Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લખનઉના એશબાગ રામલીલા મેદાનમાં દશેરા મહોત્સવમાં જનમેદનીને કરેલા સંબોધનનો મૂળ પાઠ

પ્રધાનમંત્રીએ લખનઉના એશબાગ રામલીલા મેદાનમાં દશેરા મહોત્સવમાં જનમેદનીને કરેલા સંબોધનનો મૂળ પાઠ

પ્રધાનમંત્રીએ લખનઉના એશબાગ રામલીલા મેદાનમાં દશેરા મહોત્સવમાં જનમેદનીને કરેલા સંબોધનનો મૂળ પાઠ


જય શ્રી રામ, મોટી સંખ્યામાં પધારેલા પ્રિય ભાઈઓ અને બહેનો,

તમને બધાને વિજયાદશમીના પાવન પર્વની ખૂબખૂબ શુભકામનાઓ. મને આજે અહીં રામલીલાની પ્રાચીન પરંપરામાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું છે. હિંદુસ્તાનની ધરતીનો આ એવો વિસ્તાર છે, જેણે આપણને બે આદર્શ અને તીર્થરૂપ જીવનની ભેટ ધરી છે – એક પ્રભુ શ્રી રામ અને બીજા શ્રીકૃષ્ણ. આ ધરતીએ આ બંનેની ભેટ માનવજાતને આપી છે. આ જ ધરતી પર વિજયાદશમીના પાવન પર્વ પર આવીને તેમને નમન કરવું – જીવનનું આનાથી મોટું સૌભાગ્ય બીજું કયું હોઈ શકે?

વિજયાદશમીનું પર્વ અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે, અન્યાયીઓને હણવાનું પર્વ છે. આપણે દર વર્ષે આ પવિત્ર પ્રસંગ પર રાવણદહન કરીએ છીએ, પણ આપણે આ પરંપરામાંથી શું બોધપાઠ લેવો જોઈએ? રાવણદહન કરતી વેળાએ આપણે એક જ સંકલ્પ કરવો જોઈએ કે આપણે પણ આપણી અંદર, આપણા સામાજિક માળખાની અંદર અને આપણા રાષ્ટ્રીય જીવનની અંદર જે બુરાઈઓ છે, જે અનિષ્ટ તત્ત્વો છે, તેનું દહન કરીશું, તેનો નાશ કરીને જ જંપીશું. આપણે દર વર્ષે રાવણદહન વખતે આપણી બુરાઈઓનો નાશ કરવાના સંકલ્પને દ્રઢ કરવો જોઈએ અને વિજયાદશમીએ મનોમંથન કરવું જોઈએ કે, આપણે કેટલા અનિષ્ટ તત્ત્વોનો નાશ કર્યો.

અત્યારે કદાચ ત્રેતાયુગના રાવણ જેવો દશમુખી રાવણ આપણી વચ્ચે નથી, અત્યારે રામ અને રાવણ જેવી લડાઈનું સ્વરૂપ પણ નથી. છતાં આપણી અંદર સતત એક દ્વંદ્વ ચાલતો રહે છે. એટલે દશેરા શબ્દનો એક સંદેશ એ પણ છે કે આપણે આપણી અંદર રહેલી દસ ખામીઓને દૂર કરીએ, તેનો નાશ કરીએ. આ રીતે દશહરા – આપણી અંદર રહેલા દસ દુર્ગુણોને હરે તેવું પર્વ છે, જીવનનું પતન કરે તેવા તમામ અનિષ્ટોનો નાશ કરવાનો પ્રસંગે છે. તમે અનિષ્ટ તત્ત્વો પર વિજય મેળવ્યા વિના જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. દરેક મનુષ્ય તમામ અનિષ્ટો, બુરાઈનો નાશ કરવાનું સામર્થ્ય ધરાવતો નથી, પણ ઈશ્વરે દરેકને આ બુરાઈનો અંત આણવાનો પ્રયાસ કરવાની શક્તિ જરૂર આપી છે. તેમાં સમાજના નાતે, વ્યક્તિના નાતે, રાષ્ટ્રના નાતે, આપણી અંદરના વિચાર સ્વરૂપે, આચાર સ્વરૂપે, ગ્રંથિઓ સ્વરૂપે, ખરાબ વિચાર સ્વરૂપે, જે રાવણનો વાસ થયો છે, તેનો નાશ કરીને આપણે આ રાષ્ટ્રને મહાન અને ગૌરવશાળી બનાવવું પડશે.

