પીએમઇન્ડિયા
(સરળ સ્મિત સાથે) દેશમાં 30 વર્ષ પછી પહેલી વાર સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર રચાઈ છે. સરકાર બનવા પાછળ કરોડો દેશવાસીઓની મનઃ સ્થિતિ હતી અને દેશની તત્કાલીન સ્થિતિ હતી. ચારેતરફ નિરાશાનો માહોલ હતો. દરરોજ ભ્રષ્ટાચારના નવા સમાચાર પ્રકાશમાં આવતા હતા.
સરકારના અસ્તિત્ત્વની ક્યાંયે અનુભૂતિ થતી ન હતી. આવા ઘોર નિરાશાભર્યા માહોલમાં આ સરકારનો જન્મ થયો. આજે પ્રત્યેક દેશવાસી ગર્વ સાથે કહી શકે છે કે આ નિરાશાને અમે ફક્ત આશામાં જ નહીં, પરંતુ વિશ્વાસમાં તબદીલ કરી શક્યા. એક સમય હતો જ્યારે સરકાર નથી, એવી ચર્ચા હતી. આજે ચર્ચા છે, સરકાર અમારા કરતાં પહેલી પહોંચી જાય છે. એક સમય જ્યારે રોજ ભ્રષ્ટાચારની નવી ઘટનાઓ નોંધાતી હતી
આજે એક વર્ષમાં ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ અમારા રાજકીય વિરોધીઓએ પણ નથી મૂક્યો. એક વર્ષના અનુભવ ઉપરથી કહું છું કે દબાણનું તો નામોનિશાન નથી. હકીકતમાં તો જેમ જેમ એક પછી એક કાર્યમાં સફળતા મળતી જઈ રહી છે, એક પછી એક સારાં પરિણામ મળી રહ્યાં છે, જનતાના પ્રેમ અને આશીર્વાદ વધતા જઈ રહ્યાં છે, તેમ તેમ અમારો કામ કરવાનો ઉત્સાહ પણ વધતો જઈ રહ્યો છે.
જમીન સંપાદન વિધેયક સમયની માગ છે
2013ના કાયદામાં ખેડૂત વિરોધી જેટલા પણ મુદ્દા છે, વિકાસ વિરોધી જે પણ જોગવાઈઓ છે, અમલદારશાહીને પ્રોત્સાહન આપવા માટેની જે કોઈ વ્યવસ્થાઓ છે, એને સુધારીને ખેડૂત તેમજ દેશને સુરક્ષિત બનાવવા જોઈએ. અમે જે ફેરફારો લાવ્યા છીએ, જો તે લાવીએ નહીં તો ખેડૂતો માટે સિંચાઈ યોજનાઓ અસંભવ બની જાત.
સરકાર કંઈ કરી શકતી નથી, શું એક વરસમાં આવી માન્યતા નથી બની?
(અર્થપૂર્ણ રીતે હસે છે) ચૂંટણી અગાઉના દિવસો યાદ કરો. તમારું પોતાનું અખબાર જોઈ લો. એમાં શું લખાયેલું છે. હવે છેલ્લા એક વર્ષના છાપાં કાઢો. લોકસભાની ચૂંટણી પૂર્વે તમે જોશો કે દૈનિક જાગરણ આ સમાચારોથી ભરાયેલું હતું કે આ કૌભાંડ, તે કૌભાંડ… આ કામ ન થયું, પેલું કામ ન થયું… આ બાબતની કોઈ માહિતી નથી, તે બાબતની કોઈ માહિતી નથી.
હવે અત્યારનાં છાપાં જોઈ લો, શું છપાય છે ? આફક આવી નેપાળમાં અને ભારત સરકાર પહોંચી ગઈ. યમનમાં આપણે પહોંચ્યા. કાશ્મીરમાં દુર્ઘટના થઈ ત્યારે અમે ત્યાં હતા. કોઈ કૌભાંડ નથી થયું. કરાં પડ્યાં તો બધા મંત્રીઓ ખેતરોમાં પહોંચી ગયા. બધાને દેખાઈ રહ્યું છે. પહેલા ચર્ચા થતી હતી. 1.74 કરોડનું કોલસાનું કૌભાંડ. આ વખતે ગૌરવભેર સમાચારો છપાય છે કે બે લાખ કરોડ રૂપિયાથી વધુ ફક્ત 10 ટકા કોલસાના બ્લૉકની હરાજીમાંથી સરકારને મળ્યા.
ત્યારે એવા સમાચારો આવતા હતા કે મોંઘવારી વધી રહી છે. હવે એવા સમાચારો આવે છે કે ભાવ આટલા ઘટી રહ્યા છે. આ જ સમાચારો આવે છે. અગાઉ વિશ્વના દેશોમાં વિદેશમંત્રી જતા હતા અને અન્ય દેશનું ભાષણ વાંચી આવતા હતા. હવે દુનિયાના દેશ હિંદુસ્તાનની વાત બોલવા લાગ્યા છે. વીજળી ઉત્પાદનની વાત કરીએ તો છેલ્લા ત્રીસ વર્ષમાં આટલી વૃદ્ધિ ક્યારેય નથી થઈ. રસ્તા બનાવવાની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષોમાં દરરોજ બે કિલોમીટર માર્ગ બનાવવાની સરેરાશ હતી, જે હવે 10 કિલોમીટરથી વધુ નોંધાઈ છે. એફડીઆઈ અને વિદેશના પ્રવાસીઓના આવવા જેવા દરેક ક્ષેત્રમાં સારા સમાચા છે. તમે કોઈ પણ વિષય લો.
(પછી થોડી વાર અટકીને…) મોદીના રાજમાં સમયસર ઓફિસ પહોંચવું પડે છે. આવી જ ટીકા થાય છે.
ભવિષ્યને ધ્યાનમાં રાખીએ તો દેશ સમક્ષ મુખ્ય પડકારો કયા છે અને એનો સામનો કરવા માટે કેટલો સમય જોઈશે?
તમે અમારું આ વર્ષનું અંદાજપત્ર જોયું હશે. દેશની ઐતિહાસિક સમસ્યાઓને 5 – 7 વર્ષમાં હલ કરવાનું અમે બીડું ઉઠાવ્યું છે. એ પછી ગરીબોને ઘર આપવાની વાત હોય, પાણી, વીજળી, રસ્તાની સુવિધાઓ પૂરી કરવાની વાત હોય. દેશવાસીઓનો એક વિશાળ હિસ્સો આ બધી સુવિધાઓથી વંચિત રહે એ માટે કોઈ કારણ નથી.
શિક્ષણની વાત હોય. ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયાથી દેશને ટેકનોલોજીથી સજ્જ અને કૌશલ્યવાન બનાવવાની વાત હોય. આપણે એક યુવાન દેશ છીએ અને આધુનિક યુગની આવશ્યકતાઓ મુજબ દેશના નવયુવાનોને રોજગારની સાથે સાથે વિશ્વ સાથે નજરથી નજર મેળવીને કામ કરી શકે, એ રીતે તૈયાર કરવા જરૂરી છે.
પરંતુ સરકારને ગરીબ વિરોધી સાબિત કરવામાં વિપક્ષ સફળ થઈ રહ્યા હોય એવું દેખાય છે. જમીન સંપાદનના મુદ્દે કોંગ્રેસ આક્રમક છે, લાગે છે કે ક્યાંય કશી ખોટ રહી ગઈ છે?
