પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં સેવા તીર્થ ખાતે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયેલા IAS 2024 બેચના 183 ઓફિસર ટ્રેનીઝ સાથે વાતચીત કરી હતી.
યુવા ઓફિસર ટ્રેનીઝે તેમની ફિલ્ડ ટ્રેનિંગ અને મંત્રાલયોમાં તેમના જોડાણના અનુભવો શેર કર્યા હતા. અધિકારીઓને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બે વર્ષના ફિલ્ડ એક્સપોઝર અને વહીવટી શિક્ષણ પછી, તેઓ હવે એવા નિર્ણાયક તબક્કે ઊભા છે જ્યાં તેમના નિર્ણયો માત્ર તેમની પોતાની કારકિર્દીને જ નહીં, પરંતુ કરોડો નાગરિકોના ભવિષ્યને આકાર આપશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર સેવાની અસલી પરીક્ષા વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓને પ્રામાણિકતા, સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે હેન્ડલ કરવાથી શરૂ થાય છે.
પ્રધાનમંત્રીએ યુવા સિવિલ સેવકોને મજબૂત ઉદ્દેશ્યની ભાવના, નવીનતા અને નાગરિક–કેન્દ્રી શાસન સાથે રાષ્ટ્રનિર્માણ માટે પોતાને સમર્પિત કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે અધિકારીઓને દરેક વહીવટી ફાઇલ પાછળના માનવીય પ્રભાવને હંમેશા યાદ રાખવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે દરેક ફાઇલ અસંખ્ય નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. “નાગરિક દેવો ભવ” ના મંત્ર પર ભાર મૂકતા, તેમણે અધિકારીઓને દરેક નિર્ણયના કેન્દ્રમાં નાગરિકોને રાખવા અને શાસન સહાનુભૂતિપૂર્ણ, પ્રતિભાવશીલ અને સમાવેશી રહે તેની ખાતરી કરવા આહ્વાન કર્યું હતું.
હોલ–ઓફ–ગવર્મેન્ટ અભિગમ માટે આહ્વાન કરતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોટા વિકાસલક્ષી પડકારોને અલગ–અલગ વિભાગોમાં (સિલોઝમાં) ઉકેલી શકાય નહીં. તેમણે વધુમાં નોંધ્યું હતું કે સાર્થક અને સ્થાયી પરિણામો પ્રાપ્ત કરવા માટે વિભાગો વચ્ચે અસરકારક સંકલન જરૂરી છે.
વિકસિત ભારત 2047ના વિઝન પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આગામી દાયકાઓમાં દરેક નીતિ અને વહીવટી નિર્ણયો વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપનારા હોવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના ભારતની પ્રાથમિકતાઓમાં આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયા, ઉત્પાદન વૃદ્ધિ, ઊર્જા સુરક્ષા અને યુવાનો માટે તકો ઊભી કરવાનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ છેલ્લા એક દાયકામાં શાસનમાં આવેલા પરિવર્તનને રેખાંકિત કર્યું હતું, અને નોંધ્યું હતું કે વહીવટ પ્રક્રિયા–કેન્દ્રી મોડલમાંથી પરિણામ–લક્ષી અભિગમ તરફ આગળ વધ્યો છે. તેમણે સેવા વિતરણમાં સુધારો કરવા, નાગરિકોને સરળતા અને પારદર્શિતા સાથે સેવાઓનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવવામાં ડિજિટલ ગવર્નન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેક્નોલોજીની વધતી જતી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
ડેટા–ડ્રિવન ગવર્નન્સના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડેટાને માત્ર સંખ્યાઓ તરીકે જોવો જોઈએ નહીં પરંતુ લાખો લોકોના સામૂહિક જીવન, પડકારો અને આકાંક્ષાઓના પ્રતિબિંબ તરીકે જોવો જોઈએ. તેમણે અધિકારીઓને નિયમિતપણે ચકાસવા માટે જણાવ્યું હતું કે શું નીતિઓ જમીન પર અસરકારક રીતે પરિણામોમાં પરિવર્તિત થઈ રહી છે કે નહીં.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓની વધતી જતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો, અને નોંધ્યું હતું કે વર્તમાન બેચના 40 ટકાથી વધુ હિસ્સામાં મહિલા અધિકારીઓ સામેલ છે.
પ્રધાનમંત્રીએ યુવા અધિકારીઓને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનનું સતત મૂલ્યાંકન કરવા અને હોદ્દા પરથી નહીં, પરંતુ પ્રાપ્ત થયેલા માપી શકાય તેવા પરિણામોમાંથી સંતોષ મેળવવા વિનંતી કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની ઊર્જા, પ્રતિભા અને સમર્પણ ભારતના વિકાસની યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ વાતચીત દરમિયાન રાજ્ય મંત્રી (કર્મચારી) શ્રી જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ શ્રી પી. કે. મિશ્રા, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ-2 શ્રી શક્તિકાંત દાસ, કેબિનેટ સચિવ શ્રી ટી.વી. સોમનાથન, સચિવ (DoPT) સુશ્રી રચના શાહ, ડાયરેક્ટર LBSNAA શ્રી શ્રીરામ તારાનિકંતિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
SM/BS/JD