Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેંગલુરુમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

બેંગલુરુમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


બેંગાલુરિના નન્ના સોદરા સોદરિયારિગે, નમસ્કારગળુ! કર્ણાટકના રાજ્યપાલ સુધા યાદવજી, મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારજી, રાજ્ય સરકારના મંત્રી કૃષ્ણા બાયરે ગૌડાજી, લોકસભામાં મારા સાથી બેંગલુરુથી એક તેજસ્વી યુવાનને મોકલ્યો છે એવા તેજસ્વી સૂર્યાજી, ઉપસ્થિત અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

આપણા ગવર્નર સુધા યાદવજી સાથે મને આ પહેલો કાર્યક્રમ મંચ પર શેર કરવાનો અવસર મળ્યો છે. કદાચ કર્ણાટકના લોકોને તેમનો પૂરો પરિચય હજુ નહીં હોય. પરંતુ હું ચોક્કસ કહેવા માંગીશ તેમના જીવનના વિષયમાં, દેશ સેવા શું હોય છે? દેશ માટે સમર્પણ શું હોય છે? તે સુધાજીના અને સુધાજીના પરિવારના જીવનથી આપણે જાણી શકીએ છીએ. જ્યારે કારગિલનું યુદ્ધ થઈ રહ્યું હતું, ત્યારે તેમના પતિ આ યુદ્ધમાં શહીદ થયા હતા, અને ત્યાર પછી પણ તેમણે મા ભારતીની સેવા કરવાનો પોતાનો સંકલ્પ પોતાના પતિની યાદમાં આજ સુધી એ સેવાભાવથી કામ કરી રહ્યા છે. અનેક વર્ષો સંસદમાં રહીને તેમણે દેશના અનેક વિષયોમાં માર્ગદર્શન કર્યું છે અને આજે કર્ણાટકની ધરતીથી તેઓ કર્ણાટકના લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. હું સુધાજીને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

સૌપ્રથમ હું બેંગલુરુની અધિષ્ઠાત્રી દેવી અન્નમ્મા તાઇ, અને નાડ-પ્રભુ કેમ્પેગૌડાજીને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. આજનો આ દિવસ, બેંગલુરુની, કર્ણાટકની વિકાસ યાત્રાને એક નવો વેગ આપનાર છે. આજે અહીંથી કનેક્ટિવિટી અને એનર્જી સિક્યોરિટી સાથે જોડાયેલા, 15 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. મેટ્રો અને રેલ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સથી લઈને, એનર્જી સિક્યોરિટીના કામ સુધી પણ, આ તમામ પ્રોજેક્ટ્સ કર્ણાટકના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી તાકાત આપનારા છે.

સાથીઓ,

કોઈપણ દેશની વિકાસ યાત્રામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ મોટી ભૂમિકા હોય છે. સારી કનેક્ટિવિટી પ્રગતિ, રોજગાર અને ઉદ્યોગ સૌની નવી સંભાવનાઓ બનાવે છે. અને જ્યારે વિકાસના આ અવસરો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે છે, ત્યારે ગરીબી સામેની લડાઈ પણ મજબૂત બને છે. આનું જ પરિણામ છે કે વીતેલા વર્ષોમાં દેશના લગભગ 50 કરોડ નાગરિકો ભીષણ ગરીબીમાંથી બહાર આવ્યા છે. આજે શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટ્સ પણ આ વિકાસ યાત્રાને આગળ વધારનારા છે. આ વિકસિત કર્ણાટક અને વિકસિત કર્ણાટકથી વિકસિત ભારતના નિર્માણને નવી ગતિ આપશે. સાથે જ, ટેક સિટીના રૂપમાં બેંગલુરુની ઓળખને વધુ સશક્ત કરશે. હું આ તમામ પ્રોજેક્ટ્સ માટે કર્ણાટકની જનતાને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ,

હમણાં થોડી જ વાર પહેલાં, બેંગલુરુ મેટ્રોની નવી પિંક લાઇનને, બેંગલુરુવાસીઓ માટે અર્પણ કરવામાં આવી છે. આ નવી મેટ્રો લાઇન સાથે, આઈઆઈએમ બેંગલુરુ અને અનેક શિક્ષણ સંસ્થાઓની કનેક્ટિવિટી વધુ બેહતર થઈ જશે. આ ઉપરાંત અનેક એવા વિસ્તારો પણ મેટ્રો સાથે કનેક્ટ થશે, જે બેંગલુરુના મોટા બિઝનેસ, ટેક્નોલોજી અને કોમર્શિયલ સેન્ટરના રૂપમાં ઓળખાય છે. એટલે કે બેંગલુરુના લાખો લોકોને માત્ર આવવા-જવાની સગવડ જ થવાની નથી, પરંતુ તેમના પૈસા અને સમયની પણ બચત થશે.