(પંચવટીમાં અચાનક મોરોએ કલરવ કરતાં એ સાંભળીને અમે સહુ થોડીવાર ચૂપ થઈ જઈએ છીએ… પછી તેઓ સાહજિકતાથી કહે છે) આનો સમગ્ર ઈતિહાસ સમજો. જમીન સંપાદક વિધેયક ઉપર 120 વર્ષ પછી વિચારાયું. આટલા જૂના કાયદા ઉપર ચર્ચા 120 કલાક પણ થઈ હતી ખરી? નહોતી થઈ. અને તેમાં ફક્ત કોંગ્રેસ પક્ષ દોષી છે, એવું નથી. અમે પણ ભાજપા તરીકે દોષી છીએ, કેમકે અમે સાથ આપ્યો હતો.
ચૂંટણી સામે હતી અને સત્ર પૂરું થવામાં હતું, એટલે ઉતાવળમાં નિર્ણય લેવાઈ ગયો. તે પછી દરેક રાજ્યને લાગ્યું કે આ તો મોટું સંકટ છે. મને સરકાર બનાવ્યા પછી લગભગ તમામ મુખ્ય મંત્રીઓએ એક જ વાત કહી હતી કે જમીન સંપાદન વિધેયક સુધારવું પડશે, નહીં તો અમે કામ નહીં કરી શકીએ. અમારી પાસે લેખિત પત્રો છે.
જે રીતે રાજકીય પરિસ્થિતિ આકાર પામી છે, એનાથી નથી લાગતું કે જમીન સંપાદન વિધેયક ઉપર ખેડૂતોને સમજાવવામાં આપની સરકાર અસફળ રહી છે?
તમારી વાત સાચી છે. કોઈને કોઈ રાજકીય સ્વાર્થના માહોલને કારણે સત્ય લોકો સુધી પહોંચાડવામાં અનેક અડચણો આવી છે. અમારા વિરોધીઓ એવો ભ્રમ ફેલાવવામાં સફળ થયા છે કે જમીન સંપાદન વિધેયક આવ્યા પછી કોર્પોરેટ ગૃહો માટે જમીન ખરીદી લેવાશે, જ્યારે હકીકત એ છે કે કોર્પોરેટ માટે જમીન આપવા બાબતે અમે 2013ના વિધેયકમાં હાલ જે જોગવાઈ છે, તેમાં જરા સરખો પણ ફેરફાર કર્યો નથી.
અમારા સુધારા હેઠળ કોઈ પણ ઉદ્યોગ ગૃહ કે કોર્પોરેટને કોઈ જમીન અપાઈ નથી અને ન તો એવું કંઈ કરવાનો અમારો ઈરાદો છે. અમે જે સુધારા સૂચવ્યા છે, તેમાં એક ઇંચ જમીન પણ ઉદ્યોગને આપવાની જોગવાઈ નહીં હોય. આ તદ્દન જુઠ્ઠું છે, પરંતુ એવી વાત ફેલાવાઈ રહી છે. જમીન સંપાદન વિધેયકમાં ફેરફાર કરવો, એ ન તો ભાજપનો એજન્ડા છે, કે ન તો મારી સરકારનો એજન્ડા છે. લગભગ તમામ રાજ્યોની સરકારો તરફથી તેમાં ફેરફારનો આગ્રહ કરાયો હતો.
ઉતાવળમાં બનેલા 2013ના કાયદામાં ખેડૂત વિરોધી જેટલી વાતો છે, વિકાસ વિરોધી જે જોગવાઈઓ છે, અમલદારશાહીને પ્રોત્સાહન આપવા માટેની જે વ્યવસ્થાઓ છે, તેને સુધારીને ખેડૂતો તેમજ દેશને સુરક્ષિત બનાવવા જોઈએ. અમે જે સુધારા લાવ્યા છીએ, તે જો ન લાવીએ તો ખેડૂતોને સિંચાઈ માટેની યોજનાઓ અસંભવ બની જાત.
ગામડાંમાં ખેડૂતોને પાકા રસ્તા નથી મળતા. ગામડાંમાં ગરીબો માટે ઘર નથી બનાવી શકાતાં. એટલે, ગામડાંના વિકાસ માટે, ખેડૂતની ભલાઈ માટે કાયદામાં જે ત્રુટિઓ છે, તે દૂર કરવી જરૂરી હતી અને એની રાજ્યોએ માગણી કરી હતી. અમે ખેડૂતોના હિતમાં એક પવિત્ર અને પ્રામાણિક પ્રયાસ કર્યો છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જુઠ ઉઘાડું પડશે અને લોકોનો ભ્રમ દૂર થશે.
સંવેદનશીલ મુદ્દે ભાજપા અને સરકારના ઘણા નેતાઓ વાત કરતા અચકાતા હતા, તો પણ જમીન સંપાદન વિધેયક ઉપર સરકારે રાજકીય જોખમ ઉઠાવ્યું?
મેં જેમ કહ્યું તેમ જમીન સંપાદન વિધેયકમાં ફેરફાર કરવો, એ ન તો ભાજપનો એજન્ડા છે અને ન તો મારી સરકારનો. તમામ મુખ્યમંત્રીઓ તો તેમાં ફેરફાર ઈચ્છતા જ હતા. એ દરમ્યાન એક ઘટના એવી બની કે કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતા એવા જે.બી. પટનાયક આસામના રાજ્યપાલ હતા. હું એ રાજ્યની મુલાકાતે ગયો હતો, તો રાજભવનમાં તેમણે મને બે વાત કહી. પહેલી તો એ કે મોદીજી, મારી એક ઈચ્છા છે કે આ મહિના પછી મારો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, મારા જતા પહેલા ઉત્તરાધિકારી આવી જાય.
બીજી વાત તેમણે ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પોતાના વહીવટી અનુભવ સંદર્ભે કહી. તેમણે કહ્યું કે અમે કે અમારા લોકો પરિપક્વતાના અભાવે જમીન સંપાદન વિધેયક લાવ્યા છીએ, એનો મહેરબાની કરીને અંત લાવો. એનાથી દેશ નહીં ચાલે. હું વર્ષો સુધી ઓડિશાનો મુખ્યમંત્રી રહી ચૂક્યો છું, મારો અનુભવ કહે છે કે આમ ચાલી શકે નહીં. તેઓ કોંગ્રેસના કદાવર નેતા અને અનુભવી વ્યક્તિ હતા.
રોજગાર અને બીજા મુદ્દાઓ ઉપર પણ તમારી સરકાર સામે સવાલો થઈ રહ્યા છે?
સરકારમાં હોવા છતાં પણ વિપક્ષે પોતે કશું કર્યું નહીં. જે લોકોને પાંચ- પાંચ, છ- છ દાયકા સુધી આ દેશમાં એકચક્રી શાસન કરવાનો અધિકાર મળ્યો. એ લોકોની કમજોરી છે કે તેઓ સત્તા પણ પચાવી શક્યા નહીં. હવે આજે ઘોર પરાજય પછી પરાજય પણ પચાવી શકતા નથી.
અમે સારી રીતે જાણીએ છીએ કે આ દેશમાં જાતિવાદનું ઝેર, સંપ્રદાયવાદનું ઝેર, ગરીબોના નામે મગરનાં આંસુ વહેવડાવવાની પરંપરા આ દેશે લાંબો સમય જોઈ છે.
