Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે સંયુક્તપણે માધ્યમો સમક્ષ કરેલા નિવેદનનું લખાણ

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે સંયુક્તપણે માધ્યમો સમક્ષ કરેલા નિવેદનનું લખાણ

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે સંયુક્તપણે માધ્યમો સમક્ષ કરેલા નિવેદનનું લખાણ


મહામહિમ્, પ્રધાનમંત્રી શ્રી કે. પી. શર્મા ઓલી જી,

નેપાળથી પધારેલા મંત્રીઓ તેમજ

સંસદસભ્યો,

અતિથિઓ, તથા

માધ્યમોના ઉપસ્થિત પ્રતિનિધિઓ,

ભારત-નેપાળની મૈત્રીના ઈતિહાસનો આજે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. હોદ્દો સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી ઓલીજીના આ પ્રથમ વિદેશ પ્રવાસ સમયે, હું તેમનું અને નેપાળના સમગ્ર પ્રતિનિધિમંડળનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. નેપાળની ગૌરવાશાળી જનતાના ભારત તરફના અથાગ પ્રેમ અને સદ્ભાવનાઓને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. સાથે સાથે, હું નેપાળના નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓનું, તેમજ તેમની જાગૃતતા અને વિવેકનું પણ સન્માન કરું છું. આ પ્રસંગે હું નેપાળના દિવંગત નેતા શ્રી સુશીલ કોઈરાલાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારત-નેપાળ મિત્રતામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

મિત્રો,

ભારત અને નેપાળ બે સ્વતંત્ર દેશ છે. એમની મિત્રતા ઘનિષ્ઠ અને અદ્વિતીય છે. હિમાલયની અખંડતા તથા ગંગાની પવિત્રતા અમારા સશક્ત સંબંધોના સાક્ષી છે. સીમાઓના ખુલ્લાં દ્વાર અમારી જનતા વચ્ચે પરસ્પર સંબંધોને પરિભાષિત કરે છે. એક સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાના અમે સમાન ઉત્તરાધિકારી છીએ. નેપાળમાં શાંતિ, સ્થિરતા અને એનો આર્થિક વિકાસ અમારો સંયુક્ત ઉદ્દેશ છે. ભારત-નેપાળ સંબંધોનાં આ તમામ પાસાંઓ પર મેં અને પ્રધાનમંત્રી ઓલીએ આજે વિસ્તારપૂર્વક વાત કરી છે.

મહામહિમ્ન ઓલી,

સમગ્ર વિશ્વ એ વાત સ્વીકારે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેપાળે લોકશાહી અને સમવાયતંત્રના માર્ગે પ્રશંસાપાત્ર પ્રગતિ કરી છે. અનેક દાયકાઓના સંઘર્ષ બાદ નેપાળમાં બંધારણ ઘડાયું અને એની જાહેરાત એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. એના નિર્માણમાં નેપાળની સરકાર અને રાજકીય નેતૃત્વનો તેમજ સમાજના તમામ વર્ગોએ આપેલા યોગદાનને હું સલામ કરું છું. પરંતુ એની સફળતા સહમતિ અને સંવાદ પર આધાર રાખે છે. મને વિશ્વાસ છે કે આ જ સિદ્ધાંતોના આધાર પર, રાજકીય વાતચીતોના માધ્યમથી, નેપાળના તમામ વર્ગોને સાથે લઈને, તમે નેપાળના બંધારણ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓનો સંતોષકારક ઉકેલ લાવીને નેપાળને પ્રગતિ અને સ્થિરતાના માર્ગે લઈ આવશો.

મિત્રો,

નેપાળની આર્થિક પ્રગતિ, વિકાસ તેમજ સમૃદ્ધિમાં ભારતને કાયમ રસ રહ્યો છે. નેપાળના આ ઉદ્દેશને પૂરો કરવા માટે અમારા સંસાધન અને સંસ્થાઓ હંમેશા એક સકારાત્મક સાધન રહ્યાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ સંદર્ભે, ભારતની આર્થિક પ્રગતિ નેપાળની સમૃદ્ધિનો એક સહજ માર્ગ બની શકે છે. બંને દેશો વચ્ચેના ટ્રાન્સપોર્ટ કોરિડોર્સ વિકાસના હાઈવેઝ બની શકે છે. એને ધ્યાનમાં રાખીને, અમારા દેશોની વચ્ચે વધુ બે ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ ખોલવા અંગે આજે અમે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરી છે. આ ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ ખૂલવાથી પ્રાદેશિક આર્થિક વિકાસ તેમજ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. મેં વર્ષ 2014માં મારા નેપાળના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે નેપાળની હાઈડ્રો પાવર માટેની સંભાવનાઓ માત્ર નેપાળને જ ઝગમગાવી શકે છે, એટલું જ નહીં, પરંતુ ભારતની ઉર્જા માટેની જરૂરિયાતોને પણ પૂરી કરી શકે છે.

