પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં જીગની ખાતે યોગ સંશોધનના સીમાડા અને તેની પ્રસ્તુતતા અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.
તેમણે સમન્વયાત્મક દવાઓની હોસ્પિટલની આધારશિલાનું અનાવરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન પ્રસંગે કરેલા સંબોધનનું લખાણ નીચે મુજબ છે :
કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા,
કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયા,
મંત્રીમંડળના મારા મૂલ્યવાન સાથીદારો,
ડૉ. નાગેન્દ્ર,
મંચ પર બિરાજેલા મહાનુભાવો, સમગ્ર વિશ્વમાંથી પધારેલા માનનીય મહેમાનો અને યોગપ્રેમીઓ,
યોગ સંશોધનના સીમાડા અને તેની પ્રસ્તુતતા અંગે 21મી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવાનું સન્માન મળ્યું તે માટે ઘણો આનંદ થાય છે.
આ પરિષદના આયોજન માટે વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાનનો હું ઘણો આભારી છું.
સ્વામી વિવેકાનંદની દર્શનશક્તિમાં ભારતીય અને પશ્ચિમી વિચારોના ઊંડાણપૂર્વકના અભ્યાસનો સમન્વય હતો, અને તેમાં આપણી પ્રાચીન ફિલસૂફી અને જ્ઞાનનાં રંગો તેમાં છવાયેલાં હતાં.
તેમણે ભારતમાં માત્ર આધ્યાત્મિક પુનરુત્થાન માટે અસાધારણ યોગદાન જ નથી આપ્યું, પરંતુ તેમણે વિશ્વ સમક્ષ આપણી અનંત વિદ્વત્તા પણ રજૂ કરી હતી.
માનવીય ભિન્નતાના સૌંદર્ય અંગે તેમની ઊંડી સમજણ હતી અને વિશ્વની એકતા વિશે તેમણે જુસ્સાભેર વિચારો રજૂ કર્યા હતા.
ખાસ કરીને યોગ વિજ્ઞાન અંગે આ વિશિષ્ટ વર્ષ છે.
21મી જૂનના રોજ 192 દેશોના 10 લાખ કરતાં પણ વધુ લોકોએ સાથે મળીને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
અસાધારણ વૈશ્વિક સહયોગ મારફતે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગની વધતી જતી લોકપ્રિયતાની ઝલક મળે છે.
સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન માટે વિશ્વવ્યાપી આકાંક્ષાનું પણ આ પ્રતીક છે.
માનવ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન સાધવા માટેની તેમજ લોકો અને રાષ્ટ્રો વચ્ચે શાંતિ અને સંવાદિતા સ્થાપવા માટેની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા પણ તેમાં જોવા મળે છે.
એકંદરે, એના દ્વારા વિવિધ સંસ્કૃતિના લોકોની તેમનાં જીવનની પરિચિત સીમાઓની પાર જવાની ક્ષમતા તેમજ વ્યાપક રીતે ભલું થતું હોય ત્યારે તેમની એકતા ફરી એકવાર જોવા મળી હતી.
આ જ એકતાની શક્તિ, યોગના અનંત વિજ્ઞાનને ઉત્કૃષ્ટ રીતે સમજાવે છે.
અને, આ જ યોગની શક્તિમાં રહેલો વિશ્વાસ અને માનવતામાં રહેલી શ્રદ્ધાને કારણે જ મેં સપ્ટેમ્બર, 2014માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં મારા ઉદ્ઘાટન પ્રવચનમાં આ પહેલની દરખાસ્ત મૂકી હતી.
આપણા વિશ્વના સાતત્યપૂર્ણ વિકાસ ધરાવતા ભવિષ્યની વાત આવે, સ્વસ્થ-તંદુરસ્ત જીવન માટેની આદતો અને લોકોની ખુશીની વાત નીકળે ત્યારે, વ્યક્તિ, રાષ્ટ્ર અને વૈશ્વિક સમુદાય તરીકે આપણે જે પસંદગીઓ કરીએ છીએ તેને અસર કરતી આપણી જીવનશૈલીમાં ફેરફાર લાવવાનું મહત્ત્વપૂર્ણ છે.
આ સજાગતા વિશ્વને નવું પરોઢિયું દેખાડશે. અને, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના તેમજ વિવિધ ભૌગોલિકતાઓ ધરાવતા લોકો તેમનાં જીવનને નવો અર્થ આપવા માટે, તેમના આંતરિક મન અને બહારના વિશ્વ વચ્ચેનું ઐક્ય શોધવા તેમજ તેમના અસ્તિત્વ અને તેમના પર્યાવરણ વચ્ચેની એકરૂપતા જાણવા માટે વધુને વધુ યોગનો સહારો લઈ રહ્યા છે.
