Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેરિસમાં 30મી નવેમ્બર, 2015ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર સંધિ સીઓપી-21ના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીપ્પણીઓ

પેરિસમાં 30મી નવેમ્બર, 2015ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર સંધિ સીઓપી-21ના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીપ્પણીઓ

પેરિસમાં 30મી નવેમ્બર, 2015ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર સંધિ સીઓપી-21ના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીપ્પણીઓ

પેરિસમાં 30મી નવેમ્બર, 2015ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર સંધિ સીઓપી-21ના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીપ્પણીઓ


રાષ્ટ્રપતિ શ્રી ઓલાંદ, મહાનુભાવો, ઉદ્યોગના અગ્રણીઓ,

હું ફરી એકવાર ફ્રાંસના લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને તેમજ આવા મુશ્કેલ સમયમાં પણ વિશ્વની આવી અસાધારણ મહેમાન નવાજી કરવા બદલ તેમની પ્રશંસા સાથે મારું વક્તવ્ય શરૂ કરું છું.

સૌર-સમૃદ્ધ દેશોની આંતરરાષ્ટ્રીય સંધિ અંગે મેં લાંબા સમયથી જોયેલા સ્વપ્નને રાષ્ટ્રપતિ ઓલાંદે ખૂબ રસપૂર્વક અને ત્વરિત પ્રતિભાવ આપીને તેને સાકાર કરવા પૂરેપૂરો સહયોગ આપ્યો.

આ આબોહવા પરિવર્તન અંગે નિર્ણાયક વૈશ્વિક સંમેલનના ઉદ્ઘાટનનો દિવસ છે.

દરેક પગલે તેમના સહયોગ માટે અને ઉદ્ઘાટન સમયે સહઅધ્યક્ષતા અંગેના તેમના નિર્ણય માટે હું ખૂબ કૃતજ્ઞ છું.

આપણો સમયાતીત જ્ઞાનનો ભંડાર સતત વિશ્વના સ્મરણમાં રહે તે માટે પ્રકૃતિ અંગેના અવતરણો – ક્વોટેશન્સના પુસ્તક અંગેના વિચારને તેમણે એવો જ અત્યંત સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમની સાથે આ પુસ્તકની પ્રસ્તાવનાના સહ-લેખક બનવાનું સન્માન મને મળ્યું છે.

પ્રાચીન કાળથી વિવિધ સભ્યતાઓમાં સૂર્યને વિશિષ્ટ સ્થાન અપાયું છે. ભારતીય પરંપરામાં સૂર્ય, ઉર્જાના તમામ સ્વરૂપોનો સ્ત્રોત છે. ઋગવેદમાં જણાવાયું છે કે સૂર્ય ભગવાન સજીવ અને નિર્જીવ તમામ અસ્તિત્વોનો આત્મા છે. ભારતમાં અનેક લોકો દિવસનો આરંભ સૂર્યને પ્રાર્થના સાથે કરે છે.

આજે, જ્યારે આપણા ઔદ્યોગિક યુગનાં ઉર્જા સ્ત્રોતો અને આપૂર્તિઓએ આપણા ગ્રહને જોખમમાં મૂકી દીધો છે, ત્યારે દુનિયાએ ભવિષ્યને ઉર્જાવાન બનાવવા સૂર્ય તરફ વળવું જ પડશે.

વિકાસશીલ દેશોમાં અબજો લોકો સમૃદ્ધિની દિશામાં આગેકૂચ કરી રહ્યા છે, ત્યારે સ્થાયી ગ્રહ માટે આપણી આશાઓ એક મજબૂત વૈશ્વિક પહેલ પર નિર્ભર છે. મતલબ કે, વિકસિત દેશો, વિકાસશીલ દેશોને આગળ વધવા પર્યાપ્ત કાર્બન સ્પેસ ઉપલબ્ધ કરાવશે. આ એક પ્રાકૃતિક આબોહવા ન્યાય છે.

આનો એવો પણ અર્થ થાય કે, નહિવત્ કાર્બન ફૂટપ્રિન્ટ સાથે વિકાસનો માર્ગ.

એટલે, અર્થવ્યવસ્થા, ઈકોલોજી અને ઉર્જા વચ્ચે સમાનતાથી જ આપણાં ભવિષ્યને પરિભાષિત કરવું જોઈએ.