મને આનંદ છે કે નેપાળ અને ભારત ઘણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટો અંગે કામ કરી રહ્યાં છે. એની કુલ ક્ષમતા આશરે 7000 મેગા વોટ છે. આ પ્રોજેક્ટોની ઝડપભેર અને સફળતાપૂર્વક સ્થાપના, નેપાળની આર્થિક સમૃદ્દિનો મુખ્ય દ્વાર બની શકે છે. મુઝફ્ફરપુર-ધલકેવાર ટ્રાન્સમિશન લાઈન, જેનું અમે હમણાંજ ઉદ્ઘાટન કર્યું છે, એ નેપાળને લગભગ 80 મેગાવોટ વીજળી તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવશે. આવનારાં બે વર્ષોમાં આ જ લાઈન 600 મેગાવોટ વીજળી નેપાળને આપશે.

મિત્રો,

વેપાર અને રોકાણ અમારાં સંબંધોનાં સશક્ત સ્તંભ છે. એને વધુ મજબૂત બનાવી શકાય એમ છે. એને માટે ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ્સ ઝડપથી સ્થપાય એ બંને દેશોના હિતમાં છે. નેપાળના નીચાણવાળાં પ્રદેશોમાં માર્ગ નિર્માણ અંગે આજે થયેલી સમજૂતી ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. ગયા વર્ષે નેપાળે ભયાનક ભૂકંપની આપત્તિનો સામનો કર્યો હતો. આપત્તિ નેપાળ પર આવી હતી, પરંતુ એનું દર્દ દરેક ભારતીયને પણ થયું. ભૂકંપ પછી નેપાળના પુનર્નિમાણની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતે એક અબજ ડોલરનું સહાયતા પેકેજ જાહેર કર્યું હતું. આ અંગે આજે બે સમજૂતી થઈ, જેમાં એક, 250 મિલિયન અમેરિકન ડોલરની ગ્રાન્ટ અંગે તેમજ બીજી 750 મિલિયન અમેરિકન ડોલર લાઈન ઑફ ક્રેડિટ આપવા માટેની. આ સમજૂતી અમારા સહયોગને વધુ આગળ લઈ જશે. આ સંદર્ભે પ્રધાનમંત્રી ઓલીની ભૂજ ખાતેની મુલાકાત ભૂકંપ પછીના પુનઃનિર્માણના કાર્ય માટે લાભકારક સાબિત થશે.

મહામહિમ્ન ઓલી,

આયુર્વેદ ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એવું અસરકારક અંગ છે, જેની છાપ આજના યુગમાં પણ પ્રબળ છે. નેપાળ પણ આયુર્વેદ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. નેપાળમાં આયુર્વેદનો વિસ્તાર થાય તેમાં બંને દેશોનાં સાંસ્કૃતિક અને વેપારી હિત રહેલાં છે. જો નેપાળ ઈચ્છે તો ભારત નેપાળમાં આયુર્વેદિક કોલેજો ખોલી શકે છે. એ કોલેજોને ભારતની આયુર્વેદિક યુનિવર્સિટીઓ સાથે જોડી શકાય છે.

મિત્રો,

એ વાત સાફ છે કે નેપાળની સ્થિરતા ભારતની સુરક્ષા સાથે જોડાયેલી છે. પ્રધાનમંત્રી ઓલી અને હું આ વાત સાથે પણ સહમત છીએ કે બંને દેશ વધતા જતા ઉગ્રવાદ અને આતંકવાદનાં જોખમોનો સાથે મળીને મુકાબલો કરશે. અમે અમારી વચ્ચે ખોલેલી સરહદોનો આતંકવાદીઓ અને અપરાધીઓને દુરુપયોગ નહીં કરવા દઈએ. આ સંદર્ભે બંને દેશોની સિક્યોરિટી એજન્સીઓ પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવશે.

મહામહિમ્ન ઓલી,

નેપાળમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ આપણું સહિયારું હિત છે. હું અને સમગ્ર ભારત, નેપાળના આર્થિક વિકાસના સમર્થક છીએ. ભારતનો સહયોગ હંમેશા સકારાત્મક રહ્યો છે. આ સહયોગ હેઠળ લેવાયેલા પગલાં નેપાળની સરકાર તથા જનતાની પ્રાથમિકતાઓ અનુસાર રહ્યાં છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા કુશળ નેતૃત્વમાં ભારત-નેપાળ સંબંધ વધુ સશક્ત બનશે, અને નવી ઊંચાઈઓ પામશે. આ શબ્દો સાથે હું ફરી એકવાર તમારો અને તમારા પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરું છું.

આભાર.

UM/J.Khunt