બીમારીઓના વૈશ્વિક આંકડા અંગે ડબલ્યુએચઓના અહેવાલ મુજબ વિશ્વભરમાં બિન-સંક્રામક રોગો મૃત્યુના ટોચનાં કારણો છે. વર્ષ 2008માં વિકાસશીલ દેશોમાં 80 ટકા મૃત્યુ બિન-સંક્રામક બીમારીઓને કારણે નોંધાયાં હતાં, જે 1990ની સરખામણીએ 40 ટકાનો વધારો દર્શાવે છે.
વર્ષ 2030 સુધીમાં ઊંચી આવક ધરાવતા દેશોની સરખામણીએ ઓછી આવક ધરાવતા દેશોમાં બિન-સંક્રામક બીમારીઓને કારણે આઠ ગણા વધુ મૃત્યુ નોંધાશે.
ભારતમાં કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ, કેન્સર, ક્રોનિક શ્વાસને લગતી બીમારીઓ, ડાયાબિટીઝ અને અન્ય બિન-સંક્રામક રોગો કુલ મૃત્યુના 60 ટકા હિસ્સો ધરાવતા હોવાનું અનુમાન છે. આવી 40 ટકા બીમારીઓ હોસ્પિટલમાં અને આશરે 35 ટકા ઘેર બેઠા દવા લઈ રહેલા દર્દીઓમાં નોંધાય છે.
ઉત્પાદક જીવન ઘટતું જવાની તેમજ અકાળે અવસાનથી કુટુંબને ખોટ પડવાની દુઃખદ ઘટનાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ. આપણી અર્થવ્યવસ્થા પર ગંભીર ફટકો પડી રહ્યો છે અને કમજોર સ્વાસ્થ્ય વ્યવસ્થા પર વધુ બોજો પડી રહ્યો છે.
કેટલાક સર્વેક્ષણો હેઠળ ભારત બિન સંક્રામક બીમારીઓ અને માનસિક આરોગ્યની સ્થિતિને કારણે વર્ષ 2030 સુધીમાં આશરે 4.58 ટ્રિલિયન ડોલર ગુમાવશે તેવું અનુમાન છે.
એટલે, આપણે આપણા શારીરિક અને ભૌતિક જીવનને વધુ બહેતર બનાવવાની સાથે સાથે આપણા અસ્તિત્વની મનોવૈજ્ઞાનિક સ્થિતિ પર ધ્યાન આપવું જ પડશે.
અહીં યોગની ભૂમિકા સર્વોપરી છે. વિશ્વભરમાં યોગને કારણે જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું હોય, નવી આશાઓ જન્મી હોય તેવી અનેક જીવંત ગાથાઓ છે.
શ્રી અરવિંદનું…“માનવજાતિના ભાવિ જીવન માટે ભારતીય યોગ, પ્રેરક શક્તિઓમાંનું એક પરિબળ હોવાની સંભાવના હોવાનું…” ભવિષ્ય કથન સાચું ઠરી રહ્યું છે.
આ શાખાને અગાઉ ચિકિત્સા પદ્ધતિ તરીકે ગણવામાં આવતી ન હતી અને તેને માન્યતા મળતી ન હતી. પરંતુ યોગ સમગ્ર જીવનશૈલીને અસર કરે છે અને તેનાથી શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક, નૈતિક અને આધ્યાત્મિક સંવાદિતા કેળવાય છે ઉપરાંત સ્વાસ્થ્યના નક્કર લાભ મળે છે.
વિશ્વ તંદુરસ્તીને જે નવી વ્યાખ્યા સાથે જોતું થયું છે, તેમાં યોગ બરાબર બંધ બેસે છે. આપણને હવે માત્ર બીમારીઓને અટકાવવાથી કે તેના નિવારણથી જ સંતોષ નથી થતો. લોકો હવે વધુ સારી તંદુરસ્તીની માંગણી કરે છે, જેમાં માંદગીમાં તાત્કાલિક રાહત મળવી પૂરતી નથી, પરંતુ વ્યક્તિ સર્વાંગી રીતે એટલે કે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત હોવી જોઈએ.
પરંપરાગત ભારતીય પદ્ધતિઓમાં પણ માનવજાતિને સંપૂર્ણતામાં જોવાની પ્રણાલિ છે. તેમાં વ્યક્તિના આધિ – એટલે કે માનસિક સ્તરની સમસ્યાઓ અને વ્યાધિ એટલે કે શારીરિક સ્તરની સમસ્યાઓ વચ્ચેનું જોડાણ તપાસવામાં આવે છે.
