પીએમઇન્ડિયા
આજે ભારત અને વિદેશનાં ઓઇલ અને ગેસ ક્ષેત્રનાં સીઇઓ અને નિષ્ણાંતો પ્રધાનમંત્રી મોદીને મળ્યાં હતાં.
તેમાં સાઉદી અરેબિયા અને યુએઇનાં મંત્રીઓ તેમજ કંપનીઓનાં સીઇઓ અને નિષ્ણાતો સામેલ હતા, જેમાં સાઉદી અરામ્કો, એડનોક, બીપી, રોસનેફ્ટ, આઇએચએસ મર્કિટ, પાયોનિયર નેચરલ રિસોર્સીસ કંપની, ઇમર્સન ઇલેક્ટ્રિક કંપની, ટેલ્યુરિયન, મુબદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની, સ્કલ્મબર્ગર લિમિટેડ, વૂડ મેકન્ઝિ, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઇઇએ), એનઆઇપીએફપી, બ્રૂકિંગ્સ ઇન્ડિયા અને ભારતની વિવિધ કંપનીઓ સામેલ હતી, જેઓ અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ એમ બંને પ્રકારની કામગીરી સાથે સંકળાયેલી છે.
આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીઓ શ્રી અરુણ જેટલી અને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર અને કેન્દ્ર સરકાર તથા નીતિ આયોગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતાં.
વૈશ્વિક સીઇઓ અને નિષ્ણાંતો સાથે બેઠક દરમિયાન તેમણે કેન્દ્ર સરકારે ચાર વર્ષમાં વેપાર-વાણિજ્ય સરળ કરવા માટે લીધેલા પગલાંની પ્રશંસા કરી હતી, ખાસ કરીને ભારતમાં ઊર્જા ક્ષેત્રમાં. નિષ્ણાતોએ ભારતનું સ્થાન અપસ્ટ્રીમ રોકાણની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક રેન્કિંગમાં 56થી 44 થયું હતું એવો ઉલ્લેખ ખાસ કર્યો હતો. ભારતમાં ઓઇલ અને ગેસનું વિસ્તરણ, સંશોધન અને ઉત્પાદન, સૌર ઊર્જા અને જૈવઇંધણની સંભવિતતા તથા કેન્દ્ર સરકારનો ઊર્જા ક્ષેત્રને લઈને સંપૂર્ણ અભિગમ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. નિષ્ણાતોએ આ પ્રકારનાં સંવાદની વિશિષ્ટ પહેલની પ્રશંસા કરી હતી, જે નીતિગત બાબતો પર વિવિધ હિતધારકોને એક મંચ પર લાવે છે.
ઊર્જા ક્ષેત્રનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં આગેવાનો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ ઓઇલ અને ગેસનાં બજારમાં ભારતની મહત્ત્વપૂર્ણ સ્થિતિ વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ઓઇલ બજાર ઉત્પાદક સંચાલિત છે તથા જથ્થો અને કિંમતો ઓઇલ ઉત્પાદક દેશો નક્કી કરે છે. પર્યાપ્ત ઉત્પાદન થતું હોવા છતાં ઓઇલ ક્ષેત્રની માર્કેટિંગનાં વિશિષ્ટ પાસાં ઓઇલની કિંમતોમાં વધારો કરે છે. પ્રધાનમંત્રી મોદીએ ઓઇલ બજારોમાં ઉત્પાદકો અને ઉપભોક્તાઓ વચ્ચે ભાગીદારી માટેનો કેસ પ્રસ્તુત કર્યો હતો, કારણ કે આ પ્રકારની ભાગીદારીઓ અન્ય બજારોમાં અસ્તિત્વમાં છે. આ વૈશ્વિક અર્થતંત્રને સ્થિર બનાવવામાં મદદ કરશે, જે સુધારાનાં માર્ગે અગ્રેસર છે.
શ્રી મોદીએ ભારત સાથે પ્રસ્તુત ચોક્કસ નીતિગત મુદ્દા પર નિષ્ણાંતોનું ધ્યાન દોર્યું હતું. સૌપ્રથમ, તેમણે સૂચવ્યું હતું કે, ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાનાં કારણે ઉપભોક્તા દેશોને ઘણાં આર્થિક પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં સંસાધનની ગંભીર ખેંચ સામેલ છે. ઓઇલ ઉત્પાદક દેશોનો સહકાર આ ગેપ દૂર કરવામાં અતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે. તેમણે ઓઇલ ઉત્પાદક દેશોને વિકાસશીલ દેશોમાં ઓઇલ ક્ષેત્રમાં વાણિજ્યિક સંશોધન કરવા માટે વધારાનું રોકાણ કરવા માટે અપીલ કરી હતી. બે, તેમણે સંશોધન હેઠળ વધારે વિસ્તાર વિશે વાત કરી હતી તથા ટેકનોલોજી અને વ્યાપનાં વિસ્તરણની દ્રષ્ટિએ વિકસિત દેશોનો સહકાર માંગ્યો હતો. ત્રણ, તેમણે ગેસ ક્ષેત્રનાં વિતરણમાં ખાનગી ક્ષેત્ર ભાગીદાર થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ટેકનોલોજીની વાત કરતાં તેમણે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ટેકનોલોજી એપ્લિકેશન્સમાં સહાય માટે અપીલ કરી હતી, જે કુદરતી ગેસનાં વાણિજ્યિક સંશોધન માટે પ્રસ્તુત છે. છેલ્લી અને મહત્ત્વપૂર્ણ બાબત, તેમણે પેમેન્ટની શરતોની સમીક્ષા કરવા માટે વિનંતી કરી હતી, જેથી સ્થાનિક ચલણને કામચલાઉ રાહત આપી શકાય.
પ્રધાનમંત્રીએ ક્ષેત્રમાં તેમની સરકારે હાથ ધરેલી વિવિધ નીતિગત પહેલો અને વિકાસલક્ષી પગલાં વિશે પણ વાત કરી હતી. તેમણે ગેસ પ્રાઇઝિંગ અને માર્કેટિંગમાં ઉદારીકરણ વિશે વાત કરી હતી, ખાસ કરીને ઊંડા પાણીમાં તેમજ હાઇ પ્રેશર, હાઈ ટેમ્પરેચરમાં ઉત્ખનન માટે જરૂરી ટેકનોલોજીની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. તેમણે ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી, કોલ બેડ મિથેનનું વહેલાસર મોનેટાઇઝેશન, નાનાં ક્ષેત્રોનાં સંશોધન માટેની પહેલો અને રાષ્ટ્રીય સ્તરે સેઇસ્મિક સર્વેનો ઉલ્લેખ કર્યો હતો. વાણિજ્યિક ઉત્ખનનની વાત કરતાં તેમણે ઉત્પાદન વહેંચણી કરારનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
NP/J.Khunt/RP
PM's meeting with Global Oil and Gas Experts/CEOs. https://t.co/1ql1ZjskGT
— PMO India (@PMOIndia) October 15, 2018
via NaMo App pic.twitter.com/UK73XyjRul