Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ભારત હેતુ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે અને પ્રક્રિયામાં WHO ની સક્રિય ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે સમિટના સફળ આયોજન માટે WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી છે તે ભારતનું સૌભાગ્ય અને ગર્વની બાબત છે”. તેમણે યાદ કર્યું કે 2022 માં, પ્રથમ પરંપરાગત ચિકિત્સા સમિટ દરમિયાન, વિશ્વએ ખૂબ વિશ્વાસ સાથે ભારતને જવાબદારી સોંપી હતી. શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું કે તે આપણા બધા માટે ખુશીની વાત છે કે સેન્ટરની પ્રતિષ્ઠા અને પ્રભાવ વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે, જેમાં સમિટની સફળતા સૌથી મોટા ઉદાહરણ તરીકે સેવા આપે છે. તેમણે નોંધ્યું હતું કે સમિટ પરંપરાગત જ્ઞાન અને આધુનિક પદ્ધતિઓના સંગમની સાક્ષી બની રહી છે, અને અહીં કેટલીક નવી પહેલો શરૂ કરવામાં આવી છે જે તબીબી વિજ્ઞાન અને સર્વગ્રાહી સ્વાસ્થ્યના ભવિષ્યને બદલી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમિટ દ્વારા વિવિધ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ શક્ય બન્યો છે, જેણે સંયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા, નિયમોને સરળ બનાવવા અને તાલીમ તથા જ્ઞાનની વહેંચણીને આગળ વધારવા માટે નવા માર્ગો ખોલ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવો સહયોગ ભવિષ્યમાં પરંપરાગત ચિકિત્સાને વધુ સુરક્ષિત અને વધુ વિશ્વસનીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સમિટ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર પહોંચેલી સર્વસંમતિ વૈશ્વિક ભાગીદારીની તાકાત દર્શાવે છે તેમ જણાવતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે સંશોધનને મજબૂત બનાવવું, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવો અને વિશ્વભરમાં વિશ્વાસ કરી શકાય તેવા નિયમનકારી માળખાનું નિર્માણ કરવું પરંપરાગત ચિકિત્સાને મોટા પ્રમાણમાં સશક્ત બનાવશે. તેમણે નોંધ્યું હતું કે એક્સ્પોમાં ડિજિટલ હેલ્થ ટેકનોલોજી, AI-આધારિત સાધનો, સંશોધન નવીનતાઓ અને આધુનિક વેલનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેણે એકસાથે પરંપરા અને ટેકનોલોજી વચ્ચેના નવા સહયોગનું પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પરંપરા અને ટેકનોલોજી સાથે આવે છે, ત્યારે વૈશ્વિક સ્વાસ્થ્યને વધુ અસરકારક બનાવવાની ક્ષમતા નોંધપાત્ર રીતે વધે છે, અને તેથી સમિટની સફળતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ખૂબ મહત્વ ધરાવે છે.

યોગ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો એક અભિન્ન ભાગ છે અને તેણે સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય, સંતુલન અને સંવાદિતાનો માર્ગ બતાવ્યો છે, તેમ પ્રધાનમંત્રીએ ઉમળકાભેર જણાવ્યું હતું. તેમણે યાદ કર્યું કે ભારતના પ્રયત્નો અને 175 થી વધુ દેશોના સમર્થનથી સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે તાજેતરના વર્ષોમાં યોગ વિશ્વના દરેક ખૂણે પહોંચ્યો છે. તેમણે પ્રત્યેક વ્યક્તિની પ્રશંસા કરી જેમણે યોગના પ્રચાર અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે નોંધ્યું હતું કે આજે કેટલીક પ્રતિષ્ઠિત હસ્તીઓને પ્રધાનમંત્રી પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે, જેમની પસંદગી પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા સખત પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એવોર્ડ વિજેતાઓ યોગ પ્રત્યે સમર્પણ, શિસ્ત અને જીવનભરની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, અને તેમનું જીવન સૌ માટે પ્રેરણારૂપ છે. સન્માનિત એવોર્ડ વિજેતાઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સમિટના પરિણામોને કાયમી સ્વરૂપ આપવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે તે જોઈને તેઓ પ્રસન્ન થયા છે. તેમણે ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાઇબ્રેરીના લોન્ચિંગને એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે હાઇલાઇટ કર્યું હતું જે પરંપરાગત ચિકિત્સા સંબંધિત વૈજ્ઞાનિક ડેટા અને નીતિ વિષયક દસ્તાવેજોને એક જગ્યાએ સાચવશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલથી ઉપયોગી માહિતી દરેક દેશ સુધી સમાન રીતે પહોંચવામાં સરળતા રહેશે. તેમણે યાદ કર્યું કે લાઇબ્રેરીની જાહેરાત ભારતની G20 પ્રેસિડેન્સી દરમિયાન પ્રથમ WHO ગ્લોબલ સમિટમાં કરવામાં આવી હતી અને આજે તે પ્રતિબદ્ધતા સાકાર થઈ છે.

વિવિધ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓએ વૈશ્વિક ભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે તેમ જણાવતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભાગીદારો તરીકે માનક, સુરક્ષા અને રોકાણ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે. તેમણે નોંધ્યું હતું કે સંવાદે દિલ્હી ડિક્લેરેશન (દિલ્હી ઘોષણાપત્ર) માટે માર્ગ મોકળો કર્યો છે, જે આગામી વર્ષો માટે સહિયારા રોડમેપ તરીકે કામ કરશે. શ્રી મોદીએ વિવિધ દેશોના પ્રતિષ્ઠિત મંત્રીઓના સંયુક્ત પ્રયાસની પ્રશંસા કરી અને તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.

શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે દિલ્હીમાં WHO દક્ષિણપૂર્વ એશિયા પ્રાદેશિક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેને ભારત તરફથી નમ્ર ભેટ તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાર્યાલય સંશોધન, નિયમન અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક હબ તરીકે કામ કરશે.

ભારત સમગ્ર વિશ્વમાં હીલિંગ (સ્વાસ્થ્ય પ્રાપ્તિ) ની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેના પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ બે મહત્વપૂર્ણ સહયોગ વિશે વાત કરી હતી, જેમાં નોંધ્યું હતું કે પ્રથમ દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાને આવરી લેતા BIMSTEC દેશો માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના છે અને બીજું વિજ્ઞાન, પરંપરાગત પદ્ધતિઓ અને સ્વાસ્થ્યને એકીકૃત કરવાના ઉદ્દેશ્ય સાથે જાપાન સાથેનો સહયોગ છે.

પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે સમિટની થીમ, ‘સંતુલન પુનઃસ્થાપિત કરવું: સ્વાસ્થ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને અભ્યાસ,’ સર્વગ્રાહી સ્વાસ્થ્યના પાયાના વિચારને પ્રતિબિંબિત કરે છે. તેમણે ટિપ્પણી કરી કે આયુર્વેદ સંતુલનને સ્વાસ્થ્ય સમાન ગણે છે, અને જેમના શરીર સંતુલન જાળવી રાખે છે તેઓ સાચા અર્થમાં સ્વસ્થ છે. તેમણે નિર્દેશ કર્યો કે આજે ડાયાબિટીસ, હાર્ટ એટેક અને ડિપ્રેશનથી લઈને કેન્સર સુધીના રોગોના મૂળ કારણોમાં ઘણીવાર જીવનશૈલી અને અસંતુલન હોય છે, જેમાં કામજીવનનું અસંતુલન, આહાર અસંતુલન, ઊંઘનું અસંતુલન, ગટ માઇક્રોબાયોમ અસંતુલન, કેલરી અસંતુલન અને ભાવનાત્મક અસંતુલનનો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અસંતુલનથી અનેક વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારો ઉભા થઈ રહ્યા છે, જેમાં અભ્યાસ અને ડેટા પણ પુષ્ટિ કરે છે અને સ્વીકાર્યું હતું કે સ્વાસ્થ્ય નિષ્ણાતો બાબતને વધુ સારી રીતે સમજે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંતુલન પુનઃસ્થાપિત કરવું માત્ર વૈશ્વિક ઉદ્દેશ્ય નહીં પરંતુ વૈશ્વિક તાકીદ છે, અને તેમણે તેને સંબોધવા માટે ઝડપી પગલાં લેવા આહવાન કર્યું હતું.