અમે જે સંકલ્પો લઈને ચાલી રહ્યા છીએ. તેના હેઠળ આવનારાં 5-7 વર્ષોમાં દેશની તસ્વીર અલગ હશે અને આ વાતે એમની ઊંઘ હરામ કરી નાખી છે. એટલે અમારા કાર્યોમાં વિઘ્નો નાખવાનો દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. સારી ભાવનાઓ સાથે લેવાયેલાં અમારાં પગલાં પણ એ લોકો ગરીબ વિરોધી અને ખેડૂત વિરોધી કહીને રજૂ કરી રહ્યા છે. પરંતુ દેશનો ગરીબ અને ખેડૂત સમજદાર છે અને અમારી નિયત અને નિષ્ઠાને જાણે છે.
અમે ગરીબો અને ખેડૂતોની આવક વધે, યુવાનોને રોજગાર મળે, એ દ્રષ્ટિએ સતત પગલાં લઈ રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે દેશની જનતા અમારી પડખે ઊભી રહેશે. જ્યાં સુધી વિપક્ષે અમને ગરીબ વિરોધી ગણાવ્યા છે, તેનો સવાલ છે, તો એને માટે મારે એટલું જ કહેવું છે કે જો તેઓ ગરીબોનું હિત ઈચ્છતા હતા તો દેશમાં આજે પણ ગરીબ શા માટે છે ? એમને ગરીબી હટાવતાં કોણે રોક્યા હતા ?
અમારી રણનીતિ છે, ગરીબી સામે લડત આપવાની. અમે ગરીબોને જ વિશ્વાસુ સાથી બનાવીને, ખભે ખભા મીલાવીને ગરીબી સામે લડત આપવી છે અને જીતવું છે. અમને વિશ્વાસ છે કે ગરીબી સામેની આ લડાઈ જીતવા માટે ગરીબ જ સૌથી શક્તિશાળી માધ્યમ છે અને અમે તેને જ અમારો સાથીદાર બનાવીને ગરીબીથી મુક્તિની એક લડત શરૂ કરી છે, જેમાં વિજય નિશ્ચિત છે.
તમારી સરકારે હકીકતમાં ગરીબ, મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે 12 મહિનામાં કંઈ કર્યું છે?
તમે ખૂબ સારો સવાલ પૂછ્યો. સામાન્ય રીતે, સમાજનો આ વર્ગ સરકારોમાં અળગો રહી જાય છે. આજે ભારતનું ભવિષ્ય ઘડવામાં મધ્યમ વર્ગ અને નીચલો મધ્યમ વર્ગ ઘણી મોટી ભૂમિકા ભજવી શકી એમ છે. અમે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારી જેટલી પણ યોજનાઓ છે, તે ગરીબો, ખેડૂતો, મધ્યમ વર્ગને સમર્પિત છે. લોકસભાની ચૂંટણી પહેલા તેમજ સરકાર બન્યા પછી પણ અમારો એક જ મંત્ર રહ્યો છે કે યુવાનો માટે રોજગાર વધારો છે. એટલા માટે અમે દેશને વૈશ્વિક ઉત્પાદન મથક બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું.
ઉદ્યોગ જગતની આશાઓ આડે ધુમ્મસ છવાયું છે. તે લોકો માનવા લાગ્યા છે કે સરકાર એમના માટે કંઈ ખાસ કરી રહી નથી.
તમે તમારા પહેલા સવાલ અને આ સવાલને જોડીને જુઓ તો આક્ષેપોમાં તમને જાતે જ વિરોધાભાસ દેખાશે. એક તરફ વિરોધીઓનું કહેવું છે કે અમે અમીરો માટે કામ કરી રહ્યા છીએ અને અમીરો કહે છે કે અમારે માટે કંઈ કરતા નથી. કોર્પોરેટ ગૃહોની અમારા માટેની ફરિયાદ સ્વાભાવિક છે.
કેમકે પાછલી સરકારની માફક અમે ભાઈ-ભત્રીજાવાદને આધારે વહીવટ ચલાવતા નથી. જે પ્રામાણિકતાથી આગળ વધવા માગે છે, મોટા બનવા માગે છે, તેમને માટે અમારી નીતિઓ સ્પષ્ટ છે. તેનો લાભ કોઈ પણ ઉઠાવી શકે છે. પરંતુ જો ખોટા રસ્તે કોઈને કશું મેળવવું છે, તો એ આ સરકારમાં શક્ય નથી. ફરિયાદનું એક કારણ એ પણ છે કે આપણા દેશમાં મજૂરોને તેમના નસીબ ઉપર છોડી દેવાયા હતા.
મજૂરોનો કોઈ સંભાળ રાખનાર ન હતો. મજૂરોના હિતમાં કોઈ સરકાર નિર્ણય કરવા તૈયાર ન હતી. અમે શ્રમેવ જયતે અભિયાન ચલાવ્યું. શ્રમિકોના સમ્માનને પ્રાથમિકતા આપી. મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરી. મજૂરોને તેમના હક્કના ઈપીએફનાં નાણાં આવશ્યક રીતે મળે, એ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) શરૂ કર્યો. હવે સ્વાભાવિક છે કે મજૂરોને આ બધું આપવું પડતું હોય તો ફરિયાદ તો રહેશે જ ને.
શું તમને લાગે છે કે ઔદ્યોગિક જગતથી આંખ આડા કાન કરીને તમે દેશને આગળ વધારી શકો છો?
અમે માનીએ છીએ કે ભારત એક યુવા દેશ છે. વધુમાં વધુ લોકોને રોજગાર કેવી રીતે મળે, એ અમારી પ્રાથમિકતા છે. અમે નવા ઉદ્યોગો પણ ઈચ્છીએ છીએ. જેમકે કૃષિ ક્ષેત્રે મૂલ્યવૃદ્ધિ કેવી રીતે થાય, જેથી ખેડૂતોને વધુ લાભ મળી શકે. કૃષિ આધારિત ઉદ્યોગોનું નેટવર્ક કેવી રીતે બને.
બીજું ક્ષેત્ર છે આપણી પોતાની જે ખનીજ સંપત્તિ છે, તેની મૂલ્ય વૃદ્ધિ કેવી રીતે થાય. આપણે અમુક માલ વિદેશમાં મોકલીએ છીએ કે અમુક માલના આધારે આપણે ઉદ્યોગો સ્થાપીએ છીએ અને માલ બનાવીને દુનિયામાં મોકલીએ છીએ. અને આપણી ખનીજ સંપત્તિમાંથી મૂલ્યવર્ધન થવું જોઈએ. અમારો પ્રયાસ છે કે હવે આપણો આયર્ન ઓર દેશની બહાર ન જાય. આપણે જ સ્ટીલ કેમ તૈયાર ન કરવું જોઈએ. આપણું કપાસ ફેબ્રિક અને ફેશન બનાવવા માટે વિશ્વ બજારમાં જાય છે. એને આપણે દેશમાં જ કેમ ન કરી શકીએ, જેનાથી દેશના નવયુવાનોને રોજગાર મળે.
