પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 જૂન, 2026 ના રોજ સાંજે 5 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહક લાભોનું વિતરણ કરશે.
આ વિતરણ એ ભારત સરકારની ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહક યોજના એવી PM-VBRY ના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જેનો ઉદ્દેશ્ય રોજગાર નિર્માણને વેગ આપવાનો, રોજગારના ઔપચારિકરણને પ્રોત્સાહન આપવાનો, રોજગાર ક્ષમતા વધારવાનો અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરવાનો છે. આ યોજનાએ દેશભરમાં અત્યાર સુધીમાં 15 લાખ રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરી છે.
PM-VBRY યોજના શ્રમિકો અને નિયોક્તાઓ બંનેને ઔપચારિક અર્થતંત્રમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ, પ્રથમ વખત રોજગાર મેળવનારા કર્મચારીઓ ₹15,000 સુધીના પ્રોત્સાહન માટે પાત્ર છે, જે તેઓ કાર્યબળમાં પ્રવેશ કરે ત્યારે તેમને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે. વધારાની રોજગારી ઊભી કરનારા નિયોક્તાઓ પ્રત્યેક વધારાના કર્મચારી દીઠ માસિક ₹3,000 સુધીના પ્રોત્સાહન માટે પાત્ર છે, જેનાથી સતત રોજગાર નિર્માણને પ્રોત્સાહન મળે છે. આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) ક્ષેત્રના વ્યૂહાત્મક મહત્વને સ્વીકારીને, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના નિયોક્તાઓ 4 વર્ષના ગાળા માટે પ્રોત્સાહનો મેળવવા પાત્ર છે, જ્યારે અન્ય તમામ ક્ષેત્રોના નિયોક્તાઓ 2 વર્ષ માટે આ પ્રોત્સાહનોનો લાભ લઈ શકે છે.
આ યોજના રોજગાર આધારિત વૃદ્ધિ માટે સાનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવવા અને ભારતના આર્થિક વિકાસના લાભો દેશના યુવાનો માટે ગુણવત્તાયુક્ત ઔપચારિક રોજગારની તકોમાં પરિવર્તિત થાય તે સુનિશ્ચિત કરવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
PM-VBRY યોજના 1 ઓગસ્ટ, 2025 ના રોજથી અમલમાં આવી છે. ₹99,446 કરોડના કુલ બજેટ સાથે, આ યોજનાનો ઉદ્દેશ્ય 2 વર્ષના ગાળામાં 3.5 કરોડથી વધુ રોજગારીના સર્જનને પ્રોત્સાહિત કરવાનો છે. આમાંથી, અંદાજે 1.92 કરોડ લાભાર્થીઓ કાર્યબળમાં પ્રથમ વખત પ્રવેશ કરનારા હોવાની અપેક્ષા છે. કર્મચારીઓ અને નિયોક્તાઓ બંનેને સહયોગ આપીને, આ યોજના ઔપચારિક રોજગારના વિસ્તરણમાં, સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવામાં અને વિકસિત ભારતના વિઝનને આગળ વધારવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી છે.
SM/BS/JD