Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત – ઓમાન સંયુક્ત નિવેદન

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત – ઓમાન સંયુક્ત નિવેદન


ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકના નિમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17-18 ડિસેમ્બર 2025 દરમિયાન ઓમાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ સૈયદ શિહાબ બિન તારિક દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 2025 ના રોજ અલ બરકા પેલેસ ખાતે મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠના વર્ષમાં થઈ રહી છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત ડિસેમ્બર 2023 માં મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકની ભારતની રાજકીય મુલાકાત બાદ થઈ છે.

મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરામર્શ કર્યો અને વ્યાપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, ટેકનોલોજી, શિક્ષણ, ઊર્જા, અવકાશ, કૃષિ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધોમાં દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો. તેઓએ ડિસેમ્બર 2023 માં ઓમાનના સુલતાનની ભારત મુલાકાત દરમિયાન અપનાવવામાં આવેલા જોઇન્ટ વિઝન ડોક્યુમેન્ટમાં ઓળખવામાં આવેલા ક્ષેત્રોમાં ચાલુ પહેલો અને સહકારની પણ સમીક્ષા કરી. બંને પક્ષોએ સ્વીકાર્યું કે બે દરિયાઈ પડોશીઓ, ઓમાન અને ભારત વચ્ચેના સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે અને બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થયા છે.

ભારતીય પક્ષે ઓમાનના વિઝન 2040′ હેઠળ પ્રાપ્ત કરેલ આર્થિક વિવિધતા અને ટકાઉ વિકાસની પ્રશંસા કરી. ઓમાની પક્ષે ભારતના સતત આર્થિક વિકાસ અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યની પ્રશંસા કરી. બંને પક્ષોએ બંને દેશોના વિઝનમાં સુમેળ નોંધ્યો અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા.

બંને પક્ષોએ નોંધ્યું હતું કે વ્યાપાર અને વાણિજ્ય દ્વિપક્ષીય સહયોગનો મુખ્ય સ્તંભ રહ્યો છે અને દ્વિપક્ષીય વ્યાપારમાં વધુ વૃદ્ધિ અને વિવિધતાની સંભાવના પર ભાર મૂક્યો હતો. બંને પક્ષોએ ટેક્સટાઇલ, ઓટોમોબાઈલ, કેમિકલ્સ, સાધનો અને ખાતર સહિતના ક્ષેત્રોમાં વ્યાપારને પ્રોત્સાહન આપવાની અપાર સંભાવનાઓને સ્વીકારી હતી.

બંને પક્ષોએ ભારત-ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) પર હસ્તાક્ષર કરવાનું સ્વાગત કર્યું જે દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. બંને નેતાઓએ સ્વીકાર્યું કે CEPA બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક રહેશે, અને તેઓએ બંને દેશોના ખાનગી ક્ષેત્રને આ સમજૂતીનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. બંને નેતાઓએ સહમતી વ્યક્ત કરી હતી કે CEPA વ્યાપાર અવરોધો ઘટાડીને અને સ્થિર માળખું બનાવીને બંને દેશો વચ્ચે વ્યાપારમાં વધારો કરશે. તેઓએ એમ પણ નોંધ્યું હતું કે CEPA અર્થતંત્રના તમામ મુખ્ય ક્ષેત્રોમાં તકો ખોલશે, આર્થિક વિકાસમાં વધારો કરશે, નોકરીઓનું સર્જન કરશે અને બંને દેશો વચ્ચે રોકાણ પ્રવાહને વેગ આપશે.

ભારત સૌથી ઝડપથી વિકસતી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે તે સ્વીકારીને અને આર્થિક વિવિધતામાં ઓમાનની પ્રગતિની નોંધ લેતા, બંને પક્ષોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી અને અન્ય પરસ્પર હિતના અગ્રતા ક્ષેત્રોમાં રોકાણની તકો શોધવામાં રસ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષોએ એ પણ નોંધ્યું હતું કે ઓમાન-ઈન્ડિયા જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ‘ (OIJIF) ના ભૂતકાળના સફળ ટ્રેક રેકોર્ડને જોતા, તે રોકાણને પ્રોત્સાહન આપવા અને સુવિધા આપવા માટે મજબૂત ક્ષમતા ધરાવે છે.

બંને નેતાઓએ સ્થાનિક ચલણમાં દ્વિપક્ષીય વ્યાપારને સરળ બનાવવા માટે મિકેનિઝમ્સ શોધવા પરની ચર્ચાઓની નોંધ લીધી. તેઓએ દ્વિપક્ષીય રોકાણ સંધિ (Bilateral Investment Treaty) પર ચાલુ પ્રગતિને પણ આવકારી હતી.

બંને પક્ષોએ ઊર્જા ક્ષેત્રમાં તેમની દ્વિપક્ષીય ભાગીદારી વધારવાની રીતો પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય ઊર્જા વ્યાપાર પર સંતોષ વ્યક્ત કરવાની સાથે, તેઓ સંમત થયા હતા કે તેને વધુ વધારવાની વિશાળ સંભાવના છે. બંને પક્ષોએ ભારતીય તેમજ વૈશ્વિક E&P તકોમાં સહયોગ, ગ્રીન એમોનિયા અને ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં નવી અને નવીનીકરણીય ઊર્જા સહયોગ સહિત ઊર્જા સહકાર વધારવા માટે તેમની કંપનીઓને ટેકો આપવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ તેના ટકાઉ ઊર્જા લક્ષ્યો સાથેના સુમેળને સ્વીકાર્યો અને સંયુક્ત રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર અને લાંબા ગાળાના સહયોગનો પ્રસ્તાવ મૂક્યો.