સાથીઓ,

કાલે જ સ્વર્ગીય અનંત કુમારજીની પુણ્યતિથિ હતી. તેમનો આ ક્ષેત્ર સાથે વિશેષ લગાવ હતો. આજે આ મેટ્રો લાઇન જોઈ તેમની આત્મા પણ પ્રફુલિત થઈ હશે. હું તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

સાથીઓ,

બેંગલુરુ ભારતની સિલિકોન વેલી છે. દેશના આઈટી એક્સપોર્ટ્સમાં તેનો એક-તૃતીયાંશથી વધુ ફાળો છે. આ શહેર, ભારતની ઇનોવેશન અને ઇકોનોમિક ગ્રોથનું એક મોટું એન્જિન છે. એટલા માટે, પૂરા બેંગલુરુ રીજનનો ઝડપી વિકાસ અને આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિસ્તાર કેન્દ્ર સરકારની મોટી પ્રાથમિકતા છે. આ જ વિચાર સાથે કેન્દ્ર સરકાર નમ્મા મેટ્રોના વિસ્તારમાં સહયોગ કરી રહી છે. વર્ષ 2014માં નમ્મા મેટ્રો, માત્ર 17 કિલોમીટરની જ હતી. આજે તેનું કુલ નેટવર્ક, 100 કિલોમીટરથી વધારેનું થઈ ગયું છે. આપણે સતત સેન્ચુરી લગાવી રહ્યા છીએ. શિવકુમારજીને હું કહી રહ્યો હતો. તમે હમણાં થોડા દિવસો પહેલાં સાંભળ્યું હશે, ગ્રાન્ડ માસ્ટર્સ ચેસમાં ભારતે સેન્ચુરી લગાવી છે. ભારતમાં 100 ચેસના ગ્રાન્ડ માસ્ટર થઈ ગયા છે અને આ જ સમયગાળામાં થયા છે.

સાથીઓ,

દિલ્હી-એનસીઆર અને મુંબઈ-મેટ્રોપોલિટન રીજન પછી, બેંગલુરુ, દેશનું ત્રીજું શહેર બન્યું છે, જ્યાં મેટ્રો નેટવર્કની સેન્ચુરી લાગી છે. નમ્મા મેટ્રોની આ સફળતા, માત્ર એક પ્રોજેક્ટ સુધી સીમિત નથી. આ ઈઝ ઓફ લિવિંગને લઈને, ઈઝ ઓફ ટ્રાવેલને લઈને, દેશની નવી વિચારસરણીનું પરિણામ છે. આ મિડલ ક્લાસ પરિવારોના જીવનને સારી બનાવવા માટે, દેશના કમિટમેન્ટનું પરિણામ છે.

સાથીઓ,

આજે ભારતીય રેલ, ગુલામીના સમયની જૂની વિચારસરણીને પાછળ છોડી રહી છે. દેશની રેલ, હવે નવી વિરાસત, નવી લીગેસી બનાવી રહી છે. આપણા રેલવે સ્ટેશન્સ, આપણા રેલ એન્જિન અને પછી રેલ કોચ, દરેક વસ્તુ પર હવે ભારતની પોતાની છાપ, પોતાની ઓળખ છે. વંદે ભારત ટ્રેન કે અમૃત ભારત સ્ટેશન્સ, આ વિકસિત ભારતની રેલ સેવાઓની એક ઝાંખી છે. કર્ણાટકના પણ 60 થી વધુ રેલવે સ્ટેશન્સ ચામરાજનગર, ચિક્કમગલુરુ, સકલેશપુર અને સુબ્રહ્મણ્ય રોડ સ્ટેશન્સ, આ પણ હવે અમૃત ભારત સ્ટેશન્સ થઈ ચૂક્યા છે. આ સ્ટેશન્સમાં સંવેદનશીલતા પણ છે, અને આધુનિકતા પણ છે. વડીલો હોય, દિવ્યાંગ હોય, આવા પ્રત્યેક સાથી માટે વિશેષ સુવિધાઓ છે. જે સુવિધાઓ પહેલાં એરપોર્ટ્સમાં મળતી હતી, હવે એ જ સુવિધાઓ રેલવે સ્ટેશન્સ પર, ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોને આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સાથીઓ,

