પીએમઇન્ડિયા
યોર એક્સેલન્સી, મહમુદ અબ્બાસ, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ,
પેલેસ્ટાઈનના તથા ભારતીય પ્રતિનિધિમંડળના પ્રતિનિધિઓ,
મીડિયાના સભ્યો,
ભાઈઓ અને બહેનો,
ભારતના જૂના મિત્ર રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસનું તેમની ભારતની મુલાકાત દરમિયાન ફરીથી સ્વાગત કરતા હું આનંદ અનુભવું છું. ભારત અને પેલેસ્ટાઈન વચ્ચેના સંબંધો અમારી પોતાની આઝાદી માટેની લડતના દિવસોથી લાંબાગાળાની એકતા અને મૈત્રીના પાયા ઉપર સ્થાપિત થયેલા છે. પેલેસ્ટાઈનના ઉદ્દેશો માટે ભારત તેને અવિચળ સહયોગ પૂરો પાડી રહ્યું છે અને અમને આશા છે કે સાર્વભૌમ, સ્વતંત્ર, સંગઠીત અને અર્થક્ષમ પેલેસ્ટાઈનનું સપનું સાકાર થશે અને ઈઝરાયેલ સાથે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ ધરાવશે. આ અંગે અમારૂં વલણ આજે રાષ્ટ્રપતિ અબ્બાસ સાથે થયેલી ચર્ચા દરમિયાન મેં દર્શાવ્યું છે.
મિત્રો,
રાષ્ટ્રપતિ અબ્બાસ અને મેં ઉપયોગી અને વિગતવાર ચર્ચાઓ હમણાં જ પૂરી કરી છે અને તેનાથી અમારી સહભાગીતા વધુ મજબૂત થશે. અમે પશ્ચિમ એશિયા અને મધ્ય-પૂર્વની શાંતિ પ્રક્રિયાની પરિસ્થિતિ અંગે અમારા મંતવ્યોનો વ્યાપક વિનિમય કર્યો છે. અમે સંમત થયા છીએ કે પશ્ચિમ એશિયાના પડકારો સાતત્યપૂર્ણ રાજકીય સંવાદ દ્વારા અને શાંતિપૂર્ણ સાધનોથી જ હલ થઈ શકે એમ છે. ભારત પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો માટે વહેલાસર વાર્તાલાપ શરૂ થાય તેવી આશા રાખે છે. દ્વિપક્ષી સ્તરે ભારત પેલેસ્ટાઈનના એક ઉપયોગી વિકાસ સહયોગી તરીકે કટિબધ્ધ છે. રાષ્ટ્રપતિ અબ્બાસ અને હું બંને પક્ષો માટે રાજકીય સહયોગ બાબતે અને પેલેસ્ટાઈનના અર્થતંત્રના નિર્માણ અને તેના લોકોના જીવનની સુધારણા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ. અમે પેલેસ્ટાઈનના વિકાસ અને ક્ષમતા નિર્માણને સહયોગ આપવાનું ચાલુ રાખીશું. આજે જે કરાર પૂર્ણ થયો છે તે આ દિશામાં સહયોગ મજબૂત કરવાના અમારા ઈરાદાઓનો પુનરોચ્ચાર કરે છે. અમે માહિતી ટેકનોલોજી, યુવક અને કૌશલ્ય વિકાસ ઉપર ખાસ ભાર મૂકીને ભારતને સહયોગ આપવાના મુદ્દાઓ હાથ ધર્યા છે. ભારત રામલ્લા ખાતે ફ્લેગશીપ ટેકનો-પાર્ક પ્રોજેક્ટમાં સહાય કરશે. આ પ્રોજેક્ટ જ્યારે પૂરો થશે ત્યારે તે પેલેસ્ટાઈનના આઈટી હબ તરીકે કામ કરશે અને માહિતી ટેકનોલોજી સંબંધિત તાલિમ અને સર્વિસીસ એક જ સ્થળે પૂરી પાડશે. અમે યોગ વિનિયમ સહિતના નવા ઘટકો ઉમેરીને અમારા સાંસ્કૃતિક સહયોગને આગળ ધપાવવા બાબતે આશાવાદી છીએ. આવતા મહિને યોજાનાર ઈન્ટરનેશનલ યોગ દિન પ્રસંગે પેલેસ્ટાઈનવાસીઓ મોટી સંખ્યામાં સામેલ થશે તે બાબતે અમે આશાવાદી છીએ. અંતમાં, હું કહીશ કે રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથેનો અનુભવ ખૂબ જ આનંદદાયી અને ઉપયોગી રહ્યો છે. હું, અમારા દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ અબ્બાસ સાથે કામ કરવા અંગે આશાવાદી છું.
આપનો આભાર,
આપનો ખૂબ ખૂબ આભાર.
TR
Held extensive talks with Mr. Mahmoud Abbas, President of State of Palestine. Sharing my remarks at the press meet. https://t.co/VYvGc99WNi
— Narendra Modi (@narendramodi) May 16, 2017