Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બ્રસેલ્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું (માર્ચ 30, 2016)

પ્રધાનમંત્રીએ બ્રસેલ્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું (માર્ચ 30, 2016)


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (માર્ચ 30, 2016) બ્રસેલ્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે ભારતીય સમુદાયને ભારતના “લોકદૂત” ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ગયા સપ્તાહમાં બ્રસેલ્સમાં થયેલા ભયાનક આતંકી હુમલાને યાદ કર્યો હતો અને હુમલાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. તેમણે આતંકવાદને માનવતા સામેનો પડકાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમામ માનવતાવાદી તાકાતોએ આતંકવાદ વિરુદ્ધ બાથ ભીડવા માટે હાથ મિલાવવાનો સમય પાકી ગયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આટલા મોટા પડકાર છતાં વિશ્વ આતંકવાદને યોગ્ય જવાબ આપી શકતું નથી અને “સારો આતંકવાદ” અને “ખરાબ આતંકવાદ” જેવી પરિભાષાઓ એને નબળો બનાવે છે. શ્રી નરેન્દ્ર મોદીએ નાઈન ઈલેવનની ઘટના બની ન હતી ત્યાં સુધીનાં 40 વર્ષો ભારતે કેવી રીતે આ અભિશાપ ઝીલ્યો એ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ ઘટના બન્યા સુધી લોકો તેને માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા તરીકે જ ગણાવતા હતા. તેમણે જાહેર કર્યું કે ભારત આતંકવાદ સામે ક્યારેય ઘૂંટણિયા નહીં ટેકવે. તેમણે તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી ગ્લોબલ સૂફી કોન્ફરન્સ યાદ કરી હતી, જેમાં ઉદારમતવાદી ઈસ્લામિક વિદ્વાનોએ આતંકવાદની સખત ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉગ્રવાદી વિચારધારાને અટકાવવા આ અભિગમ આવશ્યક છે. તેમણે ઉમેર્યું હતું કે આતંકવાદનો અંત લાવવા માટે યોગ્ય માહોલ સર્જવો અનિવાર્ય છે.

પ્રધાનમંત્રીએ એ વાતનો ખેદ વ્યક્ત કર્યો કે આતંકવાદને પદ્ધતિસરનો જવાબ આપવા માટે સંયુક્ત રાષ્ટ્રો આગળ આવી શક્યા નથી. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રો આ સંદર્ભે તેમની જવાબદારી પૂરી કરવામાં અસમર્થ નીવડ્યા છે અને યોગ્ય ઉકેલ લાવી શકવામાં અસફળ રહ્યા છે. શ્રી મોદીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જે સંસ્થાઓ ઉભરતી સ્થિતિનો યથાર્થ પ્રતિભાવ શોધી શકતી નથી, તેની સામે અસંબદ્ધતાનું જોખમ છે.

પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલું સમગ્ર વિશ્વ, ભારતને આશાના કિરણ તરીકે જુએ છે. તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામી રહેલું વિશાળ અર્થતંત્ર બન્યું છે અને એ સારા નસીબને કારણે નથી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ સતત બે વર્ષ દુકાળ ઝેલ્યો હોવા છતાં હાંસલ કરવામાં આવી છે. સારા ઈરાદાઓ અને નક્કર નીતિઓને કારણે આ સંભવ બન્યું છે. વર્ષ 2015ની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ સરકારની કામગીરીનો હિસાબ આપવા માંગે છે. તેમણે પેટ્રોલના ઈથેનોલ બ્લેન્ડિંગ, ઉત્પાદન વધારીને યુરિયાની અછતનો અંત તેમજ લીમડાના કોટિંગનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ગરીબોને વિશાળ સંખ્યામાં એલપીજી – રાંધણગેસનાં જોડાણો આપવામાં આવ્યાં છે. આ મોટા ભાગે એલપીજીની સબસીડીનો લાભ છોડી શકે તેવા સક્ષમ લોકોએ ગિવ-ઈટ-અપ અભિયાન હેઠળ સબસીડીનો લાભ છોડવાને કારણે શક્ય બન્યું છે અને 90 લાખ લોકોએ આ લાભ જતો કર્યો છે. તેમણે આ સંદર્ભે કેન્દ્રિય અંદાજપત્રની પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2015માં વીજળી અને કોલસાના મહત્તમ ઉત્પાદન નોંધાયા હતા. શ્રી મોદીએ જણાવ્યું કે રેલવેઝમાં રોકાણો નોંધપાત્ર રીતે વધારવામાં આવ્યાં છે કારણ કે તેઓ માને છે કે રેલવે ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બની શકે તેમ છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2015માં મોટરકારના ઉત્પાદન અને સોફ્ટવેરની નિકાસોમાં પણ મહત્ત્મ આંકડા નોંધાયા હતા.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે નાણાંકીય સમાવેશીકરણની ઝુંબેશના ભાગરૂપે 21 કરોડ નવાં બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર ઘટાડવામાં તેમજ રાંધણગેસ પરની સબસીડીમાં થતી ગેરરીતિઓ અટકાવવામાં “જનધન આધાર મોબાઈલ” (જામ)નો અભિગમ કેવી રીતે મદદરૂપ થયો તે વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આઝાદીના આશરે 70 વર્ષ પછી પણ દેશનાં 18000 ગામડાં વીજળીની સેવાથી વંચિત હતાં અને તેમણે 1000 દિવસોમાં વીજળીકરણનું વચન આપ્યું હતું. શ્રી મોદીએ એ વાતનો સંતોષ વ્યક્ત કર્યો હતો કે અત્યાર સુધીમાં આવાં 7000 ગામડાંઓ સુધી વીજળીની સેવા પહોંચાડી શકાઈ છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે માર્ગના બાંધકામની ગતિ વધી છે. તેમણે જણાવ્યું કે જ્યારે મેં 175 ગિગાવોટની રિન્યુએબલ એનરર્જીની ક્ષમતાનું લક્ષ્યાંક જાહેર કર્યું હતું ત્યારે આખી દુનિયાને આશ્ચર્ય થયું હતું, પરંતુ હવે દેશ આ લક્ષ્યાંક સિદ્ધ કરવાના માર્ગે છે. તેમણે સશસ્ત્ર દળોને વન રેન્ક, વન પેન્શન આપવાનું વચન પણ નિભાવ્યું હોવાનું જણાવ્યું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સાથેનું લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ, વિવાદાસ્પદ મુદ્દાઓને કેવી શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે તેનું ઉદાહરણ છે. તેમણે નરેન્દ્ર મોદી એપનો ઉલ્લેખ કર્યો હતો અને ભારત અને બેલ્જિયમ વચ્ચેનાં સંબંધો વિશે તેમને મળેલા સૂચનો વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં બિનનિવાસી ભારતીયો – એનઆરઆઈ માટે લેવાયેલાં નિર્ણયોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

SP/AP/J.Khunt/GP