વીતેલા 10-12 વર્ષોમાં ભારતનું રેલવે બજેટ અનેકગણું વધ્યું છે. આ સમયગાળા દરમિયાન જેવું હમણાં તેજસ્વીજીએ જણાવ્યું, કર્ણાટકના રેલવે બજેટમાં પણ 9 ગણો વધારો થયો છે. આજે પણ, રેલવેના 4 અમૃત સ્ટેશન, ડબલિંગ અને વિદ્યુતીકરણના બે પ્રોજેક્ટ્સ કર્ણાટકને મળ્યા છે. થોડા દિવસો પહેલાં કર્ણાટકને રાજ્યની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન મળી હતી, અને આજે કર્ણાટકને ગોવા સાથે જોડતી વંદે ભારત ટ્રેન મળી છે. આ ટ્રેનથી કર્ણાટક, મંગલુરુ સહિત સમગ્ર કોસ્ટલ રૂટના સાથીઓને, સેમી-હાઇસ્પિડ ટ્રેનનો નવો અનુભવ મળશે.

સાથીઓ,

વિકસિત ભારતના નિર્માણમાં, કનેક્ટિવિટીની સાથે-સાથે એનર્જી સિક્યોરિટીની પણ મોટી ભૂમિકા છે. ઈરાન અને ખાડી દેશોની આસપાસ ચાલી રહેલા યુદ્ધે, આ બતાવ્યું છે કે એનર્જી સિક્યોરિટી કેટલી જરૂરી છે. ભારત માટે પણ આ પડકારજનક સમય રહ્યો છે, પરંતુ વીતેલા દાયકામાં ઊર્જા સુરક્ષાને લઈને લેવાયેલા પગલાંઓએ, આપણને આ સંકટનો મજબૂતીથી સામનો કરવામાં મદદ કરી છે. આપણે પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ઉત્પાદનની ક્ષમતા વધારી, કાચા તેલના સંગ્રહની વ્યવસ્થા વિકસિત કરી, સોલાર, હાઇડ્રો અને વિન્ડ એનર્જીનો વિસ્તાર કર્યો, રેલવેનું લગભગ 100 ટકા વિદ્યુતીકરણ કર્યું, અને મેટ્રો જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટને મજબૂત બનાવ્યું. આજે કર્ણાટકમાં પણ જે ત્રણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થયું છે, તે પણ ભારતની એનર્જી સિક્યોરિટીને નવી તાકાત આપશે. મંગલુરુનો એલપીજી પ્રોજેક્ટ, દેશમાં 80 હજાર મેટ્રિક ટન એલપીજી સંગ્રહની ક્ષમતા વધારશે. દેવનગોંડી માર્કેટિંગ ટર્મિનલ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલના પુરવઠાને વધુ વ્યવસ્થિત અને ભરોસાપાત્ર બનાવશે. જ્યારે, બેંગલુરુનો સીબીજી પ્લાન્ટ, દરરોજ લગભગ 13 ટન બાયોગેસ તૈયાર કરશે. આનાથી વેસ્ટ મેનેજમેન્ટ સારું થશે, નેચરલ ગેસની આયાત પર ખર્ચ થતા પૈસા પણ બચશે.

સાથીઓ,

એનર્જી સિક્યોરિટીનું એક મહત્વપૂર્ણ પાસું ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન છે. આજે ભારત ચિપથી લઈને શિપ સુધી, એઆઈ, ડેટા સેન્ટર્સથી લઈને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી, નવી ટેક્નોલોજીમાં નેતૃત્વનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યું છે. આના માટે દેશમાં પૂરતી વીજળી રહે, આ દિશામાં પણ સતત કામ થઈ રહ્યું છે. આજે ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 300 ગીગાવૉટથી વધુ થઈ ચૂકી છે. ક્લીન એનર્જી મેળવવા માટે ભારત પોતાના ન્યુક્લિયર પ્લાન્ટ્સની સંખ્યા પણ વધારી રહ્યું છે.