આ સમિતિનો આભારી છું. જે રીતે લોકમાન્ય તિલકે ગણેશોત્સવને જાહેર ઉત્સવનું સ્વરૂપ આપીને સામાજિક ચેતના જગાવવાના પ્રસંગમાં પરિવર્તિત કર્યો હતો, એ જ રીતે આ સમિતિએ રામલીલાના મંચને જૂની પરંપરાઓ, ચીજવસ્તુઓને ભક્તિભાવથી યાદ કરવા સુધી મર્યાદિત રાખ્યો નથી, તેનો ઉપયોગ નવી પેઢીને મનોરંજનના આ સ્વરૂપનો પરિચય કરાવવા પૂરતો, કલાકારોને તક આપવા પૂરતો સીમિત કરી દીધો નથી. પરંતુ તમે દર વર્ષે રામલીલાના મંચન સમયે સમાજની અંદર પેસી ગયેલા કોઈને કોઈ અનિષ્ટ તત્ત્વોનો નાશ કરવા, સમાજની અંદર સુમેળયુક્ત, સ્વસ્થ વાતાવરણ ઊભું કરવા, સમાજમાં રહેલી સારપ પર ધ્યાન કેન્દ્રીત કરવાની પરંપરા ઊભી કરી છે. મારું માનવું છે કે આ રામલીલા દ્વારા સંપૂર્ણ દેશ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે. વળી તેમાં રામાયણના પાત્રોના માધ્યમથી આધુનિક જીવનમાં સુખ અને શાંતિનો સંદેશ આપવાનું સામર્થ્ય પણ છે. આપણા દેશમાં કથા દ્વારા, કળા દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાને એક પેઢીમાંથી બીજી પેઢી સુધી પહોંચાડવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આપણે કથા અને કળા દ્વારા આ પરંપરાને જીવિત રાખી છે, જે આપણા સામાજિક જીવનનું અમૂલ્ય અને અભિન્ન અંગ બની ગઈ છે.

આ વખતે રામલીલાના મંચનો વિષય છે – આતંકવાદ. અત્યારે આતંકવાદ માનવતાનો સૌથી મોટો શત્રુ છે અને પ્રભુ રામ માનવતાના શ્રેષ્ઠ પ્રતિનિધિ છે. તેઓ માનવતાના ઉચ્ચ મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે; માનવતાના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે;માનવીય મર્યાદાઓનું નિરૂપણ કરે છે; તથા વિવેક, ત્યાગ, તપસ્યાના આદર્શ આપણી વચ્ચે છોડીને ગયા છે. તમને ખબર છે કે આતંકવાદ સામે સૌપ્રથમ જંગ કોણે છેડ્યો હતો? કોઈ સૈનિક હતો? કોઈ નેતા હતો?

રામાયણ સાક્ષી છે કે આતંકવાદ સામે સૌપ્રથમ જંગ છેડનાર જટાયુ હતો. એક નારીના, એક સ્ત્રીના સન્માન માટે રાવણ જેવા શક્તિશાળી અને સમર્થ પુરુષ સામે જટાયુ એકલા હાથે ઝઝૂમ્યો, લડ્યો. આજે પણ જટાયુ આપણને નિર્ભય બનવાનો, સાહસિક બનવાનો સંદેશ આપે છે. એટલે આપણે 125 કરોડ દેશવાસીઓ રામ બની શકવાના નથી, પણ આપણે દુરાચાર, અત્યાચાર, અન્યાય સામે જટાયુ બનીને કોઈ ભૂમિકા અદા કરી શકીએ છીએ. જો 125 કરોડ દેશવાસીઓ એકજૂટ થઈને આતંકવાદીઓની દરેક હિલચાલ પર નજર રાખીએ, સતર્ક થઈએ તો આંતકવાદીઓને તેમના મનસૂબા પાર પાડવાનું બહુ મુશ્કેલ બની જશે.