21મી સદીમાં જીવનમાં સંતુલન જાળવવાનું કામ વધુ મોટો પડકાર બની રહેશે તેમ જણાવતા શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું કે AI અને રોબોટિક્સ સાથેના નવા ટેકનોલોજી યુગનું આગમન માનવ ઇતિહાસમાં સૌથી મોટું પરિવર્તન દર્શાવે છે અને આગામી વર્ષોમાં જીવન જીવવાની રીત અભૂતપૂર્વ રીતે બદલાશે. તેમણે બાબતે સભાન રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે જીવનશૈલીમાં આવતા આવા અચાનક ફેરફારો, શારીરિક શ્રમ વિના સંસાધનો અને સુવિધાઓની સરળતા સાથે મળીને માનવ શરીર માટે અણધાર્યા પડકારો ઊભા કરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત આરોગ્યસંભાળે માત્ર વર્તમાન જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં પરંતુ ભવિષ્યની જવાબદારીઓને પણ સંબોધવી જોઈએ, જે સૌની સહિયારી જવાબદારી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે જ્યારે પરંપરાગત ચિકિત્સા વિશે ચર્ચા કરવામાં આવે છે, ત્યારે સુરક્ષા અને પુરાવા અંગે સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. તેમણે હાઈલાઈટ કર્યું હતું કે ભારત સતત દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે સમિટ દરમિયાન અશ્વગંધાનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સદીઓથી ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રી મોદીએ નિર્દેશ કર્યો કે કોવિડ19 દરમિયાન તેની વૈશ્વિક માંગમાં તીવ્ર વધારો થયો હતો અને ઘણા દેશોમાં તેનો ઉપયોગ થવા લાગ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેના સંશોધન અને પુરાવાઆધારિત પ્રમાણીકરણ દ્વારા અશ્વગંધાને વિશ્વસનીય રીતે આગળ વધારી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સમિટ દરમિયાન અશ્વગંધા પર વિશેષ વૈશ્વિક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ તેની સુરક્ષા, ગુણવત્તા અને ઉપયોગ પર ઊંડાણપૂર્વક વિચારવિમર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે ભારત આવી સમયચકાસાયેલ જડીબુટ્ટીઓને વૈશ્વિક જાહેર સ્વાસ્થ્યનો ભાગ બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

પહેલા એવી ધારણા હતી કે પરંપરાગત ચિકિત્સા માત્ર સુખાકારી અથવા જીવનશૈલી પૂરતી મર્યાદિત હતી, પરંતુ આજે ધારણા ઝડપથી બદલાઈ રહી છે તેમ જણાવતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે પરંપરાગત ચિકિત્સા ગંભીર પરિસ્થિતિઓમાં પણ અસરકારક ભૂમિકા ભજવી શકે છે અને ભારત વિઝન સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે આયુષ મંત્રાલય અને WHO-ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરે નવી પહેલ શરૂ કરી છે. તેમણે નોંધ્યું હતું કે બંનેએ ભારતમાં ઇન્ટિગ્રેટિવ કેન્સર કેર (સંકલિત કેન્સર સંભાળ) ને મજબૂત કરવા માટે સંયુક્ત પ્રયાસ કર્યો છે, જે હેઠળ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આધુનિક કેન્સર સારવાર સાથે જોડવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલ પુરાવાઆધારિત માર્ગદર્શિકા તૈયાર કરવામાં પણ મદદ કરશે. પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો હતો કે ભારતની અનેક મહત્વની સંસ્થાઓ એનિમિયા, સંધિવા અને ડાયાબિટીસ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ક્લિનિકલ અભ્યાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના ઘણા સ્ટાર્ટઅપ્સ પણ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે, જેમાં પ્રાચીન પરંપરા સાથે યુવા શક્તિ જોડાઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ પ્રયાસો દ્વારા પરંપરાગત ચિકિત્સા દેખીતી રીતે નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે પરંપરાગત ચિકિત્સા આજે એક નિર્ણાયક વળાંક પર ઉભી છે. તેમણે હાઈલાઈટ કર્યું હતું કે વૈશ્વિક વસ્તીનો મોટો હિસ્સો લાંબા સમયથી તેના પર નિર્ભર છે, તેમ છતાં પરંપરાગત ચિકિત્સા તેની અપાર સંભાવના હોવા છતાં જે સ્થાન માટે તે ખરેખર હકદાર છે તે મેળવી શકી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિજ્ઞાન દ્વારા વિશ્વાસ જીતવો જોઈએ અને તેની પહોંચ વધુ વિસ્તૃત કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જવાબદારી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ સૌની સહિયારી ફરજ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમિટના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જોવા મળેલી સહભાગીતા, સંવાદ અને પ્રતિબદ્ધતાએ વિશ્વાસને વધુ ઊંડો બનાવ્યો છે કે વિશ્વ દિશામાં સાથે મળીને આગળ વધવા તૈયાર છે. તેમણે દરેકને વિશ્વાસ, સન્માન અને જવાબદારી સાથે પરંપરાગત ચિકિત્સાને આગળ વધારવાનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું અને સમિટની સફળતા બદલ ફરી એકવાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જે.પી. નડ્ડા, શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટનો કાર્યક્રમ વૈશ્વિક, વિજ્ઞાનઆધારિત અને માનવકેન્દ્રીય પરંપરાગત ચિકિત્સા એજન્ડાને આકાર આપવામાં ભારતના વધતા નેતૃત્વ અને અગ્રણી પહેલોને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રીએ સંશોધન, માનકીકરણ અને વૈશ્વિક સહયોગ દ્વારા પરંપરાગત ચિકિત્સા અને ભારતીય જ્ઞાન પ્રણાલીને મુખ્ય પ્રવાહમાં લાવવા પર સતત ભાર મૂક્યો છે. વિઝનને અનુરૂપ, કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આયુષ ક્ષેત્ર માટેના માસ્ટર ડિજિટલ પોર્ટલ માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ‘ (MAISP) સહિત અનેક સીમાચિહ્નરૂપ આયુષ પહેલો લોન્ચ કરી હતી. તેમણે આયુષ માર્કનું પણ અનાવરણ કર્યું હતું, જે આયુષ ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કલ્પના કરવામાં આવી છે.

