Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહામહિમ ઓમાનના સુલતાન સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ મહામહિમ ઓમાનના સુલતાન સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મસ્કતમાં મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રોયલ પેલેસમાં આગમન પર, મહામહિમ દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું.

બંને નેતાઓ વન-ઓન-વન અને પ્રતિનિધિમંડળ-સ્તરના ફોર્મેટમાં મળ્યા હતા. તેઓએ બહુપક્ષીય ભારત-ઓમાન વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં સતત વૃદ્ધિની પ્રશંસા કરી. તેઓએ નોંધ્યું હતું કે આ મુલાકાત ભારત-ઓમાન સંબંધો માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

તેઓએ વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) પર હસ્તાક્ષરને દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ વિકાસ તરીકે આવકાર્યો અને જણાવ્યું કે તે વ્યૂહાત્મક ભાગીદારીને મોટો વેગ આપશે. દ્વિપક્ષીય વ્યાપાર 10 અબજ યુએસ ડોલરને વટાવી જવા અને દ્વિપક્ષીય રોકાણ પ્રવાહ આગળ વધવા અંગે સંતોષ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે CEPA દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપશે, નોકરીઓનું સર્જન કરશે અને બંને દેશોમાં અસંખ્ય તકો ખોલશે.

નેતાઓએ લાંબા ગાળાની ઊર્જા વ્યવસ્થાઓ, નવીનીકરણીય ઊર્જા સાહસો અને ગ્રીન હાઇડ્રોજન તથા ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ દ્વારા ઊર્જા સહયોગને નવો વેગ આપવા અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ઓમાનના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાવાની પ્રશંસા કરી અને તેમને ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ગઠબંધન (CDRI) અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે બંને દેશો કૃષિ વિજ્ઞાન, પશુપાલન, એક્વાકલ્ચર અને બાજરી (મિલેટ્સ) ની ખેતીના ક્ષેત્રોમાં સહયોગ સહિત કૃષિ સહકારથી લાભ મેળવી શકે છે.

શિક્ષણ ક્ષેત્રે સહકારના મહત્વને સ્વીકારતા, બંને નેતાઓએ નોંધ્યું કે ફેકલ્ટી અને સંશોધકોનું આદાનપ્રદાન પરસ્પર ફાયદાકારક રહેશે. બંને નેતાઓએ ખાદ્ય સુરક્ષા, ઉત્પાદન (manufacturing), ડિજિટલ ટેકનોલોજી, જટિલ ખનિજો, લોજિસ્ટિક્સ, માનવ-મૂડી વિકાસ અને અવકાશ સહયોગના ક્ષેત્રોમાં સહકાર અંગે પણ ચર્ચા કરી હતી.

નાણાકીય સેવાઓ પર, તેઓએ UPI અને ઓમાની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વચ્ચે સહકાર, રૂપે (RUPAY) કાર્ડ અપનાવવા અને સ્થાનિક ચલણમાં વ્યાપાર કરવા અંગે ચર્ચા કરી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ખાતર અને કૃષિ સંશોધન બંને પક્ષો માટે ફાયદાકારક ક્ષેત્રો છે અને તેમણે સંયુક્ત રોકાણ સહિત આ ક્ષેત્રોમાં વધુ સહયોગ માટે કામ કરવું જોઈએ. બંને નેતાઓએ દરિયાઈ ક્ષેત્ર સહિત સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા દોહરાવી.

પ્રધાનમંત્રીએ ઓમાનમાં ભારતીય સમુદાયના કલ્યાણ માટેના સમર્થન બદલ મહામહિમનો આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે દરિયાઈ વારસો, ભાષા પ્રમોશન, યુવા વિનિમય અને રમતગમતના સંબંધોના ક્ષેત્રોમાં નવી દ્વિપક્ષીય પહેલો લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેઓએ બંને દેશો દ્વારા વહેંચાયેલા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે પણ ચર્ચા કરી, અને દરિયાઈ સંગ્રહાલયો વચ્ચેના સહયોગ અને કલાકૃતિઓ તથા કુશળતાના વિનિમયના મહત્વ પર ભાર મૂક્યો.

નેતાઓએ ઓમાન વિઝન 2040′ અને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર અથવા વિકસિત ભારતબનવાના ભારતના ધ્યેય વચ્ચેના જોડાણનું સ્વાગત કર્યું અને તેમના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે એકબીજાને ટેકો આપવાની વાત કરી હતી. નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી.

મુલાકાતના પ્રસંગે, બંને પક્ષોએ CEPA ઉપરાંત દરિયાઈ વારસો, શિક્ષણ, કૃષિ અને બાજરીની ખેતીના ક્ષેત્રોમાં MoUs/વ્યવસ્થાઓ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

SM/BS/GP/JD