પીએમઇન્ડિયા
મહામહિમ પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા, વિશિષ્ટ પ્રતિનિધિઓ, મીડિયાનાં સભ્યો,
પોર્ટુગલમાં ગયા અઠવાડિયે જંગલમાં વિનાશક આગ લાગી હતી, જેમાં જાનમાલની હાનિ થઈ હતી. મારી વાતની શરૂઆતમાં હું ભારતીયો તરફથી આ દુર્ઘટનાનાં પીડિતો માટે દુઃખની લાગણી વ્યક્ત કરું છું, તેમને આશ્વાસન આપું છું. અમે પીડિતો અને તેમનાં કુટુંબીજનો સાથે છીએ.
મિત્રો,
ભારત અને પોર્ટુગલ – બંને દેશો વચ્ચે સદીઓથી ઐતિહાસિક સંબંધ છે. આપણે બંને દેશો મજબૂત આર્થિક સંબંધો ધરાવીએ છીએ. આપણાં લોકો વચ્ચે સીધું જોડાણ છે. એટલે મને નવાઈ એ વાતની લાગે છે કે, ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ક્યારેય પોર્ટુગલની મુલાકાત લીધી નહોતી. જોકે મને સંતોષ એ વાતનો છે કે છેલ્લાં છ મહિનાની અંદર ભારત અને પોર્ટુગલ વચ્ચે આ બીજી સમિટ છે. હું પ્રધાનમંત્રી કોસ્ટાનો મને ઉષ્માસભર આવકાર આપવા બદલ આભારી છું. બહુ ટૂંકા ગાળામાં મારી મુલાકાતનું આયોજન થયું છે. અમને જાન્યુઆરી મહિનામાં પ્રધાનમંત્રી કોસ્ટાને આવકારવાનું સન્માન મળ્યું હતું. આ મુલાકાત ફક્ત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે જ નહોતી, પણ પ્રધાનમંત્રી કોસ્ટા અમારાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતાં. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી વિદેશમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંબંધોને મજબૂત કરવા માટે દર વર્ષે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી કોસ્ટા સમગ્ર વિશ્વમાં વસતાં શ્રેષ્ઠ ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે.
મિત્રો,
આજે પ્રધાનમંત્રી કોસ્ટા અને મેં વિવિધ ક્ષેત્રો પર વિસ્તૃત ચર્ચાવિચારણા કરી છે. તેમણે ભારતની ઐતિહાસિક મુલાકાત લીધી ત્યારથી અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. અમારાં આર્થિક સંબંધો વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 17 ટકાની વૃદ્ધિ થઈ છે. અને પોર્ટુગલમાંથી ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) વર્ષ 2016-17 દરમિયાન બમણું થયું છે. આપણે બંને અર્થતંત્રો વચ્ચે ચીજવસ્તુઓ, સેવાઓ, મૂડી અને માનવ સંસાધનોનાં પ્રવાહને વધારવા ઘણું કરી શકીએ. આ સંબંધમાં પોર્ટુગીઝ અર્થતંત્ર સુધારાનાં માર્ગે અગ્રેસર છે અને ભારતીય અર્થતંત્રની ઊંચી વૃદ્ધિ બંને દેશોને સંયુક્તપણે વૃદ્ધિ કરવા ઉત્કૃષ્ટ તકો પૂરી પાડે છે. મિત્રો, પોર્ટુગલ ઉદ્યોગસાહસિકતા માટે સૌથી વધુ વાઇબ્રન્ટ યુરોપિયન ઇકોસિસ્ટમ પૈકીની એક ઇકોસિસ્ટમ તરીકે વિકસ્યું છે. ભારતમાં પણ મજબૂત અને ગતિશીલ સ્ટાર્ટ-અપ્સ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે. સ્ટાર્ટ-અપ ક્ષેત્ર રોમાંચક ક્ષેત્ર છે, જે સમાજનાં લાભ માટે મૂલ્ય અને સંપત્તિનું સર્જન કરવા યુવાનો, વિચારો, ટેકનોલોજી, નવીનતા અને રચનાત્મકતાનો સુભગ સમન્વય કરે છે. પ્રધાનમંત્રી કોસ્ટાએ ભારતની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે અને મેં ભારત-પોર્ટુગલ ઇન્ટરનેશનલ સ્ટાર્ટ-અપ હબ ચર્ચા કરી હતી. આટલા ટૂંકા સમયગાળામાં આ હબે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે એ જોઈને મને આનંદ થયો છે. હું પ્રધાનમંત્રી કોસ્ટા સાથે તેનું સંયુક્તપણે લોંચ કરવા આતુર છું. કરવેરા, વહીવટી સુધારણા, વિજ્ઞાન, અંતરિક્ષ, યુવાન સાથે સંબંધિત બાબતો અને રમતગમતનાં ક્ષેત્રોમાં નવી સમજૂતીઓ અમારી ભાગીદારીને વધુ ખીલવવા માટેનો અવકાશ પ્રદાન કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ અમારો સહકાર વધી રહ્યો છે. અત્યાધુનિક ટેકનોલોજીમાં અમારાં જોડાણને ટેકો આપવા અમે 4 મિલિયન યુરોપનું સંયુક્ત એસએન્ડટી ફંડ સ્થાપિત કરવા સંમત થયા છીએ. અમે નેનો ટેકનોલોજી, દરિયાઈ, વિજ્ઞાન અને ઓસનોગ્રાફીમાં પોર્ટુગીઝ નિષ્ણાતો પાસેથી વિવિધ કુશળતાઓ શીખવા આતુર છીએ. અમારાં દ્વિપક્ષીય સંબંધોમાં અંતરિક્ષ નવું ક્ષેત્ર છે. ચાલુ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી કોસ્ટાએ ભારતની મુલાકાત લીધી હતી ત્યારે આ ક્ષેત્રમાં ભાગીદારી કરવાનો વિચાર જન્મ્યો હતો. અમે અંતરિક્ષ અને ઓસન સાયન્સ ક્ષેત્રો એમ બંનેમાં એટલાન્ટિક ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટરમાં પોર્ટુગલ સાથે જોડાણ કરવા આતુર છીએ.
મિત્રો,
ભારત અને પોર્ટુગલ બંને દેશો લોકો વચ્ચે વાઇબ્રન્ટ જોડાણ ધરાવે છે અને આ જોડાણમાં વધારો થઈ રહ્યો છે. પોર્ટુગલમાં વસતો ભારતીય સમુદાય આપણાં દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોર્ટુગલ ફૂટબોલપ્રેમી દેશ છે. અહીંનાં લોકો ફૂટબોલ પ્રત્યે દિવાનગી ધરાવે છે. પ્રધાનમંત્રી કોસ્ટા પોતે ફૂટબોલનાં ચાહક છે. આ આપણાં બંને દેશોનાં સમાજનાં જોડાણને વધારે મજબૂત બનાવતાં સેતુરૂપ બની શકે છે. આપણું સાંસ્કૃતિક જોડાણ વધી રહ્યું છે. અમે લિસ્બન યુનિવર્સિટીમાં ભારતીય અભ્યાસો માટે ચેરની સ્થાપિત કરી છે. પોર્ટુગલમાં ભારતીય ફિલ્મો જોવામાં આવે છે. વળી આપણાં પારસ્પરિક લાભ માટે હિંદી-પોર્ટુગીઝ શબ્દકોશ વિકસાવવામાં આવ્યો છે. હું 17મી સદીમાં ગોવા અને પોર્ટુગલ વચ્ચે પત્રોનાં આદાનપ્રદાનને સમાવતાં 12,000 દસ્તાવેજોનાં ડિજિટલ વર્ઝનની અમારી સાથે વહેંચણી કરવા બદલ પોર્ટુગલનો આભાર માનું છું. આ મહત્ત્વપૂર્ણ આર્કાઇવ આપણા સંશોધકોને લાભદાયક પુરવાર થશે.
મિત્રો,
ભારત અને પોર્ટુગલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મજબૂત ભાગીદાર દેશો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાન મળે એ માટે પોર્ટુગલે ટેકો જાહેર કર્યો છે તેમજ બહુપક્ષીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થામાં પણ ભારતને ભાગીદાર બનાવવા સાથ આપ્યો છે. આ બદલ અમે પોર્ટુગલનાં આભારી છીએ. અમે આતંકવાદ સામેની લડાઈ અને અતિ ઉગ્રવાદ સામે લડવા પણ દ્રઢ છીએ.
મહામહિમ,
હું તમારાં ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય સત્કાર બદલ તમારો ફરી આભાર માનું છું. તમે તમારાં વ્યસ્ત કાર્યક્રમમાં અમારાં માટે સમય ફાળવ્યો એ બદલ તમારો ધન્યવાદ.
મ્યુઇટો ઓબ્રિગાડો. તમારો ખૂબ આભાર.
J.Khunt