પ્રસંગે પ્રધાનમંત્રીએ યોગની તાલીમ પરનો WHO ટેકનિકલ રિપોર્ટ અનેફ્રોમ રૂટ્સ ટુ ગ્લોબલ રીચ: 11 યર્સ ઓફ ટ્રાન્સફોર્મેશન ઇન આયુષપુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમણે અશ્વગંધા પર સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી, જે ભારતના પરંપરાગત ઔષધીય વારસાના વૈશ્વિક ગુંજારવનું પ્રતીક છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નવા WHO-દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં WHO ઇન્ડિયા કન્ટ્રી ઓફિસ પણ કાર્યરત થશે, જે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથેની ભારતની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2021-2025 માટે યોગના પ્રચાર અને વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર મેળવનારાઓનું સન્માન કર્યું હતું અને યોગ તથા તેના વૈશ્વિક પ્રચાર પ્રત્યેના તેમના સતત સમર્પણની પ્રશંસા કરી હતી. પુરસ્કારો યોગને સંતુલન, સુખાકારી અને સંવાદિતા માટેની કાલાતીત પદ્ધતિ તરીકે પુનઃપુષ્ટિ કરે છે, જે સ્વસ્થ અને મજબૂત ન્યૂ ઇન્ડિયામાં યોગદાન આપે છે.

પ્રધાનમંત્રીએ ટ્રેડિશનલ મેડિસિન ડિસ્કવરી સ્પેસની પણ મુલાકાત લીધી હતી, જે એક પ્રદર્શન છે જે ભારત અને સમગ્ર વિશ્વની પરંપરાગત ચિકિત્સા જ્ઞાન પ્રણાલીઓની વિવિધતા, ઊંડાણ અને સમકાલીન સુસંગતતા પ્રદર્શિત કરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત સમિટ 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેસંતુલન પુનઃસ્થાપિત કરવું: સ્વાસ્થ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને અભ્યાસથીમ હેઠળ યોજાઈ રહી છે. સમિટમાં વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, પ્રેક્ટિશનરો, સ્વદેશી જ્ઞાન ધરાવતા લોકો અને સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ વચ્ચે સમાન, ટકાઉ અને પુરાવાઆધારિત આરોગ્ય પ્રણાલીઓને આગળ વધારવા અંગે સઘન વિચારવિમર્શ જોવા મળ્યો હતો.

 

SM/DK/GP/JD