યુવાનોએ પોતાની ક્ષમતા દ્વારા બ્રાંડ ઇન્ડિયાને વૈશ્વિક ઓળખ અપાવી છે. દેશના તમામ વિશ્વ વિદ્યાલયો, જુદા જુદા સંસ્થાનોમાંથી જેમ કે આઈઆઈટી, આઈઆઈએમ મેડીકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ વિદેશમાં જઈને ભારતનું નામ રોશન કર્યું છે. અનેક તો દુનિયાની મોટી કંપનીઓ ચલાવી રહ્યા છે. આપણે સૌ એ વાતથી પણ સુપેરે પરિચિત છીએ કે દેશના યુવાનોની પાસે વિચારોની ખોટ નથી. જો આપણી પાસે લાખો કરોડો સમસ્યાઓ પણ હોય છે તો લાખો કરોડો ઉકેલો પણ છે, એ વિશ્વાસ છે.

એ પણ સત્ય છે કે આજની દુનિયાની સૌથી મોટી કંપનીઓ કયારેક ને ક્યારેક તો સ્ટાર્ટ અપ જ હોય છે. તેને જ ધ્યાનમાં રાખીને સરકાર સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવી યોજનાઓ ચલાવી રહી છે. હું તે વાતને લઈને પણ આશ્વસ્ત છું કે આવનારા દિવસોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન લર્નિંગ, 5જી ટેકનોલોજી, બ્લોક ચેઈન, બીગ ડેટ એનાલીસીસ જેવા ક્ષેત્રોમાં આપણા યુવાનો, તેઓ વિશ્વ કક્ષાના નેતાઓ બની શકે છે. આપણે બનાવવાના છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ ટેકનીકલ માનવ સંસાધનમાં દુનિયાનો સૌથી મોટો આધારસ્તંભ છે. આપણે સ્ટાર્ટ અપમાં દુનિયાની બીજી સૌથી મોટી ઇકો સીસ્ટમ છીએ. ઇનોવેટીવ ઇન્ડેક્સમાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ.

આ બધી જ સ્થિતિઓ આપણા દેશના નવયુવાનો અને શિક્ષણ સંસ્થાનો, બંનેને અનુકુળ છે અને એટલા માટે આપણે સૌએ મળીને દેશના યુવાનોમાં સામાજિક વૈજ્ઞાનિક અને ઇનોવેટીવ ટેમ્પર તેને વિકસિત કરવાની દિશામાં આપણે લોકોએ કામ કરવાની ખૂબ જરૂરિયાત છે.

સાથીઓ, પુનારુથ્થાન ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સૌ એક પગલુ આગળ વધીએ. આમ પણ સંશોધનથી પુનારુથ્થાન એ ખામીઓને ખતમ કરીને આગળ વધવાનો પ્રયાસતો છેજ, પરંતુ સાથે સાથે નવા યુગના અનુકુળ પરિવર્તનો લાવવા, તે તેમાં સમાહિત હોવું જોઈએ.

મારી ખામીઓ દુર કરો, એટલું જ ના હોય, હું બીમાર છું એટલા માટે બીમારીથી મુક્ત થઇ જાઉં, એટલું જ નહીં, મારે તંદુરસ્ત પણ થવાનું છે, તે પણ મારો ઈરાદો હોવો જોઈએ. શિક્ષણ જગતના આપ સૌદિગ્ગજો ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે દેશના પાયાને વધુ મજબુત કરીએ. દેશના નવયુવાનોમાં વધુ આત્મવિશ્વાસ પેદા કરીએ. એ જ એક કામના સાથે હું ફરી એકવાર આ મહત્વપૂર્ણ પહેલની માટે આપ સૌને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું. તમે અહીંથી જે મંથન કરશો, જે ચિંતન કરશો, જે વસ્તુ તેમાંથી ઉજાગર થઈને આવશે, મને ભરોસો છે કે તમે એ લોકો છો જેઓ ધરતી સાથે જોડાયેલા છો, જેઓ વીતેલી કાલ સાથે જોડાયેલા છો. તે લોકો છો જે આવનારી ઉત્તમ કાલના સપનાઓ સાચવીને જિંદગી ખપાવનારા લોકો છો. જ્યાં આવો સમૂહ હોય છે, તે ઘણું બધું આપી શકે છે.

મને વિશ્વાસ છે કે આ ચિંતન, આ મનન, આ પ્રયાસ દેશના આવનારા સમયની માટે કઈ ને કઈ મહત્વપૂર્ણ વસ્તુઓ આપીને જશે. આ જ અપેક્ષાની સાથે ફરી એકવાર આ પ્રયાસની માટે અભિનંદન આપતા મારીખૂબ ખૂબ શુભકામનાઓ.

આભાર!

RP