અમે છેલ્લા 12 મહિનામાં આ દિશામાં ખૂબ પ્રયાસો કર્યા. વેપાર કરવાનું સરળ બને તે માટે ઘણું કામ થયું છે. જેમકે કરપ્રણાલીને સરળ, સ્થિર અને પારદર્શી બનાવાઈ. અનેક ઉત્પાદનોને ઈન્વર્ટેડ ડ્યૂટીને કારણે દેશમાં ઉત્પાદન કરવાને બદલે આયાતને પ્રોત્સાહન મળતું હતું, જે અમે સુવ્યવસ્થિત કર્યું.
વેપાર ઉદ્યોગ શરૂ કરવા માટે વિભિન્ન વિભાગોની જે મંજૂરીઓ લેવી પડતી હતી, એવા વિષયોને અમે ઈ-બ્રિજના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મૂકી દીધા. સંરક્ષણ ક્ષેત્રના અનેક ઉત્પાદનો માટે ફરજિયાત પરવાના લેવાની જોગવાઈ હટાવી દીધી. ઔદ્યોગિક અને શિપિંગના પરવાનાની સમયસીમા વધારી. ભારત સરકારે રોકાણકારોને અત્યાર સુધી કંઈ પૂછ્યું ન હતું. અમે ઈન્વેસ્ટર ફેસિલિટેશન સેલ રચ્યો છે. શ્રમ સંબંધિત અનેક પ્રક્રિયાઓને સરળ બનાવીને ઓનલાઈન કરી દીધી છે.
શું આ પગલાંનાં પરિણામો મળવાં લાગ્યાં છે?
આ તમામ અને આવાં અનેક પગલાં અમે એ વિચાર સાથે લીધાં કે વહીવટી જટિલતાઓને કારણે આપણે ક્યાંય પાછળ ન રહી જીએ. આપણો ગરીબ ક્યાં સુધી બેઘર રહેશે. ગરીબને ઘર આપવું એ રાષ્ટ્રની જવાબદારી છે. સાથે સાથે ઘર આપવાનો કાર્યક્રમ એક વિશાળ પાયાનું માળખું તૈયાર કરવાનું કામ પણ છે. જો દેશમાં કરોડો મકાનો બનશે, તો કરોડો નવયુવાનોને રોજગાર પણ મળશે. રેલવે એક ગરીબ વ્યક્તિનું સાધન છે.
જો ગરીબો માટે કંઈક કરવું છે, તો રેલવેની ઉપેક્ષા નહીં કરી શકાય, કેમકે ગરીબ રેલવેમાં મુસાફરી કરે છે. આપણી રેલવે ગંદી હોય, ટ્રેનના સમયના કોઈ ઠેકાણાં ન હોય, આવું ક્યાં સુધી ચાલશે ? અમે રેલવેને આધુનિક બનાવવા માગીએ છીએ. રેલવેની ગતિ અને તેના માધ્યમથી રોજગાર અને ગરીબની સુવિધા વધારવા ઈચ્છીએ છીએ. આ રીતે ઉદ્યોગથી આંખ આડા કાન કરવાનો સવાલ જ ઉઠતો નથી. પરંતુ અમે દેશમાં એ ઉદ્યોગોનું નેટવર્ક બનાવવા માગીએ છીએ, જેનાથી મહત્તમ લોકોને રોજગાર મળે. રોજગાર સર્જનની આ પ્રક્રિયામાં ઉદ્યોગ જગત માટે ઘણી બધી સંભાવનાઓ ખૂલશે.
છેલ્લા 12 મહિનાના પ્રયાસ સાર્થક થયા છે. વિદેશી રોકાણ 38.75 ટકા વધ્યા છે. વિદેશી રોકાણકારો અને વિદેશી સંસ્થાઓના ભારત પ્રત્યેના દ્રષ્ટિકોણમાં સંપૂર્ણ બદલાવ છે. વિશ્વ બેન્ક હોય કે આઈએમએફ, બધાએ એક અવાજે ભારતની અર્થવ્યવસ્થા સાચી દિશામાં હોવાનું જણાવ્યું છે. હમણાં થોડા જ દિવસો અગાઉ વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે આપણી અર્થવ્યવસ્થા માટે ઉચ્ચ રેટિંગ આપ્યું છે.
આ બધી વાતોથી સ્વાભાવિક રીતે જ ઉદ્યોગ જગતનું મનોબળ વધ્યું છે. મને આશા છે કે આ બદલાતા વાતાવરણનો ઉદ્યોગ જગત લાભ ઉઠાવશે અને દેશમાં ઔદ્યોગીકરણ તેમજ રોજગાર સર્જનની દિશામાં પોતાનું કર્તવ્ય નિભાવશે.
મેઇક ઇન ઈન્ડિયા વિશે તમારી કલ્પના સાકાર થવાની દિશામાં કંઈ પ્રગતિ થઈ છે?
વૈશ્વિક અર્થવ્યવસ્થાનો યુગ છે. દરેક પોતાનો માલ દુનિયામાં વેચવા ઈચ્છે છે. સવા સો કરોડનો દેશ, દુનિયાની નજરે એક ઘણું મોટું બજાર છે અને એ સ્વાભાવિક પણ છે. શું આપણે, આપણા દેશને દુનિયાભરના લોકોના માલ વેચવા માટેનું એક બજાર જ રાખવું છે ? શું આપણે ફક્ત તૈયાર ચીજો ખરીદીને ગુજરાન ચલાવવું છે ? જો એ રસ્તે જઈએ તો ભારતનું કોઈ ભવિષ્ય છે ખરું ?
આપણી યુવા પેઢીનું કોઈ ભવિષ્ય રહેશે? એટલે દરેક દેશવાસીનું એ સ્વપ્ન હોવું જોઈએ કે અમે હિંદુસ્તાનને બજાર નહીં, મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું. જે દેશ પાસે 80 કરોડ લોકો 35 વર્ષથી ઓછી વયના હોય, તે દેશનો સામુહિક સંકલ્પ હોવો જોઈએ કે અમે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ અમારો દબદબો બતાવીશું. આટલા ઓછા સમયમાં પાછલા વર્ષની સરખામણીએ વિદેશી રોકાણોમાં 38.75 ટકાની વૃદ્ધિ આનું જીવંત ઉદાહરણ છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતના અનેક ઉદ્યોગપતિઓ અને ભારતની કંપનીઓ ભારતની બહાર પોતાનાં કામકાજ વિસ્તારવાનું જરૂરી સમજવા લાગ્યા હતા.
કેટલાક લોકોએ ભારતથી બહાર જવાની માનસિક તૈયારી પણ કરી લીધી હતી. આજે ભારતની બહાર જવાની એ ભાવના સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગઈ છે. એટલું જ નહીં, ભારતનું અમૂલ્ય શિક્ષિત માનવધન, જે ભારતમાં કોઈ ભવિષ્ય નહીં હોવાને કારણે વિદેશોમાં પોતાની કારકીર્દિ બનાવવામાં લાગ્યું હતું, તે ભારત માતાનાં હોનહાર સંતાન હવે ભારત પરત આવવા ઉત્સાહિત દેખાય છે. તો મેઇક ઈન ઇન્ડિયા મારફતે ભારતે પોતાના સામર્થ્યનો પ્રભાવ ફેલાવ્યો છે. જેટલો ભારતમાં તેનો પ્રભાવ છે, તેનાથી વધુ ભારતની બહાર જોવા મળે છે.
ભારતમાં કૃષિ ક્ષેત્ર સંકટમાં છે. પરંતુ તમારી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં હોય, તેવું જોવા મળતું નથી, શું કારણ છે?