સાથીઓ,

કેન્દ્ર સરકારની યોજનાઓની લીધે, આજે ભારતના નાગરિકો, વીજળીના કન્ઝ્યુમર હોવાની સાથે જ વીજળીના પ્રોડ્યુસર પણ બની રહ્યા છે. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત, દેશના 60 લાખથી વધુ પરિવારોએ છતો પર સોલાર પ્લાન્ટ લગાવ્યા છે. આમાં કર્ણાટકના પણ 40 હજારથી વધારે પરિવાર સામેલ છે. દરેક પરિવારને કેન્દ્ર સરકાર તરફથી લગભગ 80 હજાર રૂપિયાની મદદ આપવામાં આવી છે. પ્રત્યેક પરિવારને. આ જ રીતે, પીએમ કુસુમ યોજના અંતર્ગત, કર્ણાટકમાં ખેડૂતોને 8 લાખથી વધુ સોલાર પંપ દ્વારા સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલે કે કર્ણાટકના અન્નદાતા પણ હવે ઊર્જાદાતા બની રહ્યા છે. આ યોજનાઓથી વીજળીનો ખર્ચ ઘટી રહ્યો છે, સાથે જ કમાણી અને રોજગારના નવા અવસરો પણ બની રહ્યા છે.

સાથીઓ,

જ્યારે દેશ એક મિશન સાથે આગળ વધે છે, જ્યારે પ્રત્યેક દેશવાસી વિકાસ સાથે જોડાય છે, જ્યારે ટેક્સપેયર પાસેથી મળેલી મૂડી યોગ્ય રીતે વિકાસમાં લાગે છે, ત્યારે તેના પરિણામો પણ સુખદ અને સાર્થક હોય છે. 2014માં આપણે સબકા સાથ-સબકા વિકાસને પોતાનો સંકલ્પ બનાવીને કામ શરૂ કર્યું હતું. આજે આ જ પ્રયાસોથી દેશમાં, મિડલ ક્લાસનો વિસ્તાર થઈ રહ્યો છે, દેશમાં એક નવો એસ્પિરેશનલ ક્લાસ તૈયાર થઈ રહ્યો છે, આ એવો વર્ગ છે, જેની આકાંક્ષાઓ વધી રહી છે, તે પોતાના ઘરમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન ઈચ્છે છે, તે પોતાના પરિવાર માટે સ્કૂટર-બાઈક ઈચ્છે છે, બાળકોને બેહતર શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવા ઈચ્છે છે. તે ટૂરિઝમ પર ખર્ચ કરવા ઈચ્છે છે, નવા અનુભવો લેવા ઈચ્છે છે. આ જ વધતી એસ્પિરેશન્સ દેશમાં નવી માંગ પેદા કરી રહી છે. ઓટોમોબાઈલથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી, ટૂરિઝમથી લઈને સર્વિસ સેક્ટર સુધી, નવા ઉદ્યોગો, ફેક્ટરીઓ અને રોજગારના અવસરો પેદા થઈ રહ્યા છે. એટલે કે, આ નિયો મિડલ ક્લાસ ભારતની અર્થવ્યવસ્થાના ગ્રોથનું મોટું એન્જિન બની રહ્યો છે. કર્ણાટકમાં, બેંગલુરુમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ નિયો મિડલ ક્લાસનું હિત કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે.

સાથીઓ,

કેન્દ્ર સરકાર મિડલ ક્લાસની બચત વધારવા અને તેના હાથમાં વધારે પૈસા આપવા માટે સતત કામ કરી રહી છે. આપણે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ઇન્કમ ટેક્સથી મુક્ત કરી દીધી છે. ટીડીએસના નિયમોમાં ફેરફાર કરીને સિનિયર સિટીઝન્સ અને રેન્ટલ ઇન્કમવાળાઓને રાહત આપી. નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ દ્વારા રોજબરોજના સામાનને સસ્તો કર્યો. પર્સનલ હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ પર જીએસટી ખતમ કરીને ઇન્શ્યોરન્સને વધુ અફોર્ડેબલ બનાવ્યો.

સાથીઓ,

આપણો પ્રયાસ છે કે મિડલ ક્લાસની સેવિંગ્સ વધે, તેની ખરીદ શક્તિ મજબૂત થાય અને તે પોતાના પરિવારના સપનાં પૂરા કરવાની સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ ભાગીદાર બને. આજે કર્ણાટકમાં યોજવામાં આવેલુ આ આયોજન પણ આ વિકાસ યાત્રાને નવી ગતિ આપનાર છે. આપ સૌને નવા પ્રોજેક્ટ્સની ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!

SM/BS/JD