Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સોઇલ હેલ્થ કાર્ડ્સ અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત બે મુખ્ય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી – સોઇલ હેલ્થ કાર્ડ્સ અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના.

પ્રધાનમંત્રીને જાણકારી આપવામાં આવી હતી કે 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ સોઇલ હેલ્થ કાર્ડ્સ વિતરણનું પ્રથમ ચક્ર પૂર્ણ કર્યું છે તથા બાકીના રાજ્યોમાં ગણતરીના અઠવાડિયાની અંદર પૂર્ણ થવાની શક્યતા છે.

પ્રધાનમંત્રીએ પ્રગતિની સમીક્ષા કરીને કહ્યું હતું કે, નમૂનાની ગ્રિડ (સેમ્પલિંગ ગ્રીડ)ની અંદર અને વિવિધ જમીન પરીક્ષણ પ્રયોગશાળાઓ એમ બંનેની અંદર વેરિએશન માટે યોગ્ય તપાસ થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી રિપોર્ટમાં ગુણવત્તાને સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ એવું ભારપૂર્વક જણાવ્યું હતું કે, સોઇલ હેલ્થ કાર્ડ્સ વિસ્તારમાં સ્થાનિક બોલી મુજબ પ્રિન્ટ થયેલું હોવું જોઈએ, જેથી ખેડૂતો તેને સરળતાપૂર્વક વાંચી-સમજી શકે.

આધુનિક ટેકનોલોજીના ઝડપી સ્વીકારને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હાથમાં પકડી શકાય તેવા ઉપકરણો મારફતે જમીનનું પરીક્ષણ શક્ય બનશે. તેમણે અધિકારીઓને આ કવાયતમાં સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકતાને સાંકળવાની સંભવિતતા ચકાસવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પર પ્રધાનમંત્રીને જાણકારી આપવામાં આવી હતી કે, વર્ષ 2016ની ખરીફ સિઝન અને 2016-17માં રવી સિઝનમાં રૂ. 7700 કરોડના દાવા ચુકવવામાં આવ્યા છે અને 90 લાખથી વધારે ખેડૂતોને લાભ થયો છે.

અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે, સ્માર્ટફોન, રિમોટ સેન્સિંગ, સેટેલાઇટ ડેટા અને ડ્રોન્સ સહિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ઝડપી ડેટા કલેક્શન માટે ઉપયોગ થાય છે, જે પાક વીમાના દાવા સાથે સંબંધિત છે.

આ સમીક્ષા બેઠકમાં કૃષિ મંત્રાલય, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

 

J.Khunt/TR/GP