તમારી ચિંતા સાચી છે કે બદલાતા જતા યુગમાં આપણી કૃષિને વૈજ્ઞાનિક અને આધુનિક બનાવવા ઉપર ભાર મૂકવાની જરૂર હતી. તે સમયસર થવું જોઈતું હતું. પરિવાર વિસ્તરતા રહે છે. પેઢી દર પેઢી જમીન ટુકડાઓમાં વહેંચાતી જઈ રહી છે. ખર્ચ પણ સતત વધી રહ્યો છે. એક સમય હતો, જ્યારે દેશનો ખેડૂત ભારતના વિકાસમાં 60 ટકા યોગદાન આપતો હતો. આજે એટલા જ ખેડૂતો ફક્ત 15 ટકા ફાળો આપી શકે છે.
ખેત મજૂરોને તો કોઈ ક્યારેય કંઈ પૂછતું જ નથી. એટલે, ભારતમાં કૃષિને આધુનિક બનાવવાની જરૂર છે. વૈજ્ઞાનિક બનાવવાની આવશ્યકતા છે. પ્રતિ એકર ઉત્પાદકતા કેવી રીતે વધે? જેથી કરીને ઓછી જમીનમાં પણ ખેડૂતને આર્થિક રીતે લાભ મળે. અમે સોઇલ (જમીન) હેલ્થ કાર્ડ અમલી બનાવવાનું કામ શરૂ કર્યું છે, જેનાથી ખેડૂતને ખેતરમાં થતો ખર્ચ ઘટાડી શકાય અને ઉત્પાદકતા વધારી શકાય. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સિંચાઈ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનો પ્રયાસ છે. યુરિયામાં લીમડાનું આવરણ ચઢાવવા ઉપર ભાર મૂકાયો છે, જેનાથી ખેડૂતોને મળવાપાત્ર યુરિયા વચેટિયાઓ વેચી ન ખાય.
ખેડૂતોનાં દેવા બાબતે ઘણી બધી સમસ્યાઓ છે. શાહુકારોથી ખેડૂતોને મુક્તિ કેવી રીતે મળશે?
ખેડૂતને ધિરાણ શાહુકાર પાસેથી લેવાં પડે નહીં, તેવી વ્યવસ્થા હોવી જોઈએ. એ માટે અમે જન ધન યોજના હેઠળ ઓવરડ્રાફ્ટની વ્યવસ્થા કરી છે. એ જ રીતે સરકારી બેન્કોનાં કામકાજમાં સુધારા કરવાનું કામ અમે હાથ ઉપર લીધું. પાક વીમા યોજનાઓને વધુ વૈજ્ઞાનિક અને સુદ્રઢ બનાવવાની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. ખેડૂતોને મળનારાં ધિરાણના સંદર્ભમાં અમે અમારા ઉપરાછાપરી બે અંદાજપત્રમાં વધારો કર્યો છે. ખેડૂત સંપૂર્ણ રીતે દેશની બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાય, એ દિશામાં અમે નિરંતર પ્રયાસરત છીએ.
એમએસપી સંદર્ભે જે કંઈ થઈ રહ્યું છે, તેનાથી તમે સંતુષ્ટ છો?
અહીં આવ્યા પછી મેં જોયું કે આ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી), જે પ્રત્યેક ખેડૂતના મોઢે સાંભળવા મળે છે, તેના નિર્ધારણની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી. દરેક રાજ્યની પોતાની રીત રસમ છે. અને હું તો એ જાણીને પરેશાન થઈ ગયો કે ભારતના પૂર્વીય વિસ્તારોમાં તો એની ઘણી ઉપેક્ષા થાય છે. સૌથી પહેલાં તો ટેકાના ભાવનો લાભ વધુમાં વધુ ખેડૂતોને કેવી રીતે મળે ? તમામ રાજ્યોમાં એકસૂત્રતા કેવી રીતે સધાય અને સમયસરનો હસ્તક્ષેપ કેવી રીતે થાય? આ પ્રાથમિક વાતો અમારે જ કરવી પડશે, એવું મને લાગે છે.
ગયા વર્ષે કપાસના ભાવ અંગે ચિંતા હતી. અમે ઘણા વિશાળ પાયે કપાસની ખરીદી ટેકાના ભાવે કરાવી હતી. પૂર્વીય ભારતમાં થનારા અનાજના ઉત્પાદનને પણ એમએસપીનો લાભ મળે, એ માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. એ જ રીતે ટેકાના ભાવે અનાજ ખરીદ્યા પછી, ઉપજ ખરીદ્યા પછી એનું વ્યવસ્થાપન પણ વિશાળ પાયે કરવું પડશે. ખેડૂતને જો પોતાનો પાક રાખવા માટે યોગ્ય વ્યવસ્થા મળી જાય તો તે સસ્તા ભાવે પોતાનો માલ વેચવા માટે મજબૂર થવું નહીં પડે. આ બધા વિષયો ઉપર ગંભીરતાપૂર્વક એક પછી એક પગલાં લઈ રહ્યા છીએ, જેનો લાભ આવનારા દિવસોમાં મળશે.
તમે બીજી હરિયાળી ક્રાંતિની વાત કરો છો, તમારો શો વિચાર છે?
પ્રથમ હરિયાળી ક્રાંતિમાં પણ પૂર્વીય ભારત એક રીતે વણખેડાયેલું રહ્યું હતું. જ્યાં પાણી ખૂબ છે, જમીન પણ વિશાળ છે. ઔદ્યોગિકીકરણ થયું નથી. ખેડૂત મહેનતુ છે. અમારી સરકાર આ પૂર્વીય ભારતમાં આર્થિક વિકાસ માટે કૃષિ ઉપર સૌથી વધુ ભાર મૂકવા માગે છે. ભલે એ પૂર્વીય રાજ્ય ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, ઓડિશા, પશ્ચિમ બંગાળ કે પૂર્વનું રાજ્ય હોય. આ બધાં રાજ્યો બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ કરશે.
ગયા મહિને કમોસમી વરસાદ અને કરાં પડવાને કારણે પાકને ખૂબ નુકસાન થયું. તમારી સરકારે રાહત માટે શું કર્યું?
આપણા દેશમાં કોઈને કોઈ પ્રદેશમાં દર વર્ષે કુદરતી આફતથી ખેડૂતોને નુકસાન થતું આવ્યું છે. આવી કુદરતી આપત્તિના સમયે અગાઉ ખેડૂતોને વાતો સિવાય કંઈ મળતું ન હતું. હું પોતે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો. એવી અનેક આપત્તિઓનો અમે સામનો કર્યો, પરંતુ ક્યારેય કેન્દ્ર સરકાર પાસેથી કોઈ વિશેષ લાભ અમે ખેડૂતો માટે લઈ શક્યા ન હતા.
જ્યારે આ વખતે આ આપત્તિ સમયે સરકારની સક્રિયતા, મંત્રીઓની અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધી વાતચીત, મંત્રીઓએ અસરગ્રસ્ત પ્રદેશોની લીધેલી મુલાકાત, સરકારી અધિકારીઓની ટુકડીઓ પહોંચાડવાનું કામ અને સર્વેક્ષણનું કામ તીવ્ર ગતિએ થયું છે. રાજ્યોની વર્ષો જૂની માગ ઉપર અમે નીતિગત નિર્ણય કરી લીધા છે. ભારત સરકારે અસરગ્રસ્ત ખેડૂતોની મદદ માટે અત્યાર સુધીના નિયમોમાં ફેરપાર કર્યા છે. એ ખેડૂતોને પણ રાહત અપાઈ રહી છે, જેમનું નુકસાન 33 ટકા હતું. અત્યાર સુધીમાં આ માપદંડ 50 સુધીના નુકસાનનો હતો.
