Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મુખ્યમંત્રી સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દુષ્કાળ અને જળ સંકટની સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મુખ્યમંત્રી સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દુષ્કાળ અને જળ સંકટની સમીક્ષા કરી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના ઘણાં ભાગોમાં દુષ્કાળ અને પાણીની અછતની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધરમૈયા પણ બેઠકમાં હાજર હતાં. ભારત સરકાર અને કર્ણાટક રાજ્યના વરિષ્ઠ આધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

વિચાર વિમર્શનો પ્રારંભ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ દુષ્કાળ દ્વારા ઉત્પન્ન થતી સમસ્યાઓના સમાધાન માટે સંભવિત પગલાંઓ તથા લાંબા ગાળાનાં પગલાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ દુષ્કાળગ્રસ્ત 11 રાજ્યોના મુખ્યમંત્રી સાથે અલગ રીતે બેઠકનું આયોજન કરી રહ્યાં છે.

કર્ણાટકના મુખ્યમંત્રીએ ભારત સરકારને ખરીફ જ્ઞાપન માટે રૂ.1540.20 કરોડની સહાય આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ખેડૂતોની સહાય કરવા માટેની આ રકમનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવેલ છે. તેમણે જણાવ્યું હતું કે આ રકમને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) મારફતે હસ્તાંતરિત કરવામાં આવેલ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે રવી પાક જ્ઞાપન માટે તાજેતરમાં જ રૂ.723.23 કરોડની મંજૂરી આપવામાં આવી છે, જે ટૂંક સમયમાં જ રીલિઝ કરી દેવી જોઈએ.

માહિતી આપવામાં આવી હતી કે નાણાકીય વર્ષ 2015-16 માટે એસડીઆરએફના કેન્દ્રીય હિસ્સા તરીકે રીલિઝ કરવામાં આવેલ રૂ.207 કરોડથી ઉપરાંત છે. આ સિવાય,2016-17 માટે એસડીઆરએફના પ્રથમ હપ્તા તરીકે રૂ.108.75 કરોડ અગાઉથી જ રીલિઝ કરી દેવાયા છે. એવી પણ માહિતી આપવામાં આવી હતી કે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભારત સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ જળ સંરક્ષણ અને દુષ્કાળને પહોંચી વળવા માટે કર્ણાટકને રૂ.603 કરોડ ઉપલબ્ધ કરાવાશે. આમ જુદી જુદી કૃષિ યોજનાઓ હેઠળ, રૂ.830 કરોડ પણ ઉપલબ્ધ કરાવાશે.

મુખ્યમંત્રીએ તીવ્ર દુષ્કાળને કારણે લોકોની સામે આવનારી સમસ્યાઓની પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની મોટી નદીઓ અને જળાશયો પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. તેમણે કાદવ કિચડ દૂર કરવા, ખેત તલાવડીઓનું નિર્માણ કરવા, ટપક સિંચાઈ તેમજ પીવાના પાણીનો પુરતો પુરવઠો સુનિશ્ચિત કરવા સહિત રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં વિવિધ પગલાંઓની વિગતો આપી હતી.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સાથે કાદવ કિચડ દૂર કરવા, જળ સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટેના વિવિધ પગલાંઓ પર વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારને ચોમાસાના પ્રારંભ પૂર્વે, આગામી 30થી 40 દિવસોમાં કાદવ કિચડ દૂર કરવા, ખેત તલાવડીઓ તથા આડ બંધો પર વધુ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ગંદા પાણીના વ્યવસ્થાપન માટે કર્ણાટક સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓની પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. આ પ્રયત્નોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરો અને નગરોમાં આની મોટા પાયે શરૂઆત થવી જોઈએ.

શ્રી સિદ્ધરમૈયાએ પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના અમલીકરણની દિશામાં તૈયારી સંબંધે લેવાયેલાં પગલાંઓની માહિતી આપી હતી. રાજ્ય સરકારે પાક વીમા અંગે પણ કેટલાંક સૂચનો કર્યા હતાં.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને સ્મૃતિ ચિન્હની ભેટ આપી હતી તેમજ પ્રધાનમંત્રીએ તેમને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોએ દુષ્કાળની સમસ્યા, જેને તેમણે ‘આપણી’ સમસ્યા કહીને ઉલ્લેખ કર્યો, તેના ઉકેલ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે રાજ્યો વચ્ચે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, જીએસપીડી તથા રોકાણ વધારવાના પ્રયત્નો માટે પરસ્પર પ્રતિસ્પર્ધાની ચર્ચા કરવામાં આવે. પ્રધાનમંત્રીએ નીતિ આયોગને પણ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની માપણી માટે એક સૂચકાંક વિકસીત કરવા જણાવ્યું હતું.

AP/J.Khunt/GP