Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચાવીરૂપ માળખાગત ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માળખાગત ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. નીતિ આયોગ દ્વારા રજૂઆત દરમિયાન કેટલાક ચાવીરૂપ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જા અને રેલવે સામેલ છે.

નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં કુલ સંચિત સ્થાપિત ક્ષમતા 44 ગીગા વોટથી વધારે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ હેઠળ વિવિધ ઘટકો અને વિવિધ પ્રોજેક્ટ્સ માટે લક્ષ્યાંકો પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રીને સૌર ઊર્જાના ઉત્પાદનને વધારવા યોજનાઓ અને વ્યૂહરચનાઓ પર માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં રુફટોપ જનરેશન સામેલ છે.

નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રધાનમંત્રીએ સલામતી અને કનેક્ટિવિટી જેવા મહત્ત્વપૂર્ણ નીતિગત ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. અત્રે નોંધવામાં આવ્યું હતું કે, ભારતના આઠ એરપોર્ટ તેમની સાથે સંબંધિત કેટેગરીઓમાં વૈશ્વિક સ્તરે ટોચના 5 એરપોર્ટમાં સામેલ છે. પ્રધાનમંત્રીને પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા લેવામાં આવેલા પગલાં પર માહિતી આપવામાં આવી હતી તથા એરપોર્ટ્સ પર ગ્રાહકોના સંતોષ સૂચકાંકો વધારવા માટે થયેલી કામગીરી વિશે જણાવવામાં આવ્યું હતું.

ભારતીય રેલવેએ દરરોજ 2.25 કરોડ પેસેન્જરની અવરજવરનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 240 માનવરહિત ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા છે. આ જ ગાળામાં વીજ ક્ષેત્રમાં 3.5 કરોડ એલઇડી બલ્બની વહેંચણી કરવામાં આવી છે.

બંદર ક્ષેત્રમાં જહાજના સરેરાશ ટર્નએરાઉન્ડ ટાઇમમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6 લાખ મકાનોનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જેની સામે આ ગાળામાં ગ્રામીણ હાઉસિંગ ક્ષેત્રમાં 6.94 લાખ ગ્રામીણ મકાનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરી પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ વધારવા લેવામાં આવેલા પગલાની જાણકારી માંગી હતી. તેમને જાણકારી આપવામાં આવી હતી કે નાણાકીય વર્ષ 2015-16માં એલપીજી માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ 15 કરોડથી વધારે કુટુંબોને આવરી લેવાયા હતા.

આ બેઠકમાં વિવિધ માળખાગત ક્ષેત્રના પ્રધાનો, નીતિ આયોગ અને પીએમઓના ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી.

AP/J.Khunt/TR/GP