એટલું જ નહીં, અમે અત્યાર સુધીની વ્યવસ્થા બદલીને ખેડૂતોને પ્રતિ હેક્ટર મળનારી સહાયની રકમ દોઢગણી કરી છે. વરસાદ અને કરાંથી નુકસાનગ્રસ્ત પાક દ્વારા મળનારી અનાજની ઉપજની ગુણવત્તામાં કોઈ ક્ષતિ હોય તો તેની ખરીદી પણ ટેકાના ભાવે જ કરવામાં આવે. એ માટે અનાજની સરેરાશ ગુણવત્તાના માપદંડોને હળવા કરાયા છે. જે પણ રાજ્યોએ ભારત સરકારને વિનંતી કરી છે, ત્યાં ભારત સરકારની ટીમ જઈ ચૂકી છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે.
તમે કહ્યું હતું કે મનરેગામાં ઢીલાશ નહીં મૂકાય, પરંતુ કાર્યદિવસ ઘટ્યા પછી હવે મનરેગા બાબતે આશંકા વધી રહી છે?
અમે મનરેગા બંધ કરવાની અફવાઓ ફગાવી દીધી છે. અમે તેને ચાલુ રાખવાના છીએ. અંદાજપત્રમાં એ માટે પૂરેપૂરી જોગવાઈ કરવામાં આવી છે. કાર્યદિવસ ઘટાડવા કે વધારવાની સમસ્યા સરકાર સાથે સંબંધિત નથી, જેને પણ મનરેગા હેઠળ રોજગાર માટે કામની જરૂર હશે, તેમના માટે વિકલ્પ ખુલ્લા છે.
મારું સ્વપ્ન છે કે આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રોમાં લાંબા સમય સુધી ટકે એવી લોકઉપયોગી સુવિધાઓ સ્થપાય. જેમ કે ખેડૂતોની મદદ થઈ શકે, કૃષિની ઉત્પાદકતા વધે અને જળ વ્યવસ્થાપન થાય. સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રોમાં વનીકરણને પ્રોત્સાહન આપીને હરિયાળા પ્રદેશો વધારવામાં આવે. ત્યારે જ ખેડૂતોને વાસ્તવિક લાભ મળશે, ગામડાંમાં રોજગાર વધશે અને ગામડાંની લાંબા સમયની સમૃદ્ધિ અને સુખાકારીના રસ્તા ખૂલશે.
રાજ્યસભા સરકાર માટે પરેશાનીઓનું કારણ બની ગઈ છે ? સરકાર ઘણા વિધેયકોને મંજૂર કરાવવામાં સફળ તો રહી છે, પરંતુ ફ્લોર વ્યવસ્થાપનમાં કંયાંક કશીક ખામી નથી જણાતી?
હું સમજું છું કે દેશહિતનો વિચાર કરનારા નાગરિકોને આ વિચાર આવે તે ઘણું સ્વાભાવિક છે. પરંતુ એ માટે સરકારને આરોપીના પિંજરામાં રાખવાની જે પરંપરા બની છે, તે યોગ્ય નથી. આપણે સહુ સારી રીતે જાણીએ છીએ કે રાજ્યસભામાં અમારી બહુમતી નથી. આપણે એ પણ જાણીએ છીએ કે રાજ્યસભામાં જે પક્ષ છે, તેમને પોતપોતાના રાજનૈતિક વિચાર છે.
અે એટલા માટે જ સરકારની કોશિષ છે કે સહુને સાથે લઈને ચાલીએ. રસ્તા કાઢવાના અને દેશ હિતમાં આગળ વધવાનું. મને ખુશી છે કે આટલા ઓછા સમયમાં 40થી વધુ વિધેયક અમે મંજૂર કરાવી શક્યા છીએ. અને એ માટે વિપક્ષનો પણ આભાર. આપણા સહુનો પ્રયાસ હોવો જોઈએ કે લોકસભામાં જે ભાવનાઓ પ્રગટ કરવામાં આવી હોય, રાજ્યસભામાં પણ તે ભાવનાઓનો આદર કરીને દેશહિતના નિર્ણયો આગળ વધારીએ.
આ દિવસોમાં એક ખૂબ આનંદદકાયક કાર્ય થયું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદની સમજૂતીને સંસદે સર્વસંમતિથી સમર્થન આપ્યું છે. એ માટે તમામ પક્ષોનો હું આભાર માનું છું. સાત દાયકાથી આ સરહદ વિવાદ હતો, અમે શાંતિ અને સૌહાર્દથી તેને ઉકેલ્યો. સરહદ વિવાદ પણ શાંતિથી ઉકેલાઈ શકે છે. આ સંકેત અમે ભારતને જ નહીં, સમગ્ર દુનિયાને આપ્યો છે. અમને વિશ્વાસ છે કે આ સમજૂતીથી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર શાંતિ અને સ્થિરતાનો માહોલ સ્થાપવામાં સહયોગ મળશે.
શું તમને ઘણીવાર એવું નથી લાગતું કે વિપક્ષ સામે સરકારની તૈયારીઓ ઓછી પડી જાય છે?
હું સમજુ છું કે શાલીનતા, ભદ્રતા, વિવેક, નમ્રતા આ બાબતોને કમજોરી માનવી જોઈએ નહીં. અમે માનીએ છીએ કે જો જનતાએ અમને શાસનની ધૂરા સોંપી છે, તો સૌથી વધુ નમ્રતા અને શાલીનતા અમારી જવાબદારી છે. એટલે ક્યારેય ગૃહમાં અમે સંખ્યાબળમાં પાછળ પણ રહી જઈઓ તો પણ હું એને ડિસ્ક્રેડિટ નથી માનતો. અમે ઈંટનો જવાબ પથ્થરથી નથી આપતા. જ્યાં સુધી ગૃહનાં કામકાજ ચલાવવાનો સવાલ છે. શાસક પક્ષ તરીકે અમારી ભૂમિકા સહુને સાથે લઈને ચાલવાની હોવી જોઈએ. એના જ પરિણામે 40 ખરડા આટલા ઓછા સમયમાં મંજૂર થયા છે. બાંગ્લાદેશ સીમા વિધેયકનો નિર્ણય ઐતિહાસિક છે. એટલે, મારાં ત્રાજવાં અલગ છે. ગૃહમાં વિજય કે પરાજયનો મુદ્દો જ નથી હોતો. વિવાદો અને ભાષણોમાં કોના આક્ષેપો સારા, કોની કમેન્ટ મજબૂત હતી, એ બધા કરતાં જરૂરી છે કે લોકશાહી મજબૂત હોવી જોઈએ અને લોકો માટે વધુને વધુ કામ કરી શકાય.
તો પણ ગૃહમાં આપને કંઈક ખાલીપણું અનુભવાતું નથી?