તેઓ માત્ર લક્ષણો પરથી નિદાન કે ઉપચાર કરવાને બદલે મૂળ કારણો શોધે છે. તેઓ માત્ર બીમારી દૂર કરવાને બદલે વ્યક્તિનો સર્વાંગી ઉપચાર કરે છે. એમને આમ કરવામાં કેટલીક વાર લાંબો સમય લાગે છે, પરંતુ એમના ઉપચારની અસર પ્રગાઢ અને લાંબા સમયની હોય છે. અને, તેમાં કોઈ આડઅસરો પણ હોતી નથી.
આજે સવારે મેં સાયન્સ કોંગ્રેસમાં દલીલ કરી હતી કે પરંપરાગત જ્ઞાનની જેમ જ વિજ્ઞાન પણ માનવજાતિના અનુભવો અને પ્રકૃતિના સંશોધનો દ્વારા યથાર્થ બન્યું છે. એટલે, આપણે એ જાણી લેવું જોઈએ કે આપણે જેને વિજ્ઞાન માનીએ છીએ તે જ એકમાત્ર વિશ્વ અંગે અનુભવ સિદ્ધ જ્ઞાન ધરાવતું હોય એમ નથી.
અને, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે હિપ્પોક્રેટ્સથી માંડીને પર્સિવલ અને એડિસન સુધીની પશ્ચિમી વિચારધારાએ સ્વાસ્થ્ય અંગે જે વિચારો રજૂ કર્યા છે, તે મૂળભૂત રીતે ભારતીય ફિલસૂફીથી જુદા નથી.
એટલે, ટેસ્ટ તેમજ પરિણામોને માન્યતા આપવા તેમજ ગુણવત્તાની ખાતરી મેળવવા અને ફાયદાઓ દર્શાવવા માટે આપણે સદીઓના અનુભવ અને સંચિત જ્ઞાન સાથે આપણે આધુનિક વિજ્ઞાનની તકનિકો અને પદ્ધતિઓ પણ અપનાવવી જોઈએ.
અને, એટલે જ અમે આયુષ નામે ચિકિત્સા પદ્ધતિની યોજના હેઠળ સજાગતા, સ્વીકૃતિ અને સ્વીકાર વધારવાના પ્રયત્નો પર ભાર મૂકી રહ્યા છીએ.
અને, આમ કરતા, અમે લોકોમાં વધુ સારી તંદુરસ્તી લાવી શકીશું, તેમને સ્થાનિક સ્ત્રોતો પર વધુ નિર્ભર બનાવી શકીશું અને સ્વાસ્થ્ય સંભાળનો ખર્ચ ઘટાડી શકીશું.
અમે સમાજને પડતો સામાજિક અને આર્થિક ખર્ચ પણ ઘટાડીશું અને વધુ પર્યાવરણ-મિત્ર હોય તેવી સ્વાસ્થ્ય સંભાળની વ્યવસ્થાને પ્રોત્સાહન આપીશું.
હું અહીં એક પ્રણાલિ, બીજી પ્રણાલિ કરતાં ચઢિયાતી હોવાની હિમાયત કરવા નથી આવ્યો. હું માનું છું કે માનવજાતિ તેની વિવિધતા વડે સમૃદ્ધ છે.
સંસ્કૃતિઓ અને દેશો જ્ઞાન અને વિદ્વત્તાના આદાન-પ્રદાનથી પરસ્પર સમૃદ્ધ બન્યા છે. અને, આપણે એકબીજા પાસેથી શીખીને વધુ પ્રગતિ સાધી શકીશું.
આ જ જુસ્સા સાથે સ્વામી વિવેકાનંદે પૂર્વ અને પશ્ચિમની શ્રેષ્ઠ વાતોના સમન્વયની હાકલ કરી હતી.
એટલે, સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રે પણ આ સમન્વય સધાવો જોઈએ. મારી દૃષ્ટિએ સ્વાસ્થ્ય સંભાળ, વિવિધ પરંપરાઓના સૌથી શ્રેષ્ઠ અને સૌથી અસરકારક બાબતો પર આધારિત સુગ્રથિત વ્યવસ્થા છે.