બંને પક્ષોએ સંરક્ષણ ક્ષેત્રે ગાઢ સહયોગની પ્રશંસા કરી અને સંયુક્ત કવાયત, તાલીમ અને ઉચ્ચ સ્તરીય મુલાકાતો સહિત આ સંદર્ભમાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા. તેઓ દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ વધારીને અને માહિતીના આદાનપ્રદાન દ્વારા દરિયાઈ ગુનાઓ અને ચાંચિયાગીરીને રોકવા માટે સંયુક્ત પહેલ કરવા માટે પણ સંમત થયા હતા.

મુલાકાત દરમિયાન, બંને પક્ષોએ દરિયાઈ સહયોગ પર એક જોઈન્ટ વિઝન ડોક્યુમેન્ટઅપનાવ્યું હતું, જે પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા, બ્લુ ઇકોનોમી અને સમુદ્રી સંસાધનોના ટકાઉ ઉપયોગ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

બંને પક્ષોએ આરોગ્ય સહકારને તેમની ભાગીદારીના મહત્વના સ્તંભોમાંના એક તરીકે સ્વીકાર્યો અને આ ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત કરવામાં રસ વ્યક્ત કર્યો.

બંને પક્ષોએ નેશનલ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આયુષ ચેરસ્થાપિત કરવાના પ્રસ્તાવ અને પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે સહકારની સુવિધા માટે ઓમાનમાં માહિતી સેલ સહિતની ચાલુ ચર્ચાઓ અને પહેલોની નોંધ લીધી.

બંને પક્ષોએ કૃષિ સહકાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી અને કૃષિ વિજ્ઞાન, પશુપાલન અને એક્વાકલ્ચરમાં સહયોગ વધારવા માટે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં MoU પર હસ્તાક્ષર કરવાનું સ્વાગત કર્યું. બંને પક્ષો તાલીમ અને વૈજ્ઞાનિક આદાનપ્રદાન દ્વારા બાજરી (મિલેટ) ની ખેતીમાં સહકાર વધારવા માટે વધુ સંમત થયા હતા.

બંને પક્ષોએ આઈટી સેવાઓ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પેસ એપ્લિકેશન સહિત ટેકનોલોજીમાં તેમના વધતા સહયોગની નોંધ લીધી.

બંને પક્ષોએ સાંસ્કૃતિક સહયોગ અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો ગાઢ બનવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ સંયુક્ત પ્રદર્શન “લેગસી ઓફ ઇન્ડો-ઓમાન રિલેશન્સ” ને આવકાર્યું. બંને પક્ષોએ સોહર યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટડીઝના ‘ICCR ચેર પ્રોગ્રામની સ્થાપના માટે સહકારની પહેલની નોંધ લીધી.

બંને પક્ષોએ મેરીટાઇમ હેરીટેજ અને મ્યુઝિયમ પરના MoU ને આવકાર્યા હતા. તેઓએ INSV કૌન્ડિન્યની ઓમાનની આગામી પ્રથમ સફરની પણ નોંધ લીધી જે આપણી સહિયારી દરિયાઈ પરંપરાઓને ઉજાગર કરે છે.

બંને પક્ષોએ શિક્ષણ અને વૈજ્ઞાનિક આદાનપ્રદાનમાં ચાલુ સહકારની નોંધ લીધી, જેમાં આગામી ઇન્ડિયા ઓમાન નોલેજ ડાયલોગનો સમાવેશ થાય છે. ઉચ્ચ શિક્ષણ પરના MoU ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના આદાનપ્રદાન અને સંયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવામાં મુખ્ય સક્ષમકર્તા રહેશે.

ઓમાની પક્ષે ગંતવ્ય સ્થાનોની સંખ્યા અને કોડ-શેરિંગ જોગવાઈઓ સહિત હવાઈ સેવા ટ્રાફિક અધિકારો (air service traffic rights) પર ચર્ચા કરવામાં રસ દર્શાવ્યો હતો. ભારતીય પક્ષે આ વિનંતીની નોંધ લીધી હતી.

ભારતીય પક્ષે ઓમાનમાં વસતા આશરે 6,75,000 વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના કલ્યાણ અને સુખાકારીને સુનિશ્ચિત કરવા બદલ ઓમાનના નેતૃત્વ પ્રત્યે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ તમામ સ્વરૂપોમાં આતંકવાદની નિંદા કરી હતી અને આ ક્ષેત્રમાં સતત સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો.

બંને પક્ષોએ ગાઝામાં માનવીય સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને નાગરિકોને માનવીય સહાય સુરક્ષિત અને સમયસર પહોંચાડવા હાકલ કરી હતી. તેઓએ ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરવાનું સ્વાગત કર્યું અને તે યોજના માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેઓએ સંપ્રભુ અને સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના સહિત સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા ન્યાયી અને કાયમી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

મુલાકાત દરમિયાન નીચે મુજબના કરાર અને સમજૂતી પત્રો (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા:

  1. વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA)
  2. દરિયાઈ વારસો અને સંગ્રહાલયના ક્ષેત્રમાં MoU
  3. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં MoU
  4. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં MoU
  5. ઓમાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) વચ્ચે MoU
  6. દરિયાઈ સહયોગ પર જોઇન્ટ વિઝન ડોક્યુમેન્ટ અપનાવવું
  7. બાજરીની ખેતી અને કૃષિ-ખોરાક નવીનતામાં સહકાર માટે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ

ભારતીય પ્રધાનમંત્રીએ મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકનો તેમને અને તેમના પ્રતિનિધિમંડળને આપવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત અને ઉદાર આતિથ્ય બદલ આભાર માન્યો હતો. તેમણે મહામહિમ સુલતાનને પરસ્પર અનુકૂળ સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

SM/BS/GP/JD