જ્યારે આજથી 30થી 40 વર્ષ અગાઉ હિંદુસ્તાન આતંકવાદની પીડા, તેની વ્યથા વ્યક્ત કરતું હતું, તેની ચર્ચા કરતું હતું, ત્યારે દુનિયા તેનો સ્વીકાર કરવા, તેને માનવા તૈયાર નહોતી. મને વર્ષ 1992-1993ની એક ઘટના બરોબર યાદ છે. હું અમેરિકાના State Departmentના State Secretary સાથે વાત કરતો હતો. જ્યારે મેં તેમની સાથે આતંકવાદની ચર્ચા કરી હતી, ત્યારે તેમણે મને કહ્યું હતું કે, આ તમારા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા છે. મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ અમારા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નથી, આતંકવાદ આધુનિક રાવણ છે. પણ તેમને મારી વાત ગળે ઉતરી નહોતી. પણ અમેરિકામાં 26/11નો આતંકવાદી હુમલો થયા પછી આખી દુનિયાને સમજાયું કે આતંકવાદ માનવજાત માટે કેટલો ભયંકર અને વિનાશક છે. કોઈ દેશ એમ સમજતો હોય કે તે આતંકવાદથી બચી ગયો છે, તો તે ભ્રમમાં છે. આતંકવાદના વિશ્વવ્યાપી છે, તેને કોઈ સીમાડા નથી, તેને કોઈ મર્યાદા નથી, તે કોઈ પણ જગ્યાએ જઈને કોઈ પણ માનવતાવાદી ચીજવસ્તુઓનો નાશ કરવાના મનસૂબા ધરાવે છે. એટલે વિશ્વની માનવતાવાદી શક્તિઓએ આતંકવાદ સામે એક થવું જરૂરી બની ગયું છે. આતંકવાદનો જડમૂળથી સફાયો કરવાનો સમય પાકી ગયો છે. જેઓ આતંકવાદને, આતંકવાદીઓને આશ્રય આપે છે, જેઓ આતંકવાદીઓની મદદ કરે છે, તેમને પણ છોડવા ન જોઈએ. આખું વિશ્વ બરબાદ થઈ રહ્યું છે. બે દિવસથી આપણે ટીવી પર સીરિયાની એક નાની બાળકીનું ચિત્ર જોઈ રહ્યા છીએ. તેની હાલત જોઈને કઠણ કાળજાની વ્યક્તિની આંખો પણ ભીની થઈ જાય. તમે જુઓ કે આતંકવાદનો ભસ્માસુર કેવી રીતે નિર્દોષ મનુષ્યોને ભરખી રહ્યો છે. એટલે અત્યારે આપણે રાવણનો વધ કરીએ છીએ અને રાવણદહન કરીએ છીએ, ત્યારે સંપૂર્ણ વિશ્વએ, ફક્ત ભારતે નહીં, ફક્ત મારે નહીં, તમારે નહીં, સંપૂર્ણ વિશ્વની માનવતાવાદી શક્તિઓએ એક થઈને આતંકવાદ સામે લડાઈ લડવી પડશે. આતંકવાદને ખતમ કર્યા વિના માનવતાનું રક્ષણ કરવું શક્ય નથી.

ભાઈઓ અને બહેનો,

જ્યારે હું બુરાઈઓનો નાશ કરવાની વાત કરું છું, ત્યારે આપણા સમાજની અંદર રહેલી બુરાઈઓની પણ વાત કરું છું. આપણે આપણા સમાજની અંદર રહેલા અનિષ્ટ તત્ત્વોનો પણ નાશ કરવો પડશે અને વિજયાદશમીના પુણ્ય પ્રસંગે આ પ્રેરણા આપણે લેવી જોઈએ. કેટલીક બાબતો કે બદીઓ નાની લાગે છે, પણ તે એક પ્રકારે રાવણનું જ સ્વરૂપ છે. દુરાચાર, અન્યાય, ભ્રષ્ટાચાર – આ તમામ અનિષ્ટો આપણા સમાજને બરબાદ કરનાર રાવણ જ છે. દેશના નાગરિકોએ તેને પણ નાથવા સંકલ્પ લેવો પડશે.