મોટાભાગની માનવજાત પર સમગ્ર વર્ષ દરમિયાન સૂર્યનાં ઉદાર પ્રકાશનું વરદાન છે. છતાં, હજુ એવા ઘણા લોકો છે કે જેમના સુધી વીજળી કોઈ પણ સ્વરૂપે પહોંચી નથી.

એટલે જ આ સંધિ આટલી બધી મહત્ત્વપૂર્ણ છે.

સૌર્ય ઉર્જા વધુ સસ્તી, વધુ વિશ્વસનીય, વધુ ભરોસાપાત્ર અને ગ્રિડ સાથે જોડીને વધુ સરળ બનાવીને આપણે આપણાં જીવન અને ઘરોમાં લાવવા ઈચ્છીએ છીએ.

અમે સંશોધન અને નવિનીકરણના ક્ષેત્રે જોડાણો કરીશું. અમે જ્ઞાન અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરીશું.

અમે તાલીમ અને સંસ્થાઓના નિર્માણ માટે સહકાર આપીશું. અમે નિયમનો અંગેના મુદ્દાઓની ચર્ચા કરીશું અને સમાન માપદંડોને પ્રોત્સાહન આપીશું.

અમે સૌર ક્ષેત્રમાં રોકાણો આકર્ષીશું, સંયુક્ત સાહસોને પ્રોત્સાહન આપીશું અને નવીન નાણાંકીય માળખાંઓ વિકસાવીશું.

નવીનીકરણીય (રીન્યુએબલ) ઉર્જા માટે અમે અન્ય આંતરરાષ્ટ્રીય પહેલો સાથે જોડાઈશું.

સૌર ઉર્જા ક્ષેત્રે ક્રાંતિનો આરંભ થઈ ચૂક્યો છે. ટેકનોલોજી વિકસી રહી છે, ખર્ચા ઘટી રહ્યા છે અને ગ્રિડ સાથેનાં જોડાણો સુધરી રહ્યાં છે.

આને પગલે સ્વચ્છ ઉર્જા સાર્વત્રિક રીતે ઉપલબ્ધ બને તેવું સ્વપ્ન વધુ વાસ્તવિક બન્યું છે.

ભારત ચાર ગિગાવોટ ક્ષમતા ધરાવે છે અને અમે વર્ષ 2022 સુધીમાં 100 ગિગાવોટ સૌર ઉર્જાના ઉત્પાદનનું લક્ષ્યાંક રાખ્યું છે. અમે આવતા વર્ષના અંત સુધીમાં વધુ 12 ગિગાવોટ ક્ષમતા ઉમેરી હશે.

ઉદ્યોગના પ્રતિસાદથી હું ખુશ છું. સ્વચ્છ ઉર્જા સાર્વત્રિક રીતે ઉપલબ્ધ બનાવીશું, એ સાથે જ અમર્યાદિત આર્થિક તકો સર્જાશે, જે આ સદીની નવી અર્થવ્યવસ્થાનો પાયો હશે.

આ એક એવું જોડાણ છે, જેમાં વિકસિત અને વિકાશશીલ દેશો, સરકારો અને ઉદ્યોગો, પ્રયોગશાળાઓ અને સંસ્થાઓ સમાન ઉદ્યોગ-સાહસિકતામાં સાથે મળીને જોડાય છે.

ભારત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ સોલર એનર્જીના પ્રાંગણમાં આ પહેલની પરોણાગત કરતાં આનંદિત થશે. અમે સચિવાલયના નિર્માણ માટે જમીન તેમજ 30 મિલિયન અમેરિકન ડોલરનું યોગદાન આપીશું.

અમે પાંચ વર્ષ માટે કામકાજને ટેકો આપીશું અને આપણા નિશ્ચિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આપણે સાથે મળીને લાંબા ગાળાનું ભંડોળ એકઠું કરીશું.

આજનો દિવસ, માત્ર સ્વચ્છ ઉર્જા માટે જ નહીં, પરંતુ હજુ અંધકારમાં ઘેરાયેલાં ગામડાંઓ અને ઘરો માટે નવી આશાનો સૂર્યોદય છે, જેમાં પ્રત્યેક સવારે અને સાંજે દૈદીપ્યમાન સ્વચ્છ આકાશમાં સૂર્યનો નજારો જોવા મળશે.

આભાર.

AP/J.Khunt