Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિબ્રુગઢ નજીક લેપેટકાટામાં બ્રહ્મપુત્ર ક્રેકર એન્ડ પોલિમર લિમિટેડ અને નુમાલીગઢ રીફાઈનરીઝ લિમિટેડના વેક્સ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા

પ્રધાનમંત્રીએ દિબ્રુગઢ નજીક લેપેટકાટામાં બ્રહ્મપુત્ર ક્રેકર એન્ડ પોલિમર લિમિટેડ અને નુમાલીગઢ રીફાઈનરીઝ લિમિટેડના વેક્સ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિબ્રુગઢ નજીક લેપેટકાટામાં એક પેટ્રો રસાયણ પરિસર, બ્રહ્મપુત્ર ક્રેકર એન્ડ પોલિમર લિમિટેડ રાષ્ટ્રને સમર્પણ કર્યું. આ ઉપરાંત, પ્રધાનમંત્રી શ્રીએ નુમાલીગઢ રિફાઈનરીઝ લિમિટેડના વેક્સ પ્લાન્ટ (મીણ પ્લાન્ટ)ને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો.

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું કે, આજે રાષ્ટ્રને બે પ્રોજેક્ટો સમર્પિત થઈ રહ્યા છે. આ બે કારણોસર મહત્ત્વપૂર્ણ છે – એક, કુદરતી કાચા માલ માટે એનાથી વેલ્યુ એડિશન (મૂલ્ય વધારો) થશે અને બીજું, આસામના યુવાનો માટે રોજગારની તકોનું સર્જન થશે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટો રાષ્ટ્રને સમર્પિત કરતાં, જ્યારે દેશભરમાં ખુશીનો માહોલ છે, ત્યારે આસામમાં ચારેતરફ ખુશી છે.

આ પ્રોજેક્ટો સમયસર પૂરા કરવાના મહત્ત્વ વિશે જણાવતા પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે પ્રોજેક્ટોને પગલે રોજગાર સર્જન થશે અને તેનાથી કિંમતોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે. તેમણે જણાવ્યું કે, ભારતના યુવાનો માટે રોજગારનું સર્જન કરવા માટે દેશમાં ઝડપી ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. આ સંદર્ભે પ્રધાનમંત્રી શ્રીએ પોતાની ‘પ્રગતિ’ પહેલનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ પહેલ કરોડો રૂપિયાના બંધ થઈ ગયેલા પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપી રહી છે.

પ્રધાનમંત્રીએ એ વાત ફરીવાર જણાવી કે ભારતના સર્વાંગી વિકાસ માટે પૂર્વોત્તર ભારતને વિકસાવવો આવશ્યક છે. તેમણે કહ્યું કે આ સંદર્ભે કેન્દ્ર સરકાર માળખાકીય સવલતો અને કનેક્ટિવિટી વધારીને પૂર્વોત્તર વિસ્તારો પર વધુ ધ્યાન આપી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની મુદ્રા અને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા જેવી યોજનાઓનો ઉદ્દેશ યુવાનો માટે નવી તકો સર્જવાનો છે. તેમણે જણાવ્યું કે રોજગારની તકો માત્ર મોટા શહેરોમાં જ નહીં, પરંતુ નાનાં શહેરોમાં પણ સર્જાવી જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સહકારી સમવાયતંત્રના સિદ્ધાંત પર કામ કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય બંનેએ વિકાસ માટે સાથે મળીને કામ કરવું પડશે.

AP/J.Khunt