ગંદકી, અસ્વચ્છતા પણ રાવણનું જ એક નાનું સ્વરૂપ છે. આ ગંદકી આપણા ગરીબ બાળકોને ભરખી જાય છે. બિમારી ગરીબ કુટુંબને બરબાદ કરી નાંખે છે. જો આપણે ગંદકીમાંથી મુક્તિ મેળવીશું, અસ્વચ્છતારૂપી રાવણમાંથી મુક્તિ મેળવીશું, તો દેશના કરોડો પરિવારોમાં નાની ઉંમરે, અકાળે અવસાન પામતા આપણા નાગરિકોના જીવને બચાવી શકીશું. વળી નિરક્ષરતા, અંધશ્રદ્ધા પણ સમાજને બરબાદ કરતી આપણી ખામીઓ છે. તેમાંથી મુક્તિ મેળવવા પણ આપણે સંકલ્પ કરવો પડશે.

આપણે એક તરફ આજે વિજયાદશમીની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સંપૂર્ણ વિશ્વ ગર્લ ચાઈલ્ડ ડે પણ મનાવી રહ્યો છે. આજે ગર્લ ચાઈલ્ડ ડે પણ છે. હું તમને પૂછવા માગું છું કે, હું દેશવાસીઓને પૂછવા માગું છું કે, આપણે સીતા મૈયાનું અપહરણ કરનાર દુષ્ટ રાવણનું દહન દર વર્ષે કરવાનો સંકલ્પ લીધો છે અને આગામી પેઢીઓ પણ આપણી આ પરંપરા જાળવી રાખે, પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે જ્યારે આજે સંપૂર્ણ વિશ્વ ગર્લ ચાઈલ્ડ ડે મનાવી રહ્યો છે, ત્યારે આપણે દિકરા અને દિકરીમાં ફરક કરીને માતાના પેટમાં કેટલી સીતાઓને મોતના મુખમાં ધકેલી દઈએ છીએ? આપણી અંદર બેઠલા આ દુર્ગુણરૂપી રાવણનો નાશ કોણ કરશે? આજે દેશદુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ અને આધુનિક યુગમાં આપણે આજે પણ માતાના પેટમાં કન્યાઓને મારી નાંખીશું? અરે, એક સીતા મૈયાના રક્ષણ કાજે જટાયુ પોતાના પ્રાણની આહૂતિ આપી દે છે, ત્યારે આપણા ઘરમાં પેદા થનાર સીતાને બચાવવાની આપણી જવાબદારી છે. આપણે ઘરમાં દિકરાના જન્મની જે રીતે ઉજવણી કરીએ છીએ, તે જ રીતે અને તેનાથી વધારે સારી રીતે દિકરીના જન્મને વધાવવો જોઈએ. આપણે દિકરીનું સ્વાગત-સન્માન કરવાની ટેવ પાડવી પડશે.

