Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઘોઘા અને દહેજ વચ્ચે રો રો ફેરી સેવાનાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, પ્રથમ ફેરીમાં સફર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો (રોલ ઓન, રોલ ઓફ) ફેરી સેવાનાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફેરી સેવા સૌરાષ્ટ્રમાં ઘોઘા અને દક્ષિણ ગુજરાતમાં દહેજ વચ્ચે પ્રવાસનનાં સમયમાં ઘટાડો કરશે. એટલે આ બંને વચ્ચે હાલ પ્રવાસ માટે લાગતો સાતથી આઠ કલાકનો સમય ઘટીને ફક્ત એક કલાક થઈ જશે. આજે ઉદ્ઘાટન થયેલો પ્રથમ તબક્કો મુસાફરોની અવરજવરને સક્ષમ બનાવશે. જ્યારે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થશે, ત્યારે આ ફેરી સેવા વાહનોની હેરફેરને પણ સક્ષમ બનાવશે.

પ્રધાનમંત્રીએ શ્રી ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનાં સર્વોત્તમ કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ પ્રસંગે એકત્રિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમને નૂતન વર્ષાભિનંદનનો સંદેશ આપવા ગુજરાતમાં આવવાની ખુશી છે. એમણે જણાવ્યું હતું કે, ઘોઘા અને દહેજ વચ્ચે ફેરી સેવાની શરૂઆત માટે આયોજિત આ કાર્યક્રમ સંપૂર્ણ દેશ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે નોંધ્યું હતું કે, આ ફેરી સેવા દેશમાં સૌપ્રથમ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ફેરી સેવાની શરૂઆતથી ગુજરાતનાં લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.

એમણે જણાવ્યું હતું કે, માનવ સંસ્કૃતિનાં ઇતિહાસમાં નદીઓ અને દરિયાઈ માર્ગે થતો વેપાર અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત લોથલની ભૂમિ છે અને આપણે આપણાં ઇતિહાસને કેવી રીતે ભૂલી શકીએ! પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણાં ભવ્ય ઇતિહાસને જીવંત કરે છે અને સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બંને વિસ્તારોનાં લોકો એકબીજાનાં વિસ્તારોમાં સતત અવરજવર કરે છે અને આ ફેરી સર્વિસથી ઘણો સમય અને ઇંધણ બચશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતનાં વિકાસને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એમણે જણાવ્યું હતું કે, ગુજરાત લાંબો દરિયાકિનારો ધરાવે છે અને આપણે તેમાંથી પ્રાપ્ત થતી તકોને ઝડપી લેવી જોઈએ. એમણે કહ્યું હતું કે, દરિયાકિનારાનું માળખું વિકસાવવા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. એમણે ઉમેર્યું હતું કે, આ ફેરી સેવા પણ એક રૂટ પૂરતી મર્યાદિત નહીં રહે. એમણે જણાવ્યું હતું કે, ફેરી સેવા મારફતે અન્ય સ્થળોને પણ જોડવામાં આવશે. એમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક પરિવહન ક્ષેત્રને સંપૂર્ણ અને અત્યાધુનિક બનાવવાનો છે.

પ્રધાનમંત્રીએ ઘોઘાથી દહેજ સુધી આ સેવાની પ્રથમ ફેરીમાં સફર ખેડી હતી. આ સફર દરમિયાન એમને જહાજ અને ફેરી સર્વિસ વિશે જાણકારી આપવામાં આવી હતી. એમણે જહાજમાં સવાર દિવ્યાંગજન બાળકો સાથે પણ વાત કરી હતી.

દહેજમાં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારનું સ્વપ્ન સમૃદ્ધ બંદરોનું છે. એમણે ઉમેર્યું હતું કે, ભારતને શ્રેષ્ઠ બંદરો અને વધુ બંદરોની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જોડાણની યોગ્ય સુવિધા વિના દેશનો વિકાસ મંદ પડી જાય છે. એમણે ઉમેર્યું હતું કે, સરકારે બંદરો પર માળખાગત સુવિધાઓ વિકસાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર બ્લૂ ઇકોનોમી એટલે કે જળ અર્થતંત્ર પર ભાર મૂકી રહી છે, જે નવા ભારતનાં સ્વપ્નનો અભિન્ન ભાગ છે.

RP