મને જે ખોટ સાલે છે કે એ વ્યંગ અને રમૂજની છે. સંસદીય લોકશાહીની જીવંતતા માટે આ જરૂરી છે. જો આંતરરાષ્ટ્રીય રાજનીતિ કે વિદેશ નીતિ ઉપર આવીએ તો 12 મહિનાના ઓછા સમયમાં 16 દેશોની યાત્રા…
(હાથ વડે ઈશારો કરીને અટકાવીને બોલે છે..) જ્યારે પણ મારી ટીકા થતી હતી, એમાં બે બાબતોમાં તદ્દન સત્યતા હતી. એક એવી ટીકા કે મોદીને ગુજરાતની બહાર કોણ ઓળખે છે? બીજી ટીકા એ થતી હતી કે મોદી વિદેશને શું સમજે છે? વિદેશ નીતિ માટે મારી મજાક ઉડાવવામાં આવતી હતી.
મારા વિશે ઘણા મજાક કરનારા નિવેદનો થતા હતા. પરંતુ જ્યારે સરકારની સોગંદવિધિ સમારંભમાં મેં સાર્ક દેશોને બોલાવવાનો નિર્ણય લીધો ત્યારે વિદેશ બાબતોના જેટલા પંડિત હતા, તેમને આશ્ચર્ય થયું. પરંતુ હું એક વાત અનુભવતો હતો કે આ કેવું મનોવિજ્ઞાન હતું દિલ્હીનું, જેમાં રાજ્યોને સહભાગી માનવાનો સ્વભાવ જ ન હતો. સહુએ સમજવું પડશે કે આ દેશ એક સ્તંભથી ઊભો રહી શકે નહીં. વન પ્લસ ટ્વેન્ટી નાઇન પિલર (એક વત્તા 29 સ્તંભ)થી જ દેશ ઊભો રહી શકે છે.
તમે થોડા દિવસ અગાઉ ત્રણ દેશોની યાત્રા કરીને પરત ફર્યા છો. એ પહેલા ડઝનેક દેશો સાથે વાતચીતની પ્રક્રિયા વેગીલી બની. આ દિશામાં તમારી રણનીતિ શી છે?
આપણે જાણીએ છીએ કે 21મી સદીની શરૂઆતમાં સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યે ઘણી આશાઓ હતી. પરંતુ છેલ્લા એક દાયકામાં સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યે નિરાશાનો માહોલ બની ગયો હતો. 21મી સદીના આરંભમાં ઝડપભેર વિકાસ કરનારા પાંચ દેશો તરીકે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન, દક્ષિણ આફ્રિકા)ની કલ્પના આવી.
એવું મનાતું હતું કે આ સદીનું નેતૃત્ત્વ આ દેશો કરશે. જોતજોતામાં વિશ્વમાં ચર્ચા થવા લાગી કે બ્રિક્સમાં ભારત નબળું પડી રહ્યું છે. બ્રિક્સનો ઉદ્દેશ જ ડામાડોળ થઈ ગયો. એવી સ્થિતિમાં મારી સરકારની જવાબદારી બની. હું જાણતો હતો કે પડકારો ઘણા મોટા છે. વિશ્વ મારા માટે નવું હતું. વિશ્વમાં ભારત માટે દ્રષ્ટિકોણ બદલવો અનિવાર્ય હતો. અને એ માટે મેં પડકારનો સ્વીકાર કર્યો, હું જાતે જ જઈશ!
દુનિયાને ભારત પ્રત્યે, તેની શક્તિ બાબતે, ભારતની સંભાવનાઓ વિશે વાત કરીશ, બરાબરીથી વાત કરીશ. આજે મને એ વાતનો સંતોષ છે કે વિશ્વમાં ભારતની તરફ જોવાનો દ્રષ્ટિકોણ ખૂબ જ સકારાત્મક થયો છે.
પાડોશી દેશ આપની પ્રાથમિકતામાં રહ્યા છે. ત્યાંની યાત્રાઓ પણ થઈ, પરંતુ પાકિસ્તાન છૂટી ગયું. પાકિસ્તાન તરફથી આપને કેવા માહોલની પ્રતીક્ષા છે? તમે શું આશા સેવો છો?
પાકિસ્તાનથી એકમાત્ર આશા છે કે તે શાંતિ અને અહિંસાના માર્ગે ચાલે, બાકી કોઈ અડચણ નથી. હિંસાનો માર્ગ ન તો એમના માટે ન તો આપણા માટે લાભદાયક છે.
જમ્મુ – કાશ્મીરમાં ભાજપા – પીડીપીની યુતિ સરકારથી તમે કેટલા સંતુષ્ટ છો?
સવાસો કરોડ દેશવાસીઓના દિલમાં પોતાના રાજ્ય પ્રત્યે જેટલો લગાવ છે, એનાથી વધારે દરેક હિંદુસ્તાનીને કાશ્મીર પ્રત્યે લગાવ છે. આ સચ્ચાઈનો સ્વીકાર કરીને ભારતીય જનતા પાર્ટીએ એક નવા પ્રયોગ માટે સાહસ કર્યું. રાજનૈતિક વિચારધારાની દ્રષ્ટિએ જોઈએ તો પીડીપી અને ભાજપા વચ્ચે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર છે. જમ્મુ – કાશ્મીરની જનતાએ બંને પક્ષોને સાથે ચાલવા માટે જનાદેશ આપ્યો.
અને જનાદેશનું સન્માન કરીને બંને પક્ષો પોતાના રાજનૈતિક વિચારોને બાજુએ રાખીને રાજ્યના વિકાસનો એજન્ડા લઈને સાથે આવ્યા છે. ભારતના અન્ય રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીરનો વિકાસ થાય, ત્યાંના નવયુવાનોને રોજગારની તકો મળે, અગાઉની જેમ દેશ-વિદેશના પ્રવાસીઓ આવવા લાગે, એટલા માટે જે પણ પગલાં લેવા જોઈએ, એના પ્રયાસ ચાલી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રયોગ સફળ થાય અને કરોડો દેશવાસીઓની આશાઓ – આકાંક્ષાઓ પૂરી થાય.
હાલના દિવસોમાં લઘુમતી સમાજના ઘણા બધા પ્રતિનિધિઓ તમને મળ્યા છે. એને કેવી રીતે જોવું જોઈએ?
ન તો આ રાજનીતિ છે અને ન તો રણનીતિ છે. જે છે, તે ફક્ત રાષ્ટ્રનીતિ છે. આ દેશના પ્રત્યેક નાગરિકનો આ સરકાર અને સરકારના પ્રમુખ તરીકે મારા ઉપર સમાન અધિકાર છે. કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ જાતિના હોય, કોઈ પણ ભાષાના લોકો હોય, ગરીબ હોય કે અશિક્ષિત હોય, દરેકનો સરકાર ઉપર પૂરેપૂરો અધિકાર છે.
અને પોતાની વાત જણાવવાનો પણ પૂરેપૂરો હક છે. મારે એ જવાબદારી છે કે મારે સમાજના તમામ સ્તરના લોકોને મળવું પણ જોઈએ અને તેમને સાંભળવા – સમજવા પણ જોઈએ. તેમના સૂચનો ઉપર ધ્યાન આપવું જોઈએ અને આ પ્રયાસ હું નિરંતર કરતો રહું છું.
તમારો પક્ષ વિશ્વનો સૌથી મોટો પક્ષ બની ગયો છે. તેનું કારણ શું માનો છો?