આ વખતે ઓલિમ્પિકમાં જુઓ, આપણા દેશની દિકરીઓએ તેમના કુટુંબ, રાજ્ય અને દેશનું નામ રોશન કરી દેખાડ્યું. આ દિકરી-દિકરા વચ્ચેનો ફરક રાવણરૂપી માનસિકતાનો જ અંશ છે. શિક્ષિત હોય કે અભણ, ગરીબ હોય કે ધનિક, શહેરી હોય કે ગ્રામીણ, હિંદુ હોય કે મુસ્લિમ, શીખ હોય, ખ્રિસ્તી હોય, બૌદ્ધ હોય, અરે કોઈ પણ સંપ્રદાયના કેમ ન હોય, કોઈ પણ આર્થિક પૃષ્ઠભૂમિ કેમ ધરાવતા ન હોય, કોઈ પણ સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતા કેમ ન હોય, પણ દિકરીઓને સન્માન આપવું જોઈએ, મહિલાઓને સમાન અધિકાર મળવા જોઈએ. તમે કોઈ પણ પરંપરા સાથે કેમ જોડાયેલા ન હોય, પણ 21મી સદીમાં મહિલાઓને ન્યાય મળવો જોઈએ. તમે કોઈ પણ સમાજ સાથે જોડાયેલા કેમ ન હોય, પણ અત્યારે મહિલાઓના ગૌરવના આ યુગને સ્વીકાર કરવો જ પડશે. દિકરીઓ પર ગર્વ કરવો પડશે, દિકરીઓને બચાવવી પડશે. આપણી અંદર દિકરા-દિકરીનો ભેદ પેદા કરતા રાવણમાંથી મુક્તિ મેળવવી પડશે. એટલે જ આજે હું લક્ષ્મણની નગરીમાં આવ્યો છું, ગોસ્વામી તુલસીદાસની ધરતી પર આવ્યો છું. શ્રીકૃષ્ણના જીવનમાં પણ યુદ્ધ હતું, રામે પણ રાવણ જેવા રાક્ષસોનો નાશ કરવા યુદ્ધ કર્યું હતું, પણ આપણે યુદ્ધથી બુદ્ધ તરફ જઈ રહેલા સમાજના લોકો છીએ. સમયસંજોગોના બંધનો, પરિસ્થિતિવશ ક્યારેક-ક્યારેક યુદ્ધ અનિવાર્ય થઈ જાય છે, પણ આ ધરતીનો માર્ગ યુદ્ધનો નથી, આ ધરતીએ માર્ગ બુદ્ધનો છે. આ દેશ સુદર્શન ચક્રધારી મોહનને યુગપુરુષ માને છે, જેણે મહાભારતના યુદ્ધના મેદાન વચ્ચે ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ દેશ ચરખાધારી મોહનનો છે, જેમણે અહિંસાનો સંદેશ આપ્યો. આપણે તેમને પણ યુગપુરુષ ગણીએ છીએ. આપણા દેશની આ જ વિશેષતા છે કે, આપણે હિંસા-અહિંસા વચ્ચે સંતુલન સાધીને ચાલનારા લોકો છીએ. એટલે જ આપણે યુદ્ધથી બુદ્ધની યાત્રા કરનાર લોકો છીએ. આપણે આપણી અંદરના રાવણનો નાશ કરવાનો સંકલ્પ લેનાર લોકો છીએ. આપણા દેશને સુજલામ-સુફલામ બનાવવાનો સંકલ્પ લેનાર લોકો છીએ.

આ અતિ પ્રાચીન રંગમંચ છે, જ્યાં સદીઓથી રામલીલા ભજવાય છે. અહીં અનેક પેઢીઓના બાળકોએ ક્યારેય રામ-લક્ષ્મણનું તો ક્યારેય સીતાનું સ્વરૂપ ધારણ કર્યું હશે. આ જ સ્થાને તેમની ચરણરજ પડી હશે. તેઓ પાત્રો ભજવતી વખતે ભક્તિમાં લીન થઈ જાય છે, પરમાત્માનું સ્વરૂપ બની જાય છે. આવો, આપણે આ જ મંચ પર આ તમામ રાવણો સામે, આપણી અંદર રહેલા જાતિવાદ, વંશવાદ, ઊંચનીચના ભેદ, સંપ્રદાયવાદના ઝનૂન, આ તમામ બુરાઈઓ સામે લડવાનો, તેમાંથી મુક્તિ મેળવવાનો, તેમને ખતમ કરવાનો, એકાત્મ હિંદુસ્તાન, એકરસ હિંદુસ્તાન, સમરસ હિંદુસ્તાનના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કરીએ. આજે વિજયાદશમીના પાવન પર્વ પર પ્રભુ રામજીની કૃપા, તેમના આશીર્વાદ આપણને સતત મળતા રહે, આપણને માનવતા માર્ગે ચાલવાની તાકાત મળે, બુદ્ધનો માર્ગ આપણો અંતિમ માર્ગ બને તેવી ઇચ્છા કરીએ, સંકલ્પ કરીએ.

આ જ અપેક્ષા સાથે તમને બધાને વિજયાદશમીની ખૂબખૂબ શુભકામનાઓ. મારી સાથે પૂરી તાકાત સાથે બોલો જય શ્રીરામ. તમારો અવાજ દૂરદૂર સુધી સંભળાવો જોઈએ.

જય શ્રીરામ, જય શ્રીરામ, જય શ્રીરામ, જય શ્રીરામ…