પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ભારત સરકારમાં કાર્યરત 80થી વધારે અધિક સચિવો અને સંયુક્ત સચિવોને મળ્યાં હતાં અને તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રકારનાં પાંચ ચર્ચા થશે, જેમાંની આ દ્વિતીય ચર્ચા હતી.
આ ચર્ચા દરમિયાન અધિકારીઓએ વહીવટ, શાસનમાં નવીન અભિગમ, કચરાનું વ્યવસ્થાપન, નદી અને પર્યાવરણનું પ્રદૂષણ, વનીકરણ, સાફસફાઈ, આબોહવામાં ફેરફાર, કૃષિમાં મૂલ્ય સંવર્ધન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ આધારિત કામગીરી જેવા વિષયો પર પોતાનાં અનુભવો પ્રસ્તુત કર્યા હતાં.
પ્રધાનમંત્રીએ અધિકારીઓનાં અવલોકનો પર પ્રતિક્રિયા આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અધિકારીઓએ કામ કરવા માટે ફક્ત ફાઇલ પર આધાર ન રાખવો જોઈએ, પણ ફિલ્ડમાં જવું જોઈએ, જેથી તેઓ નિર્ણયની ખરી અસરને સારી રીતે સમજી શકે. આ સંદર્ભમાં તેમણે વર્ષ 2001માં ગુજરાતમાં ધરતીકંપ પછી પુનર્નિર્માણમાં અધિકારીઓનાં અનુભવોને યાદ કર્યા હતાં.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ તેમનાં કામને ફરજ સ્વરૂપે જ ન જોવું જોઈએ, પણ દેશમાં શાસનપ્રક્રિયામાં સકારાત્મક ફેરફાર લાવવાની તક સ્વરૂપે કામને લેવું જોઈએ. તેમણે અધિકારીઓને શાસનની પ્રક્રિયાઓને સરળ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે અધિકારીઓને ભારતનાં 100 અતિ પછાત જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું, જેથી આ જિલ્લાઓ વિકાસનાં વિવિધ માપદંડો પર રાષ્ટ્રીય સરેરાશ સ્તર સુધી પહોંચી શકે.
J.Khunt/TR