હું ભારતીય જનતા પાર્ટીની હાલની ટીમને અને તેમના અધ્યક્ષ અમિતભાઈ શાહને અભિનંદન આપું છું કે તેમણે આટલું મોટું અભિયાન ચલાવ્યું. લોકશાહીમાં રાજકીય પક્ષોની જવાબદારી છે કે તે નાગરિકોને રાજકીય પ્રશિક્ષણ આપતા રહે, નિરંતર આપતા રહે, તેનાથી લોકશાહીનાં મૂળ મજબૂત થાય છે. સભ્યપદનું અબિયાન પણ એ દિશામાં એક મહત્ત્વનું પગલું છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આનાથી આનંદદાયક તો કંઈ હોઈ જ ન શકે કે મારી પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. કમનસીબે દેશમાં ઘણા રાજનૈતિક પક્ષ કૌટુંબિક પક્ષ બની ગયા છે. આઝાદીના આંદોલન ચલાવનાર કોંગ્રેસ જેવો મહાન પક્ષ પણ કમનસીબે આજે પરિવારવાદમાં સંકોચાતો જઈ રહ્યો છે.
ચૂંટણીની દ્રષ્ટિએ હવેનો પડકાર બિહાર છે. તમારી રણનીતિ શી હશે?
રાજકીય પક્ષો માટે દરેક ચૂંટણી પડકાર હોય છે અને જનતા પાસે જઈને લોકશિક્ષણ આપવાનો અવસર પણ હોય છે. દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર અપાર વિશ્વાસ દર્શાવ્યો છે. ભરપૂર આશીર્વાદ આપ્યા છે. આવનારી ચૂંટણીઓમાં પણ આ ક્રમ યથાવત્ રહેશે, એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.
ગુજરાતથી દિલ્હી. હવે એક સાલ બાદ બંને જગ્યાની સંસ્કૃતિ અને આબોહવામાં શું ફરક અનુભવો છો અને દિનચર્યા કેવી રીતે બદલાઈ છે?
(મુક્ત હાસ્ય સાથે…) મારી દિનચર્યામાં કોઈ ફરક નથી પડ્યો. હું અગાઉની માફક જ પાંચ વાગે ઉછું છું. વિદેશ જઉં છું ત્યારે પણ એટલા જ વાગે ઉઠતો હતો. મને લાગે છે કે મારી બોડીક્લોક જ એ રીતે કામ કરે છે. વર્કહોલિક છું, કામ ખૂબ કરું છું. રહી વાત ફરકની તો.. મને એ ચીજો જોવાનો અવસર જ નથી મળતો. ત્યાં પણ મારું જેલખાનું હતું, અહીં પણ મારું જેલખાનું છે. હવે, એ રીતે સાહજિક જીવનથી સજાગ થવાનું, પછી તપાસવાનું સંભવ નથી થતું. થોડું ઘણું થાય છે તો ક્યાંક લગ્ન સમારંભમાં જતો રહું છું. તો ત્યાં પણ હું ખાસ સાહજિક નથી હોતો. જઉં છું અને પરત આવી જઉં છું.
દિલ્હી તમારે માટે કેટલી જૂની કે નવી રહી ગઈ છે ?
દિલ્હીનો સ્વભાવ હોય કે યુતિ સરકારોનો સ્વભાવ હો કે પછી પૂર્ણ બહુમતીથો અભાવ હોય, દરેક વિભાગ પોતે જ સરકાર બની ગયો હતો. હવે એ આવતાં જ હૈયામાં વસી ગયું છે. સરકાર એક હોય છે અને બીજાં અંગઉપાંગ હોય છે. તમામ ભાગોને સાથે જોડીને ચાલવાનું હોય છે.
જ્યાં સુધી દિલ્હી સ્થિત ભારત સરકારનો સવાલ છે, તેમાં અમે છેલ્લા 12 મહિનામાં કાર્યસંસ્કૃતિ બદલવા માટે ખૂબ કામ કર્યું છે અને અનુભવ પણ સારો રહ્યો છે. સાથે સાથે અગાઉ અહીં બધું એક કોચલામાં ચાલતું હતું અને ફાઇલો એક કોચલામાંથી બીજા કોચલામાં જતાં મહિનાઓ લાગી જતા હતા.
એ બધું હટાવીને એકરસતા અને સૌહાર્દ ભરેલો માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. ઘણી હદે સપળતા મળી છે. આજે સાથે મળીને ઝડપભેર નિર્ણય લેવાઈ રહ્યા છે.
મંત્રાલયો અને વિભાગોએ દેશ પ્રત્યે સમર્પણની ભાવનાથી કામ કરવાનું શરૂ કર્યું છે. સરકાર હવે એક સેન્દ્રિય એકમ તરીકે દેખાવા લાગી છે. તેના સારાં પરિણામ દેશને મળશે. આ મારા માટે ઘણા સંતોષનો વિષય છે.
પ્રધાનમંત્રી પદની જવાબદારી સાથે ભાજપા સંગઠન સાથે કેટલો અને કેવો સંબંધ રાખી શકો છો?
જ્યાં સુધી સંગઠનનો સવાલ છે, હું અગાઉ પણ દિલ્હી સ્તરે સક્રિય રીતે જોડાયેલો હતો. આ મારા માટે નવું ન હતું. સંગઠનનું સમર્થન મને અગાઉ પણ હતું અને આજે પણ છે. સંગઠન અને દેશનું સમર્થન ન હોત તો હું આજે અહીં કેવી રીતે હોત?
મને ગંગાએ બોલાવ્યો છે? આપનું આ વાક્ય દેશવાસીઓના દિલમાં તાજું છે. કાશીના ઘાટની સાફસફાઈ ઉપર જરૂર અસર થઈ છે, પરંતુ નિર્મલ અને પવિત્ર ગંગાની દિશામાં ક્યાં સુધીમા કશું જોવા મળશે?
(સંમતિમાં મસ્તક હલાવતાં) જુઓ, આ ગંગાની સફાઈનો વિષય 84થી ચાલી રહ્યો છે. હજારો કરોડ રૂપિયા ખર્ચાયા. પરંતુ પરિણામ ન મળ્યાં. મારે પહેલા એ શોધવું છે કે કઈ ભૂલ થઈ છે અને બરબાદી શી થઈ છે. જો હું એ જ ભૂલો ફરી ફરીને કરતો રહું તો કરોડો રૂપિયા વેડફાશે.
બીજું, મારું માનવું છે કે આપણે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનિક લાવવી જોઈએ. અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. ત્રીજું, કેન્દ્ર સરારની ઈચ્છાથી આ કાર્યક્રમ થાય એવું નથી. તેમાં પાંચ રાજ્યો આવે છે. પાંચેય રાજ્યોએ એકબીજા સાથે ખભેખભા મિલાવીને ચાલવું પડશે. આ તમામ મુખ્યમંત્રીઓની બેઠક મેં યોજી હતી. જ્યાં સુધી આ તમામ રાજ્યોની સંમતિવાળા નિર્ણય ન લેવાય, ત્યાં સુધી તમે કોઈ ચીજ જબરદસ્તી થોપીને પરિણામ ન લાવી શકો. મને વિશ્વાસ છે કે અમે જે મનોમંથન કર્યું અને રસ્તો શોધ્યો છે, તેમાં અમે છેલ્લાં 30 વર્ષમાં જે રૂપિયા, સમય અને ગંગા બરબાદ થતી ગઈ, તેમાંથી અમે તેને બહાર કાઢી શકીશું.