એટલે જ યોગ, આયુર્વેદ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી અને આધુનિક ચિકિત્સા પદ્ધતિના સમન્વય માટે અગ્રણી સંશોધકો અને ડોક્ટરોને એક મંચ પર લાવવાના તમારા પ્રયત્નને હું ખરા હૃદયથી બિરદાવું છું. ચાર બિન-સંક્રામક બીમારીઓ – ડાયાબિટીસ, કેન્સર, સાઈકિયાટ્રિક ડિસઓર્ડર્સ તેમજ હાયપર ટેન્શન અને કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ પર તમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તે પણ પ્રશંસનીય છે.
આ પરિષદમાં મારા હૃદયની ખૂબ નજીક એવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.
ચિકિત્સાની આધુનિક પદ્ધતિઓને પગલે સ્વાસ્થ્ય સંભાળ, બીમારીઓના નિદાન, તપાસ અને પૃથક્કરણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. ટેકનોલોજીના વપરાશથી સ્વાસ્થ્ય સંભાળની પહોંચ આડેના અવરોધો ઘટ્યા છે અને બીમારીના સ્વરૂપો અંગે આપણી સમજ પણ સુધરી છે.
દવાઓ, ચિકિત્સા પદ્ધતિઓ અને રસીકરણની સફળતાઓ આપણને ઘણી બીમારીઓ સામે લડવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ બની છે.
પરંતુ તેની મર્યાદાઓ અને આડઅસરો અંગે જેમ જેમ આપણી સમજણ વધતી જાય છે, જેમ જેમ આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ વધુ ખર્ચાળ બની રહી છે, તેમ તેમ આપણે હવે પરંપરાગત પદ્ધતિઓથી આગળ વિચારવાનું શરૂ કર્યું છે. અને, આવું માત્ર ભારતમાં જ નથી, પરંતુ બીજા દેશો પણ આ જ રસ્તે છે.
એની લોકપ્રિયતા વધી રહી છે. યોગ હવે વૈશ્વિક વારસો છે. અને, વિશ્વ ભારે ઉત્સાહથી ભારતની પરંપરાગત ચિકિત્સાઓ અપનાવી રહ્યું છે.
એટલે, આ પરિષદમાં અમે તમારી તરફ માનવજાતિની સેવામાં ભાવિ માર્ગ નક્કી કરવાની આશાભરી મીટ માંડીએ છીએ.
હું આશા રાખું છું કે સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યાવસાયિકો, નીતિ ઘડવૈયા, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગ, ચિકિત્સા પદ્ધતિઓના વિવિધ સ્વરૂપો વચ્ચે સેતુ સાધશે.
હું આશા રાખું છું કે તમે તમારી સ્વાસ્થ્ય સંભાળની પદ્ધતિમાં ભારતીય પરંપરાગત ચિકિત્સા અને યોગનો સમન્વય કરશો અને સર્વાંગી સુખાકારીને સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં જીવનનો એક હિસ્સો બનાવશો.
તમે માત્ર માનવજાતિના સ્વસ્થ અને ખુશહાલ જીવન માટે જ નહીં, પરંતુ વધુ સમૃદ્ધ અને શાંતિપૂર્ણ વિશ્વ માટે, પૃથ્વીના વધુ સાતત્યપૂર્ણ, સ્થિર ભવિષ્ય માટે યોગદાન આપશો. આભાર.
AP/J.Khunt/GP
Swami Vivekananda's vision was a deep reading of Indian & Western thought & drew its spirit from our ancient philosophy & knowledge: PM
— PMO India (@PMOIndia) January 3, 2016
Swami Vivekananda placed our timeless wisdom before the world: PM @narendramodi at a Yoga Conference https://t.co/TAsStb5hm0
— PMO India (@PMOIndia) January 3, 2016
On June 21 more than a million people in 192 countries came together to celebrate the first International Day of Yoga: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2016
The overwhelming global support is a mark of Yoga's growing international popularity: PM @narendramodi at Yoga Conference
— PMO India (@PMOIndia) January 3, 2016
Across cultures and geography, people are increasingly taking to yoga to redefine their lives: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2016
Across the world there are moving stories of transformed lives and rekindled hopes due to Yoga: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2016
We need to create the best quality Yoga teachers: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2016
We are placing emphasis on our efforts to increase awareness, acceptance and adoption of Ayush System of Medicine: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2016
We will also reduce the social and economic costs to our society and promote a more environment friendly healthcare system: PM
— PMO India (@PMOIndia) January 3, 2016
Humanity is wealthier for its diversity: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2016
My vision for healthcare is an integrated system that understands and builds on the best and most effective of different traditions: PM
— PMO India (@PMOIndia) January 3, 2016
Yoga is now a global heritage. And, the world is embracing traditional Indian medicine with